Tuesday, November 15, 2016

હું કોઈ મોટો ચિત્રકાર નથી છતાં....


આમ તો હું કોઈ વ્યવસાયી ડૉક્ટર નથી, પણ મને નાનપણથી તોડફોડ બહુ ગમે. એટલે હવે નિજાનંદ માટે આવાં ઓપરેશનો કરું છું. તમારું ઓપરેશન પતે પછી તમે મને નિખાલસ પ્રતિભાવ આપજો કે એ કેવું થયું!’ જરા વિચારો કે કોઈ ઓળખીતા ડૉક્ટર આપણને ઓપરેશન ટેબલ પર સૂવાડીને આમ કહે તો? 

કંઈક આવી જ લાગણી મને કોઈ પુસ્તકની પ્રસ્તાવનાના આરંભે ‘હું કોઈ વ્યવસાયી લેખક નથી, છતાં.....’ વાંચીને થાય છે. કોણ જાણે કેમ, ઘણા બધા લોકોને પોતાના પુસ્તકનું લખાણ આ વાક્યથી કરવાની બહુ મઝા આવતી હોય છે. આવા સ્વકથનને અંતે તેઓ મોટે ભાગે લખતા હોય છે, કોઈ ક્ષતિ દેખાય તો આગોતરી ક્ષમા માગી લઉં છું, કેમ કે, હું કોઈ વ્યવસાયી લેખક નથી. આટલી નમ્રતા છતાં એમ લાગે કે તેઓ એમ કહેવા માંગે છે, જુઓ, હું કોઈ વ્યવસાયી લેખક નથી, છતાં એને પણ ટક્કર મારે એવું લખ્યું છે ને! આ તો મારી પાસે સમય નથી, નહીંતર હું લખવાના વ્યવસાયમાં પડું તો ભલભલા વ્યવસાયી લેખકોને ભૂ પાઈ દઉં.

એક સજ્જને પોતે લખેલી પુસ્તિકા મોકલી અને સાથે મોકલેલા પત્રમાં આમ જણાવીને છેલ્લે લખ્યું, આપના નિખાલસ પ્રતિભાવ આપશો. મેં નિખાલસ પ્રતિભાવમાં લખ્યું, આપ વ્યવસાયી લેખક નથી, છતાં આ પુસ્તક લખ્યું, તેને બદલે કોઈ વ્યવસાયી લેખકની સેવા લેવા જેવી હતી, કેમ કે, પુસ્તકમાં ખૂબ ક્ષતિઓ રહી ગઈ છે. બસ! એ સજ્જને મને મોકલેલું એ પહેલું અને છેલ્લું પુસ્તક બની રહ્યું. અલબત્ત, તેમણે લખેલું એ છેલ્લું પુસ્તક નહીં હોય એની મને ખાતરી છે. ખબર નહીં કેમ, લોકોને પોતાની જાતને નિજાનંદી લેખક’, સેવાભાવી લેખક વગેરે ગણાવવામાં કોઈ વિકૃત આનંદ આવે છે.

આટલું પિંજણ કરવાનું કારણ એ કે આ પોસ્ટ પૂરતી હિંમત એકઠી કરીને હું કહેવા માંગું છું, હું કોઈ મોટો ચિત્રકાર નથી છતાં...’આ વાક્ય દ્વારા આ પોસ્ટનો આરંભ કરીને બહુ બધી નિખાલસતાથી લખ્યું હોત, મને આવડ્યું એવું ચીતર્યું છે, તમે મને ટપારજો, કે સુધારજો. તો ઘણાએ કહ્યું હોત, ભાઈ, તું લખવામાં ખોટો આવ્યો. તુંં ચિત્રકાર બન્યો હોત તો.... આમ સૂચવનારા મિત્રો કદાચ એમ કહેવા માંગતા હોય કે, '.....તો લેખને કશું ગુમાવ્યું ન હોત.' 

અગાઉ હું પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં હતો ત્યારે ઘણા કહેતા, તું અહીં ખોટો આવ્યો. તારે લખવામાં જવા જેવું હતું. મને પણ એમ લાગેલું એટલે દસેક વર્ષ અગાઉ લખવામાં આવી ગયેલો. એટલે હાલ પૂરતો બીજા કશામાં જવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. એટલું સમજાયું છે કે અમુક શોખ સમાંતરે પણ ચાલી શકે, જો આપણે તેને ફક્ત નિજાનંદ માટે રાખતા હોઈએ.

આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત. એક તબક્કે ચિત્રકળા તરફનું પ્રબળ આકર્ષણ ને અમુક મિત્રોના દબાણને લઈને કૉલેજ પૂરી કર્યાના દસ વર્ષ પછી વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં પ્રવેશ મેળવેલો. અટપટી પ્રવેશપ્રક્રિયા પસાર કર્યા પછી કૉલેજનાં પગથિયાં ચડવાનાં થયાં, મઝા બહુ આવતી હતી, પણ સમયની અનુકૂળતા અને બીજા નાનામોટા પ્રશ્નો નડતા હતા. તેથી દોઢેક વર્ષ માંડ પૂરું કરી શક્યો. પણ એ ગાળામાં એક નવી સૃષ્ટિનો પરિચય થયો.

એ વખતે અભ્યાસ માટે દોરવાં પડેલાં ચિત્રોમાં ખાસ ભલીવાર નહોતી, પણ મઝા ખૂબ આવી. અધવચ્ચે છોડવી પડેલી એ કૉલેજ પછી છૂટુંછવાયું કામ મેં ચાલુ રાખેલું, જેમાં મુખ્યત્વે પેન ડ્રોઈંગ હતા, કેમ કે, ક્યાંય પણ ગયા હોઈએ તો એ ઝડપથી દોરાઈ શકે. અને પછી તેનું ડીટેલીંગ ઘેર આવીને શાંતિથી કરી શકાય. આ વલણ પણ ઓછું થતું ગયું, અને સંપૂર્ણપણે લેખનમાં પ્રવેશ્યા પછી સદંતર બંધ.

પણ જૂન, ૨૦૧૬માં મિત્રો સાથે માધવપુરનો ટૂંકો પ્રવાસ કરવાનો થયો ત્યારે પંદરેક વર્ષના અંતરાલ પછી પેન અને સ્કેચબુક ફરી હાથમાં પકડ્યાં. કામ ફાવશે કે નહીં, એની ચિંતા કર્યા વગર શરૂ કર્યું. પહેલાં બ્લૉગનું માધ્યમ ન હતું, હવે એ ઉપલબ્ધ છે, તેથી અહીં મૂકવાની પણ હિંમત એકઠી કરી.
હવે આમાં ઊંડા ઉતરવાની, ગમતું કામ કરતા જવાની ઈચ્છા થાય છે, પણ હવે એ માટેનો સમય નથી. એ થાય ત્યારે ખરું.

મારી પાસે અગાઉનાં બનાવેલાં થોડાં ડ્રોઈંગ છે, અને નવાં શરૂ કરેલાં પણ ખરાં. પણ આ પોસ્ટમાં માત્ર ને માત્ર મહેમદાવાદનાં ડ્રોઈંગ મૂક્યાં છે. થોડી એની વાત. 
મહેમદાવાદમાં જીવનના આરંભકાળના ત્રણેક દાયકા વીતાવ્યા હોવાથી તેનો લગાવ હોય એ સ્વાભાવિક છે, પણ તેમાં દોરવા કે ફોટા પાડવા જેવું શું ખ્યાલ પછી આવતો ગયો. હવે અમદાવાદના આક્રમણને કારણે મહેમદાવાદની સ્કાયલાઈન બદલાઈ રહી છે. અમારા ત્રણ માળના ઘરના છાપરે ચડ્યા પછી ગામ પૂરું થતાં જે લીલોતરી દેખાતી હતી, ત્યાં હવે લાઈનબંધ એપાર્ટમેન્‍ટ ઉભા થયેલા જોઈ શકાય છે. મહેમદાવાદના નદીકિનારે ઉભા થયેલા નખશીખ વ્યવસાયી સંકુલ એવા સિદ્ધિ વિનાયક ધર્મસ્થાનને લઈને બહારના લોકોનો ધસારો વધ્યો છે. આમ છતાં, મહેમદાવાદ નગરની મૂળભૂત ઓળખ ઘણે અંશે જળવાઈ રહી છે એમ લાગે.

ઢળતા છાપરાંવાળાં મકાનો, પ્લાસ્ટર વિનાની દિવાલો, ધાબું ધરાવતા સાંકડાં અને ઉભાં મકાનો, ધાબુ અને છાપરાંની જુગલબંદી વગેરે થકી હજી તેની આગવી ઓળખ જળવાઈ રહી હોવાનું મને લાગે છે. તે કેટલી ટકશે એ ખબર નથી. અહીં એવાં કેટલાક ચિત્રો મૂકેલાં છે, જે મેં ફક્ત ઘરમાં રહ્યે રહ્યે,  બાલ્કનીમાંથી કે ધાબા પર જઈને બનાવેલા છે. .

**** **** ****

શેરીનું આ દૃશ્ય અમારા ઘરમાંથી દેખાતું હતું. આ દૃશ્ય હજી આવું છે, પણ તેમાં છેલ્લે જે ઝરુખા અને છાપરાવાળું બાંધકામ છે, એ હવે તૂટી ગયું છે, અને ત્યાં હારબંધ દુકાનોવાળું કઢંગું શોપિંગ સેન્‍ટર બની ગયું છે. લુહારવાડથી નડીયાદી દરવાજા તરફનો આ રસ્તો છે. વૉટરપ્રૂફ ઈન્‍ક વડે બનાવેલું આ ચિત્ર કદાચ ૧૯૯૩-૯૪ના ગાળાનું હશે, એમ લાગે છે. 

લુહારવાડથી નડીયાદી દરવાજા તરફ જતો રસ્તો 

આ દૃશ્યો મારા ઘરના ધાબામાંથી દેખાતાં દૃશ્યો છે.

સામે દેખાતું જેઠાકાકા પંચાલનું ચારમાળી મકાન વરસોથી તેની પ્લાસ્ટર વિનાની ઈંટો, અને ત્રાંસા આકારને કારણે ધ્યાન ખેંચે એવું છે. આ મકાનની અંદરની રચના હિન્‍દુ વર્ણવ્યવસ્થાની યાદ અપાવે. ઉપર ચડવા માટે દરેક માળને વટાવવો પડે. તેમના ધાબે પહેલાં હારબંધ ગીધો બેસતાં હતાં. હવે આવી વીઝીટીંગ ફેકલ્ટીઓ ક્યારેક આવી ચડે છે. 

લુહારવાડથી ખાંટવગા જવાના રસ્તાને નાકે

અમારા મકાનનું સ્થાન એ રીતનું છે કે તેની સામેની બાજુએ ખાંટવગો છે, પાછળની બાજુ દેસાઈપોળ છે, અને આજુઆજુ લુહારવાડ છે. ઈતિહાસની ભાષામાં કહીએ તો તે અનેક સંસ્કૃતિઓના ત્રિભેટે ઉભેલું છે. આ ચિત્રમાં સાવ ડાબે લુહારવાડનાં અમુક મકાનો છે, પાછળ કદાચ વ્યાસવાડાના મકાનો છે, અને જમણે આગળ વધતાં દેખાતાં મકાનો દેસાઈપોળનાં છે.

લુહારવાડ, તેની પાછળ વ્યાસવાડો, જમણે દેસાઈપોળનાં મકાનો 

આ ચિત્રમાં મારા ઘરની બીજી તરફનો ભાગ છે, જે બજાર તરીકે ઓળખાય છે. આ મકાનોની નીચે બજાર તરફ જતો મુખ્ય માર્ગ છે. આ મકાનો કાછિયાવાડનાં છે.

બજાર તરફ જવાના રસ્તે કાછિયાવાડનો ભાગ 
ધાબેથી સાવ સામે દેખાતું આ મસમોટું કોમ્પ્લેક્સ નવું બાંધકામ છે. જૂની આશા ટોકીઝ હતી, તેની આગળ બની ગયેલું આ સંકુલ હોય એમ લાગે છે. પશ્ચિમે આવેલા આ સંકુલનું ચિત્ર બનાવ્યું ત્યારે સૂર્ય પશ્ચિમે હોવાથી પ્રકાશ પાછળથી આવતો હતો. તેને લઈને આખું બાંધકામ સળંગ હોય એમ લાગે છે. પણ સવારના, આ મકાનની ઉપર પડતા પ્રકાશમાં વાત અલગ હતી. આ મકાનનો સામે દેખાતો ભાગ ઓછો છે, અને વધુ લાંબો ભાગ પડખામાં છે.

વારાહી માતાથી સ્ટેશનના રસ્તે આશા ટૉકીઝની
આગળના ભાગે બનેલું કોમ્પ્લેક્સ

મારા ઘરના શયનખંડમાંથી બરાબર સામે દેખાતી આ બારીને ચાર ભાગમાં વિભાજીત કરતાં દરેકમાં અલગ અલગ દૃશ્યો જોવા મળે છે. 


મહેમદાવાદદર્શન પછી હવે ઘરનું દર્શન.
મહેમદાવાદના અમારા ઘરના અનેક સ્થાનો પિક્ચરપરફેક્ટ છે. આવાં બે સ્થાનો.
નીચેથી પહેલા માળે આવવાના દાદરનો ભાગ, જેમાં જૂના મકાનનો લાકડાનો કઠેરો મૂક્યો છે. 
ઘરના દાદરની પાછળ આવેલી પહેલા માળની બેઠકનો ભાગ 

પુસ્તકોનો ખજાનો આ ભાગમાં સચવાયેલો છે.

પુસ્તકોની સમાંતર સૃષ્ટિ
હું કોઈ મોટો ચિત્રકાર નથી, પણ.... આમ કહેવાની કેવી મઝા આવે? ચિત્રકળાના અભ્યાસીઓ આમાં રહેલી ત્રુટિઓ તરત પામી જશે. અન્ય રસિકોને આ ચિત્રો વાન ગોગ કે પિકાસોની સમકક્ષ લાગી શકે. આવા બે અંતિમોની વચ્ચે જ આપણે આપણો આનંદ મેળવી લેવાનો હોય છે. ખાસ કરીને આપણે વ્યવસાયી એક્સ વાય ઝેડ ન હોઈએ અને એ બનવાની શક્યતા પણ ન હોય ત્યારે. 


11 comments:

  1. બિરેનભાઈ,
    મને બધા ચિત્રોમાં આપની અભિયાસી દ્રષ્ટિ, અદ્દભુત ડિટેલીંગ્સ અને લાઈટ-શેડ સાથે ધીરજ, ખંત અને ઓફ કોર્સ ચિત્રકળા પ્રત્યેનો આપનો પ્રેમ દેખાય છે.

    ReplyDelete
  2. બિરેનભાઈ,
    હાથ કંગન કો આરસી ક્યા? પઢે લીખેકો ફારસી ક્યા !!
    જ્યાં હાથ નાંખો ત્યાં સોનુ જ સોનુ.હજુ કયો વિષય બાકી રહ્યો છે??
    તેને પણ પાડી દ્યો.સુંદર છે. આગે બઢો,હમ તુમ્હારે સાથ હય.
    દાદુ શિકાગો

    ReplyDelete
  3. તમે 'મોટા' ચિત્રકાર ભલે કદાચ ન હો પણ 'ઘણા સારા" કહી શકાય એવા એમૅટ્યૉર ચિત્રકાર તરીકે જરૂર સ્વીકૃત થાઓ.
    અમે તો એવા "ચિત્રકાર" છીએ જેને પાંચમા ધોરણના ચિત્રકામના વર્ગમાં 'પતંગ ઉડાડતો છોકરો' દોરવામાં પતંગની દોરી પણ દોરવા માટે સાહેબની મદદ લેવી પડી હતી.
    પણ અમે એટલે જ તમને 'પ્રમાણપત્ર' નથી આપતા. અહીં મૂકેલાં ચિત્રોમાં એ બધું જ છે જે એક આપોઆપ સમજાતાં ચિત્રમાં હોવું જોઈએ. હા, જેને સમજવા માટે 'મોટા" વિવેચક થવું પડે એવાં 'મોટા' ચિત્રકારનાં કેટલાંક ચિત્રો જેવાં સમજવામાં આ ચિત્રો હશે તો પણ અમે પણ ક્યાં 'મોટા' વિવેચક કે ભાવક છીએ!

    ReplyDelete
  4. ઉત્કંઠાNovember 15, 2016 at 10:44 AM

    બહુ જ મસ્ત.. ભુજ બેઠે બેઠે મહેમદાબાદ અને તમારું ઘર "જોઈ" લીધું.. છેલ્લેથી બીજાં ચિત્રમાં દાદરની જે જાળી છે, એની પાછળ શું દેખાય છે?

    ReplyDelete
  5. ખરેખર, દસેક વર્ષથી ચિત્રો કરવાનું (લગભગ)બંધ હોય એવું જરાય લાગતું નથી. ઘણું લખાત પણ હું વ્યવસાયી કળાવિવેચક ન હોઈ, માત્ર 'ઉત્તમ પેનડ્રોઇંગ્સ' એટલું જ કહીને અટકું. અને હા, ઓલું ગુપ્ત સંગ્રહસ્થાન ક્યાં છે, જ્યાં દુનિયાભરના ખજાના ભરી રાખ્યા છે?

    ReplyDelete
  6. Aje 'chitrakar' Birenbhai ni olkhaan thai !!

    ReplyDelete
  7. જોતાંની સાથે જ સમજી શકાય તેવા સરસ ચિત્રો!

    ReplyDelete
  8. ચિત્રો જોઇને ઘણી જૂની યાદો તાજી થઇ. દરવાજાનો હનુમાન મંદિર સહિતનો દેખાવ હવે લુપ્ત થઇ ગયો છે, એનો અહેસાસ એનું ચિત્ર જોઇને વધારે થયો. નવાં ચિત્રો તો આજે જ જોયાં. બહુ મઝા પડી

    ReplyDelete
  9. ઘણી બધી કળાઓ જાણતાં હોઈએ, ત્યારે એક જ કળા પર લક્ષ્ય આપવાનું જીવ બાળતાં બાળતાં ગમે તેવું છે. સરસ ચિત્રો.

    ReplyDelete