Thursday, March 3, 2022

વનરાજ ભાટિયા: યે તુમને કૈસા દિખાયા સપના

વનરાજ ભાટિયાએ સંગીતબદ્ધ કરેલાં ગીતોની સંખ્યા અતિ મર્યાદિત છે, પણ તેનો પ્રભાવ એવો છે કે એ મનમાં સતત ગૂંજતાં રહે. 7 મે, 2021ના રોજ વિદાય પામેલા આ જિનીયસ અને અતિ પ્રિય સંગીતકારનું સ્મરણ તેમનાં કેટલાંક ગીતો અને સંગીતથી તાજું કરવાનો આ ઉપક્રમ છે. કારણ? વનરાજ ભાટિયાનાં ગીતોને યાદ કરવા માટે કશા કારણની જરૂર નથી. એ એવાં હૈયે જડાઈ ગયાં છે કે અનાયાસે એ મનમાં ગૂંજતાં રહે. 
ગીતોની પસંદગી તેમની કર્ણપ્રિયતાના આધારે કરેલી છે, જેમાં હજી ઘણાં ગીતનો ઉલ્લેખ સમાવી શકાય એમ છે. અહીં કેટલાંક અતિ પ્રિય ગીતો અને સંગીતની વાત. 

સાવન કી આઈ બહાર રે... 
શશીકપૂર નિર્મિત અને શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ 'જૂનુન' (1978)નું આ ગીત છે. તેમાં વરસાદ આવ્યાનો રોમાંચ છે. આ ગીતમાં સૌથી મોટી કમાલ સંગીતકારની છે. વનરાજ ભાટિયાએ આશા ભોંસલેની સાથેસાથે તેમની દીકરી વર્ષા ભોંસલેના સ્વરનો ઉપયોગ કર્યો છે. વર્ષા ભોંસલે આશાજીની સાથે સ્ટેજ પર ગાતાં હતાં, અને વિકીપીડિયા પર તેમનો ઉલ્લેખ હિન્દી-ભોજપુરી ગાયિકા તરીકે છે. વનરાજ ભાટિયાને હું અને ઉર્વીશ તેમના નિવાસસ્થાને મળ્યા અને જે લાંબી મુલાકાત કરી એ દરમિયાન તેમણે જણાવેલું કે વર્ષાને જ્યારે ગાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે આનાકાની કરેલી, પણ વનરાજ ભાટિયાએ તેમના સ્વર માટેનો પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો, પરિણામે તેઓ ગાવા તૈયાર થયાં. કદાચ ગાયિકા તરીકે તેમની કારકિર્દીનું આ સાવ આરંભિક ગીત હશે. (જો કે, વર્ષાએ 2012માં આત્મહત્યા કરી.)
વનરાજ ભાટિયાની મુલાકાત આધારિત લેખ મેં 'અહા!જિંદગી'માં અને ઉર્વીશે 'ગુજરાત સમાચાર'માં લખેલા. તેમનું સ્વરબદ્ધ કરેલું આ ગીત સાંભળીએ. સિતારના સૂરોથી આરંભાયા પછી તેની પશ્ચાદભૂમાં તંતુવાદ્યસમૂહ અને પછી સારંગીનું સંગીત અદ્ભુત અનુભવ કરાવે છે. ત્યાર પછી સંગીત નહીં, માત્ર ગાયન છે, જે ગાયિકાના સ્વરની પરખ જેવો કહી શકાય.


**** 

ઈશ્ક ને તોડી સર પે કયામત...
'જૂનુન' (1978)ના આ ગીતમાં ગીતના આરંભથી લઈને છેક અંત સુધી જે રીતે તેમાં સ્ટ્રીંગ અને બ્રાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સાંભળતાં જ લાગે કે આ કમ્પોઝ કરનાર કોઈ 'દાદા' છે. એ દાદા એટલે વનરાજ ભાટિયા. પશ્ચિમી પ્રકારની સમાંતરે ભારતીય સંગીત પણ વાગતું જાય, વચ્ચે વચ્ચે રફીસાહેબ દ્વારા ગવાયેલા જિગર મુરાદાબાદીના શબ્દો સાંભળવા મળે અને આ ત્રણેય એકબીજાને કશી ખલેલ કર્યા વિના કાનમાં પ્રવેશે ત્યારે માત્ર ગીતના શબ્દો કે ગાયકી જ નહીં, આખું વાતાવરણ મનમાં રચાઈ જાય. આ ગીતના સૌંદર્યબિંદુઓ સમજાવવા કરતાં સાંભળવા જ વધુ યોગ્ય ગણાય.


****
મારું ગામ અબ તો ભૂલી જઈયો ના.....

આ ગીત સૌથી પહેલું ક્યારે સાંભળ્યું એ યાદ નથી, પણ એટલું ખરું કે સાંભળતાંવેંત જ તેની ગાયિકાના અવાજના અને સંગીતકારના પ્રેમમાં પડી જવાયું હતું. ખબર પડી કે આ ગીત શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ 'મંથન'નું છે. અમારી મુંબઈસ્થિત પિતરાઈ બહેન પૌલા અને શૈલેષકાકાએ અમને ભેટ આપેલી બાર કેસેટ્સના સેટ 'યાદોં કી મંઝીલ'ની એક કેસેટમાં આ ગીત હતું. એ ભેટ મળ્યા પછીના કેટલાય મહિનાઓ એવા હતા કે મારી અને ઉર્વીશની સવાર આ ગીતથી જ પડતી અને એ પછી દિવસમાં કેટલીય વાર તેને રિવાઈન્ડ કરીને સાંભળતાં. આમ છતાં, ધરવ થતો નહીં.
'મંથન'ની વાત આવે એટલે ડૉ. કુરિયન, અમૂલ મોડેલ, એક રૂપિયાનું પ્રતીક મહેનતાણું લઈને કામ કરતા દિગ્ગજ કલાકારો, દૂધ ઉત્પાદક મંડળીના આશરે 55,000 શેરધારક ખેડૂતોએ બબ્બે રૂપિયા કાઢીને કરાવાયેલું ફિલ્મનું નિર્માણ, 'સિસોટી'....જેવા અનેક સંદર્ભો મારી જેમ સૌને યાદ આવી જાય. તેની વાત કરવાને બદલે આ ગીતની વાત કરવી છે.
વનરાજ ભાટિયાને તેમના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે આ ગીતની વાત ન નીકળે તો જ નવાઈ.
પહેલાં તેના શબ્દોની વાત. આ ગીત પ્રીતિ સાગરની બહેન નીતિ સાગરે લખેલું છે. મુકેશના પિતરાઈ ભાઈ (અને અભિનેતા-ગાયક) મોતી સાગરની દીકરીઓને ગુજરાતી ભાષા સાથે શી લેવાદેવા? એનો જવાબ પણ મળી ગયો કે તેમની 'માતૃ'ભાષા ગુજરાતી છે. એટલે કે મોતી સાગરનાં પત્ની ગુજરાતી હતાં તેને કારણે બન્ને બહેનોને અને પરિવારમાં ગુજરાતી અજાણી નહોતી. આમ છતાં આવા લોકગીત અથવા તો ગ્રામ્યગીત જેવા લાગતા શબ્દોની પસંદગી શી રીતે કરી? કોની સહાય લીધી? 'કોઈની નહીં. એ તો સ્ટુડિયો લે‍ન્‍ગ્વેજ છે- સ્ટુડિયોમાં જ બનવાયેલી. ત્યાં જ ઈમ્પ્રોવાઈઝ કરતા રહેતા. ઉદાહરણ? એમાં એક લીટી છે, 'મારે ગામડે લીલાલહેર, જ્યાં નાચે મોર ને ઢેલ'. તો એ લોકો કહે કે 'મોરની' શબ્દ મૂકીએ. વનરાજ કહે, 'ગુજરાતીમાં એને 'ઢેલ' જ કહેવાય. 'મોરની' કહો તો કોઈને ખબર ન પડે.' સાગર બહેનોએ જ કદાચ 'ઢેલ' શબ્દ પહેલી વાર સાંભળ્યો હશે! તેમને એમ લાગ્યું કે 'ઢેલ' એટલે શું? એ કોને સમજાય? પણ વનરાજ કહે, 'બધા ગુજરાતીને સમજાઈ જાય.' આ રીતે આ ગીત લખાતું ગયું.
હવે તેની ધૂન સાંભળો. કોઈ પણ ગુજરાતી ગીત હોય, અને તે લોકગીત જેવું હોય તો તેમાં ગરબાના તાલ અનિવાર્ય ગણાય. એ સિવાય તે ગુજરાતી ગીત ગણાય જ નહીં. (સી. રામચન્દ્રે આ જ તાલને પોતાના સંગીતની ઓળખ બનાવીને અનેક અદ્ભુત ગીતોમાં તેનો ઉપયોગ કર્યો.) આ ગીતમાં તમને ક્યાંય એ તાલ શોધ્યો નહીં જડે. પણ છતાં તેનો આરંભ થતાં જ ખબર પડી જાય કે એ હાડોહાડ ગુજરાતી ગીત છે. એ કમાલ સંગીતકાર વનરાજ ભાટિયાની છે.
હવે ત્રીજી વાત આ ગીતના ફિલ્માંકનની. વનરાજ ભાટિયાએ એ દિવસે વાતચીતમાં અનેક વાર એ બાબતે તીવ્ર નારાજગી વ્યક્ત કરી કે આર્ટ ફિલ્મોના દિગ્દર્શકોને ગીતનું ફિલ્માંકન કરતાં આવડતું જ નથી. તેઓ ગીતને સળંગ મૂકવાને બદલે ટુકડે ટુકડે જ ફિલ્મમાં બતાવે, તેથી તેની ધારી અસર ઊભી જ ન થઈ શકે. 'મંથન' ફિલ્મ જોઈ હોય એને ખ્યાલ હશે કે આ ગીત ફિલ્મમાં ત્રણેક ટુકડે વાગે છે.
આ ફિલ્મ 1976માં રજૂઆત પામી. તેમાં એક માત્ર આ ગીત જ હોવાથી તેની ઈ.પી. રેકર્ડ બહાર પડેલી. ત્યારે આ ગીતની કેટલી નોંધ લેવાઈ હશે એ ખ્યાલ નથી, પણ વરસો વીતતાં ગયાં એમ તે અમૂલની ઓળખ સમું બની રહ્યું. પછી તો અમૂલે પોતાની ટી.વી. એડમાં પણ આ ગીતમાં નવા શબ્દો ઊમેરીને તેનો ઉપયોગ કર્યો, ગાયિકા અને વાદ્યો નવાં ઊમેર્યાં, પણ મૂળ ધૂન એની એ જ રાખી. યૂ ટ્યૂબ પર એ નવું વર્ઝન સાંભળવા મળે છે, જેમાં ગુજરાતીપણાના નામે તાલની ધમાલ ભભરાવી છે. ('મંથન' ફિલ્મ તો આખેઆખી 'અમૂલ'ની વેબસાઈટ પર મૂકાયેલી છે.)
હજી પણ આ ગીત સાંભળવાનું મન થઈ આવે છે અને જ્યારે સાંભળીએ ત્યારે આખું જ સંભળાઈ જાય છે, કેમ કે, તેનો છેલ્લો ભાગ ન સાંભળીએ ત્યાં સુધી ગીત અધૂરું લાગે છે.

                                  
 

**** 

શમશીર-એ-બરહના માંગ ગજબ 
Shared with Public
મહમ્મદ કુલી કુતુબશાહ, અમીર ખુસરો, બહાદુરશાહ ઝફર, જિગર મુરાદાબાદી, મીર તકી મીર, મખદૂમ મોહિયુદ્દીન, ઈબ્ન-એ-ઈન્શા, ધર્મવીર ભારતી, ગુલઝાર, વસંત દેવ, મજરૂહ સુલતાનપુરી, જાવેદ અખ્તર.......... કવિઓની આ યાદી વાંચતાં જ 'ઓહોહો!' થઈ જાય. છેલ્લા ચાર નામો સિવાયનાં કવિઓની કેટલીક રચનાઓ એ હદે લોકજીભે ચડી ગયેલી છે કે તેને લોકગીત જેવો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો હોય. તેમની મોટા ભાગની રચનાઓની ધૂન પણ લગભગ નિશ્ચિત બની ગઈ હોય, છતાં અનેક સંગીતકારોનું એ સ્વપ્ન હોય કે તેમને આવા કવિઓની રચનાને સંગીતબદ્ધ કરવાની તક મળે.
સ્વાભાવિક છે કે ફિલ્મના માધ્યમમાં આવી તક ઓછી પ્રાપ્ત થાય. આથી પોતાની સર્જનાત્મકતા સંતોષવા માટે અમુક સંગીતકારો આવી રચનાઓને સ્વરબદ્ધ કરીને તેનું 'નોન-ફિલ્મી' (પ્રાઈવેટ) આલ્બમ બહાર પાડે એવા દાખલા પણ હશે. પણ આ રચનાઓ કોઈ સંગીતકારને ફિલ્મ માટે સ્વરબદ્ધ કરવા મળે તો?
આના જવાબની કલ્પના કરવાની નથી. બસ, સમય કાઢીને  વનરાજ ભાટિયાએ અમુક ફિલ્મોમાં સંગીત આપ્યું તેનાં ગીતો જ સાંભળવાના છે. પ્રાચીનથી અર્વાચીન યુગના આ તમામ ધુરંધર કવિઓની રચનાને સ્વરબદ્ધ કરવાનું સદ્ભાગ્ય તેમને પ્રાપ્ત થયું. તેમાંના એક ગીતની વાત. (આ રચનાઓ ગઝલ/નઝમ/ગીત હોઈ શકે છે, પણ ફિલ્મમાં લેવાયેલી હોવાથી અહીં તેનો ઉલ્લેખ 'ગીત' તરીકે કર્યો છે.)
શ્યામ બેનેગલ દિગ્દર્શીત 'મંડી' (1983) માં પ્રીતિ સાગરે ગાયેલું 'શમશીર-એ-બરહના માંગ ગજબ..' આમ તો અનેક વાર સાંભળેલું હતું, પણ તેના વિશે ખરેખરી મૂંઝવણ એક વાર ઊભી થઈ.
'અહા!જિંદગી' (સંપાદક: દીપક સોલિયા)માં 'ગુર્જરરત્ન' શિર્ષક અંતર્ગત વનરાજ ભાટિયા સાથેની મુલાકાત પછી તેમના વિશે લખવાનું મેં નક્કી કર્યું. ફિલ્મને લગતી વાત હોય એટલે અમારા સદાના હિતેચ્છુ એવા સુરતના હરીશ રઘુવંશીનો ઊંબરો ઓળંગ્યા વિના ચાલે જ નહીં. એ વખતે હજી લેખો કુરિયરથી મોકલવાનો રિવાજ હતો, તેથી બે દિવસ તેના પણ ડેડલાઈનમાં ગણી લેવાના રહેતા. આવા લેખો બાબતે મારાથી વિશેષ ફિકર ધરાવતા હરીશભાઈએ કહ્યું, 'તમે લેખ બે દિવસ મોડો મોકલવાની પરવાનગી માગી લો. હું તમને એક સી.ડી. મોકલું છું.' દીપક પાસેથી મેં પરવાનગી મેળવી રાખી. હરીશભાઈએ સુરતના તેમના પરિચીત પ્રકાશ પટેલ પાસે વનરાજ ભાટિયાની ફિલ્મોનાં ગીતોની સી.ડી. તાત્કાલિક બનાવડાવી અને મને મોકલી આપી. તેમનો હેતુ એટલો કે લેખ મોકલતાં અગાઉ હું એક વાર એ ગીતો સાંભળી લઉં તો કશું ઉમેરવા જેવું લાગે તો ઉમેરી શકાય.
એ સી.ડી. એક વાર સાંભળવાથી ધરવ કેમનો થાય? આવતાંની સાથે જ તેને ચડાવી દીધી અને વારંવાર સાંભળી. તેથી મને થયું કે આ લેખની સાથે એક બોક્સ મૂકીએ, જેમાં વનરાજ ભાટિયાએ સ્વરબદ્ધ કરેલાં અમુક ગીતોની પહેલી લીટી યાદી તરીકે મૂકીએ. મેં એ રીતે બોક્સ માટે યાદી બનાવવા માંડી, પણ 'મંડી'ના આ ગીત આગળ ગાડી અટકી ગઈ. કેમે કરીને તેનો પહેલો શબ્દ પકડાય જ નહીં. ત્યારે હજી ગૂગલની સહાય નહોતી. અનેક વાર એ લીટી સાંભળી, પણ 'શમશીર બઢી ના' અથવા 'શમશીર બઢે ના' જ સંભળાય અને એનો અર્થ મનમાં બેસે નહીં. એક તરફ લેખ કુરિયરથી મોકલવાની ડેડલાઈન, અને લેખ લખાઈ પણ ગયેલો, પણ સોયના નાકામાં હાથીના પૂંછડાનો આ વાળ ફસાઈ ગયેલો. ઘડીક એમ થયું કે એ ગીતને બદલે બીજું ગીત મૂકીએ. શો ફેર પડે છે? આપણને કોઈએ ક્યાં કહ્યું છે કે આ જ ગીત મૂકો. પણ એ ગીત એટલું બધું ગમતું કે ન મૂકીએ તો આપણને જ એમ થાય કે આ બરાબર ન કર્યું.
વાત ઉર્દૂની હતી, એટલે સંકટ સમયની સાંકળ જેવી એક વ્યક્તિનું નામ યાદ આવ્યું. એ હતા જીવવિજ્ઞાનના શિક્ષક (અને જાણીતા કવિ) હનીફ 'સાહિલ' એટલે કે અમારા 'પઠાણસાહેબ', જેઓ મહેમદાવાદ રહેતા. તેઓ ગુજરાતી ઉપરાંત ઉર્દૂમાં પણ ગઝલો લખતા, એટલું જ નહીં, ઉર્દૂ લિપિ પણ જાણતા. ઊર્વીશને ફોન લગાવ્યો. તેની પાસેથી પઠાણસાહેબનો નંબર મેળવ્યો. પછી તેમને ફોન લગાવ્યો અને આ અર્થ પૂછ્યો. ધાર્યા મુજબ જ તેમણે એ શબ્દો ઊકેલી આપ્યા, 'શમશીર-એ-બરહના' એટલે ખુલ્લી તલવાર. એટલે 'શમશીર-એ-બરહના માંગ ગજબ' નો અર્થ થાય 'ખુલ્લી તલવાર જેવી પાંથી.' એ સાથે જ મનમાં અજવાળું થઈ ગયું. ઝફરે ગજબ સરખામણી કરી છે. (આ ગીત અતિ જાણીતું છે. અનેક ગાયકોએ તે ગાયું છે. પણ હબીબ વલી મહમ્મદના અવાજમાં પાકિસ્તાની ફિલ્મ 'બાઝી' માટે ગાયેલું અદ્ભુત છે.)
શૃંગારરસથી છલોછલ આ ગીતને વનરાજ ભાટિયાએ પરંપરાગત વાદ્યોથી સજાવ્યું છે, અને પ્રીતિ સાગરે તેને પૂરતો ન્યાય આપ્યો છે.
'મંડી' ફિલ્મ પોતે જ એવો અદ્ભુત વિષય છે કે તેની ચર્ચા શરૂ કરીએ તો દિવસો સુધી ચાલે. એટલે એ તરફ ન જતાં માત્ર આ ગીત પૂરતી જ વાત કરી છે. 



***** d Shared with Public

ચાહે માર ડાલો રાજા 

સંગીતકાર કોઈ તૈયાર ધૂન લઈને આવે અને ગીતકાર એ ધૂન પર શબ્દો લખી આપે એ હકીકતની હવે નવાઈ રહી નથી. બલ્કે હવે તો એ રિવાજ બની ગયો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આમાં સર્જકતાનો અનાદર નથી, પણ એક જાતની સુવિધા છે. તેને કારણે ગીતકારની માનસિકતા પણ એવી બની ગઈ હોય કે તૈયાર ધૂન મળે તો જ તે શબ્દો લખી શકે.
જાવેદ અખ્તર જેવા ખાનદાની શાયર કથા-પટકથા લેખક બન્યા પછી ગીતકાર બન્યા. સ્વતંત્રપણે કવિતા લખવી અને ફિલ્મ માટે ગીત લખવાં એ બન્ને સાવ અલગ બાબતો છે. જાવેદસા'બે ગીતલેખનમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું. નવી-જૂની પેઢીના અનેક સંગીતકારો સાથે તેમણે કામ કર્યું. પણ 'સરદારી બેગમ' (1996) નાં ગીતો વખતે જરા જુદો અનુભવ થયો.
શ્યામ બેનેગલ દિગ્દર્શીત આ ફિલ્મમાં સરદારી બેગમ નામની ગાયિકાના જીવનની વાત હતી. રાબેતા મુજબ તેમાં સંગીત વનરાજ ભાટિયાનું હતું. એક ગાયિકાના જીવનને દર્શાવતી આ ફિલ્મ હોવાથી તેમાં ગીતોનું આગવું મહત્વ હતું. તેથી ગીતકાર તરીકે જાવેદ અખ્તરનો પ્રવેશ થયો. ગીત-સંગીત બાબતે પહેલી જ મુલાકાતમાં ગીતકાર અને સંગીતકાર ઊખડી પડ્યા. જાવેદસા'બે વનરાજ ભાટિયાને પૂછ્યું, "ધૂન લાયે હો?" આ સાંભળીને વનરાજે તેમની આખાબોલી શૈલીમાં કહ્યું, "તુમ શબ્દ લાયે હો? તુમ ગીતકાર હો." એ પછી જે થયું એ, પણ જાવેદસા'બે ગીતો લખીને આપ્યાં. વનરાજ ભાટિયાએ તેને સ્વરબદ્ધ કર્યાં.
આ ફિલ્મ રજૂઆત પામી ત્યારે કૃત્રિમ વાદ્યોનો યુગ બેસી ગયો હતો, પણ વનરાજ ભાટિયાએ સારંગી, તબલાં સહિત પરંપરાગત વાદ્યોનો ઊપયોગ કરીને વીતેલા યુગનો માહોલ સર્જ્યો.
આ ફિલ્મનાં અનેક અદ્ભુત ગીતોમાંનું એક અહીં મૂક્યું છે, જે આશા ભોંસલે દ્વારા ગવાયું છે.


****

મેરી જિંદગી કી કશ્તી 
Shared with Public
સ્મિતા પાટીલે પોતાની ફિલ્મ કારકિર્દીમાં કેટલીક સીમાચિહ્નરૂપ ભૂમિકાઓ ભજવી, એમાંની એક શ્યામ બેનેગલ નિર્દેશીત 'ભૂમિકા' (1977)ની હતી. તેણે આ ફિલ્મમાં તખ્તાની અને ફિલ્મની અભિનેત્રી ઊષાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ હકીકતમાં મરાઠી અભિનેત્રી હંસા વાડકરની જીવનકથા 'સાંગત્યે આઈકા' પર આધારિત હતું, જેને આજની પરિભાષામાં 'બાયોપિક' કહે છે. ચાલીસ અને પચાસના દશકમાં હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કરનારી આ અભિનેત્રીની છાપ એક બિન્ધાસ્ત અભિનેત્રી તરીકેની હતી. 'સાંગત્યે આઈકા' ખરેખર તો હંસાની એક હીટ મરાઠી ફિલ્મનું નામ હતું, જે તેમની જીવનકથાના પુસ્તક માટે લેવામાં આવ્યું હતું. (આ ફિલ્મમાં જેટલી વાર કુલભૂષણ ખરબંદા ફિલ્મના પાત્ર કેશવ દળવીને 'દલવી' કહીને સંબોધે છે, એટલી વાર તેને સુધારીને 'દળવી' કરતા અમોલ પાલેકરની યાદગાર ભૂમિકા હતી.)
હિન્દી ફિલ્મોના આરંભિક દશકોમાં તેની સાથે સંકળાયેલા રહેલા, અને પછી એ ક્ષેત્ર છોડીને સાહિત્યકાર-નવલકથાકાર તરીકે ઓળખાયેલા વિઠ્ઠલ પંડ્યાએ પોતાની સ્મૃતિકથા 'અસલી ચહેરા, નકલી ચહેરા'માં હંસા વાડકર સાથેના પોતાના એક પ્રસંગનું રસપ્રચૂર વર્ણન કર્યું છે.
શ્યામ બેનેગલની ફિલ્મ હોય એટલે સંગીતકાર તરીકે વનરાજ ભાટિયા જ હોય, એ ત્યારે નક્કી રહેતું. આ ફિલ્મનો કથાકાળ મુખ્યત્વે 1950નો દશક હતો. અભિનેત્રીની કથા હોય એટલે તેમાં ગીતો પણ હોય જ. સંગીતકાર વનરાજ ભાટિયાએ સીત્તેરના દશકમાં બનેલી આ ફિલ્મ માટે જે ગીતો સર્જ્યાં એ પચાસના દશકનો માહોલ ઊભો કરે એવા હતાં.
ફિલ્મના એક દૃશ્યમાં ઉષા (સ્મિતા પાટીલ) રેકર્ડ પ્લેયર પર રેકર્ડ ચડાવે છે. ભારે અવાજ ધરાવતા પુરુષગાયકોના સ્વરમાંથી હજી કુંદનલાલ સાયગલની અસર સાવ નાબૂદ થઈ નહોતી. તે કાળે ગૈરફિલ્મી ગીતોના અમુક ગાયકોની શૈલી પણ એવી રહેતી. શ્યામ બેનેગલે (કે વનરાજ ભાટિયાએ) ધાર્યું હોત તો એ ગાળાના કોઈ પણ ગાયકની સાચી રેકર્ડ ચઢાવીને એ યુગની અસર ઊભી કરી શક્યા હોત. ('બ્લેક' ફિલ્મમાં ચેપ્લિનની એક ફિલ્મનું પોસ્ટર દેખાડીને એ સમયગાળો સૂચવાયો હતો એમ) પણ સર્જનાત્મકતામાં પડકાર ન હોય તો મઝા ન આવે.
વનરાજ ભાટિયાએ એવું ગીત સર્જ્યું કે જે એ યુગની, ગાયકીની એ શૈલીની અસર હૂબહૂ પેદા કરે. સીત્તેરના દશકમાં ભારે અવાજવાળા, સાયગલની અસરવાળા ગાયક લાવવા ક્યાંથી?
એક સમયે ગાયક સી.એચ.આત્મા (ચૈનાની હશ્મતરામ આત્મારામ, અવસાન: 1975) સાયગલના જબ્બર પ્રભાવમાં ગાતા હતા. તેમણે કેટલીક ફિલ્મમાં ગીતો ગાયેલાં. તેમના ભાઈ ચન્દ્રૂ આત્મા દર વર્ષે સાયગલ જયંતિએ સાયગલનાં ગીતોનો કાર્યક્રમ કરતા. આ ગીત માટે વનરાજ ભાટિયાએ ચન્દ્ર્ર આત્મા પર પસંદગી ઊતારી. ગીતકાર વસંત દેવે શબ્દો પણ એ યુગના ગીતની યાદ તાજી કરાવે એવા લખ્યા.
એ રીતે સીત્તેરના દશકમાં પચાસના દશકનો માહોલ ઊભું કરતું જે ગીત સર્જાયું તે 'મેરી જિંદગી કી કશ્તી, તેરે પ્યાર કા સહારા'.

**** 
ના આયા, ના આયા.... 

'ભૂમિકા' એક અભિનેત્રીના જીવન પર આધારિત ફિલ્મ હોય એટલે તેમાં સંગીતનો પક્ષ પણ મહત્ત્વનો બની રહે. આ ફિલ્મમાં જેને ખરેખર ગીત કહી શકાય એવાં ચાર ગીતો હતાં. એ સિવાયનાં પાંચ ગીતો પારંપરિક પ્રકારનાં, અથવા શુદ્ધ શાસ્ત્રીય કહી શકાય એવાં હતાં. 'ઘટ ઘટ મેં રામરમૈયા' ફિરોઝ દસ્તૂરે ગાયેલું, તો 'મોંદર બાજુ રે' ચાર અલગ અલગ રીતે ફિલ્મમાં સાંભળી શકાય છે. બાકીનાં ત્રણ ગીતોમાં પ્રીતિ સાગરનો સ્વર હતો, જેમાં 'તુમ્હારે બિન જી ના લગે ઘર મેં' અને 'ના આયા, ના આયા, ના આયા' બન્ને એકલ ગીતો હતાં અને 'સાવન કે દિન આયે સજનવા આન મિલો' ભૂપીન્દર સીંઘ સાથેનું યુગલગાન હતું.
'મંથન'માં પ્રીતિ સાગર પાસે ગુજરાતી લોકગીતની શૈલીનું 'મેરો ગામ કાંઠા પારે' ગવડાવનાર વનરાજ ભાટિયાએ 'ભૂમિકા'માં પ્રીતિ સાગર પાસે લાવણી જેવા મરાઠી લોકસંગીતની શૈલીએ ગીત ગવડાવ્યું હતું.વસંત દેવે લખેલા આ ગીતમાં પ્રીતિ સાગરનો સ્વર સાંભળતાં ભૂલી જવાય કે 'માય હાર્ટ ઈઝ બીટીંગ' જેવું અંગ્રેજી ગીત ગાનાર આ જ ગાયિકા હશે. સાથે વનરાજ ભાટિયાના સંગીતની પૂરેપૂરી કમાલ તો ખરી જ. લાવણીમાં મુખ્યત્વે હારમોનિયમ અને ઢોલકનો ઊપયોગ થતો હોય છે, પણ આ ગીતના ઈન્ટરલ્યુડમાં તેમજ 
પશ્ચાદ્‍ભૂમાં વનરાજ ભાટિયાએ તંતુવાદ્યસમૂહનો પ્રભાવક ઊપયોગ કર્યો છે, જેને લીધે ગીત સાંભળ્યા પછી તે લાંબો સમય સુધી કાનમાં ગૂંજતું રહે છે.
 

****

d Shared with Public
પિયા બાજ પ્યાલા પિયા જાયે ના 
બન્ને ફિલ્મો એક જ વર્ષે રજૂ થયેલી, છતાં સાવ અલગ. લક્ષ્મીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ 'જુલી' સંગીતકાર રાજેશ રોશનની બીજી જ ફિલ્મ હતી. (પહેલી ફિલ્મ 'કુંવારા બાપ') તો 'નિશાંત' સંગીતકાર વનરાજ ભાટિયાની બીજી ફિલ્મ હતી. તેમની પહેલી જ ફિલ્મ 'અંકુર'માં એક પણ ગીત નહોતું. શ્યામ બેનેગલ નિર્દેશીત આ ફિલ્મની નોંધ વ્યાપકપણે લેવાઈ હતી, પણ ગીત વિનાની ફિલ્મ હોય એટલે સંગીતકારનું કામ લોકો સુધી ઝટ પહોંચે નહીં. 'જુલી' અને 'નિશાંત'માં કશું સામાન્ય હોય તો પ્રીતિ સાગરનું એક ગીત.
હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું 'માય હાર્ટ ઈઝ બીટીંગ, કીપ્સ ઓણ રીપિટીંગ' પ્રીતિ સાગરે સુંદર રીતે ગાયું હતું. એ સમયે તો આ ગીત રેડિયો પર જ સાંભળવા મળતું હોવાથી તેના ઉચ્ચારો પણ બરાબર સમજી શકાતા નહોતા. એ તો ગૂગલકૃપા થકી સરળ બન્યું. આમ છતાં, એ ગીત ગમતું તેના સંગીત અને ગાયિકાને કારણે. કારકિર્દીનું પહેલું જ ગીત આખેઆખું અંગ્રેજી હોય અને તે બહુ લોકપ્રિય થાય ત્યારે ઘણી વાર સમસ્યા સર્જાઈ શકે. આ ગાયિકા પાસે પછી એકસરખાં જ ગીતો ગવડાવવા લાગે એમ બને. શાસ્ત્રીય ગીતો માટે કોઈ એ તરફ ફરકે પણ નહીંં. પણ પારખુ સંગીતકાર ગાયિકાના સ્વર અને તાલિમને ધ્યાનમાં રાખતા હશે. 'નિશાંત'માં અને ત્યાર પછીની 'ભૂમિકા', 'મંડી', 'મંથન' જેવી ફિલ્મો માટે તેમણે પ્રીતિ સાગરના જ કંઠનો ઊપયોગ કર્યો. અને તેમાં જે ગીતો ગવડાવ્યાં એ ઉર્દૂની અતિ વિખ્યાત, પરંપરાગત ગણાય એવી ગઝલો કે નઝમો.
એક તરફ 'માય હાર્ટ ઈઝ બીટિંગ' ગાનારાં પ્રીતિ સાગર, અને બીજી તરફ 'શમશીર-એ-બરહના માંગ ગજબ' જેવી ગઝલ કે 'મારો ગામ કાંઠા પારે' જેવું લોકગીત પ્રકારનું ગીત ગાનારા પ્રીતિ સાગર- બન્ને અલગ વ્યક્તિત્ત્વો હોય એમ લાગે. (પ્રીતિ સાગરની રાજ્યસભા ટીવી પર લેવાયેલી મુલાકાત અહીં સાંભળી શકાશે. )
'જુલી'ની સમાંતરે જ રજૂ થયેલી ફિલ્મ 'નિશાંત'માં સોળમી સદીમાં થઈ ગયેલા અને ઊર્દૂ ગઝલોનો પહેલવહેલો દિવાન તૈયાર કરનાર મોહમ્મદ કુલી કુતુબશાહની અતિ જાણીતી ગઝલ 'પિયા બાજ પ્યાલા પિયા જાયે ના' લેવામાં આવી છે. ફિલ્મમાં આ ગઝલ ટુકડે ટુકડે લેવામાં આવી છે. અહીં તે આખી સાંભળી શકાશે. (આ ગઝલના શબ્દોનો અર્થ 'રેખ્તા' સાઈટ પર જોઈ શકાશે. જે શબ્દનો અર્થ જાણવો હોય તેની પર કર્સર મૂકવાથી અર્થ દેખાશે. આ જ લીન્ક પર એક યૂ ટ્યૂબ વિડીયો છે, જેમાં તેના એક શેરનો અર્થ સમજાવવામાં આવ્યો છે.) ગઝલના પરંપરાગત સંગીતની સાથે સાંભળવા મળતું પાશ્ચાત્ય સંગીત ફિલ્મની અલગ અલગ સિચ્યુએશન મુજબનું છે. 

                             
**** 


ક્યા હૈ તેરા ગમ બતા 
Shared with Public
નિર્માતા તરીકે શશી કપૂરે જે કેટલીક નોંધપાત્ર ફિલ્મો બનાવી તેમાં શ્યામ બેનેગલ નિર્દેશીત 'કલયુગ' (1981) નો ઉલ્લેખ કરવો જ પડે. કોર્પોરેટ જગત અને કૌટુંબિક કાવાદાવાઓની પૃષ્ઠભૂમિ ધરાવતી આ ફિલ્મની કથાને મહાભારતની આધુનિક આવૃત્તિ સાથે સરખાવવામાં આવી હતી.
વનરાજ ભાટિયા અસલમાં શાસ્ત્રીય સંગીતનો જીવ, પણ તેઓ તાલિમબદ્ધ થયા પાશ્ચાત્ય સંગીતમાં. આથી તેમણે બન્ને પદ્ધતિની શ્રેષ્ઠતાઓ હસ્તગત કરી. રાજ્યસભા ટી.વી. પરના તેમના ઈન્ટરવ્યૂમાં તેમણે 'મેલડી' અને 'હાર્મની' વચ્ચેનો તફાવત એક ઉત્તમ શિક્ષકની જેમ સમજાવ્યો છે. એ પણ નવાઈની વાત કહેવાય કે આવા સંગીતકારના ભાગે ગીતો સ્વરબદ્ધ કરવાનાં સાવ ઓછાં આવ્યાં. મુખ્યત્વે કળાફિલ્મોના સંગીત નિર્દેશક તરીકે તેમની ઓળખ સીમિત થઈ ગઈ. તેમણે કરેલી ફિલ્મોની સંખ્યા કરતાં તેમણે સ્વરબદ્ધ કરેલાં ગીતોની સંખ્યા ઓછી છે. આવો દાખલો કદાચ એકમેવ તેમનો જ હશે.
શાસ્ત્રીય અને લોકસંગીત પરની હથોટીનો પરચો તેમનાં ઘણાં ગીતોમાં સાંભળવા મળ્યો. ત્યારથી મને થતું હતું કે તેમણે પાશ્ચાત્ય સંગીતવાળું કોઈ ગીત બનાવ્યું હશે કે કેમ. એ વખતે 'કલયુગ'નું આ ગીત યાદ આવ્યું. બલદેવ ટંડનના શબ્દોને પ્રીતિ સાગર પાસે તેમણે ગવડાવ્યા છે. તદ્દન પશ્ચિમી ધૂનવાળા આ ગીતમાં વનરાજ ભાટિયાએ પોતાની આગવી છાપ ઉપસાવી છે. આ ગીતનાં પ્રીતિ સાગર જાણે કે 'મંથન' કે 'ભૂમિકા'નાં પ્રીતિ સાગર કરતાં સાવ અલગ જ હોય એમ લાગે. તેમના સ્વરની તાજગી કર્ણાકર્ષક છે.


**** 
પૃથ્વી કા કૌન હૈ કર્તા.... 


Shared with Publicદૂરદર્શન પરથી પ્રસારિત થયેલી શ્રેણી 'ભારત એક ખોજ' કદાચ અભૂતપૂર્વ ગણાવી શકાય એવી હતી. જવાહરલાલ નહેરુની જન્મશતાબ્દિ નિમિત્તે દૂરદર્શને પોતે આ શ્રેણીનું નિર્માણ કર્યું, જેના દિગ્દર્શનની જવાબદારી શ્યામ બેનેગલને સોંપવામાં આવી. જવાહરલાલ નહેરુ લિખિત અદ્ભુત પુસ્તક 'ડીસ્કવરી ઑફ ઈન્ડિયા'ને એ રીતે નાનકડા પડદે ચિત્રિત કરવાનું નક્કી થયું, જે કુલ બાવન હપ્તામાં પથરાયેલું હતું.
ભારતમાં આર્યોના આગમનથી લઈને દેશની સ્વતંત્રતા ચળવળ સુધીના ઈતિહાસને આટલા હપ્તામાં આવરી લેવાનો હતો. દરેક હપ્તો એકબીજાથી સાવ અલગ સમયગાળો, પાત્રો અને કથાવસ્તુ દર્શાવતો હોય એવો હતો. રામાયણ, મહાભારત, બુદ્ધ, મૃચ્છકટિકમ, ચાણક્ય, કાલિદાસ, ટીપુ સુલતાન, સમ્રાટ અશોક, હર્ષ, પૃથ્વીરાજ ચૌહાણ, શિવાજી, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ જેવા અનેકાનેક વિવિધ વિષયોને કુશળતાપૂર્વક દર્શાવવામાં શ્યામ બેનેગલે કમાલ કરી હતી.
તેની કથનશૈલી એ રીતે હતી કે નહેરુની ભૂમિકા ભજવતા રોશન શેઠ પોતાનું દર્શન રજૂ કરે અને હપ્તો શરૂ થાય. નહેરુ વચ્ચે વચ્ચે પણ દેખા દે. થોડો ભાગ નહેરુ બોલે, અને કથન લાંબું હોય તો તે ઓમ પુરીના અવાજમાં આગળ વધારવામાં આવે.
1989માં પહેલી વાર પ્રસારિત થયા પછી અનેક વાર આ શ્રેણી દૂરદર્શન કે મેટ્રો ચેનલ પરથી પ્રસારિત થઈ.
નહેરુને પડદા પર દેખાડાતા હોવાને કારણે ઘણા બધા લોકો એવા હતા કે જેમણે આ સિરીયલ જોવાનું માંડી વાળેલું. હવે તો આ શ્રેણી સી.ડી. સ્વરૂપે ઉપલબ્ધ છે, અને તેના મોટા ભાગના હપ્તા યૂ ટ્યૂબ પર સુલભ છે.
1989માં આ શ્રેણી આવતી ત્યારે અમે શક્ય હોય ત્યાં સુધી તેને જોતા. ત્યાર પછી એક વિચાર આવ્યો કે આનું રેકોર્ડિંગ કરીએ. રેકોર્ડિંગ માટે વી.સી.આર. અને વિડીયો કેસેટની જરૂર પડે. વી.સી.આર. લાવવાનો જોગ હતો નહીં, તેથી અમે કોરી વિડીયો કેસેટ ખરીદતા અને વડોદરા હું જેમને ત્યાં રહેતો એ હેમંતભાઈ ઊપાધ્યાયના પાડોશી નીતિનભાઈ છાયાને આપી રાખતો. નીતિનભાઈ યાદ રાખીને આ શ્રેણીનું રેકોર્ડિંગ કરતા. 120 મિનીટની એક કેસેટમાં આશરે અઢીથી ત્રણ હપ્તા સમાઈ શકતા. (પછી કદાચ બિનીત મોદીને એ કામ સોંપેલું એવું આછું યાદ છે.)
જો કે, એ વિડીયો કેસેટ જોવાનું કદી બન્યું નહીં. હવે તો એની ડી.વી.ડી. પણ છે, અને યૂ ટ્યૂબ પર આસાનીથી જોઈ શકાય છે. એટલે મન પડે ત્યારે કોઈ પણ હપ્તો જોઈ લેવાનું મન હજી થયા કરે છે.
આ શ્રેણી પ્રસારિત થતી હતી ત્યારે શ્યામ બેનેગલથી અતિ પ્રભાવિત થયેલા હું અને ઉર્વીશ અમારી મુંબઈ મુલાકાત દરમિયાન તેમને મળવા ગયા હતા. એ રસપ્રદ મુલાકાતની થોડી તસવીરો ઉર્વીશે તેના બ્લોગ પર http://urvishkothari-gujarati.blogspot.in/2010/05/400.html મૂકેલી છે. તેની વાતો ફરી ક્યારેક.
આ શ્રેણીમાં અમને સૌથી વધુ આકર્ષી ગયું હોય તો તેનું સંગીતનું પાસું. સ્વાભાવિકપણે જ તે વનરાજ ભાટિયાએ સંભાળેલું. તેનાં શરૂઆતનાં અને અંતિમ ટાઈટલ એક એવો માહોલ ઊભો કરી દેતા કે તમે અધવચ્ચે ઊભા થઈ જ ન શકો.
નહેરુના પ્રતિક જેવા એક ગુલાબની છબિ પર ટાઈટલ આરંભાતા અને સમાપન પણ થતું. કોરસમાં વેદની ઋચાઓનું ગાન સંસ્કૃતમાં શરૂ થતું, અને પછી વસંત દેવે કરેલો તેનો હિન્દી અનુવાદ આરંભાતો. આરંભ અને સમાપનમાં શૈલી એક હોવા છતાં તે અલગ હતાં. સમાપનનાં ટાઈટલ પૂરાં ન થાય ત્યાં સુધી તે જોવા ફરજિયાત બની રહેલા. આરંભના ટાઈટલ તો એવા મોઢે થઈ ગયેલા કે ખબર જ હોય કે વસંત દેવનું નામ આવે એ પછી સંગીત ગતિ પકડશે. તેનો હિન્દી અનુવાદ પણ મોઢે થઈ ગયેલો અને ક્યારેક 'સૃષ્ટિ કા કૌન હૈ કર્તા' જેવી પંક્તિ લલકારી પણ દેવાતી.
વનરાજ ભાટિયાએ સંગીતકાર તરીકે દાખવેલી કમાલ માત્ર આ સીધાસાદા જણાતા ટાઈટલ સાંભળતાં ખ્યાલ આવી જશે. આગળ જતાં શરૂ થયેલી શ્રેણી 'ચાણક્ય'માં પણ આ જ શૈલી અપનાવાયેલી.
અહીં આ શ્રેણીના ટાઈટલ અને અંતમાં આવતા, તેમજ એ ઉપરાંતના ઋચાગાનની લીન્ક આપી છે, જે આ શ્રેણીના પહેલા હપતામાં હતું. 



**** 
ઓ રબ્બા...
દૂરદર્શનના સુવર્ણયુગમાં પ્રસારિત થયેલી સિરીયલ 'તમસ' સૌને યાદ હશે. એક એક કલાકના કુલ પાંચ હપ્તા દર શનિવારે રાત્રે પ્રસારિત થતા ત્યારે ટી.વી.ની સામે રીતસર ચોંટી જવાતું. ભીષ્મ સાહનીની નવલકથા 'તમસ' પરથી ગોવિંદ નિહલાણીએ દિગ્દર્શીત કરેલી આ શ્રેણી પ્રસારિત થયા અગાઉ વિવાદાસ્પદ બની હતી અને જસ્ટિસ સુજાતા મનોહર તથા બખ્તાવરની બેન્ચે તેને જોઈને તેને પ્રસારિત કરવાનો ચુકાદો આપ્યો હતો. ત્યાર પછી થિયેટરમાં તે ત્રણ કલાકની ફિલ્મ તરીકે પ્રદર્શિત થઈ હતી, પણ તેમાં આડેધડ કાપકૂપ હોવાથી મઝા નહોતી.
આ શ્રેણીનાં અનેક દૃશ્યો મન પર અમીટ બની રહ્યાં છે, પણ તેનું નામ લેતાં સૌથી પહેલું યાદ આવે તેનું ટાઈટલ મ્યુઝીક. 1947ના વિભાજનની પૃષ્ઠભૂમિ પર બનેલી આ શ્રેણીમાં વિભાજનને કારણે પેદા થયેલી ત્રાસદી, વેદના, પીડા, માનવમાં પ્રગટી ઊઠેલી દાનવતા વગેરે કેન્દ્રસ્થાને હતાં. બિલકુલ આ જ ભાવોને શિર્ષક સંગીતમાં આબેહૂબ તાદૃશ્ય કરાયા હતા. 'ઓ રબ્બા'નો આર્તનાદ સાંભળતાં જ રુંવાડાં ઊભા થઈ જાય એવી વેદના, વિષાદ અને વ્યગ્રતા તેનાથી પેદા થતાં હતાં.
આવું અનોખું શિર્ષક સંગીત ભાગ્યે જ કોઈ ટી.વી.શ્રેણીનું બન્યું હશે.
આજે પણ તેને સાંભળતાં એ જ લાગણી અનુભવાય છે.
અહીં પ્રસ્તુત છે તેનું શિર્ષકસંગીત.


****

બરસે ઘન સારી રાત 
પ્રચંડ પ્રતિભાશાળી, પણ વીસરાયેલા, ઉપેક્ષિત અને બે એક વરસ અગાઉ એ જ કારણે પ્રસાર માધ્યમોમાં ચમકેલા પ્રિય સંગીતકાર વનરાજ ભાટિયાએ 93 વર્ષે વિદાય લીધી.
આટલી પાકટ વયે, અને આ અવસ્થાએ વિદાય લેનાર સંગીતકારને સાચી શ્રદ્ધાંજલિ તેમનાં ગીતો કે સંગીત દ્વારા જ હોય. કુમાર સાહની દિગ્દર્શીત ફિલ્મ 'તરંગ'નું લતા મંગેશકર દ્વારા ગવાયેલું આ ગીત સાંભળતા તેમની કાબેલિયતનો અંદાજ આવશે! આ દિવ્ય ગીત કદી ડબ્બામાંથી બહાર જ નીકળી ન શક્યું. લતા મંગેશકરે પોતાનો સુવર્ણ યુગ વીતી ગયા પછી ગાયેલાં અત્યંત અદ્‍ભુત ગણતરીનાં ગીતોમાં આ બેશક સ્થાન પામે એવું છે. 



**** 
સંતાન પર વધુ અધિકાર કોનો? માતાનો કે પિતાનો? નાનકડી ઈન્દુને તેની મા નિરૂપમા ચિત્રકાર બનાવવા ઈચ્છતી હોય છે. પિતા કૅપ્ટન હરિનાથ ઈચ્છે છે કે ઘરના બંધિયાર વાતાવરણમાંથી બહાર નીકળીને દીકરી કોલકાતા જેવા મોટા શહેરમાં જાય અને ભણેગણે. મા પોતાની દીકરી પરના અધિકારને, માલિકીભાવને કોઈ પણ ભોગે છોડવા નથી માગતી. પતિ અને પત્ની વચ્ચે દેખીતો વિસંવાદ છે. કૅપ્ટન હરિનાથ વૈજ્ઞાનિક સંશોધન પણ કરતા હોય છે. સ્ટ્રોબોસ્કોપ વડે અવકાશી પદાર્થોના ટુકડા અંગેની વિગતો મેળવે છે. નિરૂપમા ડૉ.સેનને કહે છે કે પતિ માઈક્રોસ્કોપની મદદથી દૂરના અવકાશી પદાર્થો નિહાળી રહ્યા હોવાનો દાવો કરે છે. આખરે નિરૂપમા પોતાનું ધાર્યું કરાવવા માટે પોતાના પતિના મનમાં શંકાનું બીજ રોપી દે છે કે પુત્રી ઈન્દુના પિતા અન્ય કોઈ વ્યક્તિ છે. આ બીજ ફાલીને વૃક્ષ બનવા લાગે છે ત્યારે નિરૂપમા સોગંદ ખાઈને કહે છે કે કૅપ્ટન જ ઈન્દુના પિતા છે. પણ કૅપ્ટનની મનોદશા ત્યારે શંકાશીલ બની ચૂકી હોય છે. માઈક્રોસ્કોપવાળાં તેમજ અન્ય ઉદાહરણો દ્વારા ડૉ. સેનના મનમાં પોતાના પતિ પાગલ હોવાનું ઠસાવવામાં નિરૂપમા સફળ થાય છે, નિર્બળ, નાજુક, નમણી દેખાતી નિરૂપમા વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે આખરે અન્ય સૌની નજરમાં જ પતિને પાગલ ઠરાવી દે છે. કડક, કઠોર દેખાતા કૅપ્ટન પડી ભાંગે છે.
માત્ર એક જ સેટ પર ફિલ્માવાયેલી આ ડાર્ક કથા હકીકતમાં સ્વિડીશ નાટ્યકાર ઑગષ્ટ સ્ટ્રીન્ડબર્ગના વિખ્યાત નાટક 'ધ ફાધર'નું ફિલ્મી પડદે રૂપાંતર છે. વિજય ભગત, શિખા રાય અને ઈરફાન જેવા પ્રમાણમાં ઓછા જાણીતા કલાકારોએ વિવિધ ભૂમિકા ભજવી છે. સત્યદેવ દુબે અને દીના પાઠક પણ એક ભૂમિકામાં છે. ગોવિંદ નિહલાણી દિગ્દર્શીત 'પિતા' ફિલ્મની આ વાત છે, જે 1991માં રજૂઆત પામી હતી. ફિલ્મની પૃષ્ઠભૂમિ બંગાળી બતાવી છે.
સામાન્ય રીતે ટાઈટલ મ્યુઝીકની આ શ્રેણીમાં ફિલ્મની કથા અંગે હું ખાસ જણાવતો નથી. પણ મને લાગે છે કે આ ફિલ્મમાં એક અગત્યનું પાત્ર છે તેનું સંગીત. વનરાજ ભાટિયાનું સંગીત સમગ્ર ફિલ્મમાં એ રીતે પૂરક બની રહે છે કે જાણે દર્શકના મન પર આવનારા ભાવિનો ઓથાર છવાયેલો રહે. મેં તો કમ્પ્યુટરના પડદે જોઈ છતાં મને એમ અનુભવાયું. કદાચ મોટા પડદે એ વધુ ઘેરી અસર ઉપજાવતું હશે. આ પ્રકારના સંગીતમાં વનરાજ ભાટિયા બહુ જ કુશળ છે. એનો અનુભવ 'ખામોશ', 'જુનૂન' અને 'તમસ' જેવી ફિલ્મોમાં થઈ ચૂક્યો છે.
'પિતા'ના ટાઈટલ મ્યુઝીકનું વર્ણન કરવું મુશ્કેલ છે. ક્રમબદ્ધ રીતે ઘેરા અને ઉદાસ સૂરો જાણે કે આગળ વધતા હોય એમ લાગે છે. (આ મારું અર્થઘટન છે. જાણકાર મિત્રો વધુ પ્રકાશ પાડશે તો આનંદ) વાતાવરણ બોઝિલ બનતું જતું હોય એમ અનુભવાતું જાય છે, જે કદાચ ટાઈટલમાં જ ફિલ્મની કથાના વાતાવરણનો આભાસ ઊભો કરે છે.
અહીં આપેલી આખી ફિલ્મની લીન્ક ત્રણ ભાગમાં છે. પહેલા ભાગમાં ફિલ્મના આરંભે 0.00 થી 1.42 સુધી ટાઈટલ મ્યુઝીક છે.


ત્રીજા ભાગના અંતે 12.39થી 14.20 સુધી ટાઈટલ મ્યુઝીક છે, જે ફિલ્મના કરુણાંતને વધુ ઘેરો બનાવે છે.


****
તેમનો ઈન્ટરવ્યૂ લેવો બહુ અઘરો છે. એમ કેમ એ તો રાજ્યસભા ટી.વી.પરનો આ પચીસેક મિનીટનો ઈરફાને લીધેલો ઈન્ટરવ્યૂ જોશો તો સમજાઈ જશે.
સંગીતનું પદ્ધતિસર શિક્ષણ પામેલો માણસ કશી સ્ટાઈલબાજી કે ફાંકા ફોજદારી વિના, માત્ર પોતાની પ્રતિભાના જોરે, કાણાને કાણો કહી દેવાની- આ લાઈનમા જરાય ન ચાલે એવી ખાસિયત છતાં સંગીતકાર બને અને વિષયની રીતે પડકારજનક કહેવાય એવા સમાંતર સિનેમાની ફિલ્મોમાં સંગીત આપે, ગીતો બનાવે, એવી ફિલ્મો જેમાં ગીતોની સિચ્યુએશન જ ન હોય, માત્ર પાર્શ્વસંગીત જ હોય, ફિલ્મમાં એકલદોકલ ગીત હોય તો પણ તેને ત્રણ કટકે પડદે દેખાડવામાં આવ્યું હોય...છતાં તેનાં ગીતો એક વાર સાંભળ્યા પછી સતત મનમાં ગૂંજતાં રહે, સંગીતની અસર એવી થાય કે બેઠક સાથે ચોંટી જવાય....
વનરાજ ભાટિયાનો આ ઈન્ટરવ્યૂ અડધો કલાક કાઢીને જોવા જેવો છે. બમ્બૈયા ગુજરાતી હિન્દીમાં તેમનો મિજાજ બરાબર દેખાય છે. એ સાંભળ્યા પછી તેમનાં ગીતો સાંભળવાની ઈચ્છા થાય તો યૂ ટ્યૂબ હાજરાહજૂર છે.



તેમનો વિષાદયોગ અને ઉપેક્ષિત અવસ્થા જોતાં તેમનો છૂટકારો થયો એમ કહી શકાય, પણ તે જે આપીને-મૂકીને-સર્જીને ગયા છે એ આખો એક યુગ હતો!

(નોંધ: ફેસબુક પર વનરાજ ભાટિયાનાં ગીતો વિશે વખતોવખત કશુંક મૂકતો રહ્યો હતો. એ તમામ પોસ્ટનું અહીં સંકલન કરીને એક સાથે તેનો આસ્વાદ માણી શકાય એ રીતે મૂકી છે.) 

No comments:

Post a Comment