એક વડદાદાના વિસર્જનની કથા અહીં વાંચ્યા પછી તેની અપડેટ આપવી જરૂરી બની રહે છે. (અહીં આપણા પત્રકારત્વમાં ફોલો અપ સ્ટોરીઝનો કેટલો અભાવ છે એ લખવાનું ટાળ્યું છે)
| રાતનો વરસાદ માણ્યા પછી પ્રસન્ન મુદ્રામાં વડદાદા |
માટી વડે એ કૂંડાને ભર્યું. આમ, બેઠક તૈયાર થયા પછી એમાં એ વડનું સ્થાપન કર્યું. પાણી રેડીને માટી બેસાડવાની જરૂર વરતાતી હતી, પણ રસોડામાં તળી રાખેલી પાપડીઓની હવાઈ ગયેલી સ્થિતિ પરથી હવામાં ભેજ કેટલો હશે અને ક્યારે વરસાદ પડશે એનું અનુમાન અમે કર્યું. (અહીં 'ભારતીય જ્ઞાનપ્રણાલિ' એટલે કે 'આઈ.કે.એસ.'ની સચોટતા અને મહાનતા વિશે લખવાનું ટાળ્યું છે) વડને નવેસરથી ગોઠવીને અમે અમારા કામે લાગ્યા. (અમે કેવાં કેવાં કામમાં વ્યસ્ત રહીએ છીએ અને એમ કરીને અમે સમાજ પર કેવો ઊપકાર કરીએ છીએ એની લાંબી યાદી લખવાની ટાળી છે.) હવાઈ ગયેલી પાપડીના આધારે કરાયેલું અનુમાન સચોટ ઠર્યું અને રાતના ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાત સુધી ચાલ્યો. (મોડી રાત સુધી જાગીને લખવા-વાંચવાના ફાયદા લખવાનું ટાળ્યું છે.) સવારે જાગીને અમે બહાર જોયું તો વડદાદા એકદમ મસ્ત રીતે કુંડામાં સ્થાપિત થઈ ગયા હતા. આ લખાય છે ત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, અને વડદાદા એને માણી રહ્યા છે. (અહીં જે લખવાનું ટાળ્યું છે એ વાંચનારની કલ્પના પર છોડવામાં આવે છે)
| કોથળી હટાવ્યા પછી |
| મૂળ આસપાસના ભાગની સફાઈ |
| સફાઈ પછી |
હવે આ વડને પાંદદાં ફૂટશે, વડવાઈઓ નીકળશે, ભલું હશે તો એની ડાળે હીંચકો બાંધવામાં આવશે, અને વાંદરાં પણ કૂદાવવામાં આવશે. જેવો વડનો વિકાસ અને જેવો અમારો બોન્સાઈપ્રેમ!
ચરોતરમાં બહુ તોફાની વ્યક્તિ માટે કહેવાય છે કે, 'એ તો વડનાં વાંદરા પાડે એવો છે.' વધુ પૈસા આવશે તો 'વડના વાંદરા પાડવાનો', 'વડ પરથી પાડેલાં વાંદરા પાછા ગોઠવવાનો', 'વાંદરા પાડવાનું મેનેજ' કરવાનો' વગેરે જેવા કોર્સ ધરાવતી યુનિવર્સિટી પણ ખોલવાનું વિચારણા હેઠળ છે. (અહીં ફરી એક વાર 'ભારતીય જ્ઞાન પ્રણાલિ' અને તેની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા વિશે લખવાનું ટાળું છું) આમ, કોઈકના દ્વારા વિસર્જિત કરાયેલા વડદાદા હવે માનભેર સ્થાપિત થયા છે. આ વડના રૂબરૂ દર્શનાર્થે આવનારા ભાવિક ભક્તો દ્વારા તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા મૂકાતી ભેટ સ્વીકારાય છે. ભેટ મૂક્યા પછી પહોંચ મેળવી લેવાનો ખાસ આગ્રહ રાખવો એવી વિનંતી.
No comments:
Post a Comment