Sunday, May 15, 2022

કહાં હૈ 'હોલી'?

એક સમયે જે પક્ષીઓ માત્ર ને માત્ર સીમમાં કે વગડે જોવા મળતા હતા, એવાં પક્ષીઓ હવે ઘરઆંગણે નિયમીત મુલાકાત લઈ રહ્યાં છે. ચકલી, કાગડો ખાસ દેખાતાં નથી, પણ કબૂતરો ઘણાં વસે છે. જ્યારે શક્કરખોરો, બુલબુલ, સુગરી, લેલાં, હોલો અને જેને હું ઓળખી શકતો નથી એવાં બે-ત્રણ જાતનાં નવાં પક્ષીઓ રોજેરોજ દેખાય છે. આમ વિચારીએ તો તેઓ ઘરઆંગણે આવતાં નથી થયાં, પણ આપણે તેમના આંગણામાં ઘૂસ મારી છે.

અમારા ઘરની બહાર, એક પીપમાં ઉગાડેલા સપ્તપર્ણીના ઝાડમાં એક હોલા યુગલે માળો બાંધ્યો હતો. બહારની બાજુએ ઊભા રહીએ તો ઝટ નજર ન પડે, પણ ઘરની બારીમાંથી તે બરાબર સામે જ દેખાય છે. હોલા દંપતિ ત્યાં આવે છે, આસપાસ ઊડે છે. એકાદ બે કૂતરાં પણ તેમને જોઈને ઝાડના આંટાફેરા કરે છે.
પછી એક દિવસ ધ્યાન પડ્યું કે તેમાં ઈંડું પણ મૂકવામાં આવ્યું છે, અને તેને સેવવા માટે એ પક્ષી તેની પર બેસે છે. આમ તો, આ બધી 'પ્રાઈવેટ' ક્ષણો કહેવાય અને તેને કેમેરામાં ઝડપવી નીતિમત્તાની દૃષ્ટિએ યોગ્ય ન ગણાય. આથી વચલો રસ્તો કાઢીને મેં તેને મોબાઈલ ફોનના કેમેરામાં ઝડપી છે, જેથી પક્ષીને ખલેલ ન પહોંચે. જો કે, માદા આવા સમયે બહુ સચેત અને સાવચેત રહેતી હોય છે. બીજી વાર તેને ખ્યાલ આવી ગયો એટલે તે ઉભી થઈ ગઈ અને મોં ફેરવી દીધું.
આસપાસના ઘરોમાં પક્ષીઓ માટે પાણી મૂકાયું હોય અને આપણે ન મૂકીએ તો ચાલે કે કેમ? અમારે ત્યાં મર્યાદિત પ્રમાણમાં હરિયાળી છે. એટલે કે કૂંડામાં કે પીપમાં ઉગાડેલા છોડ કે વૃક્ષ છે, જે પક્ષીઓને આકર્ષે છે, એમ અમને લાગે છે. પક્ષીપ્રેમીઓ જણાવી શકશે કે 'બર્ડ ફીડર' અથવા પાણી ઘરઆંગણે મૂકવાથી પક્ષીઓને કંઈ ફાયદો થાય? કેમ કે, અમારે ત્યાં એક બિલાડી પણ નિયમીત આવનજાવન કરે છે. બિલાડીની નજર આ પક્ષીઓ પર હોય છે, અને બહાર રખડતાં કૂતરાંઓની નજર આ બિલાડી પર.
મોરના (ખરેખર તો ઢેલના) ઈંડાને ચીતરવા ન પડે, એમ કહેવાય છે. પણ આનુવંશિકતાની રીતે જોઈએ તો કોઈ પણના ઈંડાને ચીતરવા ન પડે. હા, માણસનાં ઈંડા (એટલે કે બચ્ચાં)ને ચીતરવાનો ધંધો જોરદાર ચાલે છે. આ ઉદ્યોગમાં ખરેખર કોઈ પ્રક્રિયા થતી હોય તો તે એ કે નાણાંનું એક ખાતામાંથી બીજા ખાતામાં સ્થળાંતર થાય છે.

(સ્પષ્ટતા: છેલ્લી લીટી 'ચિંતન' નથી, 'ચિંતા' છે, એમ સમજવું.)
(સૂચના: તસવીરોની ગુણવત્તા અંગે ફરિયાદ કરવી નહીં.)

1 comment:

  1. આમ વિચારીએ તો તેઓ ઘરઆંગણે આવતાં નથી થયાં, પણ આપણે તેમના આંગણામાં ઘૂસ મારી છે.✔👍

    ReplyDelete