Tuesday, February 15, 2022

ચરમસીમા (3)

(કેટલીક કાલ્પનિક પરિસ્થિતિઓ)  

 સર્જકતાની ચરમસીમા 

(Height Of Creativity)

"વડીલ, બબ્બે જનરેશનના આપણા રિલેશન્સ ખરા એની ના નહીં. શરૂ થયા ત્યારે બિઝનેસ રિલેશન્સ જ હશે, અને હવે એ ફેમીલી રિલેશન્સ બની ગયા એય ફેક્ટ છે. પણ તમે તો જાણો છો કે...."
"બધુંય જોણીએ છીએ, ભઈ. અમોએ જે નિર્નય લીધેલ છે એ સમજીવિચારીને, અમારા પૂરેપૂરા હોશોહવાસમાં અને બિનકેફી અવસ્થામાં જ લીધેલ છે."
"યુ મીન વિધાઉટ કૉફી? બટ હાઉ અ કૉફી કેન અફેક્ટ ધીસ....?"
"એ બધી સબ્દોની રમત છોડો. તમારું કામ નહીં."
"પ્રિસાઈઝલી, અંકલ. માય પૉઈન્ટ! શબ્દોની રમત મારો કપ ઑફ ટી, આઈ મીન, ઈન યૉર ટર્મ્સ, કૉફી નથી. હું તો આંકડા સાથે રમનારો. અને તમે મને 'શ્રેષ્ઠ સર્જક'નો એવોર્ડ આપવા માંગો એ મને નથી સમજાતું."
"ભઈ, જો. મારા બાપા મને બે વાત કહીને ગયેલા."
"બસ? બે જ?"
"એમ તો બસેં વાત કહેલી. પણ તમને લાગેવળગે એવી બે જ છે. પહેલું તો એ કે કોઈ આપણું સારું કામ કરી આપતું હોય તો એનો યોગ્ય બદલો વાળો. અને બીજું, આ રીતે ઋણ ચૂકવવામાં મોડું ન કરો."
"ઓહ! આઈ એમ સ્ટીલ નોટ ગેટિંગ યૉર પૉઈન્ટ."
"હવે મને ચોખ્ખેચોખ્ખું જ કહેવા દો. તમે જ કહ્યું કે આપડો સંબંધ બબ્બે પેઢીનો છે. તમે અમારા ઑફિશિયલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છો. સાહેબ, મારે ત્યાં જે ચોપડીઓ છપાવવા આવે એ પહેલાં હું વાંચતો હોઉં છું. પણ તમે જે સર્જકતા અમારા હિસાબ લખવામાં બતાવો છો એ લેવલે હજી સુધી કોઈ પહોંચી શક્યું નથી. બોલો, હવે તો અમારી શઉંશ્થાનો એવોર્ડ લેશો ને?"
"અંકલ, અંકલ! સોરી! હું આપની ભાવનાને ઓળખી શક્યો નહીં. આપ મને તારીખ અને સ્થળ કહી દેજો. હું પહોંચી જઈશ."

****

નિસ્બતની ચરમસીમા 
(Height Of  Concern)
"આપ તો આટલા મોટા બિલ્ડર છો, સર! આપના બનાવેલા એક એક ફ્લેટની પ્રાઈસ કરોડોમાં હોય છે, અને તોય બુકિંગમાં લાઈન લાગે છે."
"મુદ્દા પર આય, દોસ. તને પોંચ મિલીટ આલેલી છે."
"હા, સર. હું એમ કહેતો હતો કે અમારો આ એક પ્રોજેક્ટ છે. આપ તો જાણો છો કે ખેતમજૂરોનું કોઈ સ્થાયી ઠેકાણું હોતું નથી. આથી તેમનાં બાળકોને ભણતર..."
"ખબર છે, ભઈ. એ લોકોને શ્કૂલમાં ઠેકોણું ના પડે. તે એમાં હું સું કરું, ભઈબંદ?"
"સર, આપને પેલું સી.એસ.આર. (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્‍સીબિલીટી) ફંડ હોય છે ને, એમાંથી થોડું ફાળવી આપો તો..."
"દોસ, બે મિલીટ થઈ ગઈ છે. હવે તેંં આ શીએશારની વાત કરી તો સામે જો. પેલું સું દેખાય છે?"
"સર, એ તો આપની નવી સાઈટ લાગે છે."
"બરોબર. એમાં પેલી મજૂરણો દેખાય છે ? ને પેલા માટીના ઢગમાં રમતા ટાબરિયા?"
"અં..અં...હા. દેખાયા, દેખાયા."
"એ બધીયે મજૂરણો આપડી. એમના આ બધા ટાબરિયા શરકારી શ્કૂલમોં ભણે છે. એનો ખરચ મારી કંપની આલે છે. આ બધીયોનો પેલો કયો વીમો- હેલ્થનો લીધેલો છે. એનું પ્રિમીયમ બી કંપની ભરે. આ શીએશાર બીએશાર બધું અમણોં આયું. અમે તો વરશોથી આ બધુ કરીએ."
"સર! આ તો એક્સેલન્‍ટ કહેવાય, પણ એક સવાલ થાય છે. અહીં કોઈ મજૂર, આઈ મીન મેલ મજૂર દેખાતો નથી. તો શું આપના મનમાં વીમેન એમ્‍પાવરમેન્ટનો કોન્સેપ્ટ પણ છે કે શું?"
"અલ્યા, ડફોર! પેલો ફોટો દેખાતો નથી? અહીં કોમ્પ્લેક્સ બનવાનું છે. પાવર પ્લાન્‍ટ આવામાં થતો અસે? તેં મજૂરોવારુંં પૂછ્યું ને? એ બધા ચગદઈ ગયા."
"હેં? એટલે? યુ મીન...?"
"ના, ભઈ. મીન નહીં, હું વુરશભવારો છું. આ સાઈટ તો અમણો બની. અંઈ એમની ઝૂંપડપટ્ટી અતી. મારા બેટા વિરોધને રવાડે ચડેલા. તો આપડે એક દા'ડો આઈને બુલડોઝરો ફેરવાઈ દીધા. પણ મારા બાપા કઈ ગયેલા કે કોઈનો રોટલો ઝૂંટવતો નહીં. તો આપડે એ બધાયના બૈરીછોકરાને આપડી નવી સાઈટે રાખી લીધા. આપડી બધી સાઈટ પર તને - પેલું તેં સું કહેલું- પાવર પ્લાન્‍ટ જોવા મલશે. હમજ્યો? ચલ, જા, દોસ હવે! આઠ મિનીટ થઈ ગઈ તારી."
****

સંકલ્પશક્તિની ચરમસીમા 
(Height Of  Will power)
"બાપજી, એક વરસથી આપની સેવામાં સવારે હાજર થઈ જાઉં છું. જોઈ રહ્યો છું કે આપની સંકલ્પશક્તિ મેરુ પર્વત જેવી અડગ છે. આપ ન ઈચ્છો ત્યાં સુધી એને કોઈ ડગાવી ન શકે. કેટલી બધી ચીજોનો ત્યાગ કરવાનો સંકલ્પ તો આપે જાહેરમાં લીધો છે. હું જ નહીં, મારા જેવા અનેક ભક્તો એના સાક્ષી છીએ. અહીં આવ્યા ત્યારે સવારે આંખ ખૂલતાં જ આપને ચા જોઈતી. એક વખત આપે જાહેરમાં સંકલ્પ કર્યો કે હવેથી ચા બંધ. અને પછી કોઈ આપની સમક્ષ ચાના સબડકા બોલાવે તોય આપને કંઈ ન થાય!"
"હં..."
"આવું તો કેટકેટલું ગણાવું, બાપજી! આપને જોઈ જોઈને અમ સંસારીઓ પણ નાનોમોટો સંકલ્પ લેતાં શીખ્યા છીએ. અમનેય લાગ્યું છે કે સંકલ્પશક્તિ કોઈ પણ કેળવી શકે છે. અને સંકલ્પને કોઈ પણ ભોગે પાળવો એ ઉચ્ચ શિખર તરફ જવાનું પ્રથમ પગથિયું છે."
"હં..."
"બાપજી, આપે જેમ ચા ત્યાગી. પછી તો દૂધ પણ ત્યાગ્યું. ભજીયાંં આપને પ્રાણપ્રિય હતાં. એને પણ આપે એક સંકલ્પે ત્યાગ્યાં. હવે પછી આપ કયો સંકલ્પ લો છો અને શો ત્યાગ કરવાના છો એની પર અમારા સૌની નજર છે, બાપજી!"
"તારી મોટીવેશનલ સ્પીચ પતી ગઈ, વત્સ? તો હવે સિધાવ. ક્યારની ગાંજાની તલબ લાગી છે ને તું છોડતો જ નથી! મંડ્યો જ રહ્યો છે! એમ થાય છે કે ભક્તોનો જ ત્યાગ કરી દઉં."
****


એકાગ્રતાની ચરમસીમા 
(Height Of  Concentration)
"અત્યાર સુધી આવેલા ઉમેદવારોમાંથી કોઈકને સામેનું વૃક્ષ દેખાયું, કોઈકને વૃક્ષ પર બેઠેલાં ફળો દેખાયાં, કોઈકને વૃક્ષની શાખાપ્રશાખાઓ દેખાઈ. એકાદ જણને વૃક્ષની ડાળી પર બેઠેલું વિહંગ પણ દેખાયું. હવે તારો વારો છે, હે પાર્થ! આ કસોટી કેવળ તારી નથી, મારા શિક્ષણની પણ કસોટી છે. હવે સૌ સાંભળે એમ કહે કે તને સામે શું દેખાય છે, વત્સ? "
"જેવી આજ્ઞા, ગુરુદેવ! મને જે દેખાય છે એનું વિગતે વર્ણન કરું છું. આઈ કેન સી ધ આઈ લૅન્સ ઑફ ધેટ બર્ડ. એની પાછળ રેટિના છે. ઈવન મને સ્ક્લેરા અને કોરોઈડ પણ દેખાય છે. અરે! એક મિનીટ, પેલું ફોવિઆ પણ છે. પેક્ટેન અને સૌથી પાછળ રહેલી ઓપ્ટિકલ નર્વ પણ દેખાય છે."
"ઓહ! અર્જુન! કૌંતેય! સવ્યસાચિ! યુ હેવ હાઈલી ડિસઅપોઈન્ટેડ મી. અલ્યા બુડથલ! આ બધું કાલે એનેટોમીના વાઈવા વખતે બોલવાનું હતું. આજે તો આર્ચરીનો પ્રેક્ટિકલ છે. રોજ સવારે ગુરુપત્ની તને બે બદામ વધારે આપતાંં હતાંં એ બધી બાત્તલ ગઈ."
"પણ ગુરુદેવ! તમે તો ક્લાસમાં કહેલું કે વન શુડ કોન્સન્ટ્રેટ સ્ટ્રીક્ટલી અપોન..."
"ભૂલ થઈ મારી! હવે ઉઠબેસ કરું?"
****

ઉત્તરદાયિત્વની ચરમસીમા 
(Height Of  Accountability)
"જો ભઈ, ઓફિશર! આ શઉંશ્થાનો ઓલમસોલ ઉં જ છું. પ્રેશિડેન્ટ, ગણો, ચૅરમૅન ગણો, ટ્રેઝરર ગણો કે શભ્ય ગણો. તેં જે ચોપડા તપાશ્યા એ બધામાં મારી શઈ છે. એટલે એ બધાયની જવાબદારી મારી. તને એમોં ગોટારા લાગે તો એ તારા ગણિતનો પોબલેમ છે. તને શ્કૂલમાં નામું સિખવનારો કોઈ હારો માશ્તર નંંઈ મલ્યો હોય. અમે તો અંઈ જે બી કારાધોરા કરીએ એ ખુલ્લેઆમ જ કરીએ છીએ. અવે તું આયો જ છું તો જમીને જજે. મારે ત્યોંથી કોઈ ખાલી હાથે જાય એનો વોંધો નંઈ, પણ ખાલી પેટે ના જવો જોઈએ, હમજ્યો કે નંંઈ?
તું ગમ્મે તારે આય, આ ચોપડા તને કોઈ બી જોવા માટે આલસે. તારે એ જોવાના, વોંચવાના ને પછી ભૂલી જવાના, સું કયું? આ ચોપડામોં 'ગાયકૂતરાંને ભોજન' હેઠન જે ખરચો લખેલ છે એ શેનો છે એ હમજે છે કે નંઈ? તો હોંભર, એ અમે ઈલેક્સન ફંડમોં નિયમીત આલીએ છીએ. અટલે તું આઘુંપાછું કશું કરતો નંઈ. તને કહી દીધું કે ચોપડામોંં જે કંઈ ગરબડગોટારા છે એની જવાબદારી મારી એટલે પત્યું. હમજ્યો ને? તારી નોકરી તો બદલીવારી હોય એટલે તું તો આજ હોઉં ને કાલ નંઈ. પણ અમે ને આ પાર્ટીવારા તઈણસો ને પોંશઠ દિવસ અંંઈ જ ખોડાયેલા હોઈએ. ચલ તારે, તારા શાહેબને યાદ આપજે મારી. કે'જે કે હવે કોરોનાનું પતી ગયું છે અને આપડે કબૂતરાનું ચણ ફરી ચાલુ કરી દીધું છે. એટલે આઈને લઈ જાય."

****


વિનમ્રતાની ચરમસીમા 
(Height Of  Modesty)

"અત્રે જે મંચસ્થ મહાનુભાવો છે એમની સરખામણીએ તો હું સાવ છૂંછૂં ગણાઉં. અરે! છૂંછૂંય નહીં, છૂંછાની ટોચનો પણ હજારમો ભાગ ગણો ને! હું તો ઝીરો વૉટનો બલ્બ છું. જીવનમાં મેં ક્યારેય કશું કામ સરખું કર્યું નથી. સ્કૂલટાઈમે મારું હોમવર્ક પણ હું બીજાઓ જોડે કરાવતો. હવે મારું અકાઉન્ટ મારા એકાઉન્ટન્ટો લખે છે. સમાજને ઉપયોગી થવાના દંભી ખ્યાલ મારા દિમાગમાં કદી આવ્યા જ નથી. ખોટું કેમ કહેવું? પણ અમુક નમૂનાઓને જોઈને તો એમનો ઘોઘરો દબાવી દેવાનું મન થઈ જાય છે. હે મંચસ્થ મહાનુભાવો! આપ મારી આ વાતથી ગભરાશો નહીં. હું આપનું તો ઠીક, કોઈનુંય સાહિત્ય વાંચતો નથી. માટે આપ નિશ્ચિંત રહેજો. મને મારા બાપાએ કહેલું ને મારા બાપાને એમના બાપાએ કહેલું કે મત કર તૂ ગુમાન રે બંદે, મત કર તૂ ગુમાન. તો આપ જોઈ શકો છો કે વિનમ્રતાનો ગુણ મને વારસામાં મળેલો છે. એટલે જ મને નવાઈ લાગે છે, અને આપને સૌને પણ નવાઈ લાગતી હશે કે મારા જેવો માણસ આ કાર્યક્રમમાં સ્ટેજ પર ક્યાંથી ચડી બેઠો! તો વાત એમ છે કે મારા બાપાના બાપાને એમના બાપાએ, અને એમના બાપાને એમના બાપાએ કહેલું કે આપણે જે કંઈ કમાઈએ એને આપણા એકલાનું ન ગણવું."  
(તાળીઓ) 
"આપણી કમાણીમાં આપણા જેટલો તો નહીં, પણ થોડોઘણો હક સમાજનો બી ખરો."  
(તાળીઓ)  
"એટલે આપણે યથાશક્તિ દાનપુણ્ય કરવું. ડાકોર જઈને ત્યાંના કાચબાઓને મમરા નાખવા. દ્વારકાની માછલીઓને લોટની ગોળીઓ નાખવી. ઘરઆંગણે કબૂતરાંને જારના દાણા નાખવા. વગેરે...વગેરે..."  
(તાળીઓ)  
"તો પાંચમી પેઢીએ મેં આ પરંપરા જાળવી રાખી છે એમાં કશી ધાડ નથી મારી. હા, મેં એમાં થોડું ડાઈવર્સીફાઈ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે."  
(તાળીઓ)  
"દર વરસે મારાથી દ્વારકા ને ડાકોર જઈ શકાતું નથી. એટલે ઘરઆંગણે યોજાતા સાહિત્યના કાર્યક્રમોમાં મહેમાનોને ચાપાણી કરાવવાની વ્યવસ્થા મેંં ઉપાડી લીધી. હવે તમે જ કહો, મિત્રો! આમાં મેં કઈ મોટી ધાડ મારી? પણ જોવાની વાત એ છે કે આપણા આટલા ગામમાં આટલી ધાડ મારનારો પણ કોઈ મળતો નથી. આથી આ કાર્યક્રમના આયોજકો મને દર વખતે મંચ પર સ્થાન આપે છે. એટલે આ તો પેલા એના જેવું થાય- કે લાખ રૂપિયાનો હીરો શોરૂમમાં શોકેસમાં પડ્યો હોય, પણ એને માથે પચ્ચી રૂપિયાનો બલ્બ સળગાવવો પડે. તો એમ સમજો ને કે આ મહાનુભાવો એટલે હીરા, અને હું ઝીરો વૉટનો બલ્બ!  
આ મહાનુભાવો એમના ફિલ્ડના ગજરાજ એટલે કે હાથી સમા. અને હું છૂંછાની ટોચનો હજારમો ભાગ. હાથીને ગાંડો કરવા એટલું જ પૂરતું છે. બસ, આથી વધુ મારે કશું કહેવું નથી. તમતમારે આગળ જે ઝીંકવું હોય એ ઝીંક્યે રાખજો, કેમ કે, હું કાર્યક્રમમાં બેસવાનો પણ નથી.  
લ્યો ત્યારે! વધારે બોલાયેલું ઓછું જાણજો ને મને દાનપુણ્ય કરવાની આવી ને આવી તક આપતા રહેજો."  
(તાળીઓનો ગડગડાટ)
****

ત્યાગની ચરમસીમા 
(Height of Renunciation)

"આ કાર્યક્રમના મુખ્ય વક્તા જે ખાસ છાલિયાપુરાથી અત્રે ઉપસ્થિત રહ્યા છે, અને તેમની છાલિયાપુરાની અદ્‍ભુત સંસ્થાની મુલાકાતે હું ગયો ત્યારે મારા માટે ખાસ પ્રભાવશાળી વક્તવ્યનું આયોજન કર્યું હતું એવા પરમ આદરણીય છેલ્લા ચાલીસ ચાલીસ વરસોથી સમાજસેવા ક્ષેત્રે કાર્યરત અદના સમાજસેવક - મારા તો પારિવારિક મિત્ર - ગયે વરસે મારા ભાઈના પરિવારમાં ભવ્ય લગ્નપ્રસંગ અત્યંત સાદગીથી સંપન્ન કરવાનો અનન્ય નિર્ણય લેવામાં આવેલો, કેમ કે, ભાઈ પોતે એક પ્રભાવી સમાજસુધારક છે અને તે માને છે કે ભવ્ય લગ્નમાં ખોટો ખર્ચ કરવા કરતાં તેને સમાજસેવામાં વાપરવા, અને એ એવું જ કરતો આવ્યો છે, એણે પોતાનાં લગ્ન પણ એ રીતે કરેલાં, એ પછી એનાં સંતાનોનાં લગ્ન પણ અત્યંત સાદગીથી કર્યાં અને હવે એની ત્રીજી તેજસ્વી પેઢીએ પણ એણે એ જ ઉજ્જ્વળ પરંપરા સાતત્યપૂર્વક જાળવી રાખી છે, એની વહાલસોયી પૌત્રીનાં લગ્નનું પણ ભવ્ય આયોજન એણે અત્યંત સાદગીપૂર્વક કર્યું જેમાં માત્ર અગિયાર અંતરંગ વ્યક્તિઓને જ ભાવભીનું નિમંત્રણ પાઠવેલું અને એ અગિયાર અંતરંગ વ્યક્તિઓમાં છાલિયાપુરાની સંસ્થાના યશસ્વી હોદ્દેદાર તરીકે ઉપસ્થિત રહેવાનું ગૌરવ જેમને પ્રાપ્ત થયેલું એવા એ સંસ્થાના પ્રમુખશ્રી જે આજે અહીં મારા સન્માન સમારંભમાં પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે એવા પરમ સન્માનનીય શ્રી........"
ટ્રી....ઈ......ઈ......ઈ.....ઈ....ઈ....ઈ....ન! (સમયમર્યાદા સૂચક ઘંટડીનો રણકાર)

"ક્ષમા કરજો. હજી બીજા પાંચ મંચસ્થ મહાનુભાવોનો પરિચય અને મારું પ્રાસંગિક વક્તવ્ય બાકી રહે છે. મને લાગે છે કે આપણા જાહેર સમારંભોમાં થતો સમયનો વ્યય અતિ ગુનાહિત છે. કેટલા માનવકલાકોનો વેડફાટ! આ દેશમાં કોરોના કરતાંય ખતરનાક વાઈરસ હોય તો એ છે માઈક. એના ચેપ સામે ભલભલી રસી નકામી છે. આથી હું બાકી મહાનુભાવોના પરિચય અને મારા પ્રાસંગિક ઉદબોધનની લાલચનો ત્યાગ કરીને અત્રે ઉપસ્થિત પ્રબુદ્ધ શ્રોતાગણ સમક્ષ એક અભૂતપૂર્વ દાખલો બેસાડવા માંગું છું. સૌને ખાત્રી આપું છું કે હવે પછી યોજાનારા તમામ કાર્યક્રમોમાં પણ ઘંટડી તથા તેના વગાડનારની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ત્યાગની આ મહાન પરંપરા આગામી પેઢી આગળ ધપાવશે એ જ અભ્યર્થના. અસ્તુ."

(તાળીઓનો પ્રચંડ ગડગડાટ)

Monday, February 14, 2022

ચરમસીમા (2)


(કેટલીક કાલ્પનિક પરિસ્થિતિઓ)  

 સત્યવાદિતાની ચરમસીમા

(Height Of Truthfulness)

"ગુરુદેવ, હું મારો ધંધોધાપો રેઢો મૂકીને આપની સેવામાં મંડ્યો રહું છું. તો મને આપ ગુરુમંત્ર ક્યારે આપશો?"
"ગુરુમંત્ર પ્રદાન કરવો તો સરળ છે, વત્સ! તારે હવે સત્યના પ્રકાશની પ્રાપ્તિ તરફ નજર દોડાવવી જોઈએ. કોઈ પણ વાક્યને ગુરુમંત્ર બનાવી શકાય. 'મોગેમ્બો ખુશ હુઆ' જેવું સાદું વાક્ય પણ અનેક વાર આવર્તન પામતાં એક બળ પેદા કરે છે અને તે મંત્રની સમકક્ષ બની રહે છે. હું તને એથી ઉપરના સ્તરે પહોંચાડવા માગું છું. "
"રહેવા દેજો, ગુરુદેવ! મને ઉપર પહોંચાડનારા કેટલાય આવ્યા ને ગયા. હું હજી અહીંનો અહીં અડીખમ છું. સમજ્યા ને? એટલે એ સિવાય જે વાત કરવી હોય એ કરો."
"વત્સ! સત્યનો પ્રકાશ એવી દિવ્ય અનુભૂતિ છે કે એને શબ્દદેહે કંડારવી અસંભવ છે. એ એક વાર પ્રાપ્ત થાય એટલે...."
"સમજી ગયો. આશ્રમમાં વાયરિંગ નવેસરથી કરાવવાનું છે ને? થઈ જશે."
"વત્સ! તું બહુ ઉતાવળો, પણ સમજુ છો! ખરું મહત્ત્વ બાહ્ય નહીં, પણ આંતરિક પ્રકાશનું છે."
"એટલે આપના સાધના ખંડમાં પણ વાયરિંગ નવેસરથી કરાવવાનું છે ને? થઈ જશે, બસ?"
"વત્સ, તારા જેવા અંતેવાસી સહુને મળો અને ફળો. મારે એમ કહેવું હતું કે સત્યના પ્રકાશને પામવાનો પ્રયાસ જીવનને એવું અજવાળશે કે...."
"ગુરુદેવ, આશ્રમમાં વાયરિંગ નવેસરથી કરાવવાનું છે એ પણ તમે સીધેસીધું ને સાચેસાચું કહી શકતા નથી. તો પછી સત્યના પ્રકાશને મારે શું, ધોઈ પીવો છે?"
"વત્સ, મને લાગે છે કે મારા સંસર્ગમાં રહીને તેં એ પ્રાપ્ત કરી લીધો છે. હવે તારે એની જરૂર નથી."
****

ધૈર્યની ચરમસીમા
(Height Of Patience)

"એ વખતે હું સાવ તારી ઉંમરનો. સમજ ને કે તારાથી બેએક વરસ મોટો. ને મને ખબર પણ નહીં કે પોલિસ સાથે આ રીતે વાત ન થાય. એટલે જેવો એમણે મારે ખભે હાથ મૂક્યો કે...."
"....કે તમે પાછું જોયા વિના એ હાથ ખસેડી લીધો અને જોરથી બૂમ પાડી, 'એય...તું મારો દોસ્ત નથી. કેમ કે, મારા દોસ્ત મારી સામે ઉભા રહીને જ મારા ખભે હાથ મૂકે છે. હવે બોલ, તારે શી દુશ્મની છે મારી સાથે?"
"વાઉ! ધીસ ઈઝ અમેઝિંગ! મારી સ્ટોરી તને આટલી ગ્રાફિકલી ક્યાંથી ખબર? આઈ મીન, મેં એ ક્યાંય લખી નથી. અને તને તો આવ્યે હજી છ મહિનાય નથી થયા, છતાં...."
"સર! હું આપને બહુ રિસ્પેક્ટ આપું છું. ઈન ફેક્ટ, આઈ એડોર એન્ડ એડમાયર યુ લાઈક એનિથિંગ. તો..."
"મારું નામ મોગેમ્બો નથી તોય હું ખુશ થઈ ગયો, દોસ્ત! તારું નામ હું કાયમ ભૂલી જાઉં છું....સોરી...પણ..."
"સર, મારું નામ મિસ્ટર ઈન્ડિયા હોત તો સારું એમ લાગે છે! એની વે....તમે વાત આગળ વધારો."
"ના, દોસ્ત! આજે તો તારે મને કહેવું જ પડશે કે તને મારા વિશે આટલી બધી જાણકારી શી રીતે? આઈ મીન, કૌન સી ચક્કી કા આટા ખાતે હો, બરખુરદાર?"
"જુઓ સર. મારે આવ્યે છ મહિના નથી થયા, પણ તમે મને ઓછામાં ઓછી છ ડઝન વખત તમારી આત્મકથા સંભળાવી ચૂક્યા છો. એન્ડ સીન્સ આઈ રિસ્પેક્ટ યુ, આઈ..."
"ઓહ! એવું છે? સો સોરી! યુ નો, હું એક વખત બોલવાનું શરૂ કરું પછી ભાવનાના પ્રવાહમાં એવો વહી જાઉં છું કે આઈ ઈવન ફરગેટ માયસેલ્ફ. પણ તારી ધીરજને ધન્ય છે, મિત્ર! સોરી, તારું નામ..."
"સર, હું તો ટ્રેઈની તરીકે જોઈન થયો ત્યારે નીચેના કેન્ટિનવાળાએ મને પહેલે જ દિવસે કહી દીધેલું કે મારે ટકી રહેવું હશે તો ધીરજ કેળવવી પડશે. એટલે સર, ધીરજ તો સમજો ને કે હું ઘેરથી લઈને જ આવું છું. મને નવાઈ એ લાગે છે કે...."
"આટલું ગ્રાફિકલ મને યાદ શી રીતે રહે છે, એ જ ને! વેલ, યુ નો! મને પહેલેથી જ આદત હતી કે...."
"અરે ના, સર! મને થાય છે કે તમારી ધીરજ કેટલી બધી પ્રચંડ કહેવાય! તમે જેને મળો એને એકડે એકથી આખી કથા શરૂ કરો, વચ્ચે વચ્ચે કેન્ટિનમાંથી ચા અને બ્રેડવડાં મંગાવો, વળી પાછા કંઈક ઠંડુ પીણું મંગાવો...વળી વાત લાંબી ચાલી તો તમારું ટિફિન ઑફર કરો....સર, રીયલી, ધીસ ઈઝ એન એકસ્ટ્રા ઓર્ડીનરી વર્ચ્યુ."
"થેન્ક્સ, ડિયર! યુ નો હવે લોકોનું લીસનિંગ ટોલરન્સ ઘટતું જાય છે."
"ના, સર! એવું કશું નથી. પહેલાં હું ઘેરથી ભરપેટ નાસ્તો કરીને, ટિફિન પણ લઈ આવતો હતો. હવે સર, આપની કથા સાંભળતો થયો એટલે હું એમ ને એમ જ આવી જાઉં છું. હા તો સર, વાત આગળ વધારો. તમે પેલાને કહ્યું, 'હવે બોલ, તારે શી દુશ્મની છે મારી સાથે?'"
****

દૂરદર્શિતાનીચરમસીમા
(Height Of foresightedness)
"એક્સક્યુઝ મી, સર!"
"બોલો કાકા! શું થયું? છોકરા જોડે ઝઘડો થયો? કાકીએ કાઢી મૂક્યા? પાડોશીના આંગણાના ઝાડનાં પાંદડા તમારા ઘર આગળ પડે છે? તમે જોતા નથી અત્યારે અમે કેટલા બીઝી છીએ! એક તો આમેય કેસ વધારે હતા, ને એમાં આ કોવિડ...આટલું ઓછું હોય એમ તમારા જેવા ડોમેસ્ટીક કેસો આવે...."
"સર, પ્લીઝ! મારે એવો કોઈ પ્રોબ્લેમ નથી. હું તો આ રૂપિયા લઈને આવ્યો છું."
"રૂપિયા? અમને ખરીદવાનો પ્રયાસ? ખુલ્લેઆમ? કાકા, તમે જાણો છો તમને કેટલી બધી કલમ હેઠળ..."
"સર, પ્લીઝ! ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. એવું કશું નથી. આ તો હું મારી ભાવિ પેઢીનું ભાવિ સુનિશ્ચિત કરવા આવ્યો છું."
"કાકા, અમે લોકો સાઈડમાં વીમાનું, પોસ્ટનું, મ્યુચ્યુઅલ ફંડનું એવું બધું ન કરી શકીએ. તમે સમજો."
"સર, હું સમજી વિચારીને જ આવ્યો છું. મને બોલવા તો દો."
"ઝટ પતાવો."
"સર, જુઓ. સરકારશ્રીની માર્ગદર્શિકાનું આપ સૌ ચુસ્તપણે પાલન કરી રહ્યા છો એનો અમને ગર્વ છે. તો અમારીય નાગરિક તરીકે કંઈક ફરજ બને છે. જુઓ, માસ્ક ન પહેરવા બદલ જ આપના વિભાગે દંડની કેટલી મોટી રકમ એકઠી કરી, અને એ પણ વ્હાઈટની- પાવતીઓ ફાડીને. સર, સરકારને નાણાંની જરૂર વધુ ને વધુ રહેવાની. એના માટે જાતભાતના દંડ તે નાખતા રહેશે. હવે સર, દર વખતે પકડાવું, રકઝક કરવી ને છેલ્લે પાવતી ફડાવવી- ઈટ્સ અ વેસ્ટેજ ઑફ ટાઈમ. બીજું, સાહેબ, એય નક્કી છે કે તમે કે અમે, કોઈ સુધરવાનું નથી. તો મને થયું કે લાખ, બે લાખ રૂપિયા આપના વિભાગમાં મૂકી રાખું. મારી ત્રણ પેઢીનો સમય તો બચે. ચોથી પેઢીને જે ફોડવું હોય એ ફોડે. શું કહો છો, સાહેબ?"
"ઓહ, અંકલ! અ બીગ સેલ્યુટ ટુ યુ."
****

ધારણાની ચરમસીમા
(Height Of Assumption)

"અલ્યા, ક્યાં ગુમ થઈ ગયો છું? દેખાતો નથી આજકાલ. તારું ભણવાનું પતી ગયું?"
"હા. ફાઈનલ પરીક્ષા આપી દીધી."
"તો સરસ. હવે?"
"હવે આગળ શું કરવું એ વિચારું છું."
"સરસ, સરસ. આજકાલ તો બધા બહુ કોર્સ ચાલે છે. એકાદો પ્રોફેશનલ કોર્સ કરી કાઢવાનો શું? મારા ભત્રીજાએ ગ્રેજ્યુએશન પતાવ્યા પછી પેલું શું કહે છે...."
"મારે હમણાંથી બીજી બધી માથાકૂટો બહુ રહે છે ને! એમાં કશું થતું નથી."
"તારે વળી આ ઉંમરે શેની માથાકૂટ?"
"જુઓ ને, હમણાં મારે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટનો એક કોર્સ ચાલી રહ્યો છે. નાનીમોટી તકલીફો..."
"ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટનો કોર્સ? તુંય દોસ્ત, છૂપો રુસ્તમ નીકળ્યો ને? કલ્લાકનો બોલતો નથી! કેટલા વરસનો છે કોર્સ?"
"વરસ? દસ દિવસથી ચાલે છે. હવે એક વાર મળી આવું એટલે ખબર પડે. બહુ બહુ તો બીજા દસ દિવસ. એ પહેલાં ફીઝીશિયનનો કોર્સ ચાલ્યો. લગભગ મહિના જેટલો."
"દોસ્ત, તું ખરો છો! કહેતો પણ નથી. પહેલાં ફીઝીશિયનનો અને પછી ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટનો કોર્સ! જો કે, વાંક મારો છે. હું જ અપડેટેડ નથી. વીસ માર્ક માટે મેડીસીનમાં જતાં જતાંં હું રહી ગયેલો. ને હવે જુઓ! પંદર દહાડા- મહિનાના પી.જી.કોર્સ ચાલુ થઈ ગયા...!"
"અંકલ! અંકલ! તમારે સાઈકીએટ્રીસ્ટના કોર્સની જરૂર છે. મારા હિસાબે છએક મહિના..."
****

સહિષ્ણુતાની ચરમસીમા
(Height Of Tolerance)

"અંકલ! આન્ટી! જમજો હોં બરાબર!"
"હં!"
"જમવાનું કેવુંક થયું છે? બધું બરાબર છે ને?"
"ભઈ, અવે તું મોંમોં ઓંગરા ઘાલીને બોલાવ છ તો હોંભરી લે. પેલું તો એ કે તારી કાકી ને હું આવું રાહતકેમ્પ જેવું જમવા ક્યોંય જતા નથી. આ તો તું મંડ્યો ને મંડ્યો રયો એટલે પછી અમારે આવવું પડ્યું."
"કાકા! તમારા પર તો મારો હક છે. તમારે ને કાકીએ તો આવવું જ પડે ને?"
"હા ભઈ. તે આઈ ગયા. હવે તું વારેઘડીએ આઈ આઈને ખાવાનું કેવું છે એ પૂછપૂછ ના કરીસ. હમજ્યો?"
"ન સમજ્યો, અંકલ. તમે સમજાવશો, આન્ટી?"
"જો ભઈ. તા'કાકા એમની જુવાનીમોં બહુ બધા...પેલા સું કે છે...રાહત કેમ્પ કરતા. તોં એ કેમ્પમોં એ બધાને આવી રીતે જ પીરશતા. થાય એટલું કર્યું, પણ પછી એય થાક્યા. મોણસ છે, ક્યારેક તો થાકે ને?"
"હાસ્તો, આન્ટી. અને એમ કલાકો સુધી ઉભા રહીને પીરસવું એટલે શું એ આઈ કેન ઈમેજિન., હોં!"
"તું એ ઈમેજિન કરતો હોત તો આ જમણવાર જ ના રાખત, ભઈલા. હવે તું તારે જા. બીજા મેમાનોને જે પૂછવું હોય એ પૂછ, પણ મને કશું ના પૂછતો. નહીંતર પછી મારા મોંમાંથી...."
"સમજી ગયો, અંકલ. તમારા મોંમાંથી કોળિયો પડી જાય એ મને જ ન પોસાય.બોથ ઑફ યુ એન્જોય ધ લવલી ડિનર, હોં, તમતમારે!"

****


Sunday, February 13, 2022

ચરમસીમા (1)

(કેટલીક કાલ્પનિક પરિસ્થિતિઓ)  

આજ્ઞાંકિતતાની ચરમસીમા

(Height Of Obedience)

"કાકા, આજેય ચાલવા નીકળ્યા? આજે તો 'બંધ'નું એલાન છે ને!"
"તે તુંય નીકળ્યો જ છો ને!"
"મારી વાત અલગ છે, કાકા. હું તો આ બંધફંધમાં માનતો જ નથી. ઈન ફેક્ટ, આયેમ ડિસઓબિડિયન્‍ટ બાય નેચર. પણ તમે તો હાડોહાડ આજ્ઞાંકિત. એટલે પૂછ્યું."
"ભઈ, જો. આ બંધનું એલાન છે એ કોના માટે? તો કે' દુકાનો માટે. બરાબર?"
"રાઈટ."
"તને ખબર નહીં હોય, હું તો કે દિ'નો પર્સનલ લેવલે બંધ પાળતો આવ્યો છું. સમજ્યો?"
"નોપ."
"જો, સમજાવું. છોકરાં જે કંઈ કરે એની સામે હું આંખો બંધ રાખું. તારી કાકી જે સંભળાવે ત્યારે કાન અને મોં બંધ રાખું. ચૂંટણી વખતે મત આપવા જાઉં ત્યારે મગજ બંધ રાખું. તારા જેવા મને આવીને પોતાનાં રહસ્યો કહી જાય તો મુઠ્ઠી બંધ રાખું. કબજિયાત થાય ત્યારે ખાવાનું બંધ રાખું. ચખણું ન મળે ત્યારે પીવાનું બંધ રાખું. બોલ, હવે કહે. મારે અલગથી બંધ પાળવાની જરૂર ખરી?"
"કાકા, કાકા, કાકા. યુ આર હાઈલી ઓબિડિયન્ટ. લવ એન્ડ રિસ્પેક્ટ ફૉર યુ."
****

પ્રાયશ્ચિતની ચરમસીમા
(Height Of Repentance)

"અરે, અરે! આ શું કરે છે તું? આટલા મોંઘા ભાવના પીણાથી આમ હાથ ધુએ છે? તને મારે સમજાવવાનું ન હોય કે એ કેટલું મોંઘું આવે છે."
"ખબર છે હવે. કરવા દે મને. રોકીશ નહીં."
"પ્લીઝ, દોસ્ત! આપણે ગુજરાતમાં રહીએ એટલે તને હું એમ નહીં કહું કે એ મેળવવામાં કેટલી તકલીફ પડે છે. પણ એની કિંમત તો સમજ?"
"કિંમતને મારે શું ધોઈ પીવી છે!"
"તું એ જ તો કરી રહ્યો છો. આનાથી મોંં વીછળતા લોકો જોયા છે. પણ ઘસી ઘસીને હાથ ધોનારો તો તું પહેલો જ જોયો."
"મારા દિલને ચેન નહીં પડે, યાર. કાલે મારાથી એક એવી ભૂલ થઈ ગઈ કે આ પ્રાયશ્ચિત વિના છૂટકો જ નથી."
"કાલે? કાલે તો આપણે બેય સાથે ને સાથે જ હતા. ઈવન સાંજની બેઠક વખતે પણ...કેમ, આપણે ધાબે ગયા ત્યારે પેલી સેનિટાઈઝરની બૉટલ ખોલવા ટ્રાય કરેલો અને એ બૉટલમાંથી ટીપુંય નહોતું નીકળ્યું. મને યાદ છે, યાર!"
"એ બૉટલની જ મોંકાણ છે બધી. તેં કહ્યું ને કે એ ખાલી હતી!"
"હા, બિલકુલ. આપણે આખી ઉંધી પાડીને ખંખેરેલી. મેં મજાકમાં કહેલું, 'કોક તલપવાળું આવીને સેનિટાઈઝર પણ ઢીંચી ગયું લાગે છે."
"બસ, એ જ. એ મજાક નહોતી, હકીકત હતી. એટલે આજે મને રોકીશ નહીં, ઓકે?"
*****

શૌર્યની ચરમસીમા
(Height Of Bravery)

સટાક્! સટાક્! સટાક્!
"બોલ, આજ પછી કરીશ તોફાન?"
"પણ સાહેબ, મેં ક્યાં કશું કર્યું છે? હું તો મારી બેઠક પરથી હલ્યો પણ નથી."
"એક તો તોફાન કરવું છે ને પાછો સામું બોલે છે?"
સટાક્!
"પણ સાહેબ, સાચું કહું છું. હું તો..."
"હજી પાછો દલીલ કરવા જાય છે!"
સટાક્! સટાક્!
(પિરીયડ પૂરો થયા પછી શિક્ષકખંડમાં)
"સાહેબ! હું..હું...મેં..મેં...કશું કર્યું નહોતું. સાચું કહું છું. પણ તોય તમે મને..."
"મને ખબર છ, બેટા. તું તો મારો ફેવરીટ સ્ટુડન્‍ટ છો. મને ખાતરી છે કે તું કદી તોફાન કરે જ નહીં."
"તો પછી, સર! તમે આ રીતે ભર ક્લાસમાં મારી ધુલાઈ કરી એનું...."
"જો બેટા. અહીં તને કહેવામાં વાંધો નથી. આપણા ક્લાસમાં પેલો છેલ્લી બૅન્ચવાળો છે ને...શું નામ...પેલો મહાતોફાની છે એ...એકદમ કદાવર અને ઘોઘરા અવાજે બોલે છે એ..."
"હા, સર. હું એ જ કહેવા જતો હતો. ખરો તોફાની તો એ છે. બધા જ ટીચર્સ એનાથી રાડ પોકારી ગયા છે. એને કોઈ કશું કહેતું જ નથી. કોઈનામાં તાકાત નથી એને કશું કહેવાની. ખુદ પ્રિન્સિપાલસાહેબ પણ એને..."
"અહીં જ તારી ભૂલ થાય છે, બેટા. એમ સમજ કે આજે મેં એને જડબાતોડ જવાબ આપી દીધો."
"જડબાતોડ? સર, જડબું મારું હલી ગયું ને જવાબ એને આપ્યો? સમજાયું નહીં કંઈ!"
"તને આજે ફટકાર્યો ને એટલે એને ખ્યાલ આવી ગયો હશે કે મારો ક્રોધ કેવો છે. મને કોઈ વતાવે નહીં તો પણ હું એની શી વલે કરું છું એ એક્ઝામ્પલ મારે સેટ કરવું હતું. એટલે એને મેસેજ પહોંચે કે મને વતાવનારની તો શી વલે થાય એ ધારી લેવું..."
"વાઉ સર! તમે તો માસ્ટરસ્ટ્રોક લગાવ્યો. પણ આ વાત હતી તો સહેજ મને જાણ કરવી હતી ને! આજે એ ગેરહાજર હતો."
"હું જાણું છું, બેટા. એને કાને વાત તો પહોંચી જ હશે આ ઘટનાની. હવે એક બે વાર એની હાજરીમાં ફરી વાર આ સીન ભજવીશું, સમજ્યો?"
"સમજી ગયો, સર! યુ આર ગ્રેટ, સર! યુ આર ધ માસ્ટર ઑફ ધ યુનિવર્સ!"
"ચાલ, હવે જા. અને સાંભળ. આ વખતે મારા સબ્જેક્ટમાં તારા 56 માર્ક્સ પાકા!"
****

વિશ્વાસ (ભરોસો)ની ચરમસીમા
(Height Of Trust)

"બેટા, અહીં આવ. આજે તને મારી બધી ચીજવસ્તુઓનો હવાલો સોંપી દઉં. હવે તારે જ બધું સંભાળવાનું છે, સમજી ને?"
"સમજી અને ના સમજી, મમ્મી!"
"હોય એ તો. શરૂ શરૂમાં એવું જ થાય. હું પરણીને આવી ત્યારે મનેય આવું થતું હતું. પણ એ તો રહેતે રહેતે આવી જશે. હવે જો, આ મુખ્ય ચાવી છે."
"હં..."
"હં નહીં! ધ્યાનથી જોઈ લે. આ તિજોરીમાં જે બધાં લોકર છે એની ચાવીઓ આ ખાનામાં મૂકેલી છે. અને એ ખાના પર જે લૉક છે એની આ ચાવી છે."
"અચ્છા, મમ્મી. પણ મને થાય છે કે હજી તમે કડેધડે છો તો તમે તમારે હસ્તક જ બધું રાખો તો? તમારું એ મારું જ છે ને?"
"ના. એમ નહીં. વ્યવહારે જે કરવું પડે એ કરવું જ પડે. હવે જો. આ મુખ્ય ચાવી આપણે પેલી એટેચીમાં મૂકીએ છીએ. અને એ એટેચી પાછી પેલી અરીસા વિનાની તિજોરીમાં મૂકવાની. એ તિજોરીની ચાવી આ કીચેઈનમાં છે. સમજી ગઈ ને?"
"પણ મમ્મી! તમે સાવ આમ...કંઈક તો તમારી પાસે રાખો? મને બહુ ઑડ લાગે છે આ બધું..યુ નો!"
"બેટા, જો. પેલી એટેચીની વાત કરી ને?"
"હા, જેમાં આપણે મુખ્ય ચાવી મૂકી અને એ એટેચી પેલી અરીસા વિનાની તિજોરીમાં મૂકી એ જ ને?"
"હા, એ જ. બહુ સરસ. તમને બધું યાદ રહી ગયું છે, બેટા. હવે એક નાની વસ્તુ મારી પાસે રાખું છું. તમારી લાગણી પણ એવી જ છે તો...."
"હા, વળી. બરાબર જ છે ને! એમ જ હોય!"
"એ એટેચીને કોમ્બીનેશન લૉક છે. એના નંબર હું મારા પૂરતા જ રાખીશ. શું કે મને વારેઘડીએ બધું બદલવાની આદત છે, તો એ નંબર પણ હું બદલતી રહું છું. હવે ખુશ ને?"

****

ફરજપરસ્તીની ચરમસીમા
( Height Of dutifulness)

"અરે! પણ સાહેબ! મારો કંઈ વાકગનો? આમ અચાનક ડંડા કેમ ફટકારો છો?"
"ઊંધો ફર &#@$$ ! ફર ઊંધો &&%$#@ !"
"પણ સાહેબ, મેં માસ્ક પહેરેલો છે. તમે મારા ઘરમાં પધાર્યા તો મેં તમારા હાથ સેનીટાઈઝ કરાવ્યા. ને તમે અંદર આવીને સીધા મને ડંડા ફટકારવા લાગ્યા!"
"માસ્કની તો હમણાં કહું એ %$#@*!"
"પણ સાહેબ, છે શું એ તો કહો? મનેય ખબર પડે ને કે હું શેના માટે ડંડા ખાઉં છું."
"આજે તારે પેલા લગ્નમાં જવાનું હતું ને? તો ગયો કેમ નહીં?"
"સાહેબ, એ તો..એ તો...મને સવારે સહેજ ટેમ્પરેચર જેવું લાગ્યું એટલે થયું કે..."
"અમને ગધેડા સમજો છો? એક તો અમારે આખું લિસ્ટ ચેક કરવાનું. ને પાછા તમારા જેવા નામ નોંધાવીને જાય નહીં! બોલ, ફરી કરીશ આવું %$#@*?"

****

Friday, February 11, 2022

પંદર વર્ષના ઉપવાસ પછી...

આ બ્લૉગ પર છએક વરસ અગાઉ મારાં બનાવેલાં કેટલાંક ડ્રોઈંગ મૂક્યાં હતાં. ખાસ્સા પંદરેક વર્ષના અંતરાલ પછી 2016થી ફરી એક વાર ચિત્રો બનાવવાનો આરંભ કર્યો હતો. એ પછી અનિયમિતપણે આ સફર ચાલતી રહી છે. અલબત્ત, દરેક વખતે સ્થળ પર બેસીને ચિત્ર પૂરું કરી શકાય એ હવે મુશ્કેલ લાગે છે. આથી સ્થળ પર જરૂર પૂરતું રેખાંકન કરીને બાકીની ઝીણવટ ઘેર આવીને કરું છું. અનિયમિતપણે પણ આ કામ થઈ શકે છે એનો આનંદ છે. 

જે તે સ્થળે જઈને, એની તસવીર લઈને પછી ઘેર આવીને એની પરથી સીધેસીધું ચિત્ર બનાવી દેવું પ્રમાણમાં સહેલું છે, અને એમાં ખાસ કશી કમાલ નથી, એમ મને લાગે છે. આથી આ પદ્ધતિ હું બને ત્યાં સુધી ટાળું છું. બને ત્યાં સુધી હું એ રીતે ફોટો લેતો નથી, જેથી એના પરથી દોરવાનું મન થાય. 

અહીં કેટલાંક વધુ ચિત્રો મૂકું છું.  આ ચિત્રો પેન વડે બનાવેલાં છે. એકાદ ચિત્રમાં પેનની સાથે ડ્રાય પેસ્ટલનો ઉપયોગ કરેલો છે. ચિત્રના વધુ વર્ણનની જરૂર નથી, છતાં જે તે સ્થળનો ખ્યાલ આવે એટલા પૂરતું લખાણ મૂકેલું છે.

**** 

જૂન, 2016માં મિત્રો હસિત મહેતા, પૂર્વી ગજ્જર, બિનીત મોદી અને ઉર્વીશ પરિવાર સાથે અમે માધવપુરના પ્રવાસે ઊપડેલા. એ વખતે માધવપુરથી મારાં ચિત્રોનો પંદરેક વરસનો ઉપવાસ તૂટ્યો. એ ચિત્ર આ રહ્યું. 

ચિત્રોનો 15 વર્ષનો ઉપવાસ તૂટ્યાનું સ્થળ 

એ જ પ્રવાસમાં અમે અણધાર્યા દીવ ઊપડ્યા. દીવનો કિલ્લો અને અહીં ઠેરઠેર ઊભેલાં રાવણતાડનાં વૃક્ષો અત્યંત આકર્ષક લાગે છે. 

દીવનો કિલ્લો 

રાવણતાડનાં વૃક્ષો 
 **** 
દીકરી શચિએ મને એની પોતાની સ્કેચબુક આપી દીધી હતી, જે મિત્ર મઝહર કંસારાએ પ્રેમપૂર્વક મોકલેલી. આ સ્કેચબુક કદમાં નોટબુક જેટલી હોવાથી મને એ બહુ અનુકૂળ આવી ગઈ. મારી સાથે જ હું એને રાખવા લાગ્યો. એ વરસે જુલાઈમાં મુમ્બઈ જવાનું થયું. પેડર રોડ પર મારા કાકા (હવે સ્વ.) શૈલેષ પરીખને ઘેર મારો ઉતારો હોય. મુખ્ય માર્ગ પર પડતી એમના ફ્લેટની બારીમાંથી દેખાતાં આ દૃશ્યો છે. 

કારમાઈકલ જન્ક્શન પરથી દેખાતું દૃશ્ય 

બારીમાંથી સામે દેખાતું દૃશ્ય

**** 
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા કોન્‍કોર્ડ બિલ્ડીંગની સામેના પેટ્રોલ પમ્પ આગળ હું કોઈકની રાહ જોઈને ઊભો હતો. એ ભાઈને આવવાની દસ-પંદર મિનીટની વાર હોવાથી સામે દેખાતા બિલ્ડીંગનું ડ્રોઈંગ બનાવવાનું શરૂ કર્યું. એવામાં પેલા ભાઈ આવી ગયા એટલે ચિત્ર અધૂરું રહ્યું. આથી મેં તેની તસવીર લઈ લીધી અને પછી ઘેર આવીને તેને પૂરું કર્યું. 


**** 

2016ના ઓગષ્ટમાં લગભગ ચોમાસા દરમિયાન એક વખત અમે પાવાગઢની મુલાકાતે ઊપડેલા. વડા તળાવ તરફથી દેખાતા પાવાગઢનું દૃશ્ય મને અતિ પ્રિય છે. એ તરફથી બનાવેલાં આ ચિત્રો છે.    

વડા તળાવનું ખંડેર અને તેની પાછળ પાવાગઢ 

વડા તળાવની સામે કબૂતરખાનાનું ખંડેર અને પાછળ પાવાગઢ 

**** 

2017ના મે મહિનામાં મિત્ર પરેશ પ્રજાપતિના પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં આવેલા ગ્રહણનો પ્રવાસ કરેલો. કસૌલથી પગપાળા જ જઈ શકાય એવા આ ગામમાં અમે ચારેક દિવસ રોકાણ કર્યું. માંડ 70-80 મકાનો ધરાવતા આ ગામમાં અમે રોકાયા એ દરમિયાન વીજપ્રવાહ ખોટકાયેલો હતો. મોબાઈલ ફોનના સિગ્નલ મળતા નહોતા. આથી ચાર્જ કરેલો કેમેરા કરકસરપૂર્વક વાપરવો પડતો. મોબાઈલ ફોન તો અમે કાઢ્યા જ નહોતા. અહીં સવારે એકદમ નિરાંત રહેતી. આ નિરાંતના સમયમાં હું હોટેલના આંગણામાં બેઠાં બેઠાં સામે નજરે પડતાં દૃશ્યો ચીતરતો. સ્વર્ગ સમા એ સ્થળનાં કેટલાક ચિત્રો. 

ગ્રહણ (હિ.પ્ર.) નું એક દૃશ્ય 

ગ્રહણ (હિ.પ્ર.)નું એક દૃશ્ય 

ગ્રહણ (હિ.પ્ર.)નું એક દૃશ્ય 

**** 
મિત્ર ઉત્પલ ભટ્ટ સાથે જુલાઈ, 2017માં ખાંજર ગામે જવાનું નક્કી થયું. અમારી સાથે મિત્ર પૈલેશ શાહ પણ જોડાયા. એક રાત ત્યાં રોકાણ કર્યું. ગૂજરાત વિદ્યાપીઠની એક વિદ્યાર્થીની સુનિતા ગામીતને ઘેર એક ચોક્કસ કારણે અમે સૌ ગયેલાં. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલું આ નાનકડું ગામ એકદમ મનમોહક હતું. અમે રોકાયેલા ત્યાંથી સામે દેખાતું દૃશ્ય. 

ખાંજર (તા.સોનગઢ)નું એક દૃશ્ય 

**** 
આઠ-નવ વરસ સુધી મારા અને પરેશ પ્રજાપતિના પરિવારે દર વરસે ઉત્તરાયણના અરસામાં ફરવા નીકળી જવાનો ક્રમ જાળવી રાખેલો. એ વખતે અમારાં સંતાનો શાળા/કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી રજાઓની મુશ્કેલી પડતી, છતાં અમે એ ક્રમ નિભાવતા. છેલ્લે 2018ની ઉત્તરાયણ વેળાએ અમે મહારાષ્ટ્રના હીલ સ્ટેશન ભંડારદરાની મુલાકાત લીધી. સહ્યાદ્રિમાં આવેલા આ મસ્ત હીલ સ્ટેશનનાં બે દૃશ્યો. 

ભંડારદરા (મહારાષ્ટ્ર)નું એક દૃશ્ય 

ભંડારદરા (મહારાષ્ટ્ર)નું એક દૃશ્ય 

**** 
મે, 2018ના મેમાં અમારા સગા ગૌરાંગ શાહ અને ભાવિની શાહે બદ્રીનાથના પ્રવાસનું આયોજન કરેલું. અમે એમાં જોડાયા અને બદ્રીનાથ તેમજ વળતાં શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં રોકાણ કર્યું. આ પ્રવાસનાં કેટલાંક ચિત્રો. 

બદરીનાથનું એક દૃશ્ય 
**** 
શ્રીનગર (ઉત્તરાખંડ)નું એક દૃશ્ય 
**** 

હરિદ્વાર-ઋષિકેશ હાઈવે 
**** 
ઑગષ્ટ, 2018માં મિત્રો હસિત મહેતા પરિવાર, પૂર્વી ગજ્જર પરિવાર તેમજ ઉર્વીશ પરિવાર સાથે અમે કેવડિયા કોલોનીના પ્રવાસે ઊપડેલા. હજી સરદાર પટેલનું પૂતળું પૂર્ણ થયું નહોતું. આથી 'વિકાસ' ત્યાં પૂરેપૂરો પહોંચ્યો નહોતો. આ ઉપરાંત ચોમાસાને કારણે સતત ઝીણો વરસાદ વરસતો રહેલો. એ પ્રવાસ વખતે અમારા ઉતારાની બારીમાંથી દેખાતું દૃશ્ય. 
કેવડિયા કોલોની 

**** 
ચિત્રોની આ સફર હજી ચાલુ છે એ વાતનો આનંદ છે. વધુ ચિત્રો યોગ્ય સમયે અહીં મૂકીશ. ચિત્રોની આ સફરમાં ડિસેમ્બર, 2021થી એક નવો ફાંટો પડ્યો છે, જે પણ એટલો જ આનંદદાયી છે. એની વધુ વિગત પછી. 

Thursday, February 10, 2022

કાન્‍તિકાકાની વિદાય

 

મળી'તી એવી ધરી દીધી, અમારી આ જીવનચાદર

લ્યો, આવી પહોંચ્યા અમે, તમારા ગામને પાદર

બુધવાર તા. 2 ફેબ્રુઆરી, 2022ના રોજ નડિયાદ ખાતે કા‍ન્‍તિભાઈ મકવાણાનું અવસાન થયું. આ સમાચાર મળતાં જ 2020ના સૌ પ્રથમ લૉકડાઉન દરમિયાન તેમની સાથે સતત થતી રહેલી વાતોનો સીલસીલો જીવંત થઈ ઊઠ્યો.

કાન્તિકાકાની મારા માટેની પહેલવહેલી ઓળખાણ એટલે ઓસ્ટ્રેલિયાસ્થિત ફિલ્મકાર- સંગીતકાર મિત્ર ગિરીશ મકવાણાના પિતાજી. જો કે, ઉર્વીશને પહેલો પરિચય કાન્તિકાકા સાથે થયેલો અને એ દરમિયાન તેમણે પોતાના પુત્ર ગિરીશ વિશે વાત કરેલી. મારે પહેલો પરિચય ગિરીશ સાથે થયો. રંગભેદ અને જાતિભેદને સામસામે મૂકી આવતી તેમની ફિલ્મ 'ધ કલર ઑફ ડાર્કનેસ'ના પ્રિમીયર વેળા કાન્તિકાકા અને શારદાકાકી સાથે પહેલવહેલી મુલાકાત થયેલી. એ પ્રસંગે જ ગિરીશનાં બહેન મનીષા સોલંકીનો પણ પરિચય થયો. ફિલ્મમાં ગુજરાતના ચરોતર વિસ્તારના એક ગામડામાં આચરવામાં આવતી અસ્પૃશ્યતાની વાત કશા શણગાર વગર કહેવાયેલી છે. એમાંના અમુક પ્રસંગો કાન્તિકાકાના જીવનમાં સાચેસાચ બનેલા હતા એની જાણ થયા પછી એમને મળવામાં એક વિશેષ પરિમાણ ઉમેરાયું. એ વખતે ખાસ કશી વાત થઈ નહીં, પણ થોડા વખતમાં એક સુયોગ સર્જાયો.
એક દિવાળીએ અમે મહેમદાવાદ હતાં ત્યારે કાન્તિકાકા, મનીષાબહેન, એમના પતિ મહેશભાઈ તેમજ કાન્તિકાકાનો પૌત્ર ધૈવત મારી શુભેચ્છા મુલાકાતે આવ્યાં. એમાં વાત નીકળી કે તેઓ પોતાની જીવનકથાના પ્રસંગોનું આલેખન કરી રહ્યા છે. મને આમાં બહુ રસ પડ્યો એટલે એ વિશે પૂછપરછ કરી. સરવાળે એવું ઠરાવાયું કે એક વાર તેઓ તમામ આલેખન પૂરું કરી લે એ પછી એ લખાણ મને મોકલે, અને હું મારી ભૂમિકામાં પ્રવેશ કરું.
કાન્તિકાકાએ પોતે જે લખેલું હતું એ મને મોકલવા માંડ્યું. તેમણે મારું મંતવ્ય પૂછ્યું એટલે મેં જણાવ્યું કે એક વાર તમે બધું જ લખી દો. એ પછી હું એ વાંચીશ અને કહેવા જેવું લાગશે તો કહીશ. એ અનુસાર તેમના તરફથી લખાણ આવતાં ગયાં. આ લખાણો છૂટક પ્રસંગો તરીકે લખાયેલા હતા. આવા સાઠેક લખાણો મોકલ્યા પછી તેમણે કહ્યું કે હવે પોતાને લખવા જેવું લાગતું એ બધું લખાઈ ચૂક્યું છે. હવે મારી ભૂમિકા આરંભાઈ. મેં એકે એક લખાણનું વાંચન શરૂ કર્યું અને એમાં જે પણ વિગત ખૂટતી હતી તેની નોંધ એની બાજુમાં જ કરતો ગયો. એ નોંધ કાન્તિકાકાને મોકલી અને એમને એ વિગત જણાવવા કહ્યું. મને એમ હતું કે કાન્તિકાકા કહેશે કે ભાઈ, રહેવા દો. આવું બધું દોઢડહાપણ કરવું હોય તો પુસ્તક હું જ કરી લઈશ. તેને બદલે એમણે ફોનમાં કહ્યું, 'આ સારું કર્યું. તમે આ પૂછ્યું એટલે મનેય બીજી વાતો યાદ આવે છે. એ લખું?' તેમના આ અભિગમથી મને બહુ આનંદ થયો. એ પછીના ચારેક મહિના અમારી વચ્ચેના સતત ફોનાલાપના રહ્યા. એપ્રિલ, 2020 થી જુલાઈ, ઓગસ્ટ સુધીનો ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે અમે વાત નહીં કરી હોય. આ ઉમેરીએ, આ કાઢીએ, આટલું બાજુ પર રાખીએ...આવી અનેક ચર્ચા. તે મારા સૂચનને સાંભળે, કશીક ટીપ્પણી કરે અને સામું મને કશુંક સૂચવે- આખરે અમે બન્ને કોઈક કોમન મુદ્દો શોધીએ અને એટલા ભાગને સમાવીએ કે પડતો મૂકીએ. એ અગાઉ કાન્તિકાકાએ જે હસ્તલિખીત લખાણ મોકલેલું એ તમામ લખાણ ઈશાન કોઠારીએ ટાઈપ કરેલું. આથી આ સમગ્ર પ્રક્રિયામાં પણ તેની સામેલગીરી રાખેલી.

આ પુસ્તકના નિર્માણ દરમિયાન કાન્તિકાકાના જીવનનો મને અંતરંગ પરિચય થાય એ સ્વાભાવિક છે, પણ એના માટેના વ્યવહાર દરમિયાન તેમની પ્રકૃતિનો પણ પરિચય થયો. તેમનાં લખાણની શૈલી જુદા પ્રકારની હતી, જેને 'ઓલ્ડ સ્કૂલ' કહીએ એવી. એમાં અકારણ અને બિનજરૂરી રીતે આલંકારિક શબ્દો આવતા રહે. જેમ કે, 'મા' લખવાનું હોય તો એ હંમેશાં 'વહાલસોયી મા' જ લખે. આ રીતે બીજા શબ્દો માટે પણ. મેં આ શૈલી સાવ જ કાઢી નાખવા સૂચવ્યું. મારા આશ્ચર્ય વચ્ચે તેમણે આ સૂચનનો સ્વીકાર કર્યો અને કહ્યું, 'મારું કામ બહેતર દેખાય એમ જ તમે વિચારતા હો, એટલે તમને યોગ્ય લાગે એ કરો.' તેમની આવી પ્રતિક્રિયા મારા માટે જરા નવાઈજનક હતી. કેમ કે, તેમની આવી લેખનશૈલી વિશે ગિરીશ સાથે મારે વાત થતી અને અમે બેય એ બાબતે ગમ્મત કરતાં, અને ક્યારેક વાતચીતમાં રમૂજ તરીકે એનો ઉપયોગ કરતા.

પુસ્તકના સમગ્ર આલેખન દરમિયાન એ અનુભવાયું કે કાન્તિકાકાના જીવનમાં ધરીરૂપ હોય તો એ એમનાં પત્ની શારદાબહેન. શિક્ષિકા તરીકે નિવૃત્ત થયેલાં શારદાકાકી જબરા વાંચનરસિયા. સદાય હસતા મોંએ આવકારવા તત્પર. એમની શાલીનતા સામાવાળાને સ્પર્શ્યા વિના રહે નહીં. એમ કહેવામાં અતિશયોક્તિ નહીં કે કાન્તિકાકાવાળા પુસ્તકની હસ્તપ્રત એમણે પણ અમારા જેટલી જ વાર વાંચી હશે.

પુસ્તક બાબતે મને અને ગિરીશને સહેજ એવો અસંતોષ હતો કે એમાં હજી વધુ ઝીણવટભરી વિગત સમાવાઈ શકી હોત. પણ એ માટેનો સમય નહોતો, અને કોવિડને કારણે એ થઈ શકે એમ લાગતું નહોતું.

આખરે પુસ્તકનું ફાઈનલ સ્વરૂપ તૈયાર થયું. તેના નિર્માણની જવાબદારી પણ કાન્તિકાકાએ મને જ સોંપી. ડિઝાઈનર ફરીદની સાથે મળીને અમે એ પુસ્તક તૈયાર કર્યું. આખરે 4 ઑક્ટોબર, 2020ના રોજ અમે તેમને ત્યાં નડિયાદ ગયા અને પરિવારજનો વચ્ચે જ એનું વિમોચન કર્યું. એ તેમની લગ્નતિથિ હતી.

તેમના જ ઘરમાં માત્ર પરિવારજનો વચ્ચે કરેલું 'લોકાર્પણ':
(ઉભેલાં- ડાબેથી) પુત્રવધૂ ઈન્
દુબહેન, પૌત્ર ધૈવત,
(બેઠેલાં- ડાબેથી) શારદાકાકી, ખુશી અને કાન્
તિકાકા

પુસ્તકને લઈને કાન્તિકાકા બહુ રાજી હતા. જેમને મોકલેલું એમનો કશો પ્રતિભાવ આવે કે એમનો ફોન આવ્યો જ હોય. બીજા કોને મોકલવું જોઈએ એની પણ વાત કરે.

(ઉભેલાં- ડાબેથી) કામિની કોઠારી, બીરેન કોઠારી
અને ઈશાન કોઠારી,
(બેઠેલાં- ડાબેથી શારદાકાકી અને કાન્
તિકાકા)

એ પછીના અરસામાં શારદાકાકીનું સ્વાસ્થ્ય કથળતું ચાલ્યું. તેમનું હલનચલન વધુ ને વધુ મર્યાદિત થતું ચાલ્યું. કાન્તિકાકાના ફોન નિયમીત આવતા, એમાં એ શારદાકાકીના સ્વાસ્થ્ય વિશે પણ જણાવતા. આખરે 14 જાન્યુઆરી, 2022ના રોજ શારદાકાકીએ દેહત્યાગ કર્યો. સમાચાર મળ્યા પછી, કદાચ બે-ત્રણ દિવસે કાન્તિકાકાને ફોન કર્યો. તેમણે વિગતે વાતચીત કરી. શારદાકાકીની અંતિમ ઘડીઓ વિશે જણાવ્યું. વાતચીતમાં તો એ સ્વસ્થ જણાતા હતા, છતાં એ જાણે કે અંદરથી ભાંગી પડ્યા હોય એવો અણસાર જણાયો. ત્યારે મને ભાગ્યે જ અંદાજ હતો કે કાન્તિકાકા સાથેની આ મારી છેલ્લી વાતચીત હશે.

એ પછી કાન્તિકાકા પણ બિમાર પડ્યા. તેમના હોસ્પિટલાઈઝેશન અને સારવારનો દોર ચાલ્યો. તેમની વાચા મર્યાદિત બની, અને તે કોઈને ઓળખી શકે એ સ્થિતિમાં ન રહ્યા. આખરે તેમણે પણ 2 ફેબ્રુઆરી, 2022ના રોજ શ્વાસ મૂક્યો. શારદાકાકીની વિદાયના ત્રણેક અઠવાડિયામાં તેઓ પણ એ જ માર્ગે સિધાવ્યા.

એક જીવનચરિત્રકાર તરીકે આવી કપરી ઘડીઓનો સામનો કરવાનો આવે ત્યારે મનમાં ઉથલપાથલ મચી જતી હોય છે, પણ એ ઉથલપાથલ દરિયામાં આવતા ભૂકંપ જેવી હોય છે. એક એવી વ્યક્તિ સાથે તેના જીવનના આલેખન નિમિત્તે સંકળાવાનું થાય, એ ચોક્કસ સમયગાળા પૂરતા તેમની એ હદે નજીક આવવાનું બને કે કદાચ એ ગાળા પૂરતું તેમના કોઈ સ્વજન કરતાંય વધુ વાત આપણી સાથે થતી રહેતી હોય, આ બધાના પરિણામરૂપે પુસ્તક તૈયાર થાય અને એ પછી અચાનક આ રીતની વિદાય....! આ સંવેદનને શબ્દોમાં આલેખવું અઘરું છે.
પોતાનાં સંસ્મરણોના પુસ્તકનું શિર્ષક શું રાખવું એ પ્રશ્ન તેઓ પહેલા દિવસથી પૂછતા હતા, અને હું એની પર ઠંડું પાણી રેડતાં કહેતો, 'એની ચિંતા છોડી દો. એક વાર આલેખન થાય એટલે એ આપમેળે સૂઝી આવશે.' ખરું કહું તો મને એનું શિર્ષક સૂઝ્યું એથીય પહેલાં એના ટાઈટલની ડિઝાઈન સ્પષ્ટ થઈ ગયેલી. આખરે અમે શિર્ષક ફાઈનલ કર્યું, 'જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા.' કાન્તિકાકાને અતિ પ્રિય એવા કબીરજીના એક ભજનની આ જાણીતી પંક્તિઓ છે. ઈશ્વર દ્વારા પોતાને મળેલા જીવનને કશા ડાઘ વિના જીવી લીધા પછી અંતે એ ઈશ્વરને યથાતથ સુપ્રત કરે છે એવો ભાવ એમાં છે.


શારદાકાકી અને કાન્તિકાકા બન્નેએ માંડ પંદર-સત્તર દિવસના અંતરાલે વિદાય લીધી એ વાસ્તવિકતા સ્વીકારવી કુટુંબીજનો માટે કપરી છે, છતાં એ આશ્વાસન રહે છે કે તેમનું સાયુજ્ય એવું હતું કે એકમેક વિના એમને સોરવે નહીં. આ લોકમાં તેઓ સાથે ને સાથે રહ્યા, અને જીવન પછી પણ જો કોઈ લોક જેવું હશે તો એમાં પણ તેઓ સાથે જ રહેશે.

કુટુંબીજનો એવાં ગિરીશભાઈ, મનીષાબહેન અને મહેશભાઈ, ઈન્દુબહેન, ભાઈ ધૈવત, શિવરંજની અને ચિ. ખુશી સૌ આ હકીકત જાણે જ છે, છતાં બન્નેની આટલા ટૂંકા ગાળામાં થયેલી વિદાયને સ્વીકારવી અઘરી છે. એ સૌને સાંત્વના.