Saturday, April 2, 2022

‘વેસ્ટ’માંથી ઈષ્ટ

અમેરિકન જીવનશૈલીની ભારતીયોએ અપનાવેલી એક મુખ્ય બાબત તે ‘યુઝ એન્ડ થ્રો’. ભારતીય સમાજમાં હજી હમણાં સુધી ‘રીસાયકલ, રીયુઝ’નું ચલણ કશી સભાનતા વિના હતું, પણ હવે એ કેવળ પ્લાસ્ટિક પૂરતું જ મર્યાદિત થઈ ગયું છે, કેમ કે, પ્લાસ્ટિકની નકામી કોથળીને ખુલ્લામાં નહીં, પણ કચરા પેટીમાં નાંખીએ એટલે પર્યાવરણ માટે કંઈક કર્યાનો સંતોષ સહેલાઈથી મળી જાય છે. એ કચરા પેટી ક્યાં ઠલવાય એ વિચારવાનું કામ આપણું નથી. પર્યાવરણ બાબતે પગલાં ન લેવાની ગાળો માટે ‘સત્તાવાળાઓ’ હાથવગા છે જ.

એક જમાનામાં આપણે ત્યાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’નો શબ્દપ્રયોગ ચલણી હતો. ટી.વી. ન હોવાથી ગૃહિણીઓનો સમય સિરીયલ જોવાને બદલે અન્ય કામમાં વ્યતિત થતો. સર્જનાત્મકતા અને નજાકતને સ્ત્રીઓના સહજ લક્ષણ સાથે સાંકળવામાં આવે છે, તેનો સાક્ષાત્કાર ઘણી ગૃહિણીઓને મળતાં, તેમનાં ઘરમાં જતાં થતો. વિવિધ પ્રકારની કળાકારીગરીના નમૂના- ભલે દેખાદેખીમાં બનાવ્યા હોય તો પણ-જોવા મળતા. એ ઉત્કૃષ્ટ કૃતિ ન પણ હોય, છતાં તેમાં જાતે કશું કર્યાનો આનંદ મહત્ત્વનો હતો. આવા ઉદ્યમને ઘણા ‘વેસ્ટમાંથી બેસ્ટ’ કહીને વખાણતા. મારા જોવામાં અમુક નમૂના આવે ત્યારે હું મનમાં ‘વેસ્ટમાંથી વેસ્ટ’ પણ બોલતો. બનતા સુધી કવિ અનિલ જોશીના કોઈ લેખમાં વાંચેલું કે એક ગૃહિણીને ત્યાં તેઓ ગયા ત્યારે ગૃહિણીએ ઉત્સાહથી જણાવ્યું, ‘અમે ઘસાયેલા ધોતિયાના ટુકડા કરીને તેનો ઉપયોગ પાણી માટેનાં ગળણાં બનાવવામાં કરીએ છીએ.’ કવિએ આ લખ્યા પછી ઉમેરેલું કે ત્યાર પછી તેમને ત્યાં પાણી પીતાં મને ગળામાં વાળના ગૂંચળા ભરાતા હોય એમ લાગતું. (સ્મૃતિને આધારે આ કિસ્સો લખ્યો છે.)
હવે કોઈ વસ્તુને ‘રીસાયકલ’ કે ‘રીયુઝ’ કરવામાં સભાનતા આવી ગઈ છે. એ સહજ નથી રહ્યું. કોઈ એ કરતું હોય તો પણ જાણે કે પર્યાવરણ કે સમાજ પર મોટો ઉપકાર કરતો હોય એવો ભાવ જોવા મળે છે. આશ્વાસન એ કે એટલું તો કરે છે! ‘રીસાયકલ’ કે ‘રીયુઝ’ કરવાથી ઘણાને પોતે ગરીબ દેખાશે એમ લાગે છે, એ જ રીતે એ ન કરનારને પોતે ધનવાન દેખાશે એમ લાગે છે!
બોન્સાઈની કળામાં છોડ જેટલું જ મહત્ત્વ તેમનાં કૂંડાનું છે, અને કયા પ્રકારના છોડ માટે કેવાં કૂંડાં હોવા જોઈએ તેનું આખું શાસ્ત્ર છે. અન્ય તમામ શાસ્ત્રોની જેમ આ શાસ્ત્રનો પણ અમે અભ્યાસ કર્યો નથી. ઘરમાંથી નીકળતી વિવિધ ચીજોનો કૂંડા માટે ઉપયોગ કરીએ છીએ. ઘરમાં સીરામીકનો કપ કે મગ તૂટી જાય, પ્લાસ્ટિકના કોઈ ડબલામાં ક્રેક પડે તો દુ:ખ થવાને બદલે આનંદ થાય છે કે ચાલો, એક કૂંડું વધ્યું! અમારે ઘેર અમુક લોકો આવે, ભૂલથી બોન્સાઈ જુએ અને તેમની નજર અવનવા રંગીન કૂંડા પર પડે એટલે તેઓ એ ચીજોને ઓળખવા પ્રયત્ન કરે. બિનસત્તાવાર અહેવાલો મુજબ, ઘણા લોકોએ અમારે ત્યાંથી ગયા પછી ચા-કૉફી પીવાના પોતાના નવા ને નવા કપમાં કાણું પાડવાનો પ્રયાસ કરીને તેને નવરા કરી દીધા છે. એ રીતે તેમણે ‘બેસ્ટ’માંથી વેસ્ટ સર્જવાનો સન્નિષ્ઠ પ્રયત્ન કર્યો છે. વસ્તુ ‘વેસ્ટ’ હોય કે ‘બેસ્ટ’, તેનો ઉપયોગ ‘ઈષ્ટ’ (ઈચ્છિત) રીતે કરીએ એની એક અલગ મઝા હોય છે.
'ઘાયલ'સાહેબના પેલા બહુ જાણીતા શેરને અમે આ રીતે જોઈએ છીએ.
'તને જોતાં નથી આવડતું ઓ મૂર્ખ મન મારા,
પદાર્થ એવો કયો છે, કે જે કૂંડું નથી.'
અહીં કેટલીક તસવીરો વિવિધ ચીજોમાંથી બનાવેલાં વિવિધરંગી કૂંડાઓ અને તેને અનુરૂપ છોડની.
(અહીં અમેનો અર્થ 'હું અને મારો પરીવાર' સમજવો.)







****
ઘણાં વાલીઓ અતિ ઉત્સાહી હોય છે. પોતાના સંતાનના શાળાના કોઈ સહાધ્યાયીને તેના ભાવિ જીવનસાથીના રૂપમાં જોતા અમુક ખંતીલા વાલીઓને હું જાણું છું.
અમે પણ આવા જ ખંતીલા છીએ, અને વાલી પણ ખરાં જ. પણ અમારા ઉત્સાહની દિશા જુદી હોય છે. કામિની કોઠારી જેના ઉછેરનો કાનૂની દાવો કરી શકે એવાં અનેક ફૂલછોડને તેણે પાળ્યાપોષ્યા છે. અને પૂજામાં બેઠેલા દંપતિની જેમ મેં પણ તેના હાથ પર મારો હાથ મૂકીને એ દાવામાં અડધો હિસ્સો નોંધાવ્યો છે. સૌ જાણે છે એમ બોન્સાઈ જેટલાં જ મહત્ત્વનાં તે જેમાં ઉછેરાય એ પાત્રો પણ હોય છે.
ઉત્સાહી વાલીઓની જેમ, ઘરમાં વપરાશમાં લેવાતી કે નકામી થયેલી અનેક ચીજો જોતાં અમને તેનામાં બોન્સાઈનું પાત્ર દેખાવા લાગે છે. એ દેખાય એટલે પછી વિચાર બદલાઈ જાય એ અગાઉ તેનો શીઘ્ર અમલ કરી દેવામાં આવે છે. કટર, કાતર, સ્ક્રૂ ડ્રાઈવર, છરી, પક્કડ પ્રકારનાં સાધનોની મદદથી તેને તળિયે એક વાર સરખું કાણું પડી જાય એટલે બસ. એ પછી તેમાં યોગ્ય છોડ તો મળે ત્યારે રોપાય, પણ એટલું નક્કી કે હવે એનો 'પાત્રાવતાર' નિશ્ચિત થઈ ગયો. એ નિર્જીવ હવે અન્ય કોઈ યોનિમાં જન્મ ન લઈ શકે.
અમારા મિત્રો અમને પૂરતો સહયોગ કરે છે. તેમને ઘેર પડેલી નકામી ચીજો અમને તે સદુપયોગના ભાવથી આપે છે. અમારે એટલું જ જોવાનું રહે છે કે તેઓ અતિશય પ્રેમથી દોરવાઈને કશીક કામની ચીજ ન આપી દે.
મિત્રદંપતિ બિનીત અને શિલ્પા મોદીએ તેમને ઘેરથી નીકળેલી સિરામીકની સોપ ડીશ અમને આપી. તેમને કદાચ એમ હશે કે અમે તેને બાથરૂમમાં કે સીન્ક પાસે લગાવડાવીને તેમાં સાબુ મૂકીશું. પણ તેમણે અમને આપી એ જ ઘડીએ પેલા ઉત્સાહી વાલીની જેમ અમે નક્કી કરી દીધેલું કે એને અમે ક્યાં લગાવીશું અને તેમાં કયો છોડ મૂકીશું.

સોપ ડીશ

કોઈકને ત્યાં શુભ પ્રસંગે કાચના ત્રણ બાઉલનો એના સ્ટેન્ડ સાથેનો સેટ આવેલો. બૉક્સ ખોલીને જોતાં જ અમારામાંના ઉત્સાહી વાલી જાગ્રત થઈ ગયા. એક અવાજે અમે નક્કી કરી લીધું કે આનું લાલ સ્ટેન્ડ ઘરમાં રખાય એમ નથી. એમાં રહેલા કાચના ત્રણ બાઉલ ભલે ઘરમાં રહે. એટલે એ લાલ સ્ટેન્ડને અમે ઘરની બહાર પ્રવેશમાં જ મૂક્યું.

બાઉલનું સ્ટેન્ડ

એમ તો દરેક પાત્રની એક આગવી કહાણી છે. પણ વાલી તરીકેના ઉત્સાહને કાબૂમાં રાખતાં અમે સભાન છીએ કે આખરે મહત્ત્વ એમાં ઊગેલા છોડનું છે. તેથી કહાણી કહેવાનો એટલે કે વાર્તા માંડવાના ઉત્સાહ પર કાબૂ રાખવો. આટલી વાર્તા માંડવાનો હેતુ મિત્રોને પ્રેરવાનો છે. 'કપ ફૂટલો જોયો ને તમે યાદ આવ્યા'ની જેમ પણ તેઓ પ્રેરાઈ શકે યા અન્ય કોઈ રીતે- એ તો તેમની પર નિર્ભર છે.
અહીં આપેલી તસવીરો ખાસ તો તેના પાત્રો માટે થઈને લીધેલી છે.







****
બગીચો એટલે ખેતરનો વિખૂટો પડેલો શહેરી ભાઈ. ગુજરાતમાં પ્રચલિત ચિંતનાત્મક શૈલીમાં આવું કહી શકાય. (કોને ખબર કોઈક ચિંતક અગાઉ લખી પણ ગયા હોય!) શહેરમાં રહીને બાગાયતનો શોખ કેળવનારની હાલત અંગે મોટે ભાગે બહાદુરશાહ 'ઝફર'નો શેર સહેજ ફેરફાર સાથે આમ કહી શકાય:
'કિતના હૈ બદનસીબ 'ઝફર' ચમન કે લિયે,
દો ગજ જમીન ભી ન મિલી કૂ-એ-યાર મેં.
જો કે, ઓછી જગ્યાનો વધુમાં વધુ ઉપયોગ કરવાની આદત ધીમે ધીમે કેળવાતી જાય છે.
કામિનીને પહેલાં વિવિધ સ્પર્ધાઓમાં અવનવી ગિફ્ટ મળતી. એમાંથી કામમાં આવે એવી તો ભાગ્યે જ હોય, પણ અમે એને કામમાં લઈ લેતા. એકાદ બે વાર સોપ ડીશ મળેલી, પણ બાથરૂમમાં સાબુ મૂકવા માટેની સોપ ડીશ એક વાર લગાવી દીધા પછી ભાગ્યે જ એને બદલવાનો વારો આવે છે. આથી અમે એ સોપ ડીશને કૂંડામાં ફેરવી દીધી.



ઘરના એક સભ્યે પ્રેમપૂર્વક કેસરોલ આપ્યો, જેનો તેમને ઉપયોગ નહોતો. એ કેસરોલનો પણ સદુપયોગ કરવામાં આવ્યો.


કોઈક સારી છત્રી જોઈએ તો અમને કોઈ કુશળ રેડિયોલોજિસ્ટની જેમ એની અંદરની સળિયાવાળી ફ્રેમ દેખાય. આવી એક ફ્રેમની અમે તલાશમાં હતા, પણ એ મળી શકી નહીં. અમારી ઉત્સુકતા જોઈને આખરે અમારા ઘરની છત્રીએ જ અમને મદદરૂપ થવાનું નક્કી કર્યું હશે. એટલે તેનું કાપડ ફાટવા લાગ્યું. આ જોઈને અમે ઉત્સાહમાં આવી ગયા અને છત્રીનું વસ્ત્રાહરણ કરીને તેની ફ્રેમ કાઢી લીધી. એની પર હાલ વેલ ચડી રહી છે.



સહૃદયી અને બાગાયતના શોખીન મિત્રોને આ વાંચીને પ્રેરણા મળે- જાતે પાત્રો બનાવવાની, કે પછી અમને મોકલવાની- એ હેતુસર અહીં કેટલીક તસવીરો મૂકી છે.

No comments:

Post a Comment