આદમ અને ઈવનું સર્જન કરીને તેમને ગાર્ડન ઑફ ઈડનમાં મૂકેલા એવી વાયકા છે. જો કે, એ અગાઉ 'ઈડન ગાર્ડન'નો એક જ અર્થ મારે મન હતો, અને એ હતો કલકત્તાનું ક્રિકેટ સ્ટેડિયમ. રેડિયો કમેન્ટેટર સુશીલ દોશીના શબ્દો હજી કાનમાં ગૂંજે છે, 'અસ્સી હજાર દર્શકોં સે ખચાખચ ભરા હુઆ કલકત્તા કા ઈડન ગાર્ડન સ્ટેડિયમ.'
ખેર! પછી તો ક્રિકેટ છૂટી- રમવાની નહીંં, સાંભળવા-જોવાની. પછીના વરસોમાં બાગબાની પકડાઈ. એ સાવ છૂટી તો નથી, પણ સક્રિયતા ઘટી, અને એનો મુખ્ય હવાલો કામિનીએ જ સંભાળ્યો. પહેલાં ભોંયતળિયે છોડ રોપ્યા. પણ કોવિડના સમયગાળામાં રોજેરોજ ધાબે ચાલવા જતા. એટલે પછી ધીમે ધીમે ધાબે એને વિકસાવ્યો. એમાં મુખ્યત્વે એડેનિયમના રોપા. એડેનિયમને 'સીંગાપુરી ચંપો', 'ડેઝર્ટ રોઝ' વગેરે નામે ઓળખવામાં આવે છે. એના દેખાવની વિશેષતા એ કે એનું પ્રકાંડ ખૂબ જાડું વિકસી શકે, અને ડાળીઓ ઓછી. ફૂલ બેસે ત્યારે સરસ લાગે, અને એ વિના પણ. એને પાણી અને તાપ બન્ને જોઈએ, પણ વધુ પડતા પાણીથી એ 'વીરગતિ કો પ્રાપ્ત' યાનિ કિ 'ટેં' થઈ શકે. શરૂઆતમાં અધીરાઈથી પાણી પાતાં અમુક એડેનિયમ વીરગતિને પ્રાપ્ત થયેલા પણ ખરા. નર્સરીમાંથી ખરીદીએ તો એ અન્યોની સરખામણીએ મોંઘાં જણાય. પ્રકાંડની જાડાઈ અનુસાર એની કિંમત હોય એમ અમને લાગે છે.
![]() |
ફૂલોથી શોભતાં એડેનિયમ |
ભોંયતળિયેથી તમામ એડેનિયમને ધાબે લાવ્યાં એટલે એમને ભરપૂર તાપ મળતો થયો. એ ફાલવા લાગ્યાં. એમને ફળ (શિંગ) અને ફૂલો બેસવા લાગ્યાં. શિંગમાંથી નીકળતાં બીજમાંથી કામિની રોપા (ધરુ) ઉછેરવા લાગી. સહેજ મોટા થયેલા ધરુને પછી અલગ કૂંડામાં રોપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે વસ્તાર વધવા લાગ્યો.
બે-ત્રણ મહિના પહેલાં કુતૂહલવશ મેં ધાબે રહેલા એડેનિયમની ગણતરી કરી તો નેવું જેટલા ગણી શકેલો- ભૂલચૂક લેવીદેવી. સામાન્ય રીતે અમારે ત્યાં કોઈ આવે તો સ્વાભાવિકપણે જ એની નજર નીચે મૂકાયેલાં કુંડા પર જાય. ધાબે મૂકેલાં કુંડા સુધી જવાનું ન બને. પણ બાગાયતના ખરેખરા પ્રેમી હોય તો અમે ઘણી વાર ધાબે જવાની ઑફર મૂકીએ ખરા. આપણા ઘણા ગુજરાતીઓનો બાગાયત માટેનો લગાવ જોઈને આપણું દિલ ક્યારેક 'બાગ બાગ' થઈ જાય. એ શી રીતે? તેમના અમુક મુખ્ય સવાલ હોય, જેના જવાબની એમને અપેક્ષા ન હોય. તદ્દન નિષ્કામભાવે તેઓ કામિનીને પૂછે, 'આમાં તારો કેટલો બધો સમય જાય?' હું વ્યાવસાયિક અનુવાદક પણ ખરો, એટલે આ સવાલનો અનુવાદ મનમાં કરું, 'આ તો બધું નવરા લોકોનું કામ.' અમુક પૂછે, 'આટલા બધા કૂંડાને પાણી પાતાં કેટલી વાર લાગે?' અનુવાદ આગળ મુજબ. કોક વળી અર્ધજાણકાર હોય, થેન્ક્સ ટુ રીલ્સ, એટલે એ કહે, 'આ છોડ તો બહુ મોંઘા આવે છે. નર્સરીમાં એનો ભાવ ખબર છે? દોઢસો-બસોનો એક નાનો છોડ આવે.' અનુવાદ: 'તમે, મારા બેટાઓ ! લાખોનું 'રોકાણ' કરીને બેઠા છો ને અમને કહેતાય નથી?' અમુક આત્મીયજનો હકભાવે જણાવે, 'અમારા માટે એક છોડ તૈયાર કરજો.' એમના માટે કામિની તૈયાર કરે, પણ એના માટે મુદત માગીને.
વચ્ચે ઈશાને અને મેં વિચાર્યું કે આપણે આ એડેનિયમનું વેચાણ ચાલુ કરીએ. ઈશાને સ્થાનિક ડિલીવરી સેવા આપતી એજન્સીઓની પણ તપાસ કરી. મેં નિષ્ણાતની અદાથી 'કોસ્ટિંગ'ની ગણતરી માંડી. મને નજીકથી ઓળખનારા સમજી ગયા હશે કે આનું પરિણામ શું આવે! પણ એવું કશું ન થયું, કેમ કે, પોતે ઉછેરેલા એડેનિયમને વેચવાનો કામિનીનો જીવ ન ચાલ્યો. એણે, જો કે, 'મને ટાઈમ નથી', 'ડિલીવરી આપવા જતાં ડાળીઓ તૂટી જાય તો?' વગેરે જેવાં બહાનાં આગળ ધર્યાં. એટલે પછી અમારું એ બિઝનેસ મોડેલ ફન્ક્શનલ ન બની શક્યું. નહીંતર મેં તો ભવ્ય યોજનાઓ બનાવી રાખેલી કે એક વાર આ એડેનિયમનો બિઝનેસ બરાબર ચાલવા લાગે તો ધીમે ધીમે હું વ્યાવસાયિક ચરિત્રલેખનને સંપૂર્ણપણે 'માટીમાં મેળવી' દઉં અને એમાંથી રોટલા કાઢું.
પણ ધાર્યું 'ધણિયાણી'નું થાય!
No comments:
Post a Comment