મળી'તી એવી ધરી દીધી, અમારી આ જીવનચાદર
લ્યો, આવી પહોંચ્યા અમે, તમારા ગામને પાદર
બુધવાર તા. 2 ફેબ્રુઆરી, 2022ના રોજ નડિયાદ ખાતે કાન્તિભાઈ મકવાણાનું અવસાન થયું. આ સમાચાર મળતાં જ 2020ના સૌ પ્રથમ લૉકડાઉન દરમિયાન તેમની સાથે સતત થતી રહેલી વાતોનો સીલસીલો જીવંત થઈ ઊઠ્યો.
કાન્તિકાકાની મારા માટેની પહેલવહેલી ઓળખાણ એટલે ઓસ્ટ્રેલિયાસ્થિત ફિલ્મકાર- સંગીતકાર મિત્ર ગિરીશ મકવાણાના પિતાજી. જો કે, ઉર્વીશને પહેલો પરિચય કાન્તિકાકા સાથે થયેલો અને એ દરમિયાન તેમણે પોતાના પુત્ર ગિરીશ વિશે વાત કરેલી. મારે પહેલો પરિચય ગિરીશ સાથે થયો. રંગભેદ અને જાતિભેદને સામસામે મૂકી આવતી તેમની ફિલ્મ 'ધ કલર ઑફ ડાર્કનેસ'ના પ્રિમીયર વેળા કાન્તિકાકા અને શારદાકાકી સાથે પહેલવહેલી મુલાકાત થયેલી. એ પ્રસંગે જ ગિરીશનાં બહેન મનીષા સોલંકીનો પણ પરિચય થયો. ફિલ્મમાં ગુજરાતના ચરોતર વિસ્તારના એક ગામડામાં આચરવામાં આવતી અસ્પૃશ્યતાની વાત કશા શણગાર વગર કહેવાયેલી છે. એમાંના અમુક પ્રસંગો કાન્તિકાકાના જીવનમાં સાચેસાચ બનેલા હતા એની જાણ થયા પછી એમને મળવામાં એક વિશેષ પરિમાણ ઉમેરાયું. એ વખતે ખાસ કશી વાત થઈ નહીં, પણ થોડા વખતમાં એક સુયોગ સર્જાયો.
એક દિવાળીએ અમે મહેમદાવાદ હતાં ત્યારે કાન્તિકાકા, મનીષાબહેન, એમના પતિ મહેશભાઈ તેમજ કાન્તિકાકાનો પૌત્ર ધૈવત મારી શુભેચ્છા મુલાકાતે આવ્યાં. એમાં વાત નીકળી કે તેઓ પોતાની જીવનકથાના પ્રસંગોનું આલેખન કરી રહ્યા છે. મને આમાં બહુ રસ પડ્યો એટલે એ વિશે પૂછપરછ કરી. સરવાળે એવું ઠરાવાયું કે એક વાર તેઓ તમામ આલેખન પૂરું કરી લે એ પછી એ લખાણ મને મોકલે, અને હું મારી ભૂમિકામાં પ્રવેશ કરું.
કાન્તિકાકાએ પોતે જે લખેલું હતું એ મને મોકલવા માંડ્યું. તેમણે મારું મંતવ્ય પૂછ્યું એટલે મેં જણાવ્યું કે એક વાર તમે બધું જ લખી દો. એ પછી હું એ વાંચીશ અને કહેવા જેવું લાગશે તો કહીશ. એ અનુસાર તેમના તરફથી લખાણ આવતાં ગયાં. આ લખાણો છૂટક પ્રસંગો તરીકે લખાયેલા હતા. આવા સાઠેક લખાણો મોકલ્યા પછી તેમણે કહ્યું કે હવે પોતાને લખવા જેવું લાગતું એ બધું લખાઈ ચૂક્યું છે. હવે મારી ભૂમિકા આરંભાઈ. મેં એકે એક લખાણનું વાંચન શરૂ કર્યું અને એમાં જે પણ વિગત ખૂટતી હતી તેની નોંધ એની બાજુમાં જ કરતો ગયો. એ નોંધ કાન્તિકાકાને મોકલી અને એમને એ વિગત જણાવવા કહ્યું. મને એમ હતું કે કાન્તિકાકા કહેશે કે ભાઈ, રહેવા દો. આવું બધું દોઢડહાપણ કરવું હોય તો પુસ્તક હું જ કરી લઈશ. તેને બદલે એમણે ફોનમાં કહ્યું, 'આ સારું કર્યું. તમે આ પૂછ્યું એટલે મનેય બીજી વાતો યાદ આવે છે. એ લખું?' તેમના આ અભિગમથી મને બહુ આનંદ થયો. એ પછીના ચારેક મહિના અમારી વચ્ચેના સતત ફોનાલાપના રહ્યા. એપ્રિલ, 2020 થી જુલાઈ, ઓગસ્ટ સુધીનો ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે અમે વાત નહીં કરી હોય. આ ઉમેરીએ, આ કાઢીએ, આટલું બાજુ પર રાખીએ...આવી અનેક ચર્ચા. તે મારા સૂચનને સાંભળે, કશીક ટીપ્પણી કરે અને સામું મને કશુંક સૂચવે- આખરે અમે બન્ને કોઈક કોમન મુદ્દો શોધીએ અને એટલા ભાગને સમાવીએ કે પડતો મૂકીએ. એ અગાઉ કાન્તિકાકાએ જે હસ્તલિખીત લખાણ મોકલેલું એ તમામ લખાણ ઈશાન કોઠારીએ ટાઈપ કરેલું. આથી આ સમગ્ર પ્રક્રિયામાં પણ તેની સામેલગીરી રાખેલી.
આ પુસ્તકના નિર્માણ દરમિયાન કાન્તિકાકાના જીવનનો મને અંતરંગ પરિચય થાય એ સ્વાભાવિક છે, પણ એના માટેના વ્યવહાર દરમિયાન તેમની પ્રકૃતિનો પણ પરિચય થયો. તેમનાં લખાણની શૈલી જુદા પ્રકારની હતી, જેને 'ઓલ્ડ સ્કૂલ' કહીએ એવી. એમાં અકારણ અને બિનજરૂરી રીતે આલંકારિક શબ્દો આવતા રહે. જેમ કે, 'મા' લખવાનું હોય તો એ હંમેશાં 'વહાલસોયી મા' જ લખે. આ રીતે બીજા શબ્દો માટે પણ. મેં આ શૈલી સાવ જ કાઢી નાખવા સૂચવ્યું. મારા આશ્ચર્ય વચ્ચે તેમણે આ સૂચનનો સ્વીકાર કર્યો અને કહ્યું, 'મારું કામ બહેતર દેખાય એમ જ તમે વિચારતા હો, એટલે તમને યોગ્ય લાગે એ કરો.' તેમની આવી પ્રતિક્રિયા મારા માટે જરા નવાઈજનક હતી. કેમ કે, તેમની આવી લેખનશૈલી વિશે ગિરીશ સાથે મારે વાત થતી અને અમે બેય એ બાબતે ગમ્મત કરતાં, અને ક્યારેક વાતચીતમાં રમૂજ તરીકે એનો ઉપયોગ કરતા.
પુસ્તકના સમગ્ર આલેખન દરમિયાન એ અનુભવાયું કે કાન્તિકાકાના જીવનમાં ધરીરૂપ હોય તો એ એમનાં પત્ની શારદાબહેન. શિક્ષિકા તરીકે નિવૃત્ત થયેલાં શારદાકાકી જબરા વાંચનરસિયા. સદાય હસતા મોંએ આવકારવા તત્પર. એમની શાલીનતા સામાવાળાને સ્પર્શ્યા વિના રહે નહીં. એમ કહેવામાં અતિશયોક્તિ નહીં કે કાન્તિકાકાવાળા પુસ્તકની હસ્તપ્રત એમણે પણ અમારા જેટલી જ વાર વાંચી હશે.
પુસ્તક બાબતે મને અને ગિરીશને સહેજ એવો અસંતોષ હતો કે એમાં હજી વધુ ઝીણવટભરી વિગત સમાવાઈ શકી હોત. પણ એ માટેનો સમય નહોતો, અને કોવિડને કારણે એ થઈ શકે એમ લાગતું નહોતું.
આખરે પુસ્તકનું ફાઈનલ સ્વરૂપ તૈયાર થયું. તેના નિર્માણની જવાબદારી પણ કાન્તિકાકાએ મને જ સોંપી. ડિઝાઈનર ફરીદની સાથે મળીને અમે એ પુસ્તક તૈયાર કર્યું. આખરે 4 ઑક્ટોબર, 2020ના રોજ અમે તેમને ત્યાં નડિયાદ ગયા અને પરિવારજનો વચ્ચે જ એનું વિમોચન કર્યું. એ તેમની લગ્નતિથિ હતી.
તેમના જ ઘરમાં માત્ર પરિવારજનો વચ્ચે કરેલું 'લોકાર્પણ': (ઉભેલાં- ડાબેથી) પુત્રવધૂ ઈન્દુબહેન, પૌત્ર ધૈવત, (બેઠેલાં- ડાબેથી) શારદાકાકી, ખુશી અને કાન્તિકાકા |
પુસ્તકને લઈને કાન્તિકાકા બહુ રાજી હતા. જેમને મોકલેલું એમનો કશો પ્રતિભાવ આવે કે એમનો ફોન આવ્યો જ હોય. બીજા કોને મોકલવું જોઈએ એની પણ વાત કરે.
(ઉભેલાં- ડાબેથી) કામિની કોઠારી, બીરેન કોઠારી અને ઈશાન કોઠારી, (બેઠેલાં- ડાબેથી શારદાકાકી અને કાન્તિકાકા) |
એ પછીના અરસામાં શારદાકાકીનું સ્વાસ્થ્ય કથળતું ચાલ્યું. તેમનું હલનચલન વધુ ને વધુ મર્યાદિત થતું ચાલ્યું. કાન્તિકાકાના ફોન નિયમીત આવતા, એમાં એ શારદાકાકીના સ્વાસ્થ્ય વિશે પણ જણાવતા. આખરે 14 જાન્યુઆરી, 2022ના રોજ શારદાકાકીએ દેહત્યાગ કર્યો. સમાચાર મળ્યા પછી, કદાચ બે-ત્રણ દિવસે કાન્તિકાકાને ફોન કર્યો. તેમણે વિગતે વાતચીત કરી. શારદાકાકીની અંતિમ ઘડીઓ વિશે જણાવ્યું. વાતચીતમાં તો એ સ્વસ્થ જણાતા હતા, છતાં એ જાણે કે અંદરથી ભાંગી પડ્યા હોય એવો અણસાર જણાયો. ત્યારે મને ભાગ્યે જ અંદાજ હતો કે કાન્તિકાકા સાથેની આ મારી છેલ્લી વાતચીત હશે.
એ પછી કાન્તિકાકા પણ બિમાર પડ્યા. તેમના હોસ્પિટલાઈઝેશન અને સારવારનો દોર ચાલ્યો. તેમની વાચા મર્યાદિત બની, અને તે કોઈને ઓળખી શકે એ સ્થિતિમાં ન રહ્યા. આખરે તેમણે પણ 2 ફેબ્રુઆરી, 2022ના રોજ શ્વાસ મૂક્યો. શારદાકાકીની વિદાયના ત્રણેક અઠવાડિયામાં તેઓ પણ એ જ માર્ગે સિધાવ્યા.
એક જીવનચરિત્રકાર તરીકે આવી કપરી ઘડીઓનો સામનો કરવાનો આવે ત્યારે મનમાં ઉથલપાથલ મચી જતી હોય છે, પણ એ ઉથલપાથલ દરિયામાં આવતા ભૂકંપ જેવી હોય છે. એક એવી વ્યક્તિ સાથે તેના જીવનના આલેખન નિમિત્તે સંકળાવાનું થાય, એ ચોક્કસ સમયગાળા પૂરતા તેમની એ હદે નજીક આવવાનું બને કે કદાચ એ ગાળા પૂરતું તેમના કોઈ સ્વજન કરતાંય વધુ વાત આપણી સાથે થતી રહેતી હોય, આ બધાના પરિણામરૂપે પુસ્તક તૈયાર થાય અને એ પછી અચાનક આ રીતની વિદાય....! આ સંવેદનને શબ્દોમાં આલેખવું અઘરું છે.
પોતાનાં સંસ્મરણોના પુસ્તકનું શિર્ષક શું રાખવું એ પ્રશ્ન તેઓ પહેલા દિવસથી પૂછતા હતા, અને હું એની પર ઠંડું પાણી રેડતાં કહેતો, 'એની ચિંતા છોડી દો. એક વાર આલેખન થાય એટલે એ આપમેળે સૂઝી આવશે.' ખરું કહું તો મને એનું શિર્ષક સૂઝ્યું એથીય પહેલાં એના ટાઈટલની ડિઝાઈન સ્પષ્ટ થઈ ગયેલી. આખરે અમે શિર્ષક ફાઈનલ કર્યું, 'જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા.' કાન્તિકાકાને અતિ પ્રિય એવા કબીરજીના એક ભજનની આ જાણીતી પંક્તિઓ છે. ઈશ્વર દ્વારા પોતાને મળેલા જીવનને કશા ડાઘ વિના જીવી લીધા પછી અંતે એ ઈશ્વરને યથાતથ સુપ્રત કરે છે એવો ભાવ એમાં છે.
શારદાકાકી અને કાન્તિકાકા બન્નેએ માંડ પંદર-સત્તર દિવસના અંતરાલે વિદાય લીધી એ વાસ્તવિકતા સ્વીકારવી કુટુંબીજનો માટે કપરી છે, છતાં એ આશ્વાસન રહે છે કે તેમનું સાયુજ્ય એવું હતું કે એકમેક વિના એમને સોરવે નહીં. આ લોકમાં તેઓ સાથે ને સાથે રહ્યા, અને જીવન પછી પણ જો કોઈ લોક જેવું હશે તો એમાં પણ તેઓ સાથે જ રહેશે.
કુટુંબીજનો એવાં ગિરીશભાઈ, મનીષાબહેન અને મહેશભાઈ, ઈન્દુબહેન, ભાઈ ધૈવત, શિવરંજની અને ચિ. ખુશી સૌ આ હકીકત જાણે જ છે, છતાં બન્નેની આટલા ટૂંકા ગાળામાં થયેલી વિદાયને સ્વીકારવી અઘરી છે. એ સૌને સાંત્વના.
No comments:
Post a Comment