Sunday, June 28, 2026

વાદ્યવિશેષની એક નવી પહેલ

"તમે ગીત સાંભળો ત્યારે એમાં શું સાંભળો?"

"અરે! આ તે કંઈ સવાલ છે? ગીત સાંભળીએ ત્યારે ગીત જ સાંભળવાનું હોય ને!"
"એમ નહીં! તમને શું વધારે ગમે? એના શબ્દો? ધૂન? ગાયકનો અવાજ? સંગીત? ફિલ્માંકન? કોની પર..."
"બસ, બસ, બસ! આવું બધું અમે નથી વિચારતા. બસ, ગીત ગમ્યું એટલે ગમ્યું. સાંભળવાનું ને મજા લેવાની."
આ સંવાદ કાલ્પનિક છે, પણ સાવ કાલ્પનિક નહીં. ઘણા બધા સાથે એ થાય છે, અને એના જવાબ જુદા જુદા મળે છે. ઘણા બહુ સ્પેસિફિક જણાવે, જેમ કે, રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા)ને ગીતના શબ્દો અને ગાયકની ગાયકી બરાબર યાદ રહી જતી. અમારા એક મિત્ર પ્રભાકર વ્યાસ 'તાલીબાન' અમુક ગીતો સાંભળે તો પોતાનો હાથ અમને દેખાડીને કહેતા, 'જુઓ, લતાનો અવાજ સાંભળીને મારાં રુંવાડાં ખડા થઈ ગયા છે." પદ્મનાભ જોશીને ગીતની પૂર્વ- ઉત્તર કથામાં બહુ રસ પડતો. એમાંય શંકર- જયકિશનનું સંગીતબદ્ધ કરેલું ગીત હોય તો પૂછવું જ શું! મિત્ર ચંદ્રશેખર વૈદ્ય ગીત સાથે સંકળાયેલી ઝીણી ઝીણી વિગતો પીરસે છે. મુદ્દો એટલો કે ગીત એક જ હોય, પણ સૌની માણવાની રીત જુદી જુદી હોય.
આવી બધી સમજણ મને ખાસ નહોતી પડતી, પણ આગળ વધતા ગયા એમ સમજાયું કે મને કોઈ ગીતમાં વાગતાં વિવિધ વાદ્યોમાં વધુ રસ પડે છે. વાદ્યો વિશેની મારી જાણકારી જરાય નહીં, પણ સાંભળતાં સાંભળતાં એ કેળવાતી ગઈ. એના વિશે ઘણા પાસે જિજ્ઞાસા વ્યક્ત થતી, પણ મોટે ભાગે એનો સંતોષકારક જવાબ ન મળતો. ત્યારે મને થયું કે ગીતના એ ભાગમાં લોકોને કદાચ બહુ રસ ન પડતો હોય એમ બની શકે. પણ એ માટેનું પૂછવા ઠેકાણું મળ્યું અને એવું મજબૂત મળ્યું કે બસ! એ ઠેકાણું એટલે મિત્ર પિયૂષભાઈ પંડ્યા. પોતે હાર્મોનિકાના અચ્છા વાદક અને અનેક કાર્યક્રમો સહયોગમાં કરી ચૂકેલા. આથી અવારનવાર એમની સાથે આ બાબતે વાત થતી રહેતી. એમાંય ફેસબુક પર લખાયેલી ટાઈટલ મ્યુઝિકની શ્રેણી દરમિયાન ઘણાં વાદ્યો ન ઓળખાય, કે ઓળખવામાં ગૂંચવાડો થાય કે તરત પિયૂષભાઈ સાથે વાત કરતો. એવુંય બનતું કે ઘણા વાદ્યોમાં એમને પણ ન ખ્યાલ આવે. એ વખતે તેઓ મથામણ કરતા, અને એના નિષ્ણાતો પાસેથી એ મેળવતા. ફિલ્મસર્જક અને સંગીતકાર મિત્ર ગિરીશ મકવાણા પણ આમાં ઘણા મદદરૂપ બની રહેલા.
પિયૂષભાઈ સાથેના આ સત્સંગને પરિણામે અમુક કામ બહુ ઉત્તમ થઈ શક્યાં. એક તો એમણે 'વેબગુર્જરી' પર વિવિધ વાદકોનો પરિચય આપતી શ્રેણી શરૂ કરી. એમાં મિલન ગુપ્તા, એસ. હજારા સિંહ, મનોહરી સિંહ, ઈનોક ડેનિયલ્સ, કેરસી લોર્ડ સહિત બીજા અનેક અદ્ભુત વાદકો/અરેન્જરોનો તેમણે પરિચય કરાવ્યો. પણ હજી એટલાથી અમારી ભૂખ શમી નહોતી, બલ્કે વધુ પ્રદીપ્ત થઈ હતી. આથી એ શ્રેણીનું અનુસંધાન પણ 'વેબગુર્જરી' પર આરંભાયું, જેનું નામ 'વાદ્યવિશેષ'.
આ શ્રેણી બહુ વિશિષ્ટ બની રહી છે. બે દિવસ અગાઉ તેનો 43મો હપ્તો મૂકાયો. એટલે કે સાડા ત્રણ વર્ષથી એ ચાલી રહી છે. તેમાં જે તે વિશેષ વાદ્યનો ઊપયોગ થયો હોય એવાં ગીતો અમે મૂકી રહ્યાં છે. આમાં વાદ્યોના પ્રકાર અનુસાર વિભાગ અને પેટાવિભાગ પાડેલા છે. જેમ કે, કળવાદ્યોના (કી બોર્ડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ) વિભાગમાં એકોર્ડિયન, પિયાનો, હાર્મોનિયમ વગેરે આવે. એ જ રીતે ફૂંકવાદ્યો (વીન્ડ ઈન્સ્ટ્રુમેન્‍ટ્સ) , બ્રાસવાદ્યો, તંતુવાદ્યો વગેરે મુખ્ય વિભાગ. અને એ દરેક વિભાગમાં એક એક વાદ્ય લઈને એનો જેમાં વધુ ઉપયોગ કરાયો હોય એવાં ગીતોની લીન્ક આપવાની. સાથોસાથ એ વાદ્યની રચનાનો મૂળભૂત પરિચય. આના અન્ય વિભાગો બરાબર ચાલ્યા, પણ અમને ખરેખરી મઝા આવી તાલવાદ્યો એટલે કે રીધમ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં. એમાં અમે શક્ય એટલા વાદ્યોને અલગ કર્યાં. જેમ કે, ઢોલક, ઢોલકી, મૃદંગ, તબલાં, ઢોલ, પખાવજ, ડફ, નાળ, માદલ વગેરે. હજી બીજાં અનેક છે, જેના વિશે લખાશે, જેમ કે, મટકા, ઘટમ, નગારું કે નોબત, ખોલ, બોંગો, કોંગો, ડ્રમસેટ વગેરે વગેરે.
હજી ઉપતાલવાદ્યોનો આખો વિભાગ બાકી છે.
અઠવાડિયા પહેલાં વધુ એક વિચાર આવ્યો. આમ તો આ શ્રેણીના મોટા ભાગના હપતા 'વેબગુર્જરી' પર ઉપલબ્ધ છે, પણ અગાઉની શ્રેણી નથી, કેમ કે, એના હેકિંગનો પ્રશ્ન હતો. આથી અમે નક્કી કર્યું કે આ ગીતોનું આપણે વાદ્ય અનુસાર યુ ટ્યૂબ પર પ્લેલીસ્ટ બનાવીએ. શૈલી આવી જ, એટલે કે કળવાદ્યો હોય તો એમાં પિયાનો, એકોર્ડિયન, હાર્મોનિયમનાં ગીતોની અલગ અલગ યાદી. પ્લેલીસ્ટ બનાવવાનું કામ કદી કર્યું નહોતું, પણ કરતાં સમજાયું કે એ બહુ જ સરળ છે. આ કામ હજી ચાલુ છે, પણ અત્યારે પિયૂષભાઈએ અને મેં મળીને પંદરેક વાદ્યોનું પ્લેલીસ્ટ તૈયાર કરીને મૂકી દીધું છે.
પિયૂષભાઈએ બનાવેલા પ્લેલીસ્ટમાં કીબોર્ડ વાદ્યોમાં પિયાનો, એકોર્ડિયન, હાર્મોનિયમ અને તંતુવાદ્યોમાં વાયોલિન, ગિટાર, હવાઈયન ગિટાર તેમજ મેન્ડોલીનનો સમાવેશ થાય છે.
મેં કરેલા પ્લેલીસ્ટમાં ફૂંકવાદ્યો (વીન્ડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ) છે, જેમાં વુડવીન્ડ અને બ્રાસ એવા બે પેટા પ્રકારો છે. તેમાં ફ્લુટ, બેગપાઈપ, ટ્રમ્પેટ, સેક્સોફોન, શરણાઈ, પુંગી, ક્લેરિનેટ અને હાર્મોનિકાનો સમાવેશ થાય છે. પહેલાં દરેક વાદ્યનો અવાજ (સૂર) કેવો હોય એનો નમૂનો છે, જેથી ગીતમાં એ વાગે તો તરત ઓળખી શકાય.
બન્નેનું કામ હજી ચાલુ છે, પણ અત્યારે આ વાદ્યોનો વિશેષ ઉપયોગ થયો હોય એવાં સરેરાશ વીસેક ગીતો મૂકાયેલાં છે.
આખી વાતનો સાર એટલો કે તમારે કોઈ ચોક્કસ વાદ્યના ઉપયોગવાળાં ગીતો સાંભળવાં હોય તો એ અહીં સાંભળી શકાશે. ખાસ યાદ રાખવું કે આ ગીતો એક બેઠકે સાંભળવાની મજા નહીં આવે, પણ કોઈ કામ કરતાં કરતાં સાંભળી શકાશે, અને એમાં રહેલા વાદ્યનું વાદન માણી શકાશે. અને હજી એમાં નવી શ્રેણીઓ, તેમજ એની એ જ શ્રેણીમાં નવાં ગીતો ઉમેરાતાં જશે.
આ લીન્ક પર પિયૂષભાઈએ બનાવેલી યાદી:

અને આ લીન્ક પર મેં બનાવેલી યાદી:

No comments:

Post a Comment