Saturday, September 7, 2013

ગીતકાર વિઠ્ઠલભાઈ પટેલની વિદાય: પ્યાર મેં સૌદા નહીં

વિઠ્ઠલભાઈ પટેલ 


૨૧-૫-૧૯૩૬ થી ૭-૦૯-૨૦૧૩ 


હિન્‍દી ફિલ્મોમાં ગુજરાતીઓનું પ્રદાન આરંભથી ઘણું રહ્યું છે, તેમ છતાંય અમુક ક્ષેત્રોમાં તે તદ્દન જૂજ કહી શકાય એવું છે. આમાંનું એક ક્ષેત્ર એટલે ગીતલેખનનું. જૂની પેઢીમાં રમેશ શાસ્ત્રી જેવા ગીતકારનું નામ આ શ્રેણીમાં લઈ શકાય, તો નવી પેઢીમાં સંજય છેલ, અબ્બાસ ટાયરવાલા જેવા ગીતકારોને ગણાવી શકાય. આટલી નાની યાદીમાં પણ નોંધપાત્ર ગણવું પડે એવું એક નામ છે ગીતકાર વિઠ્ઠલભાઈ પટેલનું.

વિઠ્ઠલભાઈના વડવાઓ મૂળ ગુજરાતના નડીયાદના હતા. પણ વ્યવસાયાર્થે તે સાગર (મધ્યપ્રદેશ)માં જઈને વસેલા. વિઠ્ઠલભાઈનો જન્મ અને ઉછેર પણ સાગરમાં જ થયેલો. પિતા લલ્લુભાઈ અને માતા કાંતાબેનના પુત્ર વિઠ્ઠલભાઈ કોલેજ સુધી પહોંચ્યા અને તેમનામાં રહેલી નેતૃત્વની શક્તિઓ પ્રગટ થવા લાગી. સાથેસાથે કાવ્યત્વ પણ!
વિઠ્ઠલભાઈ પટેલ 
દરમ્યાન પોતાની કવિતાઓ થકી જાણીતા થવા લાગેલા વિઠ્ઠલભાઈને મુશાયરામાં નિમંત્રણો મળવા લાગ્યાં. કવિ સંમેલનોમાં તે નિયમિતપણે કાવ્યપઠન માટે જવા લાગ્યા. આ રીતે તેમને નીરજ’, દુષ્યંતકુમાર, સરસ્વતીકુમાર દીપક’, નરેન્‍દ્ર શર્મા, હરીવંશરાય બચ્ચન અને શૈલેન્‍દ્ર જેવા કવિઓનો પરિચય થતો ગયો. શૈલેન્‍દ્ર સાથેનો પરિચય તેમને ફિલ્મક્ષેત્ર સુધી દોરી ગયો.
સાગરથી આશરે પોણોસો કિલોમીટરના અંતરે આવેલા બીનામાં તીસરી કસમનું શૂટીંગ ચાલી રહ્યું હતું. ફિલ્મના નિર્માતા શૈલેન્‍દ્ર અને હીરો રાજ કપૂર ત્યાં હાજર હતા. શૈલેન્‍દ્રે વિઠ્ઠલભાઈને બીનામાં નિમંત્ર્યા. રાજ કપૂર સાથે આ રીતે તેમનો પહેલવહેલો પરિચય થયો, જે ઘણો ફળદાયી નીવડવાનો હતો.
મેરા નામ જોકર પહેલાંના ગાળાની વાત છે. રાજ કપૂર એક વખત દિલ્હી ગયા હતા અને ત્યાં રોકાયા હતા. યોગાનુયોગે વિઠ્ઠલભાઈ પણ દિલ્હીમાં હતા. બન્નેની મુલાકાત થયા પછી રાજસાહેબે તેમને હોટેલ પર નિમંત્ર્યા. રાત આખી કવિતાનો દૌર ચાલતો રહ્યો. વિઠ્ઠલભાઈની કવિતાઓથી તૃપ્ત થયેલા રાજસાહેબે વહેલી સવારે કહ્યું, “ચલો,ગુરુદ્વારા ચલતે હૈ’. બન્ને સાથે ગુરુદ્વારા ગયા. ગ્રંથસાહિબ આગળ પોતે માથું ટેકવીને રાજસાહેબે વિઠ્ઠલભાઈને પણ એમ કરવા જણાવ્યું. ત્યાર પછી વિઠ્ઠલભાઈના હાથમાં શુકનનો રૂપિયો આપતાં કહ્યું, “તુમ મેરી અગલી ફિલ્મ કે ગીતકાર હો. લિજીયે યે શગૂન.” જો કે, વિઠ્ઠલભાઈને ખબર હતી કે પોતાનાં માતા તેમને મુંબઈ જવા દે એમ નહોતાં. આ વાત તેમણે રાજ કપૂરને જણાવી. રાજ કપૂરે કહ્યું, “માતાજી કી અનુમતિ મિલે તો કભી ભી ફોન કરકે બમ્બઈ આ જાના.”
રાજ કપૂરની 'બૉબી'થી ફિલ્મકારકિર્દીનો આરંભ 
થોડો સમય વીત્યો. આ ગાળામાં રાજ કપૂરની મેરા નામ જોકર રજૂઆત પામી હતી. અને તેની નિષ્ફળતાએ રાજ કપૂરને હતાશાની ગર્તામાં ધકેલી દીધા હતા. સખત આર્થિક ખોટને સરભર કરવા માટે રાજ કપૂર એક ફિલ્મ ફટાફટ બનાવવા માંગતા હતા, જે વ્યાવસાયિક રીતે સફળ થઈ શકે. ઘેરથી માતાજીની મંજૂરી મળતાં વિઠ્ઠલભાઈએ રાજ કપૂરનો સંપર્ક કર્યો ત્યારે આ તૈયારીઓ ચાલી રહી હતી. બૉબીમાં અન્ય બે ગીતકારો આનંદ બક્ષી અને ઈંદરજીતસીંઘ તુલસી પણ હતા.વિઠ્ઠલભાઈ અને રાજ કપૂરની મુંબઈમાં મુલાકાત થઈ. પોતાની બૉબી ફિલ્મ માટે રાજ કપૂરે તેમને ગીતની સિચ્યુએશન આપી. વિઠ્ઠલભાઈ મુખડાં લખતાં ગયા. રાજ કપૂર પોતે પણ તેમાં ઉંડો રસ લેતા હતા. વાત કંઈ જામતી નહોતી.
રાજ અને વિઠ્ઠલભાઈ એક વખત ચર્ચા કરી રહ્યા હતા. એ દરમ્યાન અભિનેત્રી સિમ્મીનો ફોન આવ્યો. સિમ્મીની કોઈક વાત સાંભળીને રાજ કપૂરે કહ્યું, “દેખો, તુમ કહતી હો તો મૈં માન લેતા હૂં, મગર જૂઠ મત બોલના. જૂઠ બોલોગી તો કૌઆ કાટેગા.”
આ સંવાદ સાંભળીને વિઠ્ઠલભાઈના મનમાં ઝબકારો થયો. તેમણે તરત મુખડું લખી નાંખ્યું. અને પછી તો સડસડાટ ગીત લખાઈ ગયું. ફિલ્મ રજૂ થતાં જ એ મુખડા પરથી લખાયેલું ગીત ઠેરઠેર ગવાતું થઈ ગયું.
બૉબી’(૧૯૭૩)નું એ અતિ લોકપ્રિય ગીત.


આ ગીતની પહેલાં જ આવતું બીજું એક ગીત કોરસ હતું, જેની ધૂન ગોવાના લોકસંગીત પર આધારિત હતી. એ ગીત પણ સાંભળવા જેવું છે. 



બૉબીનાં આ બન્ને ગીતો ખૂબ લોકપ્રિય થઈ ગયા અને પહેલી જ ફિલ્મથી વિઠ્ઠલભાઈ પટેલનો સિક્કો જામી ગયો. 
ત્યાર પછી મનોજકુમારની સંન્યાસી’(૧૯૭૫) ફિલ્મમાં વિઠ્ઠલભાઈએ એક ગીત લખ્યું, જેને મુકેશ અને લતાનો કંઠ મળ્યો. ફિલ્મની સાથેસાથે એ ગીત પણ સફળ થયું. આ રહ્યું એ ગીત.



રાજ કપૂરના તે પ્રિય ગીતકાર બની રહ્યા. જો કે, વિઠ્ઠલભાઈનો જે ફિલ્મ થકી પ્રવેશ થયો એ ફિલ્મ દ્વારા રાજ કપૂરે પોતાની ફિલ્મોની ઓળખ બદલી નાંખી હતી. છતાંય તેમના ગીતકારોની ટીમમાં વિઠ્ઠલભાઈનું સ્થાન રહેતું.
રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુંદરમ’(૧૯૭૮)માં પણ તેમણે એક ગીત લખ્યું.



વિઠ્ઠલભાઈ દ્વારા લખાયેલાં ગીતોમાં એક પ્રકારની સરળતા હતી, જેને લઈને તે સરળતાથી લોકજીભે ચડી જતાં હતાં.
આમ છતાં, અન્ય ગીતકારોની જેમ પૂર્ણ સમયના ગીતકાર ન બની શક્યા. કારણ સ્પષ્ટ હતું. વિઠ્ઠલભાઈની આજીવિકા ગીતલેખન નહોતી. તેમના માથે પારિવારીક વ્યવસાયને સંભળાવવાની જવાબદારી હતી. તેને લઈને તે મુંબઈમાં કાયમ માટે સ્થાયી થઈ શક્યા નહીં.
૧૯૭૩થી ૧૯૮૭ સુધી તે હિન્‍દી ફિલ્મોમાં સક્રિય રહ્યા. બધું મળીને તેમણે કુલ ૨૭ ફિલ્મોમાં ગીતો લખ્યાં. કોઈ ફિલ્મમાં બધેબધાં ગીતો તેમનાં લખાયેલાં હોય એવું ભાગ્યે જ બની શક્યું. શંકર જયકિશન, લક્ષ્મીકાન્‍ત પ્યારેલાલ, રાહુલ દેવ બર્મન, કલ્યાણજી આણંદજી, ઉષા ખન્ના જેવા સંગીતકારોએ મુખ્યત્વે તેમનાં ગીતો સ્વરબદ્ધ કર્યાં.
રાજ કપૂરની આદત હતી એક ફિલ્મ માટે ઘણા ગીતો, ધૂન તૈયાર કરવી. તેમાંથી અમુક પસંદ કરવી અને બાકીની સંઘરી રાખવી. તેનો ઉપયોગ યોગ્ય સમયે કરવો. બૉબી માટે આવું એક ગીત વો કહતે હૈ હમસે, અભી ઉમર નહીં હૈ પ્યાર કી તેમણે લખેલું. ફિલ્મમાં એ ગીત લેવાયું નહીં. રાજેશ રોશન ત્યારે બૉબીના સંગીતકાર લક્ષ્મી-પ્યારેના સહાયક હતા. તેમના મનમાં આ ગીતના શબ્દો વસી ગયેલા. તેર-ચૌદ વરસ પછી દરિયાદિલ’(૧૯૮૭)માં રાજેશ રોશને વિઠ્ઠલભાઈની પરવાનગી વિના આ ગીત વાપર્યું, એટલું જ નહીં, તેને ગીતકાર ઈન્‍દીવરના નામે ચડાવી દીધું. વિઠ્ઠલભાઈને આની જાણ થતાં જ તેમણે અદાલતમાં દાવો દાખલ કર્યો. નિર્માતા અને સંગીતકારે સમાધાન કર્યું અને વિઠ્ઠલભાઈને અમુક રકમ આપવાની ચેષ્ટા કરી. વિઠ્ઠલભાઈએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરતાં કહ્યું, “રૂપિયા માટે મેં આ નથી કર્યું. ટાઈટલમાં અને રેકોર્ડ પર ગીતકાર તરીકે મારું નામ મૂકાવું જોઈએ.”
તેમની શરત માન્ય રાખવામાં આવી.
દરિયાદિલનું આ વિવાદાસ્પદ ગીત:



'જૂઠ બોલે કૌઆ કાટે' કાવ્યસંગ્રહ 
સાગરમાં બીડીનો કૌટુંબિક વ્યવસાય અને પેટ્રોલપંપ ધરાવતા વિઠ્ઠલભાઈને અમસ્તીય ફિલ્મલાઈનનું રાજકારણ ફાવતું નહોતું. જો કે, સક્રિય રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો અને સફળતા મેળવી. ૧૯૭૭માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નોંધાવી. પણ તેમાં હાર થઈ. ૧૯૮૦માં તેમણે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ઉમેદવારી નોંધાવી. આ ચૂંટણી તે જીત્યા. ૧૯૮૫ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ ક્રમનું પુનરાવર્તન થયું. તે મંત્રીપદે નિમાયા. પોતાના વિસ્તારમાં કર્મઠ લોકસેવક તરીકે તેમણે સારી નામના પ્રાપ્ત કરી હતી.
'જૂઠ બોલે કૌઆ કાટે', 'દીવારોં કે ખિલાફ', 'પ્યાસે ઘટ', 'નાદાં હૈ હમ', 'અંત નહીં, આરંભ' જેવા તેમના કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા હતા.
બધું મળીને તેમનાં ફિલ્મો માટે લખાયેલાં ગીતોની સંખ્યા પૂરી પચાસે પણ પહોંચતી નથી. તેમનાં કુલ ફિલ્મી ગીતો ૪૭ છે. અને તેમાંના ઘણા એવી ફિલ્મો માટે છે કે જે ફિલ્મો ખાસ સફળ ન થઈ હોય. આમ છતાં, હિન્‍દી ફિલ્મોમાં સાવ ઓછું, પણ નોંધપાત્ર પ્રદાન કરનાર ગીતકારોમાં વિઠ્ઠલભાઈ પટેલનું નામ અવશ્ય મૂકવું પડે.  
મધ્ય પ્રદેશમાં જન્મ્યા અને ઉછર્યા હોવા છતાં, હિન્‍દીમાં ગીતો લખતા હોવા છતાં વિઠ્ઠલભાઈ માતૃભાષા ગુજરાતીને ભૂલ્યા ન હતા. ગુજરાતીમાં તે આસાનીથી વાત કરી શકતા.
તેમનાં કુલ ચાર સંતાનોમાં બે દીકરાઓ સંજય અને ધર્મેન હતા, જેમાં ધર્મેનનું ૪૫ વર્ષની વયે અવસાન થયું હતું. સંજય હાલ વ્યવસાય સંભાળી રહ્યા છે. બે દીકરીઓ કિર્તી અને આરતી પણ પરણીને પોતપોતાની ગૃહસ્થી સંભાળે છે.
આજે,  ૭ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ સવારે સાડા દસ વાગ્યે આ અનોખા ગીતકારે સાગર ખાતે ૭૭ વર્ષની વયે શ્વાસ મૂક્યા.
દેશવ્યાપી પ્રચંડ લોકપ્રિયતા પામ્યા પછી પણ ફિલ્મક્ષેત્રની ચમકદમકથી અંજાયા વિના પોતાના વતનમાં રહીને લોકસેવા કરનાર આ અનોખા ગીતકારને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. 


**** **** **** 

વિઠ્ઠલભાઈ પટેલ લિખીત કેટલાંક જાણીતાં ગીતો:

રાજ કપૂરની ફિલ્મ 'બીવી ઓ બીવી'(૧૯૮૧)માં રાહુલ દેવ બર્મનના સંગીત નિર્દેશનમાં: 


મનમોહન દેસાઈ નિર્દેશીત 'ધરમવીર'(૧૯૭૭)માં લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં:


ફિલ્મ 'દો જૂઠ'(૧૯૭૫)માં શંકર- જયકિશનના સંગીત નિર્દેશનમાં આ ગીત: 


**** **** ****


વિઠ્ઠલભાઈ પટેલની આ ચોકસાઈભરી ફિલ્મોગ્રાફી હરીશ રઘુવંશીના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે.




(માહિતી: હરીશ રઘુવંશી, સુરત) 

11 comments:

  1. ગીતકાર વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલની રાજકીય કારકિર્દી વિશે વધુ વિગત.

    1977માં યોજાયેલી છઠ્ઠી લોકસભાની ચૂંટણી તેઓ મધ્ય પ્રદેશની દામોહ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર લડ્યા પરંતુ કૉંગ્રેસ તેમજ ઇન્દિરા ગાંધી વિરોધના જુવાળ વચ્ચે તેઓ ભારતીય લોક દળના ઉમેદવાર નરેન્દ્રસિંહ યાદવેન્દ્રસિંહ સામે ચૂંટણી હારી ગયા.

    ત્યારબાદ મધ્ય પ્રદેશની સાતમી (1980) અને આઠમી (1985) વિધાનસભામાં તેમણે સુરખી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું. એ ઉપરાંત અર્જુન સિંહ, મોતીલાલ વોરા અને શ્યામા ચરણ શુક્લ જેવા ત્રણ-ત્રણ મુખ્યમંત્રીઓના મંત્રીમંડળમાં તેઓ સામેલ થયા.

    નવમી વિધાનસભા ચૂંટણી (1990) સમયે ફરી એકવાર તેમને કૉંગ્રેસ અને રાજીવ ગાંધી વિરોધી જુવાળ નડી ગયો અને તેઓ સુરખી વિધાનસભા બેઠક જનતા દળના લક્ષ્મી નારાયણ યાદવ સામે હારી ગયા.

    આ સમયગાળામાં તેમનું રાજકીય કૌવત પારખી ગયેલા અને ગુજરાતમાં સોળ વર્ષના વનવાસ બાદ પુનઃ સત્તાસ્થાને આવેલા મુખ્યમંત્રી ચીમનભાઈ જીવાભાઈ પટેલે જૂના રાજકીય સાથીદાર હોવાના નાતે તેમજ વિઠ્ઠલભાઈના નામમાં ભળેલા ‘પટેલ પાવર’નો ઉપયોગ કરવા તેમને ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા અને એ રીતે જનતા દળમાં પ્રવેશ કરવા ઑફર કરી હતી.

    જો કે મુખ્યમંત્રી ચીમનભાઈ જીવાભાઈ પટેલની આ ઑફરને તેમણે ‘સંદેશ’ દૈનિકના તંત્રી ચીમનભાઈ સોમાભાઈ પટેલની મધ્યસ્થી હોવા છતાં સવિનય નકારી કાઢી હતી અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું હતું.

    2010માં રાજ્યોના ગવર્નરની પસંદગી વેળા ગુજરાતનું રાજ્યપાલ પદ સંભાળવાની દરખાસ્ત તેઓએ તબિયતના કારણોસર નકાર્યા પછી એ પદ મધ્ય પ્રદેશના રાજકીય મહિલા આગેવાન ઉર્મિલા સિંહના ફાળે ગયું અને તેઓ હિમાચલ પ્રદેશના ગવર્નર નિમાયા.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  2. આ વાતની તો ખબર્જ નહોતી. આવી સરસ માહિતી આપવા માટે ખુબ ખુબ આભાર.

    ReplyDelete
  3. શ્રી બિરેનભાઈ, ફેસબૂક પર તેમણે મારો સમ્પર્ક કર્યો હતો અને ત્યાર બાદ તેમની સાથે ફોન પર વાત પણ થઈ હતી. હાલ થોડા દિવસ પર તેમની ગંભીર માંદગીનાં સમાચાર તેમનાં પુત્ર સંજય ભાઈએ ફોન કરીને આપ્યા હતા. અને તેમનાં અવસાન નાં અણસાર તો ઉમર અને માંદગીનો પ્રકાર જોતા તો સ્વાભાવીક રીતે આવી જાય. પ્રબૂ તેમનાં આત્માને શાંતિ આપે અને તેમનાં પ્રેમાળૅ પરિવાર જનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આમ પણ 'દ:ખનું ઓસડ દહાડા' ઉક્તી સત્ય જ નીવડતી હોય છે. એક ન્ય વાત કે જ્યારે તેઓ ફિલ્મી ગીત લેખનનાં ક્ષેત્રમાં પ્રવેશ્યા નહીં હતા, ત્યારે ભારતમાં સર્વ પ્રથમ રેડિયો સિલોન શ્રોતા સંધની સાગર ખાતે સ્થાપના કરી હતી અને ગોપાલ શર્માજી નાં સમ્પર્કમાં આવ્યા હતા અને તેમનાં ચહીતા શ્રોતા સ્વાભાવીક રીતે જ બન્યા હતા, અને મારા દ્વારા તેમની માંદગીનાં સમાચાર પ્રાપ્ત થતા જ શ્રી ગોપાલ શર્માજીએ પણ સંજયભાઈનો સમ્પર્ક કર્યો હતો.

    ReplyDelete
  4. param krupalu parmaatmaa, (Late) Shree Vithalbhai naa- sadgat naa divy aatmaane param shanti aape aej praarthanaa. temanaa parivaar janone shaantavan. ane aapne sau 'Chahko-cinemaa sangeet premione
    temni upar janaavyaa mujab naa lyrics thi hameshaa yaad raheshe.
    Thanks to Biren Mehta, Harish Raghuvashi, Binit Modi for providing the above detailed information( as I was knowing little of it only)...Hari Aum .. ..Shanti: Shanti: shanti:

    ReplyDelete
  5. બીરેન ભાઈ,
    સદગત શ્રી વિઠલભાઈ પટેલને તમે યાદકરીને અંજલી આપી છે,અને ગુજરાતી વાંચકો સમક્ષ તેમના જીવનઝરમરની ઝાંખી કરાવી તે બદલ ગુજરાતી વાંચકો તમારો આભાર માને છે.એવું અવારનવાર બન્યું છે કે કોઈ ગુજરાતી સાહિત્યકાર આપણી વચ્ચેથી વિદાય લઇ જાય છે ત્યારે ‘ગુજરાતી અખબારો’માં ખાસ નોંધ નથી લેવાતી,બેચાર લીટીઓમાં જે કંઇક લખવું હોય તે લખે છે,કોઈ વધુ વિગત નથી હોતી,કેમકે પાના રોકાય અને આવક ઓછી થાય! આવું વર્ષોથી ચાલ્યું આવે છે, કોઈ કોઈ વાર તો જરા સરખી નોંધ પણ નથી આવતી અને ‘ગુજરાતી લેખકો,કવિ કે પત્રકારો’ અવસાન પામે છે તેની જાણ થતી પણ નથી હોતી!
    આજે ઈન્ટરનેટના માધ્યમથી તમારા જેવા પત્રકારો પોતાના ‘બ્લોગ’માં આવી નોંધ પૂર્વક કાળજી લઈને સમાચાર આપેલ છે તે બદલ તમારો આભાર.
    શ્રી વિઠલભાઈ પટેલના લખાયેલાં ગીતો લોકો સાંભળે છે તે જ લોકોની તેમના માટે અંજલી છે.
    આવી બાબત આજે આ તબક્કે આટલી વરાળ કાઢી છે તો માફ કરશો.
    લી.પ્રભુલાલ ભારદિઆ
    ક્રોયડન,લન્ડન

    ReplyDelete
  6. VITTHALBHAI PATEL was a pure Geetkaar in true sense. He never wrote Hindi film lyrics for money or for name and fame. His lyrics always been for people, everyone can understand and also can sing those songs easily. He is remembered not for quantity but for quality. By the way, I have to say that an entire era of meaningful as well as melodious songs has been set with the demise of our Gujarati Vitthalbhai Patel.

    ReplyDelete
  7. વાહ! એક બિલકુલ ન જાણીતી હોવા છતાં જેના ગીતો મોંઢે હોય તેવી વ્યક્તિ વિષે જાણવા મળ્યું અને તેમાં બિનીત મોદીનું એનેકડોટ પણ મજબૂત છે. ગ્રેટ પોસ્ટ!

    ReplyDelete
  8. અતિ સુંદર અને સમતોલ છતાં ગુણલક્ષી અને ઇતિહાસલક્ષી અંજલી. બહુ ગમ્યું.

    ReplyDelete
  9. I have lost my " BEST SENIOR FRIEND ",with whom i had passed my BEST PERIOD. I was at SAGAR UNIVERSITY ,SAGAR ( M.P.) for my STUDY of B.Sc. and M.Sc. and during that I became his " FAMILY MEMBER".Very recently his younger brother has sent me his "HEALTH REPORT ". He was " GEM of a PERSON". Through him only I met late Raj kapoor and his " R.K.TEAM" I still remember,Raj Saab told " Vitthal Bhai is my second "SHAILENDRA ".He was FAN of " SHANKAR JAI KISHAN " and had very good collection of their all SONGS.I had nice chances to meet good number of " HINDI POETS " in KAVI SAMMELANS; organised under banner of " KISHORE SAMITI " at " RADHE-SHYAM BHAVAN", SAGAR ( M.P.) residence of Vitthalbhai. I pray from CORE of my heart for eternal peace to his GREAT departed SOUL.My WHOLE " JOSHI FAMILY" from CANBERRA ( AUSTRALIA) joins me in prayer.

    ReplyDelete
  10. ગુજરાતીનું હિન્દી સીને જગતમાં મોટું છતાં ઓછું જાણીતું પ્રદાન... સ-રસ માહિતી. આભાર

    ReplyDelete