Saturday, September 9, 2017

ટાઈટલ મ્યુઝીક (5) : બીનવાદન અને કલ્યાણજી-આણંદજી


‘નાગિન’ એટલે કે નાગણને કાન નથી હોતા. તે કેવળ ધ્રુજારી પારખી શકે છે, અને સાવ ઓછી તીવ્રતાનો ધ્વનિ સાંભળી શકે છે. તે ડંખ મારે તો તેનું વિષ શરીરની સ્નાયુપેશીઓ સહિત રક્તમાં ભળી જાય છે. એટલે બોટલમાંથી નળી વડે દૂધ ખેંચીએ એમ ડંખ દ્વારા શરીરમાં પ્રસરેલું વિષ ખેંચી ન શકાય. નાગણની આંખમાં કેમેરા નથી હોતો. નાગ દૂધ પીતો નથી અને સૌથી અગત્યનું એ કે નાગણનું મનુષ્યમાં રૂપાંતર શક્ય નથી. (એથી વિપરીત સ્થિતિ શક્ય છે.) 
અહીં લખેલી અને એ સિવાયની અનેક વૈજ્ઞાનિક હકીકતો ભલે આપણે જાણતા હોઈએ, નાગને કેન્‍દ્રમાં રાખીને બનેલી ફિલ્મ જોવા જઈએ એટલા પૂરતી તેને ભૂલી જવાની હોય છે.
1954માં આવેલી ફિલ્મીસ્તાનની ફિલ્મ ‘નાગિન’ને કદાચ નાગને લગતી હિન્‍દી ફિલ્મોની પૂર્વજ કહી શકાય. નંદલાલ જસવંતલાલે તેનું દિગ્દર્શન કર્યું હતું. (હા ભાઈ, તેઓ ગુજરાતી હતા. બસ?) પ્રદીપકુમાર, વૈજયંતિમાલા અને જીવનને ચમકાવતી આ સંગીતપ્રધાન ફિલ્મે એ સમયે રીતસર ઘેલું લગાડ્યું હશે. બન્ને હથેળીઓને ફેણની મુદ્રામાં માથે મૂકીને કરવામાં આવતા ‘નાગિન ડાન્‍સ’થી કયો લગ્નનો વરઘોડો બાકાત હશે એ શોધનો વિષય છે. અલબત્ત, આ ફિલ્મમાં કોઈ પણ પાત્રે એવી કશી મુદ્રા દેખાડી નથી.

ફિલ્મના સંગીતકાર હેમંતકુમાર હતા. તેમના સહાયક હતા રવિશંકર એટલે કે રવિશંકર શર્મા એટલે કે આગળ જતાં સ્વતંત્ર સંગીતકાર તરીકે આગવી ઓળખ ઉપસાવનાર રવિ. પણ આ ફિલ્મનાં ગીતોમાં બીન વગાડી હતી કલ્યાણજી વીરજી શાહે. તેમણે એ પછી કલ્યાણજી-આણંદજીના નામે પોતાના ભાઈ આણંદજી સાથે જોડી બનાવી. (કલ્યાણજી-આણંદજીના ભાઈ બાબલાએ એક આલ્બમમાં જૂનાં લોકપ્રિય ગીતોને ડીસ્કો સંગીતમાં વગાડ્યાં હતાં. એ રીતે વગાડેલા ‘નાગિન’ના ‘મન ડોલે મેરા તન ડોલે’ ગીતમાં તેમણે સાપના ફૂંફાડાના અવાજની અસર દર્શાવી હતી. એ સિવાય ‘મિ.નટવરલાલ’ ફિલ્મના આશાએ ગાયેલા ગીત ‘તૌબા તૌબા ક્યા હોગા’ના ‘મૈં બેબસ હૂં તેરે બસ મેં’ પછીના અંતરાના ઈન્‍ટરલ્યૂડમાં સંગીતકાર રાજેશ રોશને ‘નાગિન’નું આ મ્યુઝીક ફીટ કર્યું હતું.)

સાપ લઈને આવતા મદારીઓ મોરલી વગાડે છે, જેને પુંગી પણ કહે છે. તેનો એક વિશિષ્ટ મધુર સ્વર હોય છે, પણ તેની મર્યાદા એ છે કે તેમાં વધુ સૂર હોતા નથી. હેમંતકુમારે ફિલ્મમાં અસલ પુંગી વગાડવાનું વિચાર્યું હતું, પણ કલ્યાણજીભાઈના ક્લેવાયોલિન/clavioline અને રવિના હાર્મોનિયમનો ઉપયોગ કરીને એ સૂર અસલ વાદ્ય જેવો જ કાઢવામાં આવ્યો. કહેવાય છે કે હૈદરાબાદના એક થિયેટરમાં એક સાપ આ સંગીત સાંભળીને દોરાઈ આવ્યો હતો. જો કે, આવી વાતો ઘણા અચ્છા હાર્મોનિયમવાદકો બાબતે પણ સાંભળી છે કે તેઓ હાર્મોનિયમ પર ‘નાગિન’નું સંગીત વગાડે તો સાપ ખેંચાઈ આવે છે. એવું બને કે સાપ એ જણાવવા આવતો હોય કે કલ્યાણજી વીરજી શાહ પછી હવે કોઈને સ્વેચ્છાએ આ ધૂન વગાડવાનો અધિકાર નથી. 


આ આખી ફિલ્મમાં ગીતોની ભરમાર હતી. બધું મળીને કુલ બાર ગીતો. અને ગીતો પણ કેવાં? એક સાંભળો ને એક ભૂલો! મુખ્ય ગાયકો પણ બે જ- લતા અને હેમંતકુમાર. એક ગીત આશાજીનું હતું. બે યુગલ ગીતો પૈકી ‘ગોરી છોડ દે પતંગ મેરી છોડ દે’ હેમંતકુમાર અને લતાએ ગાયેલું, જ્યારે ‘યાદ રખના, પ્યાર કી નિશાની ગોરી યાદ રખના’ હેમંતકુમાર અને આશાએ ગાયેલું. આ ઉપરાંત ‘તેરે દ્વાર ખડા એક જોગી’ અને ‘જિંદગી એ દેનેવાલે, જિંદગી કે લેનેવાલે’ હેમંતકુમારે ગાયેલાં. ‘મન ડોલે મેરા તન ડોલે’, ‘સુન રી સખી મોરે સજના બુલાયે’, ‘જાદુગર સૈયાં, છોડો મોરી બૈયાં’, ‘મેરા દિલ યે પુકારે આજા’, ‘સુન રસિયા, કહે કો જલાયે જિયા આજા’, ‘મેરા બદલી મેં છુપ ગયા ચાંદ રે’, ‘તેરી યાદ મેં જલકર દેખ લિયા’ અને ‘ઊંચી ઊંચી દુનિયા કી દીવારેં સૈયાં છોડ કે..’ આ આઠ ગીતો લતાએ ગાયેલાં હતાં. ગીતકાર હતા રાજેન્‍દ્ર કૃષ્ણ. 


શરૂઆતમાં ઠંડો પ્રતિસાદ મળ્યા પછી તેનું ‘બીન મ્યુઝીક’ જામ્યું અને એવો ઉપાડો લીધો કે ફિલ્મ પંચોતેર સપ્તાહ ચાલી. એ હદે કે આજે પણ ‘નાગિન’ શબ્દ સાંભળતાંની સાથે નાગ નહીં, પણ ‘બીન’ જ યાદ આવે. આ કમાલ આ ફિલ્મના સંગીતની છે. આ ફિલ્મનાં કુલ બાર ગીતોમાંથી ‘તેરે દ્વાર ખડા એક જોગી’ સિવાયનાં તમામ ગીતોમાં ક્લે વાયોલિનનો કર્ણાકર્ષક ઉપયોગ થયો હતો. એમાં પણ ‘જિંદગી કે દેનેવાલે’થી શરૂ કરીને થોડા સંવાદો અને પછી ‘સુન રસિયા’, ‘મેરા બદલી મેં છુપ ગયા ચાંદ રે’, ‘તેરી યાદ મેં જલકર દેખ લિયા’, ‘ઊંચી ઊંચી દુનિયા કી દીવારેં’ એમ પાંચ ગીતો ફિલ્મમાં સળંગ આવે છે એ ઓછી જોવા મળતી ઘટના છે. (‘હમ કિસી સે કમ નહીં’માં ‘ચાંદ મેરા દિલ’થી શરૂ થતાં સળંગ ચાર ગીતો હતાં.) 


આશ્ચર્ય થાય એવી હકીકત એ છે કે બીન મ્યુઝીક, જે આ ફિલ્મની, તેનાં ગીતોની ઓળખ બની રહ્યું છે એ ફિલ્મના ટાઈટલ મ્યુઝીક માં બીનનો અણસાર સુદ્ધાં નથી. એટલું જ નહીં, બારમાંથી એકે ગીતની ધૂન પણ વાપરવામાં નથી આવી. ફિલ્મની રેકોર્ડમાં બીન મ્યુઝીકની અલગ સાઉન્‍ડ ટ્રેક આપવામાં આવી છે, જે ફિલ્મમાં અન્યત્ર વપરાઈ હશે. પણ ટાઈટલ મ્યુઝીકમાં એ બિલકુલ નથી. હેમંતકુમારે તેમાં ફક્ત કોરસથી કામ લીધું છે, જે આદિજાતિઓ દ્વારા બોલાયા હોય એવા શબ્દો અને ધૂન છે. આનો જવાબ હેમંતદા હયાત હતા ત્યારે મળવાનું બન્યું હોત તો પણ પૂછત કે કેમ એ સવાલ છે, કેમ કે, ત્યારે આ હકીકત ક્યાં ધ્યાનમાં આવેલી?
એ બાબતની નોંધ લેવાની કે 1976માં ‘નાગિન’ નામની એક મલ્ટીસ્ટારર ફિલ્મ રજૂ થઈ હતી, જેમાં લક્ષ્મીકાન્ત-પ્યારેલાલનું સંગીત હતું અને ગીતો લોકપ્રિય થયાં હતાં. તેમાં પણ બીનના સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
‘નાગિન’ ફિલ્મની આ ટ્રેકમાં 2.14 સુધી ટાઈટલ મ્યુઝીક છે.
(ટેકનીકલ કારણોસર આ લીન્‍ક યૂ ટ્યૂબ પર જોઈ શકાશે. અહીં ક્લીક કરવાથી આ લીન્‍ક બીજી વિન્‍ડોમાં ખૂલશે.) 


**** **** **** 
'નાગિન' ફિલ્મના  ટાઈટલ મ્યુઝીક અંગેની વાતમાં અનેક મિત્રો જોડાયા અને સરસ માહિતી આપી.  
 મિત્ર વિશાલ શાહ દ્વારા જણાવાયું કે આ બીનનું મ્યુઝીક નાગ અંગેની મોટા ભાગની ફિલ્મોમાં થોડા ફેરફાર સાથે વપરાયું છે. મિત્ર એચ. કણસાગરાએ 1958માં આવેલી 'ફાગુન'માં 'એક પરદેસી મેરા દિલ લે ગયા'માં બીન મ્યુઝીકને યાદ કર્યું. 'ફાગુન'માં સંગીત ઓ.પી. નય્યરનું હતું, અને તેમાં કુલ 11 ગીતો હતાં. આમાંથી બીન મ્યુઝીક ફક્ત 'એક પરદેસી મેરા દિલ લે ગયા'માં જ વગાડવામાં આવ્યું છે. હા, એની એ જ ધૂન અનેક ગીતોમા પુનરાવર્તિત થઈ છે, પણ તે મોટે ભાગે ફ્લૂટ પર વગાડવામાં આવી છે.
1959માં રજૂઆત પામેલી ફિલ્મ 'મદારી'નું મુકેશ-લતાનું ગીત 'દિલ લૂટનેવાલે જાદુગર' અને તેમાં વાગતું બીન મ્યુઝીક બધાને યાદ હશે જ. આ ફિલ્મમાં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું. તેમાં 'મ્યુઝીક અરેન્જ્ડ બાય' પ્યારેલાલ અને 'આસિટન્ટ' તરીકે લક્ષ્મીકાન્‍તનું નામ અલગથી જોઈ શકાય છે. 'મદારી'નાં કુલ 8 ગીતો હતાં. અને મોટા ભાગનાં ગીતોમાં એક યા બીજી રીતે બીન મ્યુઝીક સામેલ કરવામાં આવ્યું હતું.
'મદારી'ના ટાઈટલ મ્યુઝીકનો આરંભ મોટા ભાગના ટાઈટલ મ્યુઝીકની લાક્ષણિક શૈલી જેવાં વાયોલિન સમૂહ વડે ઘોષણાત્મક પ્રકારના સંગીતથી થાય છે, અને 0.14 થી બીન મ્યુઝીક આરંભાય છે. પછી ટાઈશોકોટો પર 'દિલ લૂટનેવાલે જાદુગર'ની ધૂન વાગે છે. 0.54 થી ફરી પાછી શૈલી બદલાય છે. તેમાં ટ્રમ્પેટ ઉમેરાય છે અને પછી મેન્ડોલીન વાગે છે. 1.38 પર પ્યારેલાલ અને લક્ષ્મીકાન્‍તનું નામ હાઈલાઈટ થાય એ રીતે સંગીત વાગે છે અને એ પછી ક્લેરિનેટ પર ધૂન વાગે છે. વળી પાછો વાયોલિન અને બ્રાસવાદ્યોનો સમૂહ. અને અને અને.......
.....જે સાંભળવા આપણા કાન ઉત્સુક હોય એ 'નાગીન'વાળી જ ધૂન 2.03 પર સંગીતકાર તરીકે કલ્યાણજી-આણંદજીનું નામ દેખાય ત્યારે શરૂ થાય છે. તેમના નામ પછી ફક્ત દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીનું નામ જ આવે છે. આ ધૂનની ઝલક અને પાછા વાયોલિન સમૂહ તેમજ બ્રાસવાદ્યો પર આ ટ્રેક પૂરી થાય છે.
અહીં નોંધ પૂરતો એ ઉલ્લેખ કે 'મદારી' નામની એક બીજી ફિલ્મ 2016 મા રજૂ થઈ હતી.
'મદારી' ફિલ્મની આ ટ્રેકમાં 2.14 સુધી ટાઈટલ મ્યુઝીક છે. 


(નાગ અને બીન વિશેની વધુ વાતો હવે પછી.) 

No comments:

Post a Comment