Saturday, January 14, 2017

ચલો જલાયે દીપ વહાં.....


(અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટે 26 જાન્યુઆરી, 2012 ના રોજ આ બ્લૉગ પર 'પ્રોજેક્ટ યુનિફોર્મ'નો પહેલવહેલો અહેવાલ લખ્યો હતો. આ વર્ષે આ પ્રોજેક્ટ પાંચ વર્ષ પૂરા કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. 
એક  નાનકડી શરૂઆત કેવાં કેવાં પરિણામ લાવી શકે છે એનું જીવતુંજાગતું ઉદાહરણ આ પ્રોજેક્ટ છે. આ વખતની પોસ્ટમાં એક સાવ નવીન શરૂઆત વિશેની વાત.) 

- ઉત્પલ ભટ્ટ

વરસોનાંં વહાણાંં વાયા પછી પણ 'કૃષ્ણ-સુદામા'ની રમત ઐતિહાસિક પૂરવાર થઈ! અગાઉ અહીં  'કૃષ્ણ-સુદામા' રમવાની વાત કહી હતી. સુદામાની ટહેલ વાંચીને રમતમાં તમે- આ બ્લૉગના વાચકો-ચાહકોએ એવો પ્રચંડ પ્રતિસાદ આપ્યો કે ગણતરીના દિવસોમાં જ ૫૨૦ ધાબળાનો ઓર્ડર આપી શકાયોત્રણ શાળાઓના બાળકોને વહેંચવા માટે એ પૂરતો હતો. આમ, 'કૃષ્ણ-સુદામા'ની રમતમાં ફરીથી સુદામાની જીત થઈ! આના પરિણામરૂપે ટ્રાન્સપોર્ટમાં ધાબળાને વાંસદા તરફ રવાના કરવામાં આવ્યા.

અમદાવાદનાં ડો. અમી અને ડો. સુજલ મુન્શી તરફથી શિવારીમાળ આશ્રમશાળાના બાળકો માટે નવા સ્વેટર ખરીદવામાં આવ્યા. એટલે ફરીથી બધો સરંજામ વહેંચણી માટે તૈયાર થઈ ગયો.

વઘઈ સરકારી હાઈસ્કૂલમાં નવેમ્બરમાં ગાયનેકોલોજીકલ કેમ્પ યોજ્યા પછી ડો. અમીનું આગ્રહભર્યું સૂચન હતું કે બધી છોકરીઓને 'સેનીટરી નેપકીન્સ'ની અનિવાર્ય જરૂરિયાત છે. સૂચનનો સ્વીકાર કરીને વઘઈ સરકારી હાઈસ્કૂલની ૪૦૦ છોકરીઓ માટે સેનીટરી નેપકીન્સની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. દરેક છોકરીને મહિનાના ૧૦ નેપકીન્સ લેખે ચાર મહિનાના કુલ ૪૦ નેપકીન્સ આપવાનું નક્કી કર્યું. વડોદરાના ઉદ્યોગસાહસિક શ્રી શ્યામસુંદર બેડેકરને કુલ ૧૬,૦૦૦ નેપકીન્સનો ઓર્ડર આપવામાં આવ્યો અને સેનીટરી નેપકીન્સનો જથ્થો બને તેટલો ઝડપથી વઘઈ તરફ રવાના થાય તેની તાકીદ કરી. તેની સાથેસાથે વપરાયેલા નેપકીન્સના નાશ માટે બેડેકરભાઈએ પોતે  વિકસાવેલા અશુધ્ધિનાશક/incinerator નો ઓર્ડર પણ આપ્યો.
પોતે વિકસાવેલા અશુદ્ધિનાશક સાથે
શ્યામસુંદર બેડેકર 
ફક્ત રૂ.૧૫૦૦/- ની કિમતનું 'અશુધ્ધિનાશક' વિકસાવવા બદલ શ્રી બેડેકરને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. આટલું કરી દીધા પછી અમારે હવે સેનીટરી નેપકીન્સનો તૈયાર જથ્થો અને અશુધ્ધિનાશક વાંસદા જવા રવાના થાય તેની રાહ જોવાની હતી. બેડેકરભાઈને વખતોવખત ફોન કરીને ઉત્પાદનમાં ઝડપ લાવવાની સૂચના આપતા રહ્યા. આખરે ડિસેમ્બર, 2016 ના એક સરસ દિવસે સરંજામ ટ્રાન્સપોર્ટ કંપનીના ખટારામાં ભરાઈને વાંસદા તરફ રવાના થયો. દરમ્યાન વઘઈ રહેતા યશવંતભાઈ અને હાઈસ્કૂલના આચાર્ય બુધાભાઈ સાથે અંગેની વાતો ચાલુ હતી. તા.૨૪ ડિસેમ્બરથી તા. જાન્યુઆરી સુધી શાળાઓમાં નાતાલની રજાઓ પડી એટલે અમે નવા વર્ષમાં તા. જાન્યુઆરી, 2017 ના રોજ વઘઈ જવાનો કાર્યક્રમ ગોઠવ્યો.
**** **** ****

લક્ષ્મણભાઈની મોટરકારમાં અમે ઉપડ્યા.  જૂના-જાણીતા રાજ્ય ધોરીમાર્ગો પર થઈને શિયાળાની મઝા લેતા લેતા બપોરે બે વાગ્યે અમે વઘઈ પહોંચ્યા. અમને આવકારવા માટે યશવંતભાઈ, તેમની કાઉન્સેલર પુત્રી નિકિતા અને બુધાભાઈ હાજર હતા. અમે ચા-નાસ્તો કર્યો  દરમ્યાન બધી છોકરીઓને શાળાના પ્રાર્થનાખંડમાં આવવાનું જણાવવામાં આવ્યું. કુલ ૪૦૦ છોકરીઓને સેનીટરી નેપકીનના ઉપયોગની તથા નિકાલની સમજ આપવાની હતીએટલે ૨૦૦-૨૦૦ ના બે જૂથને વારાફરતી બેસાડવાનું નક્કી કર્યું. છોકરીઓને લગતો કાર્યક્રમ હતો એટલે સમજ આપવા માટે હોલમાં નેહલ, નિકિતા અને શાળાની શિક્ષિકાઓ- એ રીતે ફક્ત મહિલાસભ્યો  હાજર રહ્યાંં. સૌ પ્રથમ પ્રોજેક્ટર પર ૧૫ મિનિટનો વિડિયો બતાવીને સેનીટરી નેપકીનના ઉપયોગ/નિકાલની સમજણ અપાઈ. ત્યાર પછી તેઓની સાથે વાર્તાલાપ ચાલ્યો અને તેઓને મુંઝવતા તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા.
સવાલજવાબ અને સમજણ 
રીતે ૨૦૦ છોકરીઓના બીજા જૂથ સાથે પણ આનું પુનરાવર્તન કરવામાં આવ્યું. પછી દરેકને સેનીટરી નેપકીન્સના પેકેટ (દરેકમાં ૧૦ નેપકીન્સ) આપવામાં આવ્યા. ખૂબ વ્યવસ્થિત રીતે પેક કરાયેલા અશુધ્ધિનાશકને ખોલીને તેના ઉપયોગની શિક્ષિકાઓને સમજણ આપવામાં આવી. ૪૦૦ છોકરીઓ જુદા-જુદા ચાર છાત્રાલયોમાં રહે છે એટલે બીજા અશુધ્ધિનાશક જલદીથી તેમને પહોંચાડી દેવાનું આયોજન છેજેથી વપરાયેલા નેપકીન્સનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે. ઉપરાંત જુદી-જુદી આશ્રમશાળાઓમાં રહેતી ધોરણ - ની છોકરીઓને પણ નિકિતા રૂબરૂ જઈને જરૂરી નેપકીન્સ પહોંચાડી દેશે.
વઘઈની શાળામાં અશુદ્ધિનાશક સાથે વિદ્યાર્થીનીઓ
કાર્યક્રમ પત્યા પછી પેલી ૨૩ છોકરીઓને અલગ રૂમમાં બેસાડવામાં આવી કે જેમને ડૉ. અમીએ ગાયનેકોલોજીકલ કેમ્પ દરમ્યાન જુદી તારવી હતી. ૨૩ છોકરીઓને વધુ દવાઓ/ટ્રીટમેન્ટની જરૂર હતી. ડૉ. અમીએ ખૂબ વ્યવસ્થિત રીતે દવાઓ પેક કરીને મોકલી હતી. દરેક છોકરીની તકલીફ અંગેના વિગતવાર વર્ણન સાથેનું અલગ પ્રિસ્ક્રિપ્શન, એની સાથે મૂકેલી દવાઓ અને દરેકનું સીલબંધ અલગ કવર. આને કારણે છોકરીઓને દવાઓ આપવામાં/સમજાવવામાં ખૂબ સરળતા રહી. દરેકને તાકીદ કરવામાં આવી કે તેમને આપેલું પ્રિસ્ક્રિપ્શન સાચવીને રાખે જેથી ભવિષ્યમાં ફોલોઅપ કરવાની જરૂર પડે ત્યારે સરળતા રહે. દરેક છોકરીઓનું ફોલોઅપ નિકિતા કરશે અને અમને રિપોર્ટ મોકલતી રહેશે.

ત્યાર પછી અમે બુધાભાઈ અને યશવંતભાઈ સાથે વાતે વળગ્યા. તેમણે આનંદપૂર્વક જણાવ્યું, 'ગાયનેકોલોજી સિવાયના કેમ્પ તો ઘણા થાય છે, પરંતુ ડાંગમાં પ્રકારનો પ્રથમ કેમ્પ થયો છે કે જેમાં ફોલોઅપ તરીકે એક મહિનાની અંદર જરૂરી દવાઓ પણ મોકલવામાં આવી છે.'   બધી દવાઓ અમી અને સુજલ તરફથી વિનામૂલ્યે મોકલવામાં આવી છેઆ પહેલા કેમ્પને પગલે ભદરપાડામાં આવેલી એક શાળામાંથી પણ   પ્રકારનો 'ગાયનેકોલોજીકલ કેમ્પયોજવાની વિનંતી 
વી છે.  ૩૦૦ થી વધુ છોકરીઓ ત્યાં છાત્રાલયમાં રહે છે.  ડૉ. અમી-સુજલને જ્યારે પણ અનુકૂળ હશે ત્યારે ફરીથી આવો કેમ્પ યોજવાની ગણતરી છે. હવે બીજા તબક્કાની વાત.

                                                                             **** **** ****
બુધાભાઈની રજા લઈને અમે યશવંતભાઈ સાથે 'ક્રિમિશા સખીમંડળ'ની મુલાકાતે ઉપડ્યા. નવેમ્બરમાં સખીમંડળની મુલાકાત લીધી એ વખતે નક્કી કર્યું હતું કે અહીંની મહિલાઓને પગભર બનાવવા માટે ભવિષ્યમાં સેનીટરી નેપકીન્સ બનાવવાનું મશીન ઈન્સ્ટોલ કરી આપવું. 'ક્યારે કરી આપવું' તેની ખબર નહોતીતેમ છતાં ક્રિમિશા સખીમંડળનાંં ભારતીબહેન સાથે અંગે વિગતે વાત કરીને એમના તરફથી કેટલો રસ છે તે અમારે જાણવું હતું. સખીમંડળની બહેનો સાથે વિગતે વાત કરી. એમાં જાણ્યું કે તેઓ નવીન પ્રકારનું કાર્ય શરૂ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. મહેનત કરીને કમાવાનો એમનો આવો ઉત્સાહ જોઈને અમને ખૂબ આનંદ થયો. અડધો કલાક તેઓની સાથે ગાળીને અમે શિવારીમાળ આશ્રમશાળા જવા નીકળ્યા, જ્યાં રાતવાસો કરવાનો હતો.
શિવારીમાળ પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. હાથ-મોં ધોઈને અમે સાદું ને સાત્વિક ભોજન જમવા બેઠા. અહીંના રસોઈયા બસ્નુભાઈ અને એમના સાથીદાર કિસનભાઈ અમને અને બાળકોને દિલથી આગ્રહ કરીને જમાડે છે. બસ્નુભાઈના હાથમાં એવો જાદુ છે કે ટાંચા સાધનો અને ઓછા મસાલા હોવા છતાં તેલરહિત સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. એમના માટે બાળકો માટેની રોજીંદી રસોઈ બનાવવી પ્રભુપૂજા છે. ભરપેટ જમ્યા પછી આચાર્ય સતીશભાઈ, શિક્ષક મુકેશભાઈ, કિરણભાઈ સાથે થોડી વાતો કરી. અમે બાળકોની મુલાકાત લીધી. બાળકો રૂમમાં બેસીને ટ્યુબલાઈટોના પૂરતા પ્રકાશમાં વાંચન કરી રહ્યા હતા. નવેમ્બરની મુલાકાત દરમ્યાન સુજલ-અમીએ જે રકમ આપી હતી, તેમાંથી અહીં ટ્યુબલાઈટો નખાઈ ગઈ હતી. હવે તેમને સ્વેટર ભેટ આપવાનાં હતાં. બાળકોની સાથે વાતો કરીને તેમને સ્વેટર વહેંચવા માટે ઊંચાઈ પ્રમાણે કતારમાં ઉભા રાખ્યા. માપ પ્રમાણે દરેકને લાલ રંગના નવાનક્કોર સ્વેટર પહેરાવી દીધા. પહેરીને ખુશખુશાલ બનેલાંં બધાંં બાળકોના ચહેરા પર અનોખો આનંદ તરવરી રહ્યો. બીજા દિવસે અન્ય  શાળાઓમાં પણ ધાબળા આપવાના હતા એટલે અમે વહેલા સૂઈ ગયા.
વહેલા સૂતા હોવાથી આંખ પણ સવારે વહેલી ખૂલી ગઈ. આશ્રમશાળાઓનું સવારનું વાતાવરણ અનુભવવાલાયક હોય છે.  અહીંની સવાર બહુ ખુશનુમા હોય છે. સવારે વહેલા ઊઠીને દરેક બાળક પોતાને સોંપાયેલું કાર્ય કરવા લાગે છે. અહીં પણ સવારે છોકરાઓ ટુકડીમાં રહીને મેદાનની સાફસફાઈ કરી રહ્યા હતા. છોકરીઓ બાથરૂમો પાસે લાઈનમાં ઊભી રહીને નહાવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહી હતી. છોકરીઓની એક ટુકડી કપડાં ધોઈ રહી હતી. બીજી ટુકડી વાસણો સાફ કરી રહી હતી. કોઈનાય ચહેરા પર બધા કામ કરવાનો કંટાળો નહોતો કે નહોતું માબાપનું કંટાળો લાવતું દિગ્દર્શન. અમુક નાની છોકરીઓ સવારના કુમળા તડકામાં બેસીને માથામાં તેલ નાખીને વાળ ઓળી રહી હતી.

સખીકાર્ય

પાટી-પેન હજી ચલણમાં છે. 


નિત્યક્રમ આટોપતી વિદ્યાર્થીનીઓ 

ખુશનુમા સવાર
ટૂંકમાં બાળકો બાળપણથી સ્વાવલંબન શીખી જાય છે. તો અમુક છોકરીઓ પાટી-પેન (હા, પાટીપેન!) લઈને સરસ મઝાનાં ચિત્રો દોરી રહી હતી. દબાતે પગલે અમે એક છોકરીની પાછળ જઈને એની પાટીમાં જોયું. નાનકડું કાચુંં ઝૂંપડું, ટોડલે બેઠેલો મોર, બાજુમાં ઉભેલું ગાડું અને પંખીઓથી ભરેલું એક ઘટાદાર ઝાડ તેણે ચીતર્યું હતું. એને કદાચ એના ઘરની યાદ આવી રહી હશે. ડાંગની આશ્રમશાળાઓમાં હજુ પણ પાટી-પેનનો મહત્તમ વપરાશ થાય છે કારણ કે પૂરતી નોટબૂક્સ/ચોપડા મળતા નથી. (કોઈને ઈચ્છા થાય કે આ વિદ્યાર્થીઓને પાટી-પેન આપવા છે, તો જરૂર જણાવે. હજી આ ઈકો-ફ્રેન્‍ડલી ચીજ અહીં ચલણમાં છે, જ્યારે શહેરી વિસ્તારમાં તે અતીતરાગની ચીજ બની ગઈ છે.) 
                                                                            **** **** ****
અગાઉ ટ્રાન્સપોર્ટ દ્વારા અમદાવાદથી મોકલેલા બધા ધાબળા યશવંતભાઈએ ડુંગરડા આશ્રમશાળામાં મુકાવ્યા હતા. તા. ડિસેમ્બરે સવારે તૈયાર થઈને અમે ડુંગરડા આશ્રમશાળા જવા નીકળ્યા. ડાંગનું સૌંદર્ય માણતા માણતા લગભગ દસ વાગ્યે અમે ડુંગરડા પહોંચ્યા ત્યારે બાળકો હૉલમાં બેસીને પ્રાર્થના-ગીતો ગાઈ રહ્યાંં હતાંં. જોવાની મઝા પડી. ફટાફટ ધાબળાની ગાંસડીઓ છૂટી કરીને વિતરણ શરૂ કરવામાં આવ્યું. લક્ષ્મણભાઈ અમારી મદદમાં સાથે હતા. બધાને તે વહેંચાઈ ગયા બાકી રહેલા ધાબળા ઈનોવામાં ભર્યા.  અને શાળાની પાછળ આવેલા મેદાનમાં લટાર મારવા નીકળ્યા. શાળાના આચાર્ય ભગીરથભાઈએ ખુલ્લી જગ્યામાં લીલાંં શાકભાજી, મકાઈ વગેરેનું વાવેતર કર્યું છેજેથી બાળકોને તાજાં શાકભાજી ખાવાંં મળે. શાળાની જમીનને બરોબર અડીને અંબિકા નદી વહે છે. નદીની સામે પાર વાંસદા નેશનલ પાર્કના ગાઢ જંગલો શરૂ થાય છે. એક તરફ અંગ્રેજોના જમાનાનો રેલવે બ્રીજ આવેલો છે. બિલકુલ 'પિક્ચર પરફેક્ટ' દૃશ્ય હતું.
ડુંગરડાનો 'પિક્ચર પરફેક્ટ' રેલ્વે બ્રીજ 
શાળાની બીજી તરફ સાવ નાનકડું ડુંગરડા રેલવે સ્ટેશન આવેલું છે,જ્યાં વઘઈ-બિલિમોરા નેરોગેજ ટ્રેનનું સ્ટોપેજ છે. અમે કુતૂહલવશ આ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે ભરબપોરે ત્યાં નીરવ શાંતિ છવાયેલી હતી. સ્ટેશનની સામે આવેલા વનવિભાગના જૂના મકાનની પરસાળમાં એક ક્લાર્ક દુનિયાદારીથી સાવ અલિપ્ત થઈને 'કારકૂની' કરી રહ્યો હતો. એના કામમાં એવો મશગૂલ હતો કે અમારી આહટથી પણ એના કાર્યમાં જરાય ખલેલ પડી!
બપોરનું ભોજન ડુંગરડા ખાતે હતું. એને પૂરતો ન્યાય આપ્યો. અમે ત્યાંથી ચીચીના ગાંવઠા આશ્રમશાળા જવા નીકળ્યા. છેક શાળાના દરવાજા સુધી આખી શાળાના બાળકો ભાવભીનું 'આવજો-આવજો' કહેવા આવ્યાં  દૃશ્ય જોઈને ભાવવિભોર થયેલી નેહલની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યાં હતાં.
ભાવભીની વિદાય 

                                                                              **** **** ****
ચીચીના ગાંવઠા આશ્રમશાળામાં યશવંતભાઈ આચાર્ય છે. આ શાળામાં અમે પહોંચ્યા. અહીં પણ ધાબળાનું વિતરણ કર્યું અને ચા પીધી. ત્યાંથી શિવારીમાળ પરત ફરવાનું હતું. બપોરે વાગતા સુધીમાં અમે પાછા શિવારીમાળ આશ્રમશાળા પહોંચી ગયા. વખતે મારે શાળાના બાળકોને વર્ગખંડમાં જઈને મળવું હતું અને તેઓ કેવું ભણે છે તે જોવું હતું. ભણવા સિવાય બીજા કયા વિષયોમાં તેઓને રસ છે ખાસ જાણવું હતું. પહોંચતાની સાથે હું દરેક ધોરણના બાળકોને અમુક અમુક સમૂહમાં મળ્યો. બધા સાથે થોડીથોડી વાતચીત કરી. વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે એકાદ-બે ને બાદ કરતાં બાકીના એકેય બાળકે આજ સુધી સાચુકલી ટ્રેન જોઈ નથી, ટ્રેનની સફર કરવી એમના માટે બહુ દૂરની વાત છે. ૨૦૧૭ના નવા વર્ષમાં આવી માહિતી ચોંકાવનારી ગણાય. વાત મારા સુષુપ્ત મગજના કોઈ એક ખૂણામાં નોંધાઈ ગઈ. બધી આંખોમાં એક આશા ડોકાતી જોવા મળી કે એક દિવસ તો આપણે ટ્રેનના પ્રવાસમાં જઈશું . (આ રીતે આ વિસ્તારના એજન્ડામાં વધુ એકનો ઉમેરો થયો.) ત્યાર પછી સમયનો સદુપયોગ કરવા માટે ધોરણ -૮ના બાળકોને એક ખંડમાં બેસાડીને બોલચાલનું અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યુંજેનો બાળકો તરફથી ખૂબ સરસ પ્રતિભાવ મળ્યોસાંજે જમીને અહીંના બાળકોને પણ ધાબળાનું વિતરણ કરવાનું હતું. એ શરૂ કર્યું. 
વિતરણ માટે ધાબળાની ગાંસડીઓ ખોલતાં 
વિતરણ પત્યું એટલે ખુશખુશ થઈ ગયેલા બાળકો કડકડતી ઠંડીમાં નવા ધાબળા ઓઢીને સૂઈ ગયા. અમે બધા તાપણું કરીને વાતે વળગ્યા. કોઈ પણ પ્રકારના પંચાતના તત્વ વિનાની આવી વાતો મોડી રાત સુધી ચાલી અને આંખોમાં બહુ ઉંઘ ભરાઈ ત્યારે અમે નીંદરને શરણે થયા! વહેલી સવારે ઊઠીને તૈયાર થઈને બાળકોની સાથે સાડા નવે ગરમાગરમ જમી લીધું અને અમદાવાદની વાટ પકડી.
                                                                             **** **** ****

કહાની મેં ટ્વીસ્ટઃ ડાંગથી અમદાવાદ તા. ડિસેમ્બરે સાંજે પહોંચ્યા. હજુ તો ગાડીમાંથી સામાન ઉતાર્યો ત્યાં અમેરિકાનિવાસી અને હાલમાં વડોદરા આવેલા એક પરિચીત એન.આર.આઈ. સજ્જનનો ફોન આવ્યો. એમણે 'વાયા વિરમગામફેસબૂક પર પહોંચેલી 'કૃષ્ણ-સુદામા' પોસ્ટનો અહેવાલ વાંચ્યો હતો. ફોનમાં એમણે ભારપૂર્વક સેનીટરી નેપકીનના પ્રોજેક્ટમાં મદદ કરવાની ઈચ્છા દર્શાવી. મેં આખા પ્રોજેક્ટની માહિતી આપી અને કહ્યું કે મશીન બનાવનાર વ્યક્તિ શ્રી બેડેકર વડોદરામાં રહે છે એટલે મશીન બનાવવાનું એમનું કામ તમે રૂબરૂ જુઓ. ત્યાર પછી યોગ્ય લાગે તો સીધું તેમને મશીનનું પેમેન્ટ કરવાનું છે. આમ, બીજા દિવસે સવારે શ્રી બેડેકર સાથે સજ્જનની મુલાકાત ગોઠવાઈ ગઈ, મશીન બનાવવાની કામગીરી જોવાઈ, સંતોષકારક લાગી. એ સજ્જને મારી સાથે વાત કરી અને તરત જ રૂ.,૩૦,૦૦૦/- નો એડવાન્સ પેમેન્ટનો ચેક શ્રી બેડેકરને અપાઈ ગયો. બધું સાવ અનાયાસે અને અણધારી ઝડપે થયું. એ ઉદાર સજ્જને પોતાનું નામ જાહેર કરવાની સુદ્ધાં અનિચ્છા દર્શાવી છે એટલે તેઓને 'એન.આર.આઈ. સજ્જન' તરીકે ઓળખીશું. આમ, એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો આ આરંભ છે. 

હવે શ્રી બેડેકર સાથે સતત ફોલોઅપ કરીને જાન્યુઆરીમાં મશીનના પાર્ટ્સ વઘઈ મોકલવામાં આવશે. ત્યાર પછી તેમની ટીમ વઘઈ જશે અને મશીન ઈન્સ્ટોલ કરશે. ત્યાં તેઓ ક્રિમિશા સખી મંડળની બહેનોને સેનેટરી નેપકીન બનાવવાની તાલીમ આપશે. મહિનામાં મશીનનું ઉદઘાટન કરી દેવાનો વિચાર છે. સેનીટરી નેપકીન્સના પ્રોજેક્ટ દ્વારા ડાંગ જીલ્લાની મહિલાઓને સ્વનિર્ભર બનાવવાના 'સ્વ-રોજગાર પ્રોજેક્ટ'નો વિચાર છેલ્લા બે વર્ષથી મનમાં ઘુમરાયા કરતો હતો અને સતત પરેશાન કર્યા કરતો હતો. તેને અમલમાં મૂકવાની ઘડી આખરે આવી પહોંચી છે. વર્ષ પહેલાં શરૂ થયેલો 'પ્રોજેક્ટ યુનિફોર્મ' અને તેને પગલે શરૂ કરેલો 'સેનેટરી નેપકીન્સ પ્રોજેક્ટ' એક નવું શિખર સર કરી રહ્યો છે. ડાંગ જીલ્લામાં સ્વ-રોજગાર માટે પ્રથમ વખત પ્રકારનું મશીન મૂકાઈ રહ્યું છે. સેનીટરી નેપકીન્સ વેચીને થનારી આવક ફક્ત 'સિઝનલ આવક' બની રહેવાને બદલે આખું વર્ષ સતત ચાલનારી કમાણી હશે. એક નંગ સેનીટરી નેપકીનની પડતર કિંમત રૂ..૨૫ છે અને તેને રૂ. માં વેચવામાં આવશે. આમ, દરેક નેપકીનના વેચાણથી સખી મંડળને પંચોતેર પૈસાનો નફો થશે. દર મહિને ભેગો થયેલો નફો પાંચ કે દસ બહેનો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવશે. છૂટક નેપકીન, પાંચના પેકેટ કે દસના પેકેટમાં વેચી શકાશે. નેપકીન્સ વેચવા માટેની 'માર્કેટિંગ ચેનલ' પણ ગોઠવાઈ રહી છે. સખી મંડળની બહેનો નેપકીન્સ વેચવા માટે ડાંગની જુદી જુદી હાઈસ્કૂલ અને આશ્રમશાળાઓમાં જશે. ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં આવેલી નાની દુકાનોમાં પણ નેપકીન્સનો સપ્લાય આપવાનો વિચાર છે. ટૂંકમાં મશીન ઈન્સ્ટોલ કરીને બેસી જવાનો ઈરાદો નથી. સ્વ-રોજગારનું મોડલ વધુ વિકાસ પામે, સતત ચાલતું રહે અને બીજાઓ એનું અનુકરણ કરવા દૂર-દૂરથી જોવા-સમજવા આવે તો સફળતા પ્રાપ્ત થઈ ગણાય. પ્રોજેક્ટનું જમા પાસુંં છે કે ડાંગની બહેનો પગભર થશે અને ડાંગની બહેન-દીકરીઓ પોતાનું સ્વમાન જાળવીને ફક્ત રૂ. માં સેનીટરી નેપકીન ખરીદીને માસિકના દિવસો દરમ્યાન રાહત અનુભવી શકશે.
ઘણા અભ્યાસુઓ કુતૂહલપૂર્વક પૂછતા હોય છે, 'ગાંઠના ખર્ચે આવી દોડાદોડી કરીને તમને શું મળે છે? તમારો હેતુ શો છે? ' એનો સાદો અને સરળ જવાબ છે, 'કેવળ નિજાનંદ!!' અને હેતુ એટલો જ કે, ચલો જલાયે દીપ વહાંજહાં અભી ભી અંધેરા હૈ.

મારો સંપર્ક આપ મેલ bhatt.utpal@gmail.com દ્વારા કે ફોન/વોટ્સેપ દ્વારા 7016110805 પર અથવા આ 
બ્લોગના માધ્યમથી પણ કરી શકો છો 
સેનીટરી નેપકીન્સના મશીન ઈન્સ્ટોલેશનનો અહેવાલ ટૂંક સમયમાં.
(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ) 

16 comments:

 1. ભાઈ ઉત્પલ, કાયમ કહું છું એ જ ફરી એક વાર, સલામ!

  ReplyDelete
 2. પંકજ ચીમનભાઇ પટેલJanuary 15, 2017 at 5:00 PM

  ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છો. ફરતા ફરતા આ વેબસાઇટ પર આવી ચઢ્યો અને આવું જોરદાર કામ થઇ રહ્યું છે તે જાણવા મળ્યું. હું પણ સેનીટરી નેપકીન પ્રોજેક્ટમાં મદદ કરવા માગુ છુ. ચેક મોકલવા માટે તમારો કોન્ટેક્ટ કરીશ.

  પંકજ ચીમનભાઇ પટેલ
  કોલંબસ, ઓહાયો

  ReplyDelete
 3. Dr. Jigar ChhappanJanuary 15, 2017 at 5:02 PM

  Excellent project. Keep it up. All the best.

  ReplyDelete
 4. I know you are doing great work. Try to write this article in English as well. This is too long in Gujarati for me!!

  Sanitary Napkins Machine installation is a gem of a project. Keep it up.

  Farah Pathan
  Austin, TX

  ReplyDelete
 5. કલ્પના દેસાઇJanuary 15, 2017 at 5:14 PM

  તમે સૌ ૧૦૦ વર્ષના થાઓ. હર્ષાશ્રુ.

  કલ્પના દેસાઇ
  ઉચ્છલ, જી. તાપી

  ReplyDelete
 6. નિકિતા બાગુલJanuary 15, 2017 at 5:18 PM

  લેખ મેં વાંચ્યો. સેનીટરી નેપકીન બનાવીને વેચવાનું નવું કામ શરૂ કરવા માટે અહીંની બહેનો ખૂબ જ ઉત્સુક છે. તમારો અને મશીન માટેનો ફાળો આપનાર એન.આર.આઇ. સજ્જનનો ખૂબ આભાર.

  નિકિતા બાગુલ
  વઘઇ

  ReplyDelete
 7. Wow...great job!

  Sandip, Vadodara

  ReplyDelete
 8. Your Nijanand makes you a distinguish Human being who puts a smile of satisfaction on hundreds of needy children..How nice of You...!
  With love and unending best wishes..

  ReplyDelete
 9. નીરવ પુરોહિતJanuary 16, 2017 at 12:16 PM

  આ સિઝનમાં એન.આર.આઇ. ઘણા આવતા હોય છે. એ દરેક જણ 'અનામી સજ્જન'નું અનુકરણ કરે તો 'સ્વરોજગાર'નું આ મોડલ ખૂબ વિકાસ પામે. અભિનંદન!

  ReplyDelete
 10. વજીર અહેમદ શેખJanuary 16, 2017 at 12:19 PM

  ભાઇ ઉત્પલ, આવા ઉત્તમ વિચારો આવવા અને તેનો સફળતાપૂર્વક અમલ કરવો એ ઘણું જ કઠિન કાર્ય છે. તું જે કામ કરી રહ્યો છે તે કાબિલેદાદ છે. સેનીટરી નેપકીન મશીનનું જરૂરી ભંડોળ આપવા બદલ પેલા સજ્જનનો ખૂબ ખૂબ આભાર. ઉત્તરોત્તર તારા નિજાનંદમાં વધારો થતો રહે તેવી શુભેચ્છાઓ.

  ReplyDelete
 11. પરેશ પટેલJanuary 16, 2017 at 12:27 PM

  સેનીટરી નેપકીન બનાવીને વેચવાનું આ સ્વરોજગાર મોડલ ખૂબ જ સફળ પૂરવાર થાય તેવું લાગે છે. આવા સુંદર કામ થઇ રહ્યા છે તે જાણીને ખૂબ આનંદ થાય છે. સરકાર આ કામ જોઇને તેનું રાજ્યના બીજા ભાગમાં અનુકરણ કરે તો ખૂબ જ પ્રોત્સાહક પરિણામો મળી શકે તેવું મારૂં માનવું છે. ડાંગ આવીને તમારું કામ જોવાની ઘણી જ ઇચ્છા છે. મારાથી શક્ય મદદ કરીશ.

  પરેશ પટેલ, મુ.પો. કાશીપુરા

  ReplyDelete
 12. પલક પાઠકJanuary 17, 2017 at 11:11 AM

  સેનીટરી નેપકીન મશીન ઇન્સ્ટોલેશનનો આ નવતર પ્રોજેક્ટ છે. અમને MSW માં આવું ભણાવે અને પ્રેક્ટિકલી શીખવાડે તો અમે developmental area માં ઘણું સારું કામ કરી શકીએ.

  મને આ પ્રોજેક્ટમાં actively involve થવાની ઇચ્છા છે. હું તમારો સંપર્ક કરીશ.

  પલક પાઠક
  MSW, વીર નર્મદ યુનિ., સુરત

  ReplyDelete
 13. પરેશભાઇ ધાબળાવાળાJanuary 17, 2017 at 11:15 AM

  અમારે ત્યાંથી અમદાવાદ શહેરમાં તો નિયમિત રીતે ધાબળા વહેંચવા માટે લોકો લઇ જાય છે. પ્રથમ વખત જ વાંસદા મોકલ્યા ત્યારે ખ્યાલ નહોતો કે ડાંગના છેક અંદરના વિસ્તારોમાં વહેંચાશે. અમને પણ આ રીતે ભાગીદાર થવાનો આનંદ છે. અભિનંદન.

  લિ,
  પરેશભાઇ ધાબળાવાળા, પાંચકુવા, અમદાવાદ

  ReplyDelete
 14. Great work. God bless you. Keep it up. Do more and more such social work and involve us too.

  Nina Joshi
  Toronto

  ReplyDelete
 15. તેજલ સોલંકીJanuary 17, 2017 at 11:23 AM

  સ્વરોજગારનું આ મોડલ ઓછા ખર્ચનું અને દરેક અંતરિયાળ/શહેરી વિસ્તારોમાં લાગુ પડી શકે તેમ છે. મારા મતે તો આ 'કેસ સ્ટડી'નો વિષય છે. આ પ્રોજેક્ટને વધુ આગળ અને નવી ઊંચાઇએ લઇ જાઓ તેવી શુભેચ્છાઓ. અમારી શાળાની મુલાકાતે આવો.

  તેજલ સોલંકી
  મેસરાડ પ્રા. શાળા

  ReplyDelete
 16. Excellent job! Please accept my small contribution. This is a very innovative project for women empowerment.

  Jayesh Ladani, Vadodara

  ReplyDelete