આ બ્લૉગ પર છએક વરસ અગાઉ મારાં બનાવેલાં કેટલાંક ડ્રોઈંગ મૂક્યાં હતાં. ખાસ્સા પંદરેક વર્ષના અંતરાલ પછી 2016થી ફરી એક વાર ચિત્રો બનાવવાનો આરંભ કર્યો હતો. એ પછી અનિયમિતપણે આ સફર ચાલતી રહી છે. અલબત્ત, દરેક વખતે સ્થળ પર બેસીને ચિત્ર પૂરું કરી શકાય એ હવે મુશ્કેલ લાગે છે. આથી સ્થળ પર જરૂર પૂરતું રેખાંકન કરીને બાકીની ઝીણવટ ઘેર આવીને કરું છું. અનિયમિતપણે પણ આ કામ થઈ શકે છે એનો આનંદ છે.
જે તે સ્થળે જઈને, એની તસવીર લઈને પછી ઘેર આવીને એની પરથી સીધેસીધું ચિત્ર બનાવી દેવું પ્રમાણમાં સહેલું છે, અને એમાં ખાસ કશી કમાલ નથી, એમ મને લાગે છે. આથી આ પદ્ધતિ હું બને ત્યાં સુધી ટાળું છું. બને ત્યાં સુધી હું એ રીતે ફોટો લેતો નથી, જેથી એના પરથી દોરવાનું મન થાય.
અહીં કેટલાંક વધુ ચિત્રો મૂકું છું. આ ચિત્રો પેન વડે બનાવેલાં છે. એકાદ ચિત્રમાં પેનની સાથે ડ્રાય પેસ્ટલનો ઉપયોગ કરેલો છે. ચિત્રના વધુ વર્ણનની જરૂર નથી, છતાં જે તે સ્થળનો ખ્યાલ આવે એટલા પૂરતું લખાણ મૂકેલું છે.
****
જૂન, 2016માં મિત્રો હસિત મહેતા, પૂર્વી ગજ્જર, બિનીત મોદી અને ઉર્વીશ પરિવાર સાથે અમે માધવપુરના પ્રવાસે ઊપડેલા. એ વખતે માધવપુરથી મારાં ચિત્રોનો પંદરેક વરસનો ઉપવાસ તૂટ્યો. એ ચિત્ર આ રહ્યું.
|
ચિત્રોનો 15 વર્ષનો ઉપવાસ તૂટ્યાનું સ્થળ |
એ જ પ્રવાસમાં અમે અણધાર્યા દીવ ઊપડ્યા. દીવનો કિલ્લો અને અહીં ઠેરઠેર ઊભેલાં રાવણતાડનાં વૃક્ષો અત્યંત આકર્ષક લાગે છે.
|
દીવનો કિલ્લો |
|
રાવણતાડનાં વૃક્ષો |
****
દીકરી શચિએ મને એની પોતાની સ્કેચબુક આપી દીધી હતી, જે મિત્ર મઝહર કંસારાએ પ્રેમપૂર્વક મોકલેલી. આ સ્કેચબુક કદમાં નોટબુક જેટલી હોવાથી મને એ બહુ અનુકૂળ આવી ગઈ. મારી સાથે જ હું એને રાખવા લાગ્યો. એ વરસે જુલાઈમાં મુમ્બઈ જવાનું થયું. પેડર રોડ પર મારા કાકા (હવે સ્વ.) શૈલેષ પરીખને ઘેર મારો ઉતારો હોય. મુખ્ય માર્ગ પર પડતી એમના ફ્લેટની બારીમાંથી દેખાતાં આ દૃશ્યો છે.
|
કારમાઈકલ જન્ક્શન પરથી દેખાતું દૃશ્ય |
|
બારીમાંથી સામે દેખાતું દૃશ્ય |
****
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા કોન્કોર્ડ બિલ્ડીંગની સામેના પેટ્રોલ પમ્પ આગળ હું કોઈકની રાહ જોઈને ઊભો હતો. એ ભાઈને આવવાની દસ-પંદર મિનીટની વાર હોવાથી સામે દેખાતા બિલ્ડીંગનું ડ્રોઈંગ બનાવવાનું શરૂ કર્યું. એવામાં પેલા ભાઈ આવી ગયા એટલે ચિત્ર અધૂરું રહ્યું. આથી મેં તેની તસવીર લઈ લીધી અને પછી ઘેર આવીને તેને પૂરું કર્યું.
****
2016ના ઓગષ્ટમાં લગભગ ચોમાસા દરમિયાન એક વખત અમે પાવાગઢની મુલાકાતે ઊપડેલા. વડા તળાવ તરફથી દેખાતા પાવાગઢનું દૃશ્ય મને અતિ પ્રિય છે. એ તરફથી બનાવેલાં આ ચિત્રો છે.
|
વડા તળાવનું ખંડેર અને તેની પાછળ પાવાગઢ |
|
વડા તળાવની સામે કબૂતરખાનાનું ખંડેર અને પાછળ પાવાગઢ |
****
2017ના મે મહિનામાં મિત્ર પરેશ પ્રજાપતિના પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં આવેલા ગ્રહણનો પ્રવાસ કરેલો. કસૌલથી પગપાળા જ જઈ શકાય એવા આ ગામમાં અમે ચારેક દિવસ રોકાણ કર્યું. માંડ 70-80 મકાનો ધરાવતા આ ગામમાં અમે રોકાયા એ દરમિયાન વીજપ્રવાહ ખોટકાયેલો હતો. મોબાઈલ ફોનના સિગ્નલ મળતા નહોતા. આથી ચાર્જ કરેલો કેમેરા કરકસરપૂર્વક વાપરવો પડતો. મોબાઈલ ફોન તો અમે કાઢ્યા જ નહોતા. અહીં સવારે એકદમ નિરાંત રહેતી. આ નિરાંતના સમયમાં હું હોટેલના આંગણામાં બેઠાં બેઠાં સામે નજરે પડતાં દૃશ્યો ચીતરતો. સ્વર્ગ સમા એ સ્થળનાં કેટલાક ચિત્રો.
|
ગ્રહણ (હિ.પ્ર.) નું એક દૃશ્ય |
|
ગ્રહણ (હિ.પ્ર.)નું એક દૃશ્ય |
|
ગ્રહણ (હિ.પ્ર.)નું એક દૃશ્ય |
****
મિત્ર ઉત્પલ ભટ્ટ સાથે જુલાઈ, 2017માં ખાંજર ગામે જવાનું નક્કી થયું. અમારી સાથે મિત્ર પૈલેશ શાહ પણ જોડાયા. એક રાત ત્યાં રોકાણ કર્યું. ગૂજરાત વિદ્યાપીઠની એક વિદ્યાર્થીની સુનિતા ગામીતને ઘેર એક ચોક્કસ કારણે અમે સૌ ગયેલાં. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલું આ નાનકડું ગામ એકદમ મનમોહક હતું. અમે રોકાયેલા ત્યાંથી સામે દેખાતું દૃશ્ય.
|
ખાંજર (તા.સોનગઢ)નું એક દૃશ્ય |
****
આઠ-નવ વરસ સુધી મારા અને પરેશ પ્રજાપતિના પરિવારે દર વરસે ઉત્તરાયણના અરસામાં ફરવા નીકળી જવાનો ક્રમ જાળવી રાખેલો. એ વખતે અમારાં સંતાનો શાળા/કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી રજાઓની મુશ્કેલી પડતી, છતાં અમે એ ક્રમ નિભાવતા. છેલ્લે 2018ની ઉત્તરાયણ વેળાએ અમે મહારાષ્ટ્રના હીલ સ્ટેશન ભંડારદરાની મુલાકાત લીધી. સહ્યાદ્રિમાં આવેલા આ મસ્ત હીલ સ્ટેશનનાં બે દૃશ્યો.
|
ભંડારદરા (મહારાષ્ટ્ર)નું એક દૃશ્ય |
|
ભંડારદરા (મહારાષ્ટ્ર)નું એક દૃશ્ય |
****
મે, 2018ના મેમાં અમારા સગા ગૌરાંગ શાહ અને ભાવિની શાહે બદ્રીનાથના પ્રવાસનું આયોજન કરેલું. અમે એમાં જોડાયા અને બદ્રીનાથ તેમજ વળતાં શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં રોકાણ કર્યું. આ પ્રવાસનાં કેટલાંક ચિત્રો.
|
બદરીનાથનું એક દૃશ્ય |
****
|
શ્રીનગર (ઉત્તરાખંડ)નું એક દૃશ્ય |
****
|
હરિદ્વાર-ઋષિકેશ હાઈવે |
****
ઑગષ્ટ, 2018માં મિત્રો હસિત મહેતા પરિવાર, પૂર્વી ગજ્જર પરિવાર તેમજ ઉર્વીશ પરિવાર સાથે અમે કેવડિયા કોલોનીના પ્રવાસે ઊપડેલા. હજી સરદાર પટેલનું પૂતળું પૂર્ણ થયું નહોતું. આથી 'વિકાસ' ત્યાં પૂરેપૂરો પહોંચ્યો નહોતો. આ ઉપરાંત ચોમાસાને કારણે સતત ઝીણો વરસાદ વરસતો રહેલો. એ પ્રવાસ વખતે અમારા ઉતારાની બારીમાંથી દેખાતું દૃશ્ય.
|
કેવડિયા કોલોની |
****
ચિત્રોની આ સફર હજી ચાલુ છે એ વાતનો આનંદ છે. વધુ ચિત્રો યોગ્ય સમયે અહીં મૂકીશ. ચિત્રોની આ સફરમાં ડિસેમ્બર, 2021થી એક નવો ફાંટો પડ્યો છે, જે પણ એટલો જ આનંદદાયી છે. એની વધુ વિગત પછી.
અદભુત...ખરેખર...અતિ સુંદર...
ReplyDeleteચિત્રો, ચિત્રકામ અને ચિત્રકળા વિશે કહીં જ કહેવા જેટલી મારી ક્ષમતા નથી, પરંતુ અહીં કરાયેલી બે વાતોના સંદર્ભમાં મારો પ્રતિભાવ આપવાનું રોકી પણ નથી શકાતું -
ReplyDelete૧) વડે દૃશ્યનું ત્રિપરિમાણીય અંકન ધ્યાન ખેંચે છે. આ ચિત્રો બીરેનભાઈએ જે જે સ્થળોની મુલાકાત લીધી છે તે સ્થળોનું અમુક ચોક્કસ field of vision માંથી ઝડપાતું દૃશ્ય રજૂ કરે છે. આવી જ રીતે આ દૃશ્યોને ઘણા વધારે wide view lensમાંથી જોવાયાં હોય એવાં રેખાંકનો પર પણ કામ થતું હશે?
૨) અહીં જેમ નિર્જિવ વસ્તુઓનાં પર્તિબિંબ ઝીલાયાં છે તેમ ચહલ પહલ સાથેનાં (જેમ કે રીક્ષાસાયકલ કે લારી ચલાવતી વ્યક્તિ કે બજાર, કે ટ્રેનના પ્લેટફોર્મ પર કે બસ સ્ટેન્ડ પર જોવ અમળતી પ્રવૃત્તિઓ -વગેરે સજીવ વ્યક્તિઓનાં/ તેમની ગતિ વિધિઓના freeze shot નાં ચિત્રો. તેમાં પણ જો જો ચિત્રો સાથે જોડાયેલી વાત પણ એટલી જ જીવંત રીતે વર્ણવાઈ હોય એ ચિત્ર સાથે વાતનાં પણ શબ્દ ચિત્ર પણ હોય એવાં કામ.
આ વિષય પર અંગેજી (કે હિંદી) - જે બીજી બે ભાષાઓ આવડે છે - પર થયેલું કામ નેટ પર મળી શકે?