Saturday, February 11, 2012

મારા બોન્સાઈના પ્રયોગો: ફૂલ નહીં, મેરા દિલ હૈ



 -          કામિની કોઠારી


[મારો અને (મારી પત્ની) કામિનીનો આ શોખ વિકસ્યો સાથેસાથે,પણ ઘણા વખતથી મારી ભૂમિકા મર્યાદિત થઇ ગઈ છે અને એ મુખ્યત્વે તેનું જ કાર્યક્ષેત્ર બની રહ્યું છે. એટલે આ વિષય પર એ લખે એ વધુ યોગ્ય ગણાય. અહીં તેણે આ શોખનાં કળાકીય ઉપરાંત સામાજિક, આર્થિક, વ્યાવહારિક વગેરે અનેક પાસાં પર પ્રકાશ ફેંક્યો છે.]

બોન્સાઈ/ Bonsai શબ્દ મારા લગ્ન પહેલાં મેં કદી સાંભળ્યો ન હતો. અને લગ્નના ચાર-પાંચ વરસ સુધી પણ મને તેના વિષે કશી ખબર નહોતી. બોન્સાઈ તો ઠીક, વડ, પીપળો, લીમડો, નાળિયેરી જેવાં બે-પાંચ ઘરેલુ ઝાડ અને તુલસી, મનીપ્લાન્ટ જેવા ત્રણ -ચાર ઘરેલુ છોડ સિવાય વનસ્પતિજગત મારા માટે સાવ અજાણ્યું હતું. આવું કોઈ અલાયદું જગત હોય અને એમાં રસ પડી શકે એનો કશો અંદાજ નહોતો. મારાં એક કાકીને ફૂલછોડનો બહુ શોખ હતો. એ અવારનવાર કહ્યાં કરતાં, અમે તો દૂધના પૈસા બચાવીને ફૂલછોડ વસાવીએ છીએ. આવું સાંભળીને નવાઈ લાગતી અને વાત માન્યામાં ન આવતી. નાની હતી એટલે એમ તો કહેવાની હિંમત નહોતી કે ક્યારેક ફૂલછોડના પૈસા બચાવીને દૂધ પણ પીવાનું રાખો. પણ વડોદરા એમને ઘેર જવાનું થાય તોય એમના ફૂલછોડ જોવાનું એવું મન થતું નહીં. ૧૯૯૭માં અમારે વડોદરા/ Vadodara રહેવા આવવાનું બન્યું. 
ફૂલો જોયેલા, પણ યે બોન્સાઈ ક્યા હૈ? 
લગ્ન પહેલાં ફક્ત બાયોડેટામાં લખવા માટે કરેલી અનેક વસ્તુઓમાં હવે સર્જનશીલતાનો અંશ ભળવા લાગ્યો. સર્જકતા હોય એવી અનેક બાબતોમાં રસ પડવા લાગ્યો. એ જ રીતે વનસ્પતિસૃષ્ટિમાં રસ પેદા થયો હશે. જો કે, (મારા પતિ) બીરેનની સમાંતરે જ મારો આ અને અન્ય શોખ વિકસતા જતા હતા અને તેને દિશા મળતી જતી હતી. બોન્સાઈનો શોખ ધીમે ધીમે એ હદે એ વિકસ્યો કે મારા મુખ્ય શોખનું કેન્દ્ર બની રહ્યો. ઘણા બધા લોકોને ત્યાં અમે ફૂલોના કૂંડા ગોઠવેલા જોતાં. પણ મોટે ભાગે એવું બનતું કે એ લોકોને બાગાયતનો ખાસ શોખ કે જાણકારી ન હોય. બસ, હરિયાળી ઘરઆંગણે હોય તો સારું લાગે એવો ખ્યાલ. જો કે, આ બાબત અન્ય શહેરોની સરખામણીએ વડોદરાના (અમારા સંપર્કમાં હતા એ) લોકોમાં વધારે જોવા મળી.
બોગનવેલ 
અમને થતું કે એમ તૈયાર ફૂલછોડ લાવી દઈએ એમાં મઝા ન આવે. એને બદલે કંઈક એવું કરવું કે જેમાં સર્જનાત્મકતાનો સંતોષ મળે. એ રીતે ધીમે ધીમે અમે બોન્સાઈ તરફ વળ્યા હોઈશું એમ લાગે છે. શરૂઆતમાં નર્સરીમાં જઈને વિવિધ વૃક્ષોના રોપા ખરીદી લાવ્યા. પહેલી વાર નર્સરીમાં ગયા ત્યારે જરાય અંદાજ નહોતો કે રોપાની કિંમત કેટલી હોય, નર્સરીમાં બીજું શું શું મળે, બાગાયતના કયા સાધનનો શો ઉપયોગ થાય વગેરે.. નર્સરીવાળાને પણ એવો ખાસ અંદાજ નહોતો કે કયાં વૃક્ષોનું બોન્સાઈ બની શકે. આ બાબત અમારા માટે લાભદાયી પુરવાર થઈ. 
રાયણ
સામાન્ય સંજોગોમાં જેનું બોન્સાઈ બનાવવાનો વિચાર ન આવે એવા ઘણા બધા રોપા અમે લઈ શક્યા- જેમ કે, ફાલસા, કોઠાનું ઝાડ, રાયણ, નારંગી, મોસંબી, આંબો, પપૈયું, કેળ, ગરમાળો, ત્રિકુમા, ચંપો, બોગનવેલ, આંબલી, ગુલમહોર, આંબળા, ગોરસઆંબલી, સપ્તપર્ણી, શેતુર, બદામ, અંજીર, દાડમ, બાવળ, બીલી, લીમડો, જાંબુ, નીલગીરી, ફાયકસ વગેરે અનેક. જો કે, આમાંના ઘણા બધા એક યા બીજા કારણોસર મરણને શરણ થયાં. પણ એક બાબતનો ખ્યાલ આવ્યો કે કોઈ પણ વૃક્ષનું બોન્સાઈ બની તો શકે. તેના મૃત્યુ પામવાનાં કારણો અનેક હોઈ શકે. જેમ કે- વધુ પડતા પાણીથી મૂળ કહોવાઈ જવાં, કીડીઓનો મૂળ પર હુમલો, લોખંડનાં સાધનો વાપરવાથી છોડ પર થતી વિપરીત અસર, કોઈક જાતની લીલ કે ફૂગનું બાઝવું વગેરે. 
ફાયકસ 
અમારી સ્થિતિ એવી હતી કે અમને નહોતું રોગનું નિદાન આવડતું કે નહોતાં રોગનાં લક્ષણોની ખબર. એટલે તેના ઈલાજનો તો સવાલ જ ઉભો ન થાય. એટલે અમારે ભાગે પોસ્ટમોર્ટમ જ આવતું. ઉપર ઉપરથી સાજોસમો, લીલો જણાતો છોડ એકાએક ઢબી જાય એટલે અમને પ્રચંડ આઘાત લાગે. પછી તેને ઉખાડીને અમે તપાસવાનો પ્રયત્ન કરીએ કે શા કારણથી તેનું મૃત્યુ થયું. આમાં ક્યારેક સફળતા મળે અને ક્યારેક ન મળે. કારણ જાણવા મળે તોય ફરી વખત સાવચેતીનાં કયાં પગલાં લેવાં એની ખબર ન પડે. પૂછવું તો કોને પૂછવું? અમારા વર્તુળમાં એવું કોઈ જાણકાર કે સરખા શોખવાળું હતું નહીં. (આજેય ખાસ નથી.)
એરીલીયમ 
એટલે છેવટે એમ નક્કી કર્યું કે બોન્સાઈ અંગેની તાલિમ લેવી. તાલિમ મારે જ લેવાની હતી, કેમ કે બીરેનની નોકરીના કલાકો અનિશ્ચિત હોવાથી તેને આ ફાવે એમ નહોતું. આ તાલિમ કોની પાસે લેવી? વડોદરામાં તો બોન્સાઈની ક્લબ ચાલતી હતી, પણ બીરેનને કોઈ પણ જાતની ક્લબમાં જોડાવામાં રસ નહોતો. દરમ્યાન છાપામાં એક જાહેરાત જોઈ કે અમારા ઘરની નજીક આવેલા લોકવિજ્ઞાન કેન્દ્રમાં બોટલ ગાર્ડનીંગ અંગે વાર્તાલાપ અને પ્રાથમિક તાલીમ અમુક દિવસે છે. બોટલ ગાર્ડનીંગ કઈ બલાનું નામ છે, એની અમને ખબર નહોતી, પણ એમ લાગ્યું કે જઈએ તો ખરા. કદાચ બોન્સાઈ વિષે કંઈક જાણવા મળી જાય.
પારસપીપળી 
અને ખરેખર એવું જ થયું. બોટલ ગાર્ડનીંગ’/ Bottle gardening સમજાવવા આવેલા સજ્જને પ્રભાવિત થઈ જવાય એવા કેટલાક નમૂના દેખાડીને સૌને ચકિત કરી દીધા અને આવું સૌ કોઈ કરી શકે છે એમ જણાવ્યું. એક રીતે પોતાના માટે ગ્રાહકોને આકર્ષવાનો જ આ કિમીયો હતો. કેમ કે, ઘણા બધાએ તેમને આ શીખવાડવા વિષે પૂછપરછ કરી. મેં તેમને બોટલ ગાર્ડનીંગ વિષે નહીં, પણ બોન્સાઈ શીખવવા અંગે પૂછ્યું. તેમણે પોતાનું કાર્ડ આપ્યું. થોડા દિવસ પછી મેં તેમને ફોન કર્યો અને ફી, સમય વગેરે જાણકારી મેળવીને તેમની પાસે શીખવા જવાનું નક્કી કર્યું.
આ અગાઉ અમે આઈ.પી.સી.એલ.ટાઉનશીપમાં રહેતાં હતાં ત્યારે પણ બીજા એક ભાઈએ બોન્સાઈ કળા વિષે વાર્તાલાપ આપેલો અને અદભૂત નમૂના દેખાડેલા. એમનું કાર્ડ મેં રાખી મૂકેલું. પણ તેનો ઉપયોગ કર્યો નહોતો.
આ સજ્જન પાસે શીખવા જવાનું શરૂ કર્યું ત્યારે મને અને બીરેનને બહુ ઉત્સાહ હતો, કેમ કે અમારી ઘણી બધી મૂંઝવણોનો ઊકેલ અહીંથી મળવાની શક્યતા હતી. મારી સાથે બીજી ચાર-છ ગૃહીણીઓ પણ શીખવા આવતી હતી, જેમાંની બે-ત્રણ તો બહુ માલેતુજાર કુટુંબની હતી, જેમના વિશાળ બંગલા હોય અને લાંબોપહોળો બગીચો હોય. એમના વિષે મેં બીરેનને જણાવ્યું તો એ કહે, આટલો મોટો બગીચો હોય તો એમણે મોટાં ઝાડ જ ઉગાડવાં જોઈએ. બોન્સાઈ આવા બગીચામાં ક્યાં દેખાવાનાં?” 
રુદ્રાક્ષ 
બધું મળીને કુલ આઠ- દસ દિવસની તાલિમ હતી. અમે ભેગા થતા. શીખવનાર મહાશયે પોતાના ધાબા પર જબરદસ્ત બોન્સાઈ ગાર્ડન બનાવેલો. અલબત્ત, બધા છોડ કંઇ એમણે ઊછેર્યા નહીં હોય, ઘણા બધા એમના એમ નર્સરીમાંથી તૈયાર લાવ્યા હશે, એમ લાગતું હતું. છતાંય આટલા બધા છોડ એક સાથે જોઈને આંખો પહોળી જ થઈ જાય. એકાદ કલાક અમારા ક્લાસ ચાલતા. પણ મને લાગતું કે એ સજ્જનનો મુખ્ય આશય કશું નક્કર શીખવીને નવા બોન્સાઈ ચાહકો પેદા કરવાનો નથી, બલ્કે પોતાના માટે એક કાયમી ગ્રાહક ઉભા કરવાનો છે. રોજ મને બીરેન પૂછતો કે આજે શું શીખવ્યું? ફલાણું શીખવ્યું? ઢીકણું શીખવ્યું? આપણા ઘરના આ છોડ પર ફૂલ નથી આવતા એના વિષે એમણે કશું શીખવ્યું? શરૂમાં તો મને લાગતું કે આજે નહીં તો કાલે શીખવશે. એટલે હું કહેતી, હજુ નથી શીખવ્યું. કદાચ હવે શીખવશે. બીરેનના અનેક પ્રશ્નોનો મારી પાસે આ એક જ જવાબ હતો, જેનાથી એને સંતોષ થતો નહીં. 
નાળીયેરી જેવા દેખાતા આ થમ્બ
બોન્સાઈનું નામ હજી જાણવા મળ્યું નથી.  
ક્યારેક અમારી વચ્ચે વાકયુદ્ધ પણ આ મુદ્દે થતું થતું રહી જતું. પણ એમ કરતાં કરતાં અમારી તાલિમ પૂરી થઈ જવા આવી. અને છતાંય લાગ્યું કે ખરેખર હું ખાસ કશું શીખી શકી નથી. એ દરમ્યાન તેમની પાસેથી અમે બે-ચાર છોડ, એકાદ-બે સાધન, બે-ચાર પડીકાં વગેરેની ખરીદી કરી ચૂક્યા હતા. એક વાર તો અમારા એક છોડનું કૂંડું બદલવાનું હતું. સ્કૂટર પર એ કૂંડું માંડ ગોઠવીને હું લઈ ગઈ અને અમારા પ્રશિક્ષકને મારા છોડ પર જ એનું નિદર્શન આપવા કહ્યું. આવું તો કોઈએ કર્યું નહોતું. અમારા પ્રશિક્ષકનું મોં થોડું ચડી ગયું હોય એમ લાગ્યું. પણ મારા અતિ આગ્રહને કારણે તેમણે નાછૂટકે અમને સૌને રીપૉટીંગ નું પ્રેકટીકલ નિદર્શન આપ્યું.


કપોક
આવું જ મારી સાથે આવતાં એક બહેનને થયેલું. તેમણે ફળોથી ભરપૂર એક છોડ આ ભાઈ પાસેથી ખરીદ્યો. બે-ત્રણ દિવસ તો એ છોડ સરસ રહ્યો, પણ પછી એ ચીમળાવા માંડ્યો. પેલાં બહેને વાત કરી કે આવું કેમ થયું? એક દિવસ પેલાં બહેન એ બિમાર છોડ લઈને જ આવી ગયાં. આ પ્રશિક્ષકે એ છોડને જોવું પડશે કહીને બાજુએ મૂકી રાખ્યો. ખરેખર તો આ જ છોડને એ પોતે શી ટ્રીટમેન્ટ આપવાના છે એ અમને દેખાડી શક્યા હોત. પણ એમણે એ ટાળ્યું.
આ બધા પરથી એક વાતનો ખ્યાલ આવી ગયો. આ મહાશયનું કામ સેલ્ફ ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યૂટ જેવું છે. તેમને શિક્ષણ આપવામાં નહીં, પણ સંખ્યા વધારીને પૈસા મેળવવામાં જ રસ છે. આ સજ્જન ખરેખર જાણતા હતા ઘણું, પણ શીખવવા કશું નહોતા માંગતા. અમને નડેલા અમુક પ્રશ્નો વિષે તેમને હું પૂછતી તો એ જવાબ ટાળી દેતા અથવા એ તો જોઈએ તો ખ્યાલ આવે’, દરેકનું કારણ અલગ અલગ હોય’, એમાં કશું કહેવાય નહીં જેવા ઉડાઉ જવાબો આપીને વાત પૂરી કરી દેતા. તે પોતે નર્સરીમાંથી છોડ લાવીને તેને પોતાના બનાવેલા બોન્સાઈ તરીકે વેચતા હોવાની પણ ખબર પડી. સાત-આઠ દિવસની તાલિમ લીધી એમાં સાવ કશું ન શીખ્યા એમ ન કહી શકાય. થોડીઘણી બાબતો શીખ્યા ખરા, પણ જોઈએ એવો સંતોષ ન થયો.

શેતુર 
પણ મારો શોખ તો હવે વધુ ને વધુ વિકસતો ગયો. બીરેનની કંપનીમાં સીમેન્ટના ભોંયતળિયા પર વડ, પીપળા અને પારસપીપળી ઉગી નીકળતાં. વૃક્ષો સારાં ખરાં, પણ સીમેન્ટના તળિયા પર કે ભીંતમાં ઉગી નીકળેલાં ઝાડ નુકસાન કરે અને તેનો મૂળમાંથી નાશ જ કરવો પડે. એ રીતે તેની કંપનીમાં આવાં ઝાડનો નાશ કરવા માટે કોન્ટ્રેક્ટ અપાતો. પણ એ પહેલાં બીરેન નાના નાના પીપળા, વડ, પારસપીપળી મૂળ સહિત ઉખાડી લાવતો. સિમેન્ટના ભોંયતળિયા પરથી તેને ઉખાડવા સરળ પડતા. આમ, તેની કંપનીમાં નાને પાયે સફાઈ પણ થઈ થતી અને અમારા સંગ્રહમાં વધારો.
બોન્સાઈ અંગેનાં પ્રદર્શનો પણ વરસમાં એક-બે વખત વડોદરામાં યોજાતાં. શરૂમાં અમે એ જોવા જતા, પણ જોયું તો આ પ્રદર્શનોમાંય ઘણા ખરા લોકો પોતાનો ધંધો કરવા જ આવતા. હું શીખવા જતી હતી એ મહાશય પણ તેમાં ભાગ લેતા. એમના જેવા બીજા પણ ઘણા હતા, જેમનાં નામ અને સંગ્રહ વિષે સ્થાનિક છાપામાં અવારનવાર છપાયા કરે છે. એ લોકો બે-ચાર આકર્ષક બોન્સાઈ લાવીને પ્રદર્શનમાં મૂકતા. એ જોઈને ટોળું વળે અને આશ્ચર્યજનક ઉદગારો નીકળે, એમાંથી એમને બે-ચાર ગ્રાહકો મળી રહે. લોકોને એમ જ થાય કે આવું બોન્સાઈ આપણે બનાવીએ તો કેવું સારું! પણ તેમને કોઈ એમ શા માટે કહે કે એવું બોન્સાઈ કંઈ બે-ચાર મહિનામાં ન બની જાય. એને બનતાં વરસો લાગે. પ્રદર્શનોમાં ક્યારેક ઉપયોગી ચીજવસ્તુઓ પણ મળી જતી. પણ હવે એમાં જવાનો ખાસ ઉત્સાહ થતો નથી. એટલું ખરું કે પ્રદર્શન અંગે છાપામાં છપાય કે કોઈક પરિચીત પ્રદર્શનની મુલાકાત લે એટલે ઘણી વાર ત્યાંથી ફોન કરીને અમને યાદ કરે છે’. તો અમુક બોન્સાઈ અમુક હજાર રૂપિયામાં વેચાયું એમ જણાવીને અમારા સામાન્ય જ્ઞાનમાં અને મૂડી રોકાણમાં વૃદ્ધિ પણ કરે છે.
"તમે આના ક્લાસ કરેલા?" 
વચ્ચે અમે એકાદ બે માળી રાખવાનો અખતરો કરી જોયો, જેનો ચાર્જ કોઈ ડૉક્ટરની જેમ વિઝીટ દીઠ હતો. છોડ મરે કે જીવે એની સાથે તેને કશી નિસ્બત નહીં. એ આવે, એની પાસેના દાતરડા જેવા સાધનથી માટી ઊંચીનીચી કરે (ગોદ મારે’) એટલે વિઝીટ પૂરી. માળીઓનો મુખ્ય આશય પણ જાતજાતના ખાતરનાં પડીકાં અને જંતુનાશક દવાઓ પધરાવવાનો હતો. અને ઘણા માળીઓને બોન્સાઈ વિષે કશી જાણકારી ન હોવા છતાં પોતે સર્વજ્ઞ હોવાનો દાવો કરતા હતા. એટલે માળીઓને પણ ધીમે ધીમે અમે વિદાય આપી.
"શું કરું? મને તો  (નવરાશમાંથી) ટાઈમ જ મળતો નથી. નહિંતર... " 
હા, એક છોકરો મળ્યો હતો એ ઘૂઘરા જેવો હતો. અમે કોઈ નર્સરીમાં ગયા અને ત્યાં બનાવેલા બોન્સાઈ જોઈને ચકિત થઈ ગયા. એ કોણે બનાવ્યા છે તેની પૂછપરછ કરી. જાણવા મળ્યું કે નવિન નામના એક છોકરાએ એ બનાવ્યા છે. નવિનનો ફોન નંબર મેળવ્યો અને તેને અમારે ઘેર બોલાવ્યો. આ છોકરાએ કહ્યું કે મારી એક વિઝીટના અમુક રૂપિયા થશે. અમે હા પાડી એટલે એ આવ્યો. અમારાં બોન્સાઈ જોયાં. એ વખતે અમે ગોરસઆંબલીના એક બોન્સાઈનું કૂડું બદલવા માંગતા હતા. તેણે અમને એ બદલી આપ્યું અને સાચી રીત દેખાડી. તેનો આત્મવિશ્વાસ અને કામ કરવાની રીત જોઈને લાગ્યું કે એ ખરેખર કામ જાણે છે. જો કે, એ અમારા ઘરથી દૂર રહેતો હોવાને કારણે તેને અમારે ત્યાં આવવું ફાવે એમ નહોતું.
એટલે હવે આપોઆપ એમ ઠરાવાઈ ગયું કે આપણો શોખ છે એને આપણે જ પોષવો. કમ સે કમ જે કંઈ થાય એના માટે આપણે જવાબદારી તો લઈ શકીએ. બોન્સાઈની સંખ્યા અમારે ત્યાં વધવા લાગી હતી. અને અવનવા અખતરા અમે કરતા રહેતા હતા. આપણા ઘરોમાં ચા પીવા કપની કડી તૂટી જાય એટલે એ નકામા થઈ ગયેલા ગણાય છે. પણ અમે એ કપને કૂંડા તરીકે વાપરવા માંડ્યા. 
ટી-પૉટની અભિલાષા:
"મમ્મી, હું મોટો થઈને  કિટલી બનીશ."
"બેટા, સાચવીને રહેજે. તારા શરીરમાં ક્રેક પડી તો  બોન્સાઈનું  કૂંડું બની જઈશ ." 
તેના તળિયે કાણું પાડવાની રીત મેં શીખી લીધી. સિરામીકના વાસણમાં કાણું પાડવું જરા ધીરજ માંગી લેતું કામ છે. જરાક ગફલત થાય તો કપ તૂટી જ જાય. આવા કેટલાક કપ તૂટ્યા પણ હશે. પણ કાણું બરાબર પડી જાય તો એ કપમાં રોપેલા છોડનો દેખાવ જ કંઈક અલગ લાગે છે. એક તબક્કે તો મને કપ અને એ સિવાયની કોઈ પણ આકર્ષક ક્રોકરીમાં ભાવિ પૉટના દર્શન થવા લાગ્યા. હું વિચારતી કે એ તૂટે ત્યાં સુધી રાહ શા માટે જોવી? પણ બીરેન મને રોકી રાખતો અને સમજાવતો કે આ કપ મૂળ તો કશુંક પી શકાય એના માટે બનાવાયા છે. એટલે એનો પહેલો ઉપયોગ તો એ જ છે. હું એની વાત માની જતી. (એની અમુક વાતો માનવા જેવી હોય છે.) એવી પણ અફવા છે કે અમારે ઘેર આવીને બોન્સાઈ જોઈ જનાર લોકો પોતાને ઘેર જઈને ઉત્સાહમાં ને ઉત્સાહમાં નવાનક્કોર કપના તળિયે કાણું પાડવા મંડી પડે છે, અને એમાં સફળ ન થતાં કપહત્યાનું પાપ વહોરી લે છે. અલબત્ત, આના પુરાવા મળી શક્યા નથી.
ટગર 
ચોમાસામાં અમારું કામ ઘણું વધી જાય. કેમ કે, આ સીઝનમાં અમે જે તે છોડનાં બને એટલાં વધુ કટીંગ તૈયાર કરીએ છીએ. વરસમાં બે-ચાર વખત એમ બને કે ત્રણ-ચાર દિવસથી વધુ સમય સુધી બહારગામ રહેવાનું બને અને કોઈકના ભરોસે આ છોડ મૂકી જવા પડે. આવા સમયે બે-ચાર-છ છોડનું મૃત્યુ થઈ જાય છે. આનાથી પડતી ઘટને સરભર રાખવા માટે કટીંગ બનાવી રાખવાં જરૂરી છે.
ક્યારેક સવાર સવારમાં બાગને લગતું કામ કાઢીને બેઠા હોઈએ અને બન્નેના હાથ માટીથી પૂરેપૂરા ખરડાયેલા હોય. આવે વખતે કોઈનો ફોન આવે ત્યારે જોવા જેવી થઈ જાય! આવું કામ કાઢવાનું હોય ત્યારે મોટે ભાગે તો હરીશભાઈ (રઘુવંશી, સુરત) અને રજનીકાકા (પંડ્યા, અમદાવાદ) ના ફોન આવી જાય એ પછી જ અમે શ્રીગણેશ કરીએ છીએ. ક્યારેક એવુંય લાગે કે બોન્સાઈમાં મદદ માટે નહીં, પણ અમે એ કામ કરતા હોઈએ એવે વખતે ફોન લેવા માટેય કોઈક માણસ રાખવો જોઈએ.
સ્નો બુશ 
બોન્સાઈ કંઈ કોઈને દેખાડવાની ચીજ લેખે નહીં, પણ મારા સંતોષ માટે કરાતું કામ છે. હા, કોઈ આવે, જુએ (અને વખાણે) તો ગમે ખરું. પણ ઘણા લોકો (ખાસ કરીને સ્ત્રીઓ) સીધું જ પૂછી લે છે કે – તેં ક્લાસ કર્યા છે?’ આનો જવાબ હામાં આપું એટલે એ લોકો જાણે તાળો મળી ગયો હોય એમ તરત જ કહે, એટલે... (આવું કરું એમાં શી નવાઈ?) પછી તરત જ ઉમેરે, પણ અમને તો ટાઈમ જ નથી મળતો. (મતલબ કે આ તો નવરા લોકોનું કામ છે.) ટેવાયેલી નહીં એટલે શરૂ શરૂમાં આવું સાંભળીને ચીડ ચડતી. પણ હવે હસવું આવે છે. કેમ કે, આમ કહેનારા ઘણા બધા લોકોને શેમાંથી ટાઈમ મળતો નથી એની મને ઠીક ઠીક જાણકારી થઈ ગઈ છે.
આની સામે ઘણા એવા લોકો પણ છે કે જે અમારા ઘરમાં આવે એટલે અંદર પ્રવેશવાને બદલે સીધા જ આ છોડ જોવા જાય અને પછી જ ઘરમાં પ્રવેશે. છેલ્લા દોઢેક વરસથી જેમની સાથે પરિચય થયો છે એ શામળભાઈ પટેલ પોતે ખેતીવાડી ખાતામાં અધિકારી હતા. તેમને અમારા સંગ્રહમાં બહુ રસ છે. અમારા માટે ડ્રીપ ઈરીગેશનની પાઈપ શોધીને લાવી આપવામાં તેમણે બહુ મહેનત કરેલી અને લાવી આપેલી. એક વાર એ તેમનાં પત્ની મંગુકાકીને લઈને અમારે ઘેર આવ્યા અને રાબેતા મુજબ સીધા છોડ બતાવવા લઈ ગયા. 
કેકટસ  
કાકીને એ રમૂજમાં કહે, આમાંથી તારે જે જોઈતા હોય એ ઘર માટે લઈ લે. વાંધો નથી. કામિનીબેન ના નહીં પાડે. મને ખબર હતી કે પાછળ હું ઉભી હતી અને મને સંભળાવવા જ એ આમ કહેતા હતા. મેં હસતાં હસતાં કહ્યું, કાકી, તમારે જોઈતા હોય તો મારાં બન્ને છોકરાં લઈ જાવ. એ માટે હું ના નહીં પાડું. પણ આ છોડ નહીં. પછી ઉમેર્યું, મારાં છોકરાંને તમે રાખીરાખીને કેટલા દિવસ રાખવાના?” આ સાંભળીને બધા બરાબર હસ્યાં. આ વાર્તાલાપ પછી એમના વર્તુળમાં (જેમાંના મોટા ભાગના લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા છે.) મારા માટે એવી રમૂજ ફરતી થઈ ગઈ કે- એમને તો પોતાના છોકરાંઓ કરતાંય ફૂલછોડ વહાલા છે. એ પોતાના છોકરાંઓ આપી દેવા તૈયાર છે, પણ ફૂલછોડ આપવા નહીં. આ રમૂજ સામે મને જરાય વાંધો નથી, બલ્કે હું બરાબર માણું છું. કેમ કે, મારાં બન્ને છોકરાંઓ જાણે છે કે અમે એમને આપી દેવાના નથી.
ક્યારેક કોઈ હકપૂર્વક અમુક છોડ માંગે ત્યારે શી રીતે ના પાડવી એની અવઢવ બહુ થાય છે. કોઈકને આપવા માટેના છોડ અમે અલગ ઉછેરીએ જ છીએ, પણ મહેનત કરીને ઉછેરેલો છોડ કોઈ એમ સીધેસીધો માંગી લે એ જરા કઠે એવું છે.
જૂના નાઈટલેમ્પનો હોમાયબેને
કરેલો સદુપયોગ 
પારસપીપળી 
હોમાયબેન સાથેના પરિચય પછી અમારી વચ્ચે રોપાઓની લેવડદેવડ થતી રહેતી. કોઈને રોપા આપવા માટે શીખંડના વપરાયેલા પ્લાસ્ટિકના ડબ્બા તેમજ અન્ય ચીજો સાથે આવેલા પ્લાસ્ટિકના ડબ્બાડૂબ્બી વગેરે વાપરવાનું એમણે શીખવ્યું, જે બહુ અનૂકુળ આવી ગયું. જો કે, એવી લેવડદેવડ થઈ શકે એવા બહુ લોકો  નથી. અવનવી ચીજોને પૉટ તરીકે વાપરવાની પ્રેરણા પણ એમના પૉટને જોઈને મળી. તેમણે તો એક જૂના, લોખંડના નાઈટ લેમ્પનો પણ પૉટ તરીકે ઉપયોગ કર્યો હતો.
ખેડાના અમારા મિત્ર પૈલેશભાઈ અમારા ફૂલછોડના ડૉક્ટર અને સદાયની હેલ્પલાઈન જેવા છે. બિયારણ અને જંતુનાશક દવાઓના એ મોટા વેપારી છે અને અમારી પ્રવૃત્તિઓમાં અમારા જેટલો જ રસ એ લે છે. એમની ટેલિફોનિક સલાહ હું કોઈ પણ સમયે લઈ શકું અને તે રસ લઈને યોગ્ય માર્ગદર્શન આપે. તેમને વડોદરા આવવાનું થાય અને અનુકૂળ હોય તો એ અમારા ફૂલછોડની મુલાકાત લે જ અને ડૉક્ટરની જેમ બધાને તપાસે, જરૂરી સલાહસૂચન આપે. એવી જ એક મુલાકાતમાં તેમની પાસે (ડૉક્ટરના સ્ટેથોસ્કોપની જેમ) સદાય રહેતો બિલોરી કાચ તેમણે અમને ભેટમાં આપી દીધો. એનો વનસ્પતિ માટે યોગ્ય ઉપયોગ ખબર ન હોવાથી અમે આનાકાની કરતા હતા. 
પીપળો 
પણ તેમણે અમને એ ધરાર પકડાવ્યો. હવે કંઈ પણ હોય અને એમને ફોન કરીએ એટલે પૈલેશભાઈ કહે, પેલો કાચ લઈને ઉભી રહે. હવે જો કે છોડ પર કયા રંગની જીવાત દેખાય છે. આવા રંગની છે? તેવી છે?” એમના સવાલના હું જવાબ આપતી જઉં એટલે એ કહે, સરસ, સમજી ગયો. હું તને કાલે એક પેકેટ મોકલીશ. અને બે-ત્રણ દિવસમાં પેકેટ આવ્યું જ હોય, જેમાં જાતજાતની દવાઓની સાથે તેમણે જાતે જ સૂચનાઓ લખેલી હોય. મને ખબર છે કે આ દવાઓની બજારકિંમત કેટલી બધી હોય છે. પણ પૈલેશભાઈને પૈસા અંગે પૂછીએ તો કદાચ અમારી ભાઈબંધી ખતરામાં આવી પડે. (પ્લીઝ, પૈલેશભાઈનો ફોન નંબર ન માંગતા.)
બીરેન આરપાર માટે પહેલી વાર પ્રકાશભાઈ વેગડનો ઈન્ટરવ્યૂ લેવા ગયો ત્યારે બન્ને પક્ષે થોડી અવઢવ હતી. (ઈન્ટરવ્યૂનો વિષય એવો હતો.) પણ દોઢ-બે કલાકના એ ઈન્ટરવ્યૂ પછી પ્રકાશભાઈ સાથે જે મિત્રતા થઈ એ ઊત્તરોત્તર ઘનિષ્ઠ થતી રહી છે. એ પહેલી જ મુલાકાતમાં સન્નિષ્ઠ લાઈબ્રેરીઅન એવા પ્રકાશભાઈએ બીરેનને બોન્સાઈ અંગેનું એક પુસ્તક ભેટ આપ્યું. ત્યાર પછી અમારા કૌટુંબિક મિત્ર બની ગયેલા પ્રકાશભાઈ જ્યારે પણ ઘેર આવે ત્યારે બે બાબતોનું પાલન અચૂક કરે છે. (૧) અમારા ફૂલછોડની મુલાકાત લઈને તેના ખબરઅંતર પૂછવાનું. (૨) હોમાયબેનની ફોર્મ્યુલા મુજબ બનાવેલું લીંબુનું (ઈનોવાળું) શરબત પીવાનું.
જાસૂદ 
આવા હકારાત્મક પ્રતિભાવ ભલે ઓછા મળે, પણ મળે ત્યારે આનંદ થાય છે. થાનગઢથી ભરતભાઈ ઝાલા અને વિભૂતિ પહેલી વાર અમારે ત્યાં આવ્યાં ત્યારે અમારાં બોન્સાઈ જોઈને બહુ રાજી થયેલાં અને કહેલું, તમારે કેવી શાંતિ! કોઈ સાથે કશી ખટખટ જ નહીં અને સમય પસાર કરવાની જરાય ચિંતા જ નહીં. જો કે, એમની આ શુભેચ્છા સ્વીકારીનેય એટલું ઉમેરું કે (અનલાઈક બીરેન) મને કોઈ સાથે ખટખટ કરવી પણ ગમે છે (* શરતો લાગુ) અને સમય પસાર કરવાની ચિંતા નથી, બલ્કે સમય જલ્દી પસાર થઈ જશે એની ચિંતા હોય છે.
આ શોખનાં સામાજિક પાસાં જોયા પછી હવે તેનું વ્યાવહારિક પાસું દર્શાવતો એક અનુભવ જણાવું, જે મારા માટે યાદગાર બની રહ્યો છે. મારા મમ્મી અને પપ્પા અમારે ત્યાં રહેવા આવેલાં. એ અરસામાં વટસાવિત્રીનો તહેવાર હતો. મમ્મી ચુસ્તપણે આ વ્રત નિયમીતપણે પાળે અને કુલ ૧૦૮ ફેરા થડ પર સૂતરની દોરી વીંટાળીને ફરે. પોતે કેટલા ફેરા ફર્યા એ યાદ રાખવા માટે સ્ત્રીઓ ૧૦૮ રેવડીઓ, ચોકલેટ કે એવું કંઈ પણ હાથમાં રાખે છે અને દરેક ફેરો પૂરો થાય એટલે એક એક નંગ મૂકતાં જાય છે. અમારા વિસ્તારમાં વડ ક્યાં શોધવો? એટલે ગણેશજીની જેમ મેં સગવડીયો, પણ અર્થપૂર્ણ રસ્તો વિચાર્યો. 
થાઇલેન્ડની ગળી આંબલી 
અમારી પાસે વડનું એક સુંદર બોન્સાઈ હતું. તેની આસપાસ બે-ત્રણ નાની નાની ચીજો ગોઠવીને અમે એને ઝાડ જેવો જ દેખાવ આપેલો. મેં મમ્મીને જણાવ્યું કે આ વડનું ઝાડ જ કહેવાય. અને એની આસપાસ તું તારી વિધી પતાવી શકું. મમ્મીએ અમારાં બોન્સાઈ જોયેલાં, એના કન્સેપ્ટથી પણ એ પરિચીત, એટલે એને આ વિચાર ગમી ગયો. બસ, પછી તો એ વડને ઘરની અંદર લાવીને ટેબલ પર ગોઠવવામાં આવ્યો અને બેઠે બેઠે જ મમ્મીએ એની પૂજા કરી. દરેક ફેરા વખતે એ રેવડી મૂકતી. આમ, ઘેરબેઠે, અરે, ખુરશીમાં બેઠે આખી વિધી સંપન્ન થઈ. આ રીતે વ્રતની ઉજવણી થઈ એટલે એ ખુશ હોય જ. એની તકલીફ ઓછી થઈ એટલે મનેય આનંદ થયો. બીરેનને અને છોકરાંઓને રેવડી ખાવા મળી એટલે એ વર્ગ પણ ખુશખુશાલ. અને બધા ખુશ એટલે મારા પપ્પાય રાજી. આમ, રાજ્યમાં ચોમેર હર્ષોલ્લાસ વ્યાપી ગયો. થેન્ક્સ ટુ બોન્સાઈ. સાંભળવા મળ્યું છે એમ મમ્મી હવે બોન્સાઈ વડ ઉછેરવાનું વિચારી રહી છે.
એમ તો ઘણા સ્થિતપ્રજ્ઞ મિત્રો પણ અમારા ઘરે આવે છે. એ મિત્રો કાં આ બાગની નોંધ લેતા જ નથી, કાં દૂરના કોઈક સગાંની ખબર પૂછતાં હોય એમ અંદર બેઠે બેઠે જ પૂછી લે છે, શું કે છે તમારો ગાર્ડન?’ આ સવાલનો જવાબ મેળવવાનીય તેમને અપેક્ષા હોતી નથી, એટલે હું કે બીરેન હળવું હસી લઈએ, જેનો મતલબ બધું ઓરાઈટ છે થાય છે.
"શું કે' છે તમારો ગાર્ડન?"
"ઓ'રાઈટ છે." 
ઘણા મહેમાનો થાળીમાં કોઈ પણ આઈટમ જોઈને તેની રેસિપી પૂછવાનો વિવેક કરે છે. તો એક જ વાર કોઈ આવું પૂછે અને રેસિપી જણાવવા બેસી જવાનો અવિવેક મોટા ભાગના યજમાનો કરે છે. એ જ ન્યાયે ઘણા લોકો વિવેકમાં બોન્સાઈની રેસિપી પણ પૂછે છે. કોઈ પૂછે ત્યારે હું એ રેસિપી બોલવા નથી બેસી જતી, પણ મને લાગે છે કે અહીં મારે એ જણાવવી જોઈએ. વાનગીની રેસિપી પૂછતા મહેમાનો એ રેસિપી અપનાવે કે નહીં, પણ સાંભળે છે જરૂર. એમ અહીં આપેલી બોન્સાઈની તમે રેસિપી અપનાવો કે ન અપનાવો, પણ વાંચજો જરૂર, એટલું કહેવાનું મન થાય છે.
આ રહી બોન્સાઈ બનાવવા માટેની ટીપ્સ:
૧) સૌથી પહેલાં તો બોન્સાઈ પ્રત્યે પ્રેમ કેળવો. (એ કેળવવાની રીત ન પૂછશો.)
૨) વનસ્પતિઓને ઓળખવી જરૂરી છે, પણ અનિવાર્ય નથી.
૩) બને ત્યાં સુધી જાતે જ બોન્સાઈ બનાવવાનો સંકલ્પ કરો.
૪) એક વાત પોતાના મનમાં સ્પષ્ટ કરી લેવી કે બોન્સાઈ આપણે આપણી સર્જનાત્મકતા કેળવવા કરી રહ્યા છીએ કે લોકો પર છાકો પાડવા માટે? છાકો પાડવા ઈચ્છનાર માટે નર્સરીમાંથી તૈયાર બોન્સાઈ લાવવાનો વિકલ્પ ખુલ્લો છે અને તે આ છોડ કેટલો મોંઘો છે એ કહીને ગર્વ પણ લઈ શકે છે. કઈ ચીજ પર તમે ગર્વ લો છો એ પણ તમારો ટેસ્ટ સૂચવે છે.
૫) બોન્સાઈની સીધી લેવાદેવા કળાત્મકતા સાથે છે, એટલે તેને ગમે એવા કૂંડામાં, ગમે તેવા સ્થળે, ગમે તેવી રીતે (ટૂંકમાં, લઘરવઘર રીતે) ન ગોઠવવા. ઘરમાં ગોઠવીએ તો પણ તેની સાથે અન્ય ચીજો મૂકીને યોગ્ય કમ્પોઝીશન બનાવવું.
૬) આરંભે શૂરાની જેમ શરૂઆત કરી દીધા પછી આ બધી બાબતો જફા લાગતી હોય તો વાંચો સૂચન નંબર (૧).
૭) કોઈનો બોન્સાઈસંગ્રહ જોઈને તમને આનંદ થયો હોય તો એ વ્યક્ત કરો. આનંદની અભિવ્યક્તિમાં રેશનીંગ રાખવું હોય કે પરેજી પાળવી હોય તો ભલે, પણ આટલું કદી ન કહેશો કે ન પૂછશો-

  •          મનેય બાગકામ (અથવા એક્સ.વાય.ઝેડ) નો બહુ શોખ છે, પણ શું કરું? ટાઈમ નથી મળતો.
  •       ‘તમે ક્યાં શીખ્યા?’ અથવા તમે આના ક્લાસ કરેલા?’
  •           આ બધી મને તો જફા લાગે છે.' 
  •       અમારે ત્યાં તો ગમે એટલી મહેનત કરીએ તોય કશું થતું જ નથી.
  •         આમ તો મને બધો ખ્યાલ છે. પણ તમે ક્લાસ કર્યા છે તો ફક્ત આટલું કહી દો ને!
  •        તમારા બન્નેમાંથી કોને આનો શોખ છે?’
આમ પૂછવાથી સામાવાળાને ખરાબ લાગે કે ન લાગે, પણ પૂછનારની કક્ષા જણાઈ આવશે. 
બોન્સાઈ બનાવવા ઈચ્છતા અથવા બોન્સાઈના પ્રેમી મિત્રો સાથે માહિતીની આપ-લે કરતાં આનંદ થશે. મારા સંપર્ક માટે બીરેનનું ઈ-મેઈલ એડ્રેસ બ્લોગપોસ્ટના મથાળે લખેલું જ છે. જો કે, એટલી 
ચોખવટ વેળાસર કરી લઉં કે મારો સંપર્ક કરવાથી બોન્સાઈ 
બનાવવામાં ખાસ મદદ મળે એવી શક્યતા ઓછી છે, કેમ કે હું મોટે ભાગે મારી સૂઝથી જ એ તૈયાર કરું છું અને મારી ટેકનીકલ જાણકારી નહીંવત છે.

( નોંધ: - બોન્સાઈ અંગે મને મળતી શુભેચ્છાઓમાં મોટે ભાગે એવું થાય છે કે બીરેનને અડધી ક્રેડીટ બાય ડીફોલ્ટ (એ કશું ન કરે તોય) મળી જાય છે. જો કે, અમારા બેમાંથી કોઈને એનો વાંધો નથી. પણ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાની માનસિકતા ધરાવતા લોકો એમ જ માને છે કે પતિની મંજૂરી ન હોય તો આ (કે કોઈ પણ) શોખ વિકસી ન શકે. જૈસી જિસકી સોચ! આ પોસ્ટ પૂરતી બીરેનને એણે કરેલા કામની અડધી ક્રેડીટ તો આપવી જ રહી. કયું કામ? વિચારોનું લેખિત સ્વરૂપ આપવાની મારી આવડત મર્યાદિત છે એટલે મારા વિચારોને તેણે કશી છેડછાડ કર્યા વગર, યોગ્ય રીતે મૂકી આપ્યા છે. (અર્થશાસ્ત્રીઓ એને ડિવીઝન ઑફ લેબર કહે છે.) બીજું કોઈ એ પકડી પાડ્યાનું ગૌરવ લે એ પહેલાં હું જ એ જણાવી દઉં તો વધારે સારું. કેમ કે આનોય અમારા બેમાંથી કોઈને વાંધો નથી.
- તમામ તસવીરો અમારા જ બોન્સાઇની છે અને બીરેને લીધેલી છે.) 

15 comments:

  1. ભરત કુમારFebruary 11, 2012 at 11:34 PM

    કામિની ભાભી,આ લેખ માટે 'સરસ' શબ્દ અધુરો લાગે છે,અપૂરતો લાગે છે.એ 'સરસ' થી ક્યાંય વધીને છે.ને તમારો એ જીવતો જાગતો ખજાનો જોઇને જે અમને જે આનંદ થયેલો,તે તમે બિલકુલ એ જ શબ્દોમાં વ્યક્ત કર્યો છે.આ વિષય પર ધરવ થઇ જાય,એવો લાંબો લેખ આપો,એ લાગણી ફળી,એનો રાજીપો.કોઇ અંતરંગ સ્નેહીને આપણે સામાન્યપણે શાબાશી આપતા નથી,પણ એમા અપવાદ સર્જીને એક વાત કહેવી છે.કહું? તમારી સમય માણવાની પ્રવૃતિ બહુ જ ઉમદા છે.

    ReplyDelete
  2. માફ કરજો બીરેન ભાઈ!
    હેલ્લો કામિનીબેન,
    આજે બીરેનભાઈને બાજુ પર રાખી, ફક્ત તમને જ ખુબ ધન્યવાદ આપવાના છે.બોન્સાઇ કહેવાય વામન સ્વરૂપ, પરંતુ તેના વિષે આટલો સુંદર લેખ સંપૂર્ણ છણાવટથી લખી- સમજાવી શકાય, એ પરીકથા જેવું લાગ્યું !! ઘણું ઘણું નવું જાણવા સમજવા મળ્યું/માણ્યું.
    સરસ શોખ સજાવ્યો છે. રાત્રે શમણામાં પણ નાનકડા ભૂલકા રમતા કે રડતા હશે એવું અનુભવાતું હશે .ખરું ??
    આ શોખ સદાય જળવાયેલો રહે એવા આશીર્વાદ ..

    ReplyDelete
  3. કામિની બહેન, બિરેન ભાઈ તમારા બેઉનો શોખ અને એનાં સુંદર પરિણામો જોઈ આનંદ થયો. બાકી ગુજરાતી ગૃહિણીઓને અવારનવાર 'ગાર્ડન કરવો છે' એવાં ધખારા ઉત્પન્ન થતાં હોય છે. પણ છ મહિનાની (તમે કીધું એમ) જફા પછી જ્યારે ગુલાબ બળી જાય ત્યારે ગાર્ડનના નામે માત્ર તુલસી, બારમાસી અને ઓફિસ-ટાઈમના કુંડા રહી જાય છે.
    કહો તો ફોટા મોકલું :)

    ReplyDelete
  4. સુધા મહેતાFebruary 12, 2012 at 11:50 AM

    પ્રિય કામિનીબેન,
    આ બહાને તમારા શોખો વિષે તમારે જ મોંએ વાંચવા મળ્યું!! ભલે શબ્દોની ગોઠવણ બીરેનભાઈએ કરી હોય.
    શોખ એક દિલનો ભાવ છે અને તે કદી ઉધાર ન લઇ શકાય. પણ બીજાના શોખ નો પણ આનંદ તો ઉઠાવી (ખરે જ "ઉઠાવી") તો શકાય જ ને!! તમારા બોન્સાઇ વિશેના ખ્યાલો, અનુભવો અને કાર્યો ઉપરાંત ચિત્રો જોઇને ખરેખર ખુબ જ આનંદ થયો.
    તમારી સેન્સ ઓફ હ્યુમર પણ મસ્ત છે.
    લખતાં રહેજો.
    અમે વાટ જોશું, દિલ સે !!

    ReplyDelete
  5. બીરેનભાઈનો અગાઉનો લેખ વાચીને એમની સાથે નેટ વ્યવહાર શરૂ થયો હતો. પણ હવે વસંતના આવવા પછી, તમારી સાથે ડાયરેક્ટ 'હોટ લાઈન' શરૂ કરવી પડશે !

    મારાં બોન્સાઈ તો અત્યારે ગરાજમાં મરવાના વાંકે સૂતા છે - આજનું બહારનું ટેમ્પરેચર ૨૭ અંશ છે ! મોટા ભાગના તો વસંત નહીં જુએ, એમ લાગે છે; પણ બે ત્રણ તો જીવશે જ. નહીં તો નવી ગિલ્લી - નવો દાવ !
    અહાં અમેરિકામાં તો ઘણી ચોપડીઓ લાયબ્રેરીમાંથી મળે છે; એટ્લે મને તમારા જેટલી મુશ્કેલી નથી પડી. પણ રોગ અને જિવાત અંગે તમારી / પૈલેશ ભાઈની મદદ કદાચ મળી રહેશે; એવી આશા રાખું છું.

    મારા નાનકડા - બે વરસના શોખ અને નેટ પરથી ભેગું કરેલું પ્રદર્શન બીરેન ભાઈને મોકલાવું છુ - 'અમદાવાદી સ્ટાઈલે મફત "!!

    એક સૂચન છે- આવો શોખ ધરાવનારાઓના ઘનિષ્ઠ સમ્પર્ક અને અન્યોન્ય સહાય માટે એક ' હોબી ગ્રુપ' બનાવીએ તો કેવું ?

    ReplyDelete
  6. કામિનીબહેન,
    અભિનંદન. ઇચ્છાઓ ઘોડા હોત તો હું પણ બોન્સાઈ બનાવી લેત. પણ આ લેખ ફરી વાંચવા માટે 'ઇનબૉક્સ'માં જ રહેવા દઈશ, બ્લૉગ માટેના ફોલ્ડરમાં હમંણાં જ ટ્રાન્સફર કરીશ તો ભૂલી જ જઈશ.

    ReplyDelete
  7. અદભુત..

    અકસ્માતે અહીં પહોંચી ગઈ..અને મન બાગબાગ થઈ ગયું..


    રાજુલ

    ReplyDelete
  8. રમણીક અગ્રાવતFebruary 14, 2012 at 11:30 AM

    શ્રી બીરેન કોઠારી અને કામીનીબેન,

    બોન્સાઈ વિષેનો લેખ વાયા વાયા મળ્યો અને માણ્યો. સુંદર લેખન માટે અભિનંદન.

    ReplyDelete
  9. નરેન્દ્રસિંહ રહેવરFebruary 14, 2012 at 11:33 AM

    આપનો બોન્શાઈ અગેનો લેખ ખુબ સરસ છે. થવાથી માલસામોટ અને આસપાસના ગામોની મુલાકાત લીધી ત્યારે નદીકિનારે પીપળાના વ્રુક્ષને જોઇને કામિનીબેને બોન્શાઈ વિષે વાતો કરી હતી,મને બરાબર યાદ છે.
    બોન્સાઇ અંગે જાણીને તેને જોવાનું ખુબ જ મન થાય છે.

    ReplyDelete
  10. ઉત્પલ ભટ્ટFebruary 14, 2012 at 7:02 PM

    અરે ભાઇ, આવો સરસ ગાર્ડન છે અને બે વાર આવ્યો છતાં મુલાકાત ન લેવા દીધી? અમેય તમારી જેમ મૂળભૂત માળીસમાજના જ છીએ અને આજકાલ એ સમાજ સાથે કોઇ ભળતું નથી એટલે એકલા પડી ગયેલ છીએ! બોન્સાઇ અંગે મને ખાસ માહિતી નથી, પણ બાગકામ મારું પ્રિય કાર્ય છે. એટલે હવે પછીના ચોમાસાથી આપણે છોડની આપ-લે ની બાર્ટર સિસ્ટમ શરૂ કરી શકાશે. જીવાતોના નાશ માટે પણ તમારી મદદ લઈશ.

    ReplyDelete
  11. aapno lekh khub gamiyo. Me pan piapadano bonsai banvyo chhe. 2 varashthi sukayo nathi.

    ReplyDelete
  12. હવે રીતસરનું શિક્ષણ કરાવવાનાં કે ?

    આ તો ભાણું છલકાવીને વાનગીઓ બતાવી...પણ શીખવો તો મારા જેવા નીવૃત્તોને નવો ધંધો મળી રહે.

    ReplyDelete
  13. Binit Modi (Ahmedabad)February 27, 2012 at 6:30 PM

    પ્રિય કામિની અને બીરેન,
    આ વિષયે લખવા માટેનું 'બ્લોગ બાગકામ' ચાલતું હશે એ દરમિયાન જ અહીં અમદાવાદમાં એલિસ બ્રિજ જીમખાના નજીકના રસાલા ગાર્ડન પાસેથી પસાર થતા 'ગુજરાત હોર્ટીકલ્ચર અસોસિએસન' દ્વારા યોજાતા વાર્ષિક પ્રદર્શનનું બેનર જોયું. મનોમન એમ નક્કી પણ કર્યું કે તમારા બન્નેની હવે પછીની અમદાવાદ મુલાકાત સમયે તમને અહીં લઈ આવવા. માત્ર ઓળખાણ નહીં, એક બીજાના શોખથી આપણે પરસ્પર પરિચિત હોઈએ તેનું આ વીસમું વર્ષ છે. આ વીસ વર્ષોમાં અગણિત વખત અમદાવાદમાં મળ્યા હોઈશું છતાં આવો ખ્યાલ ક્યારેય ના આવે અને બીજા છેડે વડોદરામાં 'બ્લોગ લેખનનું બાગકામ' ચાલતું હોય ત્યારે જ એનો વિચાર આવે તેને જ કદાચ 'ટેલિપથી' કહેતા હશે. બાગકામ શીખવાની જરૂર નથી એવું જ્ઞાન લાધે તે માટે પણ આ લેખ વાંચીને શોખની શરૂઆત કરવી જોઈએ.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  14. nice details , congrats sir for making available for all of us

    ReplyDelete
  15. nice details , liked very much , congrats to you both for making available these details to all of us

    ReplyDelete