કોઈ પણ નવિન ચીજની પ્રસ્તુતિનો કાર્યક્રમ હોય અને પેટમાં પતંગિયાં ઊડે એવું જ મને છેલ્લા બે એક સપ્તાહથી થતું હતું. એમાં રોમાંચ ઉપરાંત અનિશ્ચિતતા અને તેને લઈને સહેજ અજંપાનો પણ ભાવ હોય. હિન્દી ફિલ્મોની ટાઈટલ ટ્રેક ધ્યાનપૂર્વક સાંભળવાનું અને એના વિશે ફેસબુક પર લખવાનું શરૂ કર્યા પછી ખ્યાલ આવ્યો કે હિન્દી સિનેમાનું આ ક્ષેત્ર લગભગ વણખેડાયેલું જ રહ્યું છે. ફેસબુક પર એકસો પચાસ ફિલ્મનાં ટાઈટલ મ્યુઝિક વિશે લખવા દરમિયાન એનાથી ત્રણ-ચાર ગણી ટાઈટલ ટ્રેક સાંભળવામાં આવી હશે. આમ છતાં, એની રજૂઆત કાર્યક્રમ દ્વારા થઈ શકે એવો વિચાર આવ્યો નહોતો, કેમ કે, એવો કાર્યક્રમ રાખે કોણ? અને કોઈ રાખે તો એમાં આવે કોણ?
આ બન્ને સવાલના જવાબ ગઈ કાલ, 14મી માર્ચે મળી ગયા. અમદાવાદના સાંસ્કૃતિક ધામ 'સ્ક્રેપયાર્ડ' સાથે મારો નાતો છેલ્લા છએક મહિનાથી બંધાયો છે, જેમાં દર મહિનાના ચોથા શુક્રવારે કાર્ટૂનકળાનાં વિવિધ આયામ વિશેનો કાર્યક્રમ રજૂ થાય છે. અહીંના કેળવાયેલા શ્રોતાગણ સમક્ષ આ કાર્યક્રમ ચોક્કસ થઈ શકે એમ મને લાગ્યું. પહેલાં મેં ઉર્વીશ સાથે કાર્યક્રમની રૂપરેખાની ચર્ચા કરી. એ પણ અઘરી કવાયત હતી, કેમ કે, હું નિજાનંદ માટે ટાઈટલ મ્યુઝિક સાંભળું એ અલગ વાત થઈ, અને એની રસપ્રદ રજૂઆત કરવી એ સાવ જુદું. બીજું, આ વિષય એવો છે કે એની સાથે ખાસ કથાઓ જોડાયેલી નથી. ઘણી મગજમારી પછી આખરે અમે અમુક સ્વરૂપ ઘડ્યું અને એ પછી 'સ્ક્રેપયાર્ડ'ના કબીરભાઈને એના વિશે વાત કરી. આ અનોખા કાર્યક્રમ માટે સકારણ અમે 14 માર્ચનો દિવસ નક્કી કર્યો. કેમ કે, 92 વર્ષ પહેલાં, 1931માં બરાબર આ જ દિવસે પ્રથમ ભારતીય બોલપટ 'આલમઆરા' રજૂઆત પામ્યું હતું.
કબીરભાઈ અને સાવને આ ઘટનાને સાંકળતું મસ્ત પોસ્ટર તૈયાર કર્યું. કાર્યક્રમનું શિર્ષક તેના વિષયને અનુરૂપ જ 'નમ્બરીયા' રખાયું. ધાર્યા મુજબ, આખેઆખી બે-ત્રણ પેઢીનું એની સાથે- આ શબ્દ સાથે અનુસંધાન નીકળ્યું. અનેક લોકો આ શિર્ષકથી આકર્ષાઈને આવ્યા.
મને સહેજ ફિકર એ હતી કે આટલા બધા લોકો મોટી અપેક્ષા સાથે આવ્યા હોય ત્યારે તેમનો રસ કાર્યક્રમમાં છેક સુધી જળવાઈ રહેશે ખરો? ખરેખર તો આ અજંપાએ જ કાર્યક્રમમાં શક્ય એટલું વૈવિધ્ય ઉમેરવાનો વિચાર આવતો ગયેલો.
પોસ્ટર જોઈને ઘણાને એવી પણ ગેરસમજ થયેલી કે આ 'આલમઆરા'નો શો છે, પણ એ તો આવતાં પહેલાં.
'નમ્બરીયા'નો કાર્યક્રમ હોય અને એની પહેલાં એની પૂર્વભૂમિકા બંધાતી હશે? આથી સીધા 'નમ્બરીયા' જ શરૂ થયા. 'જહોની મેરા નામ'ની કલ્યાણજી-આણંદજીએ તૈયાર કરેલી ટાઈટલ ટ્રેક શરૂ થતાં જ અંધારામાં પણ મને જણાયું કે એક હળવો રોમાંચ ફરી વળ્યો છે. થિયેટરમાં વાગતી એ જ રીતે સિસોટી પણ સંભળાઈ અને આખો માહોલ બની ગયો.
આજની રજૂઆત 'નમ્બરીયા' |
કાર્યક્રમના આરંભ પહેલાં કબીરભાઈ દ્વારા સ્ક્રેપયાર્ડની પ્રવૃત્તિ વિશે ટૂંકમાં પરિચય |
ટાઈટલ ટ્રેક માણવામાં મગ્ન શ્રોતાગણ
બસ, એ પછીનો દોઢેક કલાક અવનવાં આશ્ચર્યોથી ભરેલો હતો. હિન્દી ફિલ્મોનાં ટાઈટલ મ્યુઝિકમાં કેવી કેવી શૈલીઓ પ્રયોજાતી આવી છે, એમાં કેવું કેવું વૈવિધ્ય જોવા મળે છે એ ઉદાહરણ સાથે રજૂ થતું ગયું, જે ખરા અર્થમાં 'સરપ્રાઈઝ પેકેજ' બની રહ્યું. વચ્ચે વચ્ચે રજૂ થતી બારીકીઓ પ્રેક્ષકો સુધી પહોંચે અને એનો તત્ક્ષણ પ્રતિભાવ મળે એ જોઈને મજા આવે.
ફિલ્મસંગીતના ધુરંધર કહી શકાય એવા અનેક વડીલો-મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા, એમ હું જેમને જરાય જાણતો નહોતો એવા સંગીતપ્રેમીઓ પણ માત્ર ને માત્ર આ વિષયના કારણે હાજર રહ્યા. એ આ વિષયનો પ્રતાપ.
અત્યાર સુધી મારી જાણમાં સંગીતના વિવિધ સ્ટેજ કાર્યક્રમોમાં ટાઈટલ મ્યુઝીકની અમુક ટ્રેક વગાડાતી સાંભળી છે, પણ આખેઆખા ટાઈટલ મ્યુઝીક પર કોઈ કાર્યક્રમ થયો હોય એવું કમ સે કમ મારી જાણમાં નથી. એ રીતે પણ આ કાર્યક્રમ વિશિષ્ટ બની રહ્યો.
હિન્દી ફિલ્મસંગીતના આવડા મોટા મહાસાગરમાંથી આ તો એક વાટકી જેટલું જ આચમન હતું. આ શ્રેણીમાં બીજો કાર્યક્રમ કરવાનું અત્યારે તો મનથી નક્કી છે.
(તસવીરો: ઈશાન કોઠારી અને બિનીત મોદી)
મારા અંગત સંજોગોને કારણે છેલ્લાં ત્રણેક વર્ષથી હું ઘણા બધા કાર્યક્રમો કે જૂના મિત્રોને મળવાના મોકા ચુકતો રહ્યો છું.
ReplyDeleteપણ આ કાર્યક્રમમાં હાજરી ન આપી શકવાની મજબુરીનો વસવસો પહેલી વાર થયો.