Friday, October 7, 2011

મોહમાયામેં ક્યા પાયા?


 "કયા લાઉં, સા?" સામે ઉભેલા વેઇટરે મને પૂછયું એ સાથે જ ટાવર કપાઈ ગયો. હોટેલની ખુરશી પર બેઠા બેઠા હું અર્ધમીંચેલી આંખે મારા ગુરુદેવ સાથે ડાયરેકટ ડાયલીંગ કરવાનો પ્રયત્ન કરતો હતો, ત્યાં આ વિઘન આવ્યું. મારા દિમાગમાં લાલપીળી બત્તીઓ ઝબૂકવા માંડી. આખી સરકીટ ખોરવાઈ ગઇ. પણ મનોમન ગુરુદેવને સ્મરીને કંઈ બોલ્યા વિના મેં એમની સાથે રીડાયલ કરવાનો પ્રયત્ન કરવા માંડયો. વેઇટરને આ જોઇને લાગ્યું હશે કે હજી શું મંગાવવું તે હું વિચારી રહ્યો છું. આથી તેણે જવાની તૈયારીરુપે પીઠ ફેરવી અને ચાલવા માંડયું. માંડ બે ડગલાં ગયો હશે કે મેં અધખુલ્લી આંખે, જરા ઘેરા અવાજે કહ્યું, "ઠેર જાવ." મારા અવાજની ઘેધુરતાથી મને પોતાને નવાઈ લાગી. તેમાં એટલી તીવ્રતા હતી કે વેઇટરના પગમાં પંકચર પડી ગયું હોય એમ આંચકો ખાઇને તે ત્યાં જ જડાઈ ગયો. પંક્ચર પડેલા વાહનને ઢસડીને નાયર પાસે લઈ જઇએ, એમ એ ઘસડાતા પગે મારી તરફ પાછો ફર્યો.
મને થયું કે અધખુલ્લી આંખે, ઘેઘુર સ્વરે, હિંદીમાં બોલવા માત્રથી આપણા શબ્દોમાં કેટલું વજન આવી જાય છે ! મેં તો ફકત બે-ચાર મિનીટ જ આંખો અધખુલ્લી રાખી હતી, જયારે ગુરુદેવ તો ચોવીસ કલાકમાંથી એકવીસ કલાક આંખો અધખુલ્લી  જ રાખતા. તેઓશ્રી કહેતા, " આ જગતને ખુલ્લી આંખે જોવાનો આપણને ખોટો મોહ હોય છે. આપણી આસપાસ એટલી બધી માયા વ્યાપેલી છે કે તેમાંથી અડધીઅડધ ચીજો આપણા માટે નિરર્થક હોય છે. માટે આપણે અડધી ખુલ્લી આંખે જોઇએ તો પણ આપણને સંપૂર્ણ દર્શન જ થશે." ગુરુદેવની વાતો મોટે ભાગે સમજાતી નથી હોતી, એમને પૂછીએ તો સમજાવે ખરા. પણ એ તો ઓર અઘરું પડે. એટલું સમજાઈ ગયેલું કે ગુરુદેવવાણી સત્ય જ હોય. આપણા સૌના માટે થઈને એ પોતાની જાતને કેવી કેવી કસોટીએ ચડાવતા હોય છે અને કષ્ટ વેઠતા હોય છે, પછી આપણે શા માટે એ કહે એના અરથ શોધવા જવું ? એને બદલે એ કહે એ જ માની લેવામાં વધારે સાર છે, પ્યાર છે અને તીર આરપાર છે. લે, આ તો ગુરુદેવ જેવું બોલાઈ ગયું. .(આનો અર્થ શો થાય એ તો પાછું એમને જ પૂછવું રહ્યું.) એમના નામનો પ્રભાવ જ એવો છે. બે-ચાર મિનીટ મારી આંખો ગુરુદેવની માફક અધખુલ્લી રાખતાં એનો પરચો મને તરત જ મળી ગયો. હવે ધીમે ધીમે આની પ્રેકટિસ વધારતા જવું પડશે.
મારા સીગ્નલ ખોરવનારા પેલા વેઇટરે મારા ટેબલ પાસે આવીને પૂછયું, "હાં જી, સાબ. કહીયે, કયા લાઉં?" મેં જવાબ આપવાને બદલે ગુરુદેવની જેમ સામો સવાલ કર્યો, " ઈસમેં સે કયા કયા મિલેગા ?" જો કે, આટલું કહ્યા પછી મારી આંગળી મેનુમાં પંજાબી વરાયટીઝલખેલા પાના પર મૂકી, કેમ કે, મારે કંઈ એને ચૂપ નહોતો કરવો, બલ્કે એની પાસેથી જવાબ મેળવવાનો હતો. ગુરુદેવ ધણી વાર મજાકમાં કહેતા કે બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડતા હૈ’. એમ હોટલમાં જઇએ તો ઓર્ડર આપતાંય હિન્દીમેં બોલના પડતા હૈ. પેલા વેઇટરે કહ્યું, "સબ કુછ મિલેગા, સાબ." આવું બોલનાર વેઇટરના ચહેરા સામું મેં ઘડીભર જોયું. તેના ચહેરા પર જરાય તેજ નહોતું, પણ તેના માથા પાછળથી આવતો પ્રકાશ તેની દિવ્યતામાં વધારો કરતો હોય એવું મને લાગ્યું. સત્ય ભલે ને ગમે તેટલું નાનું હોય, પણ તે બોલનારને દિવ્ય આભા અર્પે છે, એ સત્ય મેં અનુભવ્યું. મેનુ પર મેં બતાવેલી ચીજો જોવા તે નીચો નમ્યો ત્યારે મેં જોયું કે એ પ્રકાશ ભીંત પરના પીળા બલ્બમાંથી આવતો હતો. સત્યના તેજમાં બલ્બનો પ્રકાશ ભળે તો એની આભા કેવી હોય ? મેં એ આભાથી અંજાયા વિના કહ્યું," યે સભી પંજાબી આઇટમ લેકે આઓ, ઠીક હૈ?" આ સાંભળીને વેઇટર મૂંઝાયો હોય એમ લાગ્યું. એ સહેજ નીચો નમ્યો અને તેનું નાક મારા મોંની નજીક લાવ્યો. મને લાગ્યું કે એ મારું મોં સૂંઘવા પ્રયત્ન કરી રહ્યો છે. પણ એણે સાવ ધીમેથી પૂછયું, " ઔર કોઈ આનેવાલા હૈ, સા?" આપણું મોં કોઈ સૂંઘે એ હજી ચલાવી લેવાય, પણ આવી વાયડાઈ કરે એટલે આપણી બેટરી ઓવરચાર્જ થઈ જાય. અને બેટરી ઓવરચાર્જ થઈ એટલે ખલાસ! સામે ઉભેલાને વીજળીનો આંચકો જ લાગે. અને આંચકાની અસર અંગ્રેજીમાં વધારે સારી રીતે દેખાડી શકાય. હું બરાડ્યો, " ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. જસ્ટ ગો એન્ડ બ્રીન્ગ ધ થીંગ્સ આઈહેવ ઓર્ડર્ડ, સમજ ગયે?" વેઇટરો અંગ્રેજી સાંભળવા ટેવાયેલા હોય છે, ભલે ને એમને એમાં સમજણ ન પડે. પણ અહીં એને સમજણ પડે એ જરુરી હતું, એટલે મેં સેકન્ડ ઓપ્શન તરીકે હિન્દીનો સહારો લીધો."તુમકો ઇસસે કયા પંચાત ? તુમ જાઓ ઔર મેંને બોલા હૈ વો લેકે આઓ, અન્ડરસ્ટેન્ડ?" હવે પેલો સમજયો હોય એમ લાગ્યું. મારા શબ્દોથી ગોળીબાર થતો હોય એમ લગભગ તેણે દોટ મૂકી. મેં દૂરથી જ તેને બૂમ પાડીને પૂછયું, "કિતના ટાઇમ લગેગા ?"  "જી, આધા ધંટા." મારી સામે નજર પણ નાંખ્યા વિના એણે જવાબ આપ્યો અને દિવાલ પછી દેખાતા એક ખાંચા તરફ વળી ગયો.રસોડા તરફ જ હશે.
તેના ગયા પછી મેં ટેબલ પર પડેલો ઠંડા પાણીનો પ્યાલો ઉપાડયો અને ઘૂંટડો ભર્યો. ઠંડુ પાણી પેટમાં ગયું એટલે તેની ઠંડક છેક મગજ સુધી પહોંચી. મગજ ઠંડુ થયું એટલે મન પણ શાંત થયું અને મનની શાંતિની એ અવસ્થામાં સ્મરણ થયું ગુરુદેવનું. ગુરુદેવે કહેતા, "ક્રોધ પણ એક પ્રકારનો મોહ છે. તમે એક વાર ક્રોધ કરવા માંડો એટલે તમને એની માયા થઈ જાય છે. ક્રોધનો ત્યાગ એટલે મોહનો ત્યાગ અને મોહનો ત્યાગ એટલે માયાનો ત્યાગ. છતાં તમારાથી કોઈની પર ક્રોધ થઈ જ ગયો હોય તો તરત તેની માફી માંગી લેતાં અચકાવું ન જોઇએ." મને યાદ આવ્યું કે એક વાર ગુરુદેવે મંડપ બાંધનારા એક છોકરાને ગાલ પર તમાચો મારી દીધેલો. પેલો તો અબુધ જુવાનિયો. એને ગુરુદેવના વર્તનનું રહસ્ય ક્યાંથી સમજાય? એમની ટપલી ખાવાય લોકો તરસતા હોય, જ્યારે આને તો તમાચો પડેલો. પણ એ અબુધે તો મંડપ બાંધવાનો વાંસડો જ ઉગામેલો. ચાર જણે પકડી રાખવો પડેલો એને. અને ગુરુદેવ? એ તો જાણે કંઈ જ બન્યું ન હોય એમ શાંત, અવિચળ, નિશ્ચલ ઉભા રહેલા. એમણે સાવ ઠંડકથી, કંઈ જ બન્યું ન હોય એમ કહ્યું, બેટા, સોરી. પછી આશ્રમના મેગેઝીન ગુરુપ્રસાદીમાંય આ કિસ્સો છપાયેલો.એમાં લખેલું કે ગુરુદેવની દૃષ્ટિથી પેલો છોકરો ત્યાં ત્યાંનો ત્યાં જ જડાઈ ગયેલો. થતું હોય છે આવું ક્યારેક. આપણે આવા પ્રસંગે હાજર હોઈએ, છતાંય આપણી સાંકડી દૃષ્ટિને લઈને અમુક જ બાબત દેખાય.
આ વાત યાદ આવતાં મને મારી પોતાની પીઠ થાબડવાનું મન થઈ ગયું. કેવા યોગ્ય ટાણે મને આ પ્રેરક પ્રસંગ યાદ આવી ગયો. અને ગુરુદેવ પણ મેં કેવા પસંદ કર્યા છે. સબ મર્ઝકી દવા એમની પાસે છે.
મારું ચિત્ત હવે સંપૂર્ણ શાંત થઈ ગયું અને મેં આખો ઘટનાક્રમ રીવાઇન્ડ કર્યો. શું હતું મારા ક્રોધનું મૂળ ? મૂળ તો હું અહીં આવેલો ભોજનના મોહનો અને સ્વાદની માયાનો ત્યાગ કરવા, પણ ગુરુચીંધ્યા માર્ગે. મને કચકચાવીને ભૂખ લાગી હતી. આ અવસ્થામાં મેનુમાંની તમામ વાનગીઓ મારા ટેબલ પર મૂકાવવી. એ પછી એમાંથી એકેય ચાખવી સુધ્ધાં નહીં અને તમામનું બીલ ચૂકવીને બહાર નીકળી જવું- આટલો હતો મારો કાર્યક્રમ. નજરની સામે જ નિમિત્ત હોય અને તેનો ત્યાગ કરો ત્યારે જ મોહ અને માયા છૂટયાં કહેવાય. આ મારી નહીં, પણ ગુરુદેવની ગુરુચાવી હતી. મેં ધાર્યું હોત તો એકાદી આઇટમ મંગાવીને ન ખાધી હોત તો  ચાલી જાત. પણ આપણું એવું ખરું કે ત્યાગ જ કરવો તો જરા ભવ્ય કરવો. સાદગીપૂર્વકના ત્યાગની કિંમત કેટલી હોય? એકાદ પનીર ભુરજી કે મીકસ વેજની પ્લેટ અને થોડી રોટી જેટલી ! આવા નાના ત્યાગમાં તો આપણો મોહ દેખાઈ આવે છે. આપણો મોહ અને માયા જેટલા વધુ, એટલો ભવ્ય એનો ત્યાગ પણ હોવો જોઇએ !
મને આ બધું વિચારીને થયું કે ગુરુદેવ, યુ આર રીયલી ગ્રેટ ! તમે અમને કેટકેટલું શીખવતા આવ્યા છો. અને કશીય અપેક્ષા વિના. તમે અમારા જેવા ભકતોની કારમાં ફરો એ તો અમારી અપેક્ષા છે, જેને તમે મોહ કહો છો. અમે પહેલા બોન્સાઈ સાઈઝના મોહનો ત્યાગ કરતાં તો શીખીએ, ત્યાર પછી જાયન્ટ સાઈઝના મોહનો વારો. કોને ખબર એમાં જિંદગી આખી પણ નીકળી જાય, કેમ કે ગુરુદેવ આજકાલ કરતાંય પાંસઠના થયા. ઠીક છે, ચાલો, મને હવે મારા ક્રોધનું પ્રાયશ્ચિત કરવાનો માર્ગ એમણે જ બતાવી દીધો હતો. હું ઝડપથી ઉભો થયો અને દીવાલ વટાવીને ખાંચા તરફ આવેલા કાઉન્ટર પર જઇને પૂછયું, "કિચન કિધર હૈ, ભાઇ?" કાઉન્ટર પર બેઠેલા ભાઇએ કશું બોલ્યા વિના આંગળી ચીંધી ત્યારે મને સામે આવેલો દાદર દેખાયો. હું બેઠો હતો ત્યાંથી એ નજરે પડે એમ નહોતો. એક બારણું સીધું ઉપર જવાય એ રીતે પણ પડતું હતું. દાદરનાં એ પગથિયાં મને અધ્યાત્મમાર્ગના ચરમ શીખરે દોરી જશે એવું લાગ્યું. હું બબ્બે-ત્રણ ત્રણ પગથિયાં કૂદાવતો ઉપર ચડવા લાગ્યો. ના રે, અધ્યાત્મશીખર પર ઝંડો લહેરાવવાની મને ઉતાવળ નહોતી. મારે તો પેલા વેઇટરની મેં કરેલા ક્રોધ બદલ માફી માંગવી હતી. મારા મોહ અને માયાનો ત્યાગ કરી બતાવવો હતો. એક જાતના સત્યના પ્રયોગો જ હતા એ, પણ હજી જરા ખાનગી રાહે હતા. આપણે કયાં ચોપડું લખવાનું કે લખાવવાનું હતું. આપણે તો ગુરુદેવના લખેલાં ચોપડાં વસાવીએ એટલું ઓછું છે? એને માથા નીચે મૂકીને સૂઈ જઈએ તો પણ એમાંનું સત્વ સીધું મગજમાં ઉતરી જાય એટલું સરસ લખાણ એમાં હોય છે. જો કે,મેં વાંચ્યું નથી, પણ એના પ્રિન્ટીંગ અને પેપરની કવોલિટી પરથી જ દેખાઈ આવે છે. અને આટલી મોંઘી છપાઈ છતાંય એની કિંમત તો સાવ મામૂલી. અમસ્તા આટલા બધા લોકો એ ખરીદતા હશે? ખોટું નહીં કહું, ગુરુદેવે લખેલી એકે એક ચોપડીઓની ત્રણ ત્રણ નકલ મારા ઘરમાં હોય. એક મેઈન રૂમ માટે, એક બેડરૂમ માટે અને ત્રીજી એકસ્ટ્રા.
આવું વિચારતો ઉપરના માળે પહોંચ્યો ત્યાં તો નીચે હતો એટલો જ મોટો ડાઇનીંગ હોલ મારી નજરે પડયો. પૃથ્વીલોક વટાવ્યા પછી ઘેરા, અગમ અંધકારની કલ્પના કરી હોય તેને બદલે સ્વર્ગલોકનાં દર્શન થઈ જાય એવું આ દ્દશ્ય હતું. આછો ઉજાસ હતો. ધીમા અવાજે પણ ધમાલિયું સંગીત વાગી રહ્યું હતું. બે ઘડી હું ઉભો રહી ગયો અને મારી આંખોને આછા પ્રકાશમાં ટેવાવા દીધી. મને ખ્યાલ આવ્યો કે પહેલી નજરે સાવ ખાલી જણાતા આ હોલમાં ઘણા બધા લોકો બેઠેલા હતા, એટલું જ નહીં અમુક લોકો તો  કંઇક ખાઈ પણ રહ્યા હતા. ભકતની કસોટી લેવા માટે ભગવાન માયાવી સૃષ્ટિ ખડી કરી દે એવી આ જગા લાગતી હતી.
આ સૃષ્ટિની પેલે પાર છેવાડે એક બારણું નજરે પડતું હતું અને તે વારેઘડીયે ઉઘાડબંધ થતું હતું. અનેક વેઇટરો ખાલી કે ભરેલી ટ્રે સાથે તેમાંથી અવરજવર કરી રહ્યા હતા. એ જ હતી મારી મંઝીલ. પણ મારે મારાવાળા વેઇટરને શોધવો શી રીતે ? યુનિફોર્મમાં તો બધા વેઇટરો સરખા જ લાગતા હતા. દમયંતીના સ્વયંવરમાં  જેમ બધા રાજાઓના ચહેરા નળરાજા જેવા લાગતા હતા એવું જ અહીંયા હતું. અને મારે તો જેને શોધવાનો હતો એનું નામ સુદ્ધાં મને ખબર નહોતી. હા, નિશાનીરુપે મેં આપેલો ઓર્ડર કહી બતાવવાથી કદાચ કોઈ કહી શકશે કે એ વેઈટર કયો છે. એક પછી એક ટેબલ વટાવતો હું ઝડપભેર મારી મંઝિલ તરફ આગળ વધવા લાગ્યો. વચ્ચે એક-બે વેઈટરો મળ્યા. મેં તેમના ચહેરા સામું તાકીને જોયું, પણ એ લોકો ઉલ્ટાનું મારી સામું તાકી રહ્યા, એટલે ખબર પડી કે આ આપણાવાળા નથી.
એટલામાં કયાંકથી બૂમ પડી, " અરે , સંદીપભાઇ?"  આ તો મારા જ નામની બૂમ, પણ મને અહીં કોણ બૂમ પાડે ? અને એય કોઈ સ્ત્રી ? કોઈબીજા સંદીપભાઇને બોલાવતું હશે એમ માનવાનું મન થયું, છતાં હું ડાફોળિયાં મારવા લાગ્યો. ત્યાં તો એક ખૂણામાંથી શ્વેત વસ્ત્રધારી આકૃતિ પ્રગટ થઈ અને મારા તરફ આવવા લાગી. નજીક આવતાં શ્વેત વસ્ત્રોમાં વીંટળાયેલો આકાર પણ ઓળખાયો. ઓહો ! આ તો દેવિકાબેન. ગુરુદેવના પડછાયા સમાન અત્યંત આદરણીય સેવિકા.પડછાયો તો કાળો હોય, પણ આ દેવિકાબેન સદાય શ્વેત વસ્ત્રોમાં સજ્જ રહેતાં. અઢળક સંપત્તિ છતાં પોતાની ત્યાગવૃત્તિ તેમજ સમર્પણવૃત્તિથી કેવળ અમારા જેવા ભકતોના જ નહીં, ગુરુદેવના હૃદયમાં પણ તેમણે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમને જોતાં જ ભાવથી આપોઆપ આપણા બે હાથ જોડાઈ જાય. મારાય જોડાઈ ગયા. તેમણે પણ સામા બે હાથ જોડયા અને કહ્યું, "ગુરુદેવ તમને યાદ કરે છે."
"ગુરુદેવ ? કયાં છે ગુરુદેવ? શું કામ પડયું એમને મારું ? હમણાં જ હું પહોંચી જઉં છું ગુરુદેવ પાસે." હું ઘડીભર મારું મૂળ કામ ભૂલી ગયો અને ગુરુદેવમય થઈ ગયો. દેવિકાબેને કહયું," તમારે કયાંય જવાનું નથી. ગુરુદેવ સાક્ષાત અહીં ઉપસ્થિત છે. તમને હાંફળાફાંફળા જતા જોયા એટલે એમણે જ મને તમારી પાસે મોકલી.ચાલો." હું તો ધન્ય ધન્ય થઈ ગયો. કેવો સંયોગ અને સુયોગ હતો !  નીચેના માળે બેઠેલો હું ગુરુદેવને સ્મરી રહ્યો હતો અને અહીં ઉપરના માળે તેઓ મને સ્મરતા હતા. દેવિકાબેન મને ખૂણાના એક ટેબલ સુધી દોરી ગયા. મેં જોયું તો સામેની ખુરશી પર સાક્ષાત ગુરુદેવ બિરાજેલા હતા. જરાય ભાર ન મળે પોતાના પદનો કે વ્યકિતત્વનો. બિલકુલ સાધારણ માણસની જેમ તેઓ બિરાજેલા હતા. અલબત્ત, શ્વેત વસ્ત્રો ધારણ કરેલાં હતા. ટેબલ પર અનેક પંજાબી વાનગીઓ મૂકાયેલી હતી. ના, પથરાયેલી હતી. ગુરુદેવ મોટી સાઈઝની ચમચી વડે કેસરી રંગની કોઈક પંજાબી સબ્જી આરોગી રહ્યા હતા. મને ખ્યાલ ન આવ્યો કે તેમની આ શી લીલા છે, પણ એટલું સમજી ગયો કે તેઓ કોઈક આકરી કસોટીમાંથી પસાર થઈ રહ્યા હશે. મારી મૂંઝવણ પામી ગયા હોય તેમ એમણે ફકત સ્મિત કર્યું અને મને બેસવા માટે ઇશારો કર્યો. હું ગોઠવાયો, પણ શબ્દો મારા મોંમાં કેદ થઈ ગયા હોય એમ લાગતું હતું. થોડી વારમાં ગુરુદેવે ભોજન પૂરું કર્યું અને પ્રચંડ ઓડકાર ખાધો. એ સાંભળીને દેવિકાબેને સંતોષનું સ્મિત ફરકાવ્યું, એ મને એટલા આછા અજવાળામાંય દેખાયું.
થાળીમાં જ હાથ ધોઈને ગુરુદેવે બે હાથ જોડયા. મેં પણ સામા હાથ જોડયા. પણ પછી ખબર પડી કે તેમણે થાળી સમક્ષ હાથ જોડયા છે. ગુરુદેવ જાણે મારા મનની મૂંઝવણ પામી ગયા હોય એમ બોલ્યા, "દેવિકાબેનની ત્યાગવૃત્તિની આજે અંતિમ કસોટી હતી. ભોજન તેમજ સ્વાદની મોહમાયા ત્યાગવા માટેની આ સૌથી આકરી કસોટી છે. ફીંગર બાઉલમાં તરતી લીંબુની ચીરીમાં તેમણે ટૂથપીક ખોસી. જાણે કે ભવસાગરમાંથી તારવા માંગતા હોય એમ એ ચીરીને બાઉલમાંથી બહાર કાઢી. અને આગળ બોલ્યા,
સામે ભોજન પીરસાયેલું હોય, આપણને ભૂખ લાગી હોય છતાં તે ભોજન ન ખાવું એ થયું કસોટીનું પ્રથમ ચરણ. પરંતું આપણી સામે બેસીને કોઈ સ્વાદિષ્ટ ભોજન જમી રહ્યું હોય, આપણને કકડીને ભૂખ લાગી હોય અને છતાં આપણને તે ખાવાની ઇચ્છા ન થાય, આપણે નિર્લેપભાવે બેસી રહીએ ત્યારે જ મોહ અને માયાનો સાચો ત્યાગ થયો ગણાય. કસોટીનું આ અંતિમ ચરણ છે અને અંતિમ ચરણની કસોટી તો મારે જાતે જ લેવી પડે." આટલું બોલતાં બોલતાં ગુરુદેવની આંખો અર્ધમીંચેલી થઈ ગઈ. અને તેઓ દિવ્ય સૃષ્ટિમાં સરી પડયા.
મારાથી તેમને ભાવપૂર્વક બે હાથ જોડાઈગયા અને મનમાં થયું, "વાહ ગુરુદેવ ! આપ પણ આપના ભકતોની કેવી આકરી કસોટી કરો છો ! અને ભકતોને કાજે આપે પોતે કેટલી આકરી કસોટીમાંથી પસાર થવાનું કષ્ટ લેવું પડે છે ! મારી કસોટીનું કષ્ટ આપ કયારે લેશો ? હું તો હજી પ્રથમ કસોટીને લાયક બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું."
પણ ગુરુદેવ કયાં મારી વાત સાંભળતા હતા. તેઓ તો આ સૃષ્ટિથી પર થઇને જાણે પરમ સાથે સંધાન સાધી રહ્યા હતા. દેવિકાબેને મને ધીમા અવાજે કહ્યું," છેલ્લા એક મહિનાથી  મેં  નિયમીતપણે સવાર-સાંજ હોટેલમાં જઇને ચટપટું ભોજન મંગાવવાનો નિયમ લીધો છે. રુપિયા સાત હજાર એની પાછળ ખર્ચી ચૂકી છું, ત્યારે આજે આ કસોટીમાંથી હેમખેમ પાર ઉતરી શકી છું. નહીંતર ગુરુદેવને ધક્કો પડે. એ તો રોજેરોજ સાદું ભોજન લેનારા, છતાંય એમને દર ત્રીજે-ચોથે દહાડે આપણા જેવા કોઇકની કસોટી લેવા આવવું પડતું હોય છે, પણ એમને મન તો બધુંય સરખું. તમારે કસોટી લેવડાવવી હોય તો નામ નોંધાવી દેજો."
મને ઘડીભર ગુરુદેવ પર દયા આવી ગઇ. ગુરુદેવ પોતે જ કસોટી લે એવો ભકતોનો મોહ તેમને કેટલો હેરાન કરતો હતો ! પણ તેમણે ભકતોને એવી માયા લગાડી દીધી હતી કે તેમના સિવાય બીજું કોઈ જ ભકતોને દેખાતું નહોતું. મારે પણ ગુરુદેવ દ્વારા જ કસોટી લેવડાવવાનો મારો મોહ ત્યાગવો કે નહીં એ વિશે ગુરુદેવને જ પૂછી લેવું પડશે, બીજું શું ?

(નોંઘ: તસવીરો નેટ પરથી લીધેલી છે. જે તે તસવીર પર ક્લીક કરવાથી તેની યૂઆરએલ પર જઈ શકાશે.) 

2 comments:

  1. good to read about a guru, shishya Shveta and waiters and spiritual wanderings.
    best wishes. Dhruva

    ReplyDelete
  2. બિરેનભાઈ,આપની વ્યંગાત્મક શૈલી ધારદાર થઇ રહી છે.આપે સદાબહાર વિષય પસંદ કર્યો છે.જ્યાં સુધી સમાજ છે,ત્યાં લગી આવા સાધુઓ(એમને માટે જો કે મને તો 'બાવા' શબ્દ જ વધુ યોગ્ય લાગે છે.) ની બોલબાલા રહેવાની જ.મહેનત પછીના ઉપભોગમાં કંઈ ખોટું હોય એવું મને તો લાગ્યું જ નથી.એ સંદર્ભમાં મને ચંદ્રકાંત બક્ષીના પુસ્તકમાં વાંચેલું એક વાક્ય બહુ જ ગમ્યું હતું-"અપરિગ્રહનો પણ પરિગ્રહ શા માટે?

    ReplyDelete