સાઠના દાયકામાં જન્મેલી એવી કઈ વ્યક્તિ હશે કે જે 'જુલી' (1975) ના અંગ્રેજી ગીત 'માય હાર્ટ ઈઝ બિટીંગ'ના જાદુથી મોહિત નહીં થઈ હોય? એ ખરું કે એ આખેઆખા અંગ્રેજી ગીતના શબ્દો સમજાતા નહોતા, પણ મુખડું 'My heart is beating, keeps on repeating, I am waiting for you' લગભગ મોઢે થઈ ગયેલું. એની ધૂન કે સંગીત સારાં હતાં, પણ અસાધારણ નહીં. એનો ખરો જાદુ હતો ગાયિકા પ્રીતિ સાગરના અવાજનો.
લગભગ એ જ અરસામાં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મોમાંથી એકે થિયેટરમાં જોવાનો મેળ પડ્યો નહોતો, કે નહોતાં એ ફિલ્મનાં ખાસ ગીતો રેડિયો પર સંભળાતાં. એવામાં પ્રીતિ સાગરનું વધુ એક ગીત રેડિયો પર સંભળાતું થયું, જે એના વિશિષ્ટ સંગીતને લઈને બહુ જ ગમવા લાગ્યું. એના સંગીતકાર હતા વનરાજ ભાટિયા, અને ગીત હતું 'તુમ્હારે બિન જી ના લગે ઘર મેં', ફિલ્મ 'ભૂમિકા' (1977). સમય વીતતો ગયો અને ધીમે ધીમે ફિલ્મસંગીત સાંભળવામાં રુચિ વધતી ચાલી, પણ અમારો (હું અને મારો નાનો ભાઈ ઉર્વીશ) મુખ્ય ઝોક જૂના ફિલ્મસંગીત તરફ હતો, જેમાં પહેલાં રજનીકુમાર પંડ્યા અને પછી મળેલા નલિન શાહ જેવા ગુરુઓના સંગે એને બરાબર માંજો ચડ્યો. 1989-90ના અરસામાં અમે જૂના ફિલ્મસંગીત/ફિલ્મ સાથે સંકળાયેલા વિવિધ કલાકારોને મળવા માટે મુંબઈ જવાનું શરૂ કર્યું, અને પહેલી જ વારમાં આશા ભોંસલે સાથે મુલાકાત થઈ, જેનાથી અમારી હિંમતમાં વધારો થઈ ગયો.
શૈલેષકાકાએ ભેટ આપેલો 'યાદોં કી મંઝીલ'નો સેટ |
કાકાએ આમ તો પોતાના માટે એ સેટ ખરીદેલો, પણ અમારો લગાવ જોઈને તેમણે એ અમને આપવાનું નક્કી કર્યું, અને એમની દીકરી પૌલાએ અમારા કહેવાથી એના બૉક્સ પર લખાણ પણ લખી આપ્યું.
કેસેટમાં બૉક્સ પૌલાએ લખેલું લખાણ |
એ કેસેટમાં અમને એક ગીત હાથ લાગ્યું, અને એ સાંભળતાંવેંત અમે એના પ્રેમમાં પડી ગયા. એ ગીત અમે રિવાઈન્ડ કરી કરીને વારંવાર સાંભળવા લાગ્યા. ગીત હતું શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ 'મંથન' (1976)નું. વનરાજ ભાટિયાએ સંગીતબદ્ધ કરેલું એ ગીત ગાયું હતું પ્રીતિ સાગરે અને લખ્યું હતું નીતિ સાગરે. શબ્દો હતા 'મેરો ગામ કાંઠા પારે...' ગીતનું ખરું આકર્ષણ એની ધૂન અને સંગીતમાં હતું, જે આજે પણ ઓસર્યું નથી. એમાં હાડોહાડ ગુજરાતીપણું હતું, છતાં ગરબાનો ઠેકો નહોતો. એમ લાગતું હતું કે વનરાજ ભાટિયાએ આ ગીત બનાવીને અને પ્રીતિ સાગરે એ ગાઈને કમાલ કરી દીધી છે.
એ જ અરસામાં દૂરદર્શન પરથી પ્રસારિત 'ભારત એક ખોજ' ધારાવાહિકના અમે આકંઠ પ્રેમમાં હતા. એને લઈને જ અમે એક મુંબઈ મુલાકાત દરમિયાન શ્યામ બેનેગલને મળ્યા હતા. વનરાજ ભાટિયાનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સફળતા મળી નહોતી. (એ પછીના વીસેક વરસે એનો મેળ પડ્યો)
1991માં હરમંદીરસિંઘ 'હમરાઝ' સંપાદિત 'હિન્દી ફિલ્મગીતકોશ'ના ખંડ 1 નું વિમોચન ચર્ની રોડ સ્ટેશનની સામે આવેલા 'બીરલા ક્રીડા કેન્દ્ર'માં યોજાયેલું, જેમાં પણ અમે ઉત્સાહભેર પહોંચી ગયેલા. એ જ કાર્યક્રમમાં 'હમરાઝ' ઊપરાંત નલિન શાહ, હરીશ રઘુવંશી સાથે પહેલવહેલી વાર મુલાકાત થયેલી. આ કાર્યક્રમમાં વીતેલા જમાનાના અભિનેતા-ગાયક મોતી સાગર પણ ઉપસ્થિત રહેલા, જે ગાયક મુકેશના પિતરાઈ થતા હતા. વયસ્ક મોતી સાગર પોતાની દીકરી સાથે આવેલા, અને એ દીકરીનું નામ હતું પ્રીતિ સાગર. આ કાર્યક્રમ એટલો આત્મીય અને અનૌપચારિક હતો કે તેણે અમારા હૃદય પર ઊપસાવેલી છાપ હજી એટલી જ તાજી છે. એક સમયના ધુરંધરો આપણી સાવ સામે હતા, અને તેમને કશા સંકોચ વિના મળી શકાતું હતું. મોતી સાગર અને પ્રીતિ સાગર પહેલાં ખુરશી પર ગોઠવાયાં એટલે ઉર્વીશ સીધો ઓટોગ્રાફ બુક લઈને એમની પાસે પહોંચી ગયો. મોતી સાગરની સાથોસાથ તેણે પ્રીતિ સાગરના હસ્તાક્ષર પણ લીધા, અને કહ્યું, 'આપકા 'મેરો ગામ કાંઠા પારે..' ગાના હમકો બહોત પસંદ હૈ.' એ વખતે જૂના ફિલ્મસંગીત વિશેનું અમારું ઝનૂન એવું હતું કે નવા ગાયક-ગાયિકાઓને અમે ગાયક ગણવા તૈયાર જ નહોતા. અલબત્ત, પ્રીતિ સાગર એમાં અપવાદ હતાં. એ કાર્યક્રમમાં પિતાપુત્રી બન્ને કલાકારોના હસ્તાક્ષર એક જ પાન પર લીધા. કાર્યક્રમમાં તેમણે એ ગીતનું મુખડું લલકારેલું.
મુંબઈના કાર્યક્રમમાં મોતી સાગર (ડાબે) સાથે પ્રીતિ સાગર અને સી.અર્જુન |
શૈલેષકાકાને ઘેર આવીને અમે પૌલાને કહ્યું કે કાર્યક્રમમાં પ્રીતિ સાગર પણ આવેલાં. (બીજા કલાકારોને તે ખાસ ન ઓળખે એટલે) આથી તે બહુ રાજી થઈ અને 'મેરો ગામ કાંઠા પારે...' ગણગણતી કહે, 'એમનું આ ગીત સુપર્બ છે.' એની પણ પ્રીતિ સાગર અતિ પ્રિય ગાયિકા. હજી હમણાં જ, ત્રણેક મહિના પહેલાં એ કોઈ રેસ્તોરાંમાં ગઈ હતી અને ત્યાં પ્રીતિ સાગર પણ આવ્યાં હતાં. તો પૌલાએ એમની સાથે ફોટો લઈને અમને મોકલાવેલો.
દીકરી શચિનો જન્મ થયો એ પછીના અરસામાં પ્રીતિ સાગરે ગાયેલી 'નર્સરી ર્હાઈમ્સ'ની કેસેટ બહાર પડેલી. શચિ તો સાંભળતી, પણ પ્રીતિ સાગરના અવાજને કારણે અમે પણ એ નિયમીત સાંભળતાં.
પ્રીતિ સાગરની 'નર્સરી ર્હાઈમ્સ'ની કેસેટ |
એ પછી છેક 17 વરસે, જૂન 2008માં વનરાજ ભાટિયાને તેમના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે એ દીર્ઘ મુલાકાતમાં અનેક વાતો થઈ. અમારા પ્રિય ગીત 'મેરો ગામ કાંઠા પારે..' વિશે વાત ન થાય એ કેમ બને? વનરાજ ભાટિયાએ જણાવ્યું કે એ ગીત નીતિ સાગરે લખેલું, અને એ 'સ્ટુડિયો લેન્ગ્વેજ' હતી, એટલે કે સ્ટુડિયોમાં જ તૈયાર કરાયેલી. એની પર કંઈ લાંબુંપહોળું સંશોધન નહોતું થયું. નીતિ સાગરનાં માતા ગુજરાતી હોવાથી સાગર બહેનોને ગુજરાતી આવડતું હતું. ગીતમાં એક લીટી એવી છે: 'મારે ગામડે લીલાલ્હેર, જહાં નાચે મોર ને ઢેલ'. આ લીટીમાં 'મોરની' શબ્દ હતો, પણ વનરાજ ભાટિયાએ આગ્રહ રાખ્યો કે 'મોરની'ને બદલે 'ઢેલ' શબ્દ રાખવો, કેમ કે, ગુજરાતમાં એ આ નામે જ ઓળખાય છે.
વનરાજ ભાટિયાની આ મુલાકાત પછી ઉર્વીશે તેની પર આધારિત લેખ 'ગુજરાત સમાચાર'માં લખ્યો, અને મેં 'અહા!જિંદગી'માં ચાલતી મારી કોલમ 'ગુર્જરરત્ન'માં. લેખ માટે સુરતના હરીશ રઘુવંશીનો મશવરો લેવો જ પડે. હરીશભાઈએ કહ્યું, 'તમે બને તો લેખ એકાદ દિવસ મોડો મોકલો. હું તમને એક સી.ડી.મોકલી આપું.' મેં સંપાદક દીપક સોલિયા પાસેથી એક દિવસની મુદત માગી. એ વખતે લેખ કુરિયર દ્વારા મુંબઈ મોકલવાનો રહેતો. હરીશભાઈએ મને એક સી.ડી. મોકલી આપી, જે તેમણે એક રેકોર્ડિંગ સેન્ટરમાં તૈયાર કરાવી હતી અને એમાં વનરાજ ભાટિયાનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો હતાં. હરીશભાઈએ જણાવ્યું, 'લેખ લખતાં પહેલાં તમે આ ગીતો સાંભળો તો સારું. ફેર પડશે.' એ સી.ડી.દ્વારા પ્રીતિ સાગરના અવાજનું નવેસરથી ઘેલું લાગ્યું. 'પિયા બાજ પ્યાલા પીયા જાયે ના' (નિશાંત), 'શમશીર બરહના માંગ ગઝબ' (મંડી), 'વૉટ્સ યોર પ્રોબ્લેમ' (કલયુગ), 'સાવન કે દિન આયે' (ભૂમિકા, ચંદ્રુ આત્મા સાથે) જેવાં ગીતો વારંવાર વાગતાં રહેતાં. અંગ્રેજી ગીત હોય, ગઝલ હોય કે લોકગીતના ગાયકની હલક ધરાવતું 'લોકગીત' પ્રકારનું ગીત હોય, કે અન્ય કોઈ પણ પ્રકારનું ગીત હોય પ્રીતિ સાગરનો સ્વર ગીતના સંયોજન મુજબ એમાં ઢળી જતો.
આ સી.ડી.ની વધુ એક નકલ કરીને લેખની સાથે દીપક સોલિયાને પણ મોકલી આપી. એ મળતાં જ દીપકનો ફોન આવ્યો. કહે, 'લેખ તો પછી વાંચું છું, પણ સી.ડી.જોઈને મજા પડી ગઈ.'
પ્રીતિ સાગર અને વનરાજ ભાટિયાનાં નામ મનમાં એવાં એકરૂપ થઈ ગયાં છે કે એકની સાથે અનાયાસ બીજું યાદ આવી જાય.
પણ આ જોડાણનું લાંબું પુરાણ અત્યારે આલેખવાની શી જરૂર પડી? શું થાય? સંજોગો જ એવા ઊભા થયા.
****
19 સપ્ટેમ્બર, 2024ના બપોરે એક વાગ્યે ઉર્વીશનો ફોન આવ્યો. વાતચીત કંઈક આવી થઈ. તેણે પૂછ્યું: "નડિયાદ આવી ગયો છું?"
"હા."
"તને લેવા આવીએ છીએ."
"ક્યાં જવાનું છે?"
"પ્રીતિ સાગરને મળવા."
"હેં???"
"વિગત જણાવું છું હમણાં, પણ તું તૈયાર રહે. અમે (ઉર્વીશ અને હસિત મહેતા) દસેક મિનીટમાં જ નીકળીએ છીએ."
આટલા ઓછા સમયમાં પણ ઊપર લખી એ તમામ સ્મૃતિઓની પટ્ટી મનમાં ફરવાની શરૂ થઈ ગઈ.
(ક્રમશ:)
(બીજી કડી અહીં વાંચી શકાશે.)
Too good
ReplyDeleteQwality Voice, Prity Sagar 🌹
ReplyDelete