(પ્રથમ કડી અહીં વાંચી શકાશે.)
ઊર્વીશનો ફોન આવ્યાની દસ મિનીટમાં જ અમે નેશનલ હાઈવે પર હતા. હસિતભાઈની કારમાં ડૉ. પારૂલબહેન પટેલ, ઉર્વીશ અને હું- એમ કુલ ચાર જણા નડિયાદથી વિદ્યાનગરને રસ્તે નીકળ્યા. ઉર્વીશે જણાવ્યું કે પ્રીતિ સાગર હસિતભાઈના એક મિત્ર દેવદત્તભાઈ સાથે મુંબઈથી આવેલાં છે, અને વિદ્યાનગરના એક રિસોર્ટમાં ઊતર્યાં છે. તેઓ ચેક આઉટ કરીને નીકળવાનાં છે, અને આપણે એ વખતે એમને મળવાનું છે.
આખી વાત એવી બનેલી કે પ્રીતિ સાગર અને એમના પતિ સોમી સરન દેવદત્તભાઈ દંપતિનાં મિત્રો હતા. તેઓ આગલા દિવસે મુંબઈથી આવેલાં અને ડાકોર દર્શનાર્થે ગયેલાં. હસિતભાઈ સાથે દેવદત્તભાઈ સંપર્કમાં હતા અને તેમણે હસિતભાઈને જણાવેલું કે તેમની સાથે એક 'ગેસ્ટ' પણ છે, અને એ લોકો બીજા દિવસે 'અમૂલ'માં કોઈકને મળવા જવાના છે. આમ તો, દેવદત્તભાઈના ગેસ્ટ હોય એમાં હસિતભાઈને શું રસ હોય, પણ તેઓ 'અમૂલ'માં કોઈકને મળવા જવાના છે, અને હસિતભાઈ 'અમૂલ'માં અનેક લોકોને જાણે. એટલે એમણે સ્વાભાવિકપણે જ પૂછ્યું, 'કોને મળવા જવાના છો?' દેવદત્તભાઈએ કહ્યું, 'મારી સાથે પ્રીતિ સાગર છે.' આ સાંભળીને હસિતભાઈને હળવો આંચકો લાગ્યો અને તેમનાથી સહસા પૂછાઈ ગયું, "એ હમણાં શું કરે છે?" દેવદત્તભાઈને લાગ્યું કે હસિતભાઈ પ્રીતિ સાગરને કદાચ ન પણ ઓળખતા હોય. એટલે એમણે સહજપણે કહ્યું, "એ સીંગર છે." એ પછીની વાતોમાં જે રહસ્યોદ્ઘાટન થયું હોય એ, પણ હસિતભાઈને લાગ્યું કે પ્રીતિ સાગર આમ છેક ઘરઆંગણે આવ્યાં હોય અને એમને મળીએ નહીં એ કેમ ચાલે? એ પછી એમને આવેલો તરતનો વિચાર એ કે બીરેન-ઉર્વીશને સાથે લઈને મળીએ તો ઓર મજા આવે. હસિતભાઈના મનમાં બીજાં પણ આયોજન હશે, પણ આખરે એ નક્કી થયું કે બપોરે અમારે રિસોર્ટ પર પહોંચી જવું.
રસ્તામાં ઉર્વીશ સાથે વાત થઈ એટલે એણે ટૂંકમાં કહી દીધું કે 'બધો માલ લઈ લીધો છે.' તેને આગોતરી જાણ થઈ અને બધો 'માલ' એની પાસે સહજસુલભ રીતે ગોઠવાયેલો હતો. એ બધું એણે સાથે રાખેલું.
પોણા બે - બે વાગ્યાની આસપાસ અમે વિદ્યાનગર પહોંચીને સીધા રિસોર્ટના રિસેપ્શન એરિયામાં પહોંચી ગયા. લગભગ તરત જ દેવદત્તભાઈ આવ્યા. હસિતભાઈએ પરસ્પર પરિચય કરાવ્યો અને અમે વાતો કરતાં બેઠાં. એમણે કહ્યું, 'પ્રીતિબહેન પણ આવે જ છે.' વાતવાતમાં જાણવા મળ્યું કે દેવદત્તભાઈ અને પ્રીતિ સાગરના પતિ મિત્રો હતા.
અમારી વાતો ચાલી, અને થોડી વારમાં જ પ્રીતિ સાગર, તેમના પતિ શ્રી સરન અને દેવદત્તભાઈનાં પત્ની સામેથી આવતા દેખાયા. તેઓ આવ્યાં એટલે દેવદત્તભાઈએ હસિતભાઈનો પરિચય કરાવ્યો, અને હસિતભાઈએ અમારા સૌનો. બહુ વિવેકસભર રીતે પ્રીતિ સાગરે હાથ જોડીને સૌને મળવાની ખુશી વ્યક્ત કરી. તેઓ ગુજરાતીમાં જ વાત કરી રહ્યાં હતાં. હસિતભાઈએ કહ્યું, "આ બન્ને ભાઈઓ તમને વરસોથી ઓળખે છે. એ લોકો જ એના વિશે કહેશે." પ્રીતિ સાગરે સ્મિત આપ્યું. એ પછી ઉર્વીશ મહેમદાવાદથી લાવેલા 'માલ' સાથે ઊભો થયો અને પ્રીતિ સાગરની બાજુમાં ગોઠવાયો. અમને બરાબર અંદાજ હતો કે પ્રીતિ સાગર એ જોશે તો નવાઈ જ પામશે. એ ધારણા સાચી પડી. સૌથી પહેલાં ઉર્વીશે 1991માં લીધેલા તેમના અને તેમના પિતાજી મોતી સાગરના ઓટોગ્રાફ દેખાડ્યા. એ જોઈને તેમને સુખદ આશ્ચર્ય થયું. એ પછી 1991માં યોજાયેલા એ કાર્યક્રમ વિશે ઉર્વીશે વાત કરી. તેમને યાદ નહોતું કે પોતે આવા કાર્યક્રમમાં આવેલાં. પણ એના ફોટા જોઈને તેમણે બહુ આનંદ વ્યક્ત કર્યો.
ત્રણ દાયકા પછી એ જ પાન પર...(પાછળ ઊભેલાં શ્રીમતી દેવદત્ત) |
સંઘરેલો 'માલ' દેખાડવાની મજા |
'ભૂમિકા'ની રેકોર્ડના કવર પર ઓટોગ્રાફ (સામે બેઠેલા હસિત મહેતા) |
પ્રીતિ સાગર અને એમના પતિ સોમી સરન |
એક વાત એ લાગી કે પ્રીતિ સાગર પોતે એવા વહેમમાં હોય એમ ન લાગ્યું કે એમનું નામ પડતાં જ લોકો એમને ઓળખી જાય. એટલે એમના ઊપરાંત એમના પિતાજીના ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ જોઈને એમને બહુ સારું લાગ્યું હોય એમ જણાયું.
એ પછી ઉર્વીશે એક પછી એક રેકોર્ડ કાઢી. એ જોઈને તેમના મોંમાથી આશ્ચર્યના ઉદ્ગાર સરતા ગયા. 'Spring is coming' રેકોર્ડ જોઈને એમણે કહ્યું, 'આ તો મારી પાસે પણ નથી.'
"આ તો મારી પાસે પણ નથી." |
સહજપણે વાતો આગળ વધતી રહી. 'મંથન'ની રેકોર્ડના કવર પર અગાઉ વનરાજ ભાટિયાના ઓટોગ્રાફ લીધેલા હતા. એની બાજુમાં જ એમને ઓટોગ્રાફ આપવા અમે વિનંતી કરી. અમે વનરાજ ભાટિયા સાથેની મુલાકાત યાદ કરીને 'મંથન'ના ગીત વિશે કહ્યું. એટલે તેમણે કહ્યું, 'મને બધા કહેતા કે વનરાજ ભાટિયાનાં કમ્પોઝિશન એવાં હોય છે કે બીજું કોઈ એ ગાઈ ન શકે. તું કેમનાં ગાઉં છું?' એમ કહીને જણાવ્યું, 'એમના ગીતમાં એક ટ્રેક આમ (એક દિશામાં હાથથી ઈશારો કરીને) ચાલતી હોય, બીજી ટ્રેક આમ (બીજી દિશામાં હાથથી ઈશારો કરીને) ચાલતી હોય..!' આર્ટ ફિલ્મોના દિગ્દર્શકોની ગીત ફિલ્માંકનની અણઆવડત બાબતે વનરાજ ભાટિયાનો અભિપ્રાય અમે જણાવ્યો, જેનાથી એ જ્ઞાત ન હોય એમ બને જ નહીં. એમણે ઊમેર્યું, 'શ્યામ બેનેગલ પણ એ રીતે જ ફિલ્માંકન કરતા હતા.' વાતવાતમાં તેમણે કહ્યું, 'મંથન' માટે અસલમાં શ્યામ બેનેગલે અવિનાશ વ્યાસ પાસે એક ગીત લખાવેલું. પણ એ ગીત એમને બહુ 'ભારે' લાગ્યું અને કહ્યું કે ના, આવું નહીં, મારે એકદમ સરળ ગીત જોઈએ.' પ્રીતિ સાગરનાં બહેન નીતિ સાગર ત્યારે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતાં. માતા ગુજરાતી હોવાથી ભાષાથી પરિચીત, પણ ગીતલેખનનો કોઈ અનુભવ નહીં. છતાં તેમણે કહ્યું, 'હું પ્રયત્ન કરું?' તેમણે થોડા શબ્દો લખ્યા અને શ્યામ બેનેગલને બતાવ્યા એટલે શ્યામબાબુ અહે, 'બસ, મારે આવું જ ગીત જોઈએ.' એમ એ ગીત લખાતું ગયું. વનરાજ ભાટિયા પણ એમાં સંકળાતા. ગીત રજૂઆત પામ્યું અને એવી લોકપ્રિયતાને વર્યું કે વખતોવખત એ જ મૂળ ધૂનમાં શબ્દો બદલાવીને 'અમૂલ'એ તેને અપનાવી લીધું. 'અમૂલ'માં ઈન્ટરકોમ પર કોલર ટ્યુન તરીકે આ ગીત, લીફ્ટમાં પણ આ જ ગીત, જાહેરાતમાં પણ આ જ ગીતનો ઊપયોગ! પોતે ગાયેલા ગીતનું આ હદનું ચિરંજીવપણું કયા ગાયકને ન ગમે! એનો માપસરનો રોમાંચ પણ એમની વાતમાં જણાયો.
ગાયિકા અને સંગીતકારના ઓટોગ્રાફ હારોહાર |
'મંડી'ના ગીત 'શમશીર બરહના માંગ ગઝબ'માં 'બરહના' શબ્દનો સાચો ઉચ્ચાર જાણવા અમારે કેટલું મથવું પડેલું એની વાત સાંભળીને એમના ચહેરા પર હાસ્ય આવ્યું.
મોતી સાગર અને નલિન શાહની મિત્રતા વિશે વાત નીકળી એટલે અમે નલિનભાઈ અમારા 'ગુરુ' હતા એ જણાવ્યું. એમણે તરત પૂછ્યું, 'એમની પાસે ઘણું જૂનું કલેક્શન હતું. એનું શું થયું?' 'સાગર મુવીટોન' પુસ્તક વખતે નલિનભાઈએ મને એક જૂનું બાંધકામ જોવા જવા જણાવેલું, જે એમને મોતી સાગરે બતાવેલું અને એ 'સાગર મુવીટોન'ની લેબ હતી એમ કહેલું. એ બધી વાતો થઈ.
ઓટોગ્રાફ બુકમાં એમણે 33 વર્ષ અગાઉ ઓટોગ્રાફ આપેલા એની બાજુમાં જ એમને કંઈક લખવા જણાવ્યું અને એમણે પણ હોંશથી એ લખી આપ્યું. ઉર્વીશે જણાવ્યું કે તમને પહેલી વાર મળ્યો ત્યારે મારી ઉંમર વીસ-એકવીસની હતી, આજે મારી દીકરીની ઉંમર એકવીસની છે. આ જાણીને તેમને પણ મજા આવી. બીજી વાતો પણ થતી રહી. તેઓ પછી એડ ફિલ્મો અને એના નિર્માણ સાથે સંકળાયેલાં. ફિલ્મમાં પાર્શ્વગાયન ઘણા વરસોથી બંધ કર્યું છે.
33 વર્ષના અંતરાલ પછી એ જ પાન પર (વાતચીત દરમિયાન 31 વર્ષનો ઉલ્લેખ થતો રહ્યો હોવાથી એમણે પણ એ જ આંકડો લખ્યો છે.) |
વીસ-પચીસ મિનીટની એ ટૂંકી, પણ આનંદદાયક મુલાકાત અમારા સૌ માટે સંભારણા જેવી બની રહી. અમારા માટે તો ખરી જ, પ્રીતિ સાગરે પણ કહ્યું, 'મને ખ્યાલ નહોતો કે આ મુલાકાતમાં તમને મળવાનું થશે અને આવું સરપ્રાઈઝ મળશે. બહુ આનંદ આવ્યો.'
આ આખી મુલાકાતમાં એક બાબત ખાસ નોંધવી રહી. પ્રીતિ સાગરના પતિ સોમી સરનની ભૂમિકા સમગ્ર ઊપક્રમમાં બહુ સહયોગપૂર્ણ રહી. આરંભિક પરિચય પછી તેઓ એક તરફ ગોઠવાયા અને અમારી વાતોમાં ક્યાંય વચ્ચે ન આવ્યા કે ન કશી એવી ચેષ્ટા દાખવી કે અમારે વાત ટૂંકાવવી પડે. તેમણે પણ સમગ્ર મુલાકાતનો આનંદ વ્યક્ત કર્યો. આ લખવાનું ખાસ કારણ એ કે આવું સહજ નથી હોતું. હસિતભાઈ અને પારૂલબહેને પણ અમને વાતોની મોકળાશ કરી આપી, અને પારુલબહેને અમારી વાતચીત દરમિયાન તસવીરો ખેંચવાની જવાબદારી સ્વેચ્છાએ સંભાળી લઈને અમને વાતચીત કરવા માટે મુક્ત રાખ્યા. એ જ રીતે દેવદત્તભાઈ અને તેમનાં પત્નીએ પણ પૂરો સહયોગ આપ્યો.
આમ, પરોક્ષ રીતે શરૂ થયેલું સંગીતસંબંધનું એક વર્તુળ પ્રત્યક્ષ મુલાકાત દ્વારા બહુ આનંદદાયક રીતે પૂરું થયું.
(સમાપ્ત)
(તસવીર સૌજન્ય: ડૉ. પારુલ પટેલ)
સુંદર અહેવાલ.
ReplyDeleteઅમે પણ આ મુલાકાતમાં સહભાગી હતા એવું જણાયું..
What a treasure trove of memories you brothers have built, truly! Wah!
ReplyDeleteખૂબ આનંદ થાય એવી વાત બની.. મસ્ત તસવીરો છે...
ReplyDeleteYour music love and true appreciation for the artists are commendable. Please publish such memories, visits and interviews regularly. It is a real treat to the hindi film song lovers like me.
ReplyDeleteપહેલાં તો ધોખો કરવો 'તો કે મને કેમ ન લઈ ગયા? પણ સંપૂર્ણ અહેવાલ વાંચીને લાગ્યું કે જાણે હું ભેગો જ હતો.
ReplyDeleteબીરેન, ઉર્વીશ - 90 થી 96 દરમિયાન તમારે ત્યાં થતી મુલાકાત અને રાત્રી રોકાણ યાદ આવ્યા, પ્રીતિ સાગર દ્વારા ગવાયેલા ગીતો યાદ આવી ગયા.... સ્મૃતિ તાજી થઈ ગઈ....
ReplyDeleteમાય હાર્ટ ઇઝ બીટિંગ એમને જ ગાયેલું?
ReplyDelete