Sunday, July 9, 2017

ટાઈટલ મ્યુઝીક (1)


ફેસબુક અને બ્લોગ બંને સાવ અલગ માધ્યમો છે, એમ તેને વાંચનારાઓ પણ અલગ પ્રકારના હોય છે. એક સ્ટેટસ મૂકાય તો તેને વાંચીને તરત જ નીચે પ્રતિભાવ આપી શકાય એવી સુવિધા ફેસબુકમાં છે, જ્યારે બ્લોગમાં એટલું ત્વરિત એ થઈ શકતું નથી. આ કારણે ફેસબુક પર ટૂંકાં લખાણો વધુ જોવા મળે છે, અને કોઈ વિષયનું સાતત્યપૂર્વક ખેડાણ ત્યાં થાય એ શક્યતા ઓછી રહે છે. ત્રણેક વર્ષથી મારી હાજરી ફેસબુક પર છે અને શક્ય હોય ત્યાં સુધી રોજ સવારે કશું ને કશું મૂકાય એવા પ્રયત્નો હોય છે. એ રીતે એક વખત અનાયાસે 'અલીબાબા ઔર ચાલીસ ચોર' ફીલ્મનું ટાઈટલ મ્યુઝીક મેં તેની પર શેર કર્યું. સાથે થોડી નોંધ પણ લખી. 
અનાયાસે આ લખાણ એક નવી દિશા ઉઘાડી આપનારું બની રહ્યું. ફેસબુક પર પીયૂષ પંડ્યા, રક્ષિત પંડીત, વિશાલ શાહ, રમેશભાઈ જોશી, શ્રી કણસાગરા જેવા મિત્રોએ તેમાં ગજબ રસ દાખવ્યો અને રક્ષિતભાઈ જેવાએ તો રાહુલ દેવ બર્મનની ચાલીસેક ટાઈટલ ટ્રેક ધરાવતી એક લીન્ક આપી. રજનીકુમાર પંડ્યા પણ અવારનવાર હાજરી પૂરાવવા લાગ્યા. તેને પગલે મને પણ અવનવા સમયગાળાના અને સંગીતકારોની ફિલ્મના ટાઈટલ મ્યુઝીકને સાંભળવાનો ચસકો લાગ્યો. ફેસબુક પર તે નિયમિત મૂકાવા લાગ્યું. એ રીતે થોડાં લખાણો થયાં ત્યારે મને લાગ્યું કે આ લખાણોને ફેસબુક પર ફરી શોધવા મુશ્કેલ પડશે. આથી તેને એ રીતે મૂકવા જોઈએ કે તે એક સાથે મળી શકે.
એ રીતે આ લખાણોને બ્લોગ પર મૂકવાનો વિચાર આવ્યો. 
બે-ત્રણ સ્પષ્ટતા આ શ્રેણી પૂરતી કરી લઉં. 
- આ શ્રેણી બ્લોગ પર શોધવામાં સરળ રહે એ માટે તેનું મુખ્ય શીર્ષક 'ટાઈટલ મ્યુઝીક' જ રાખીશું. પેટા શીર્ષકમાં જે તે ફિલ્મનું નામ મૂકવા વિચાર છે, જેથી સરળતાથી શોધી શકાય. 'લેબલ'માં 'ટાઈટલ મ્યુઝીક', ફિલ્મનું નામ અને સંગીતકારનું નામ પણ મૂકીશું. 
- સૌથી મોટો પ્રશ્ન એ છે કે યૂ ટ્યૂબ પર માત્ર ટાઈટલ ટ્રેકની ક્લીપ હોય એવું ઓછું છે. તેને પરિણામે મારે આખેઆખી ફિલ્મની લીન્ક આપવી પડે છે અને તેમાં કાઉન્ટર નં. લખવો પડે છે. કોઈ મિત્ર આનો ઉકેલ બતાવે તો આભારી થઈશ. 
- બને ત્યાં સુધી આ લખાણને ફેસબુક પર હતું એ જ સ્વરૂપે મૂકવા વિચાર છે. બને ત્યાં સુધી તેમાં ખાસ ફેરફાર કરીશ નહી. 
- પ્રમાણમાં આ લખાણ નાનું, અને અગાઉ લખેલું હોવાને કારણે અઠવાડિયામાં બેથી ત્રણ વાર અપલોડ થઈ શકશે, એમ અત્યારે લાગે છે. 
બસ, તો સ્વાગત છે હિન્દી ફિલ્મસંગીતના રસિયા એવા સૌ કોઈ મિત્રોનું, આ તદ્દન નવી શ્રેણીમાં. હિન્દી ફીલ્મોના સંગીતકારોની શૈલીને, દરેક યુગના સંગીતને માણવાનો આ પ્રયાસ અને પ્રવાસ છે. 
**** **** ****
અલીબાબા ઔર ચાલીસ ચોર: રાહુલ દેવ બર્મન
Image result for alibaba aur 40 chor

ફિલ્મ મારા જેવા અનેકો માટે મનોરંજનનું વિસ્મયપ્રેરક માધ્યમ છે. અમે ફિલ્મને માત્ર જોઈએ છીએ. મિત્ર અભિમન્યુ મોદી ફિલ્મની એક એક ફ્રેમ વાંચી બતાવે ત્યારે અમને સમજાય છે કે આ ફરક વ્યક્તિનો નહીં, આખેઆખી પેઢીનો છે.
દૃશ્યમાધ્યમ માટેનું વિસ્મય ઘરમાં ટી.વી.ના આગમન પછી ખતમ થવા માંડ્યું. એ અગાઉ 'ચલ'ચિત્ર જોવા માટે થિયેટર સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ફિલ્મ જોવાનો 'પોગરામ' હોય. થિયેટર પર વહેલા જવાનું, કબાટના કાચની આરપાર મૂકાયેલા ફિલ્મના 'ફોટા' ધ્યાનથી જોવાના, ટિકિટ લઈને અંદર બેઠા પછી એક એક જાહેરખબરો અને 'ફિલ્મ્સ ડિવિઝન કી ભેંટ'વાળી ફિલ્મ પણ રસપૂર્વક જોવાની. આ સંજોગોમાં મૂળ ફિલ્મ એના નંબરીયા શરૂ થાય એ પહેલા દેખાડાતા સેન્‍સર સર્ટિફિકેટથી જ શરૂ થઈ ગઈ ગણાતી.
આ વાત સિત્તેર-એંશીના દાયકાની કરું છું.
એ વખતે જોયેલી ઘણી ફિલ્મોનું ટાઈટલ મ્યુઝીક બહુ આકર્ષક લાગતું અને એ સાંભળીને રોમાંચ થતો. ત્યાર પછી ઉર્વીશ અને મેં લોંગ પ્લે રેકર્ડો ખરીદવાનું શરૂ કર્યું તેની પાછળનું એક મુખ્ય આકર્ષણ આ રેકર્ડમાં આવતું ટાઈટલ મ્યુઝિક પણ ખરું. ફિલ્મોનું ટાઈટલ મ્યુઝીક ગમતું, પણ બહાર નીકળ્યા પછી યાદ રાખવું મુશ્કેલ હતું.
સિત્તેર-એંશીના દાયકાની ફિલ્મોના ટાઈટલ મ્યુઝીકમાં મોટે ભાગે બ્રાસ ઈન્‍સ્ટ્રુમેન્‍ટનો ઉપયોગ વધુ થતો હતો એમ લાગે છે. ખાસ કરીને સંગીતકાર, દિગ્દર્શકનું નામ આવે ત્યારે એ સંગીત ધ્યાન ખેંચે એ રીતે આવતું.
યાદ છે ત્યાં સુધી અમદાવાદ-વડોદરા પર આવતા 'જયભારતી' કાર્યક્રમમાં બપોરે 2.10 થી 2.20 દરમ્યાન આવતા સમાચાર પછી કાર્યક્રમની બાકી રહેતી દસ મિનીટમાં કોઈ એક દિવસે ઉદ્‍ઘોષક ભરત યાજ્ઞિક 'શીર્ષક સંગીત' સંભળાવતા હતા, એવું યાદ છે. (આવા એક કાર્યક્રમમાં 'જહોની મેરા નામ'નું ટાઈટલ મ્યુઝીક સાંભળવા મળેલું.) એ વખતે એફ.સી.મહેરાની ફિલ્મ 'અલીબાબા ઔર ચાલીસ ચોર' આવેલી. આર.ડી.બર્મનના સંગીતવાળી આ ફિલ્મનાં ગીતો ત્યારે ઠીકઠીક લોકપ્રિય થયેલાં.
જે હોય એ, મને તો ફિલ્મ પણ ગમેલી. છુપાવવાનું શું, એ મેં બે વાર જોયેલી. પણ તેમાં ખરી મઝા હતી આર.ડી.ના ટાઈટલ મ્યુઝીકની. ઘોડેસવારીના કરતબ દેખાડતા ઘોડેસવારો જોઈને જે મઝા પડતી અને તેમાં ઉમેરો કરતું આ મ્યુઝીક. 
અચાનક તે યાદ આવ્યું અને શોધતાં યૂ ટ્યુબ પર તરત તે મળી પણ ગયું. એ સાંભળીને લાગ્યું કે એ સમયે પણ આપણી પસંદગી સાવ ખોટી નહોતી.
અહીં એ સાંભળી શકાશે.


(ઈમેજ નેટ પરથી અને ઓડિયો ક્લીપ યૂ ટ્યૂબ પરથી) 

15 comments:

 1. Good subject to initiate in the blog. Many of the tile musics those days were inspired from western music. I was wondering what attracted you to the movie 'Alibaba aur chalis chor'? Dharmendra's actions, Hema's acting or Zeenat's glamour?? If not: its songs, Central Asian locale and Soviet direction?

  ReplyDelete
  Replies
  1. હીરેનભાઈ, આ ફિલ્મ તરફ હું કેમ આકર્ષાયો એ સવાલનો જવાબ હું પણ આપી શકું એમ નથી. તમે જે વિકલ્પો આપ્યા એ અથવા એ સિવાયના પણ કોઈ વિકલ્પો વિષે વિચારી શકાય એવી માનસિકતા ન હતી. અમુક ઉમરે અમુક ફિલ્મ જોઈ હોય અને તે યાદ રહી ગઈ હોય એટલું જ. એ વખતે ફિલ્મો થિયેટર સિવાય બીજે ક્યાંય જોવા નહોતી મળતી, એને કારણે ફિલ્મ ગમે એવી હોય, પણ તે યાદ રહી જાય એ સ્વાભાવિક હતું. આજે એ ફિલ્મો યાદ આવે અને તેને જોઈએ ત્યારે આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ હોય, તેથી એને જોવાની એક અલગ મઝા હોય છે.

   Delete
 2. Good explanation, Birenbhai! I have gone through that(!) phase of the life as far as films are concerned.

  ReplyDelete
 3. Very interesting subject for discussion. First title song was started with Film Barsaat (1949) by Shankar-Jaikishan. They were in the real sense trend setter of the Hindi Film Music.

  ReplyDelete
  Replies
  1. આભાર, પદ્મનાભભાઈ! તમારા ઈનપુટ્સ આપતા રહેશો.

   Delete
 4. ફિલ્મોનાં ટાઈલસ મ્યુઝિક નો વિષય ખરેખ્ર ઊંડાણથી અભ્યાસ અને ચર્ચા માગી લેતો વિષય છે. કેટલાક સંગીતકારોની દરેક ટાઈટલ્સ માટેની એક આગવી રજૂઆત રહેતી તેમાં માત્ર તેમની સર્જનશીલતા જ હશે કે ફિલ્મના વિષયનો પણ પ્રભાવ હશે તે કહેવું કદાચ મુશ્કેલ ગણાય.

  કયા સંગીતકારોએ કઈ કઈ ફિલ્મોમાં 'સારૂં' ટાઈટલ મ્યુઝિક આપ્યું એ વિષે મંતવ્ય ઉચ્ચારવા જેટલી પણ મારી તો યોગ્યતા નહીં, પણ આ શ્રેણીને કારણે કયાં કયાં ટાઈટલ્સ ગમ્યાં હતાં એ યાદ કરવાનો લ્હાવો મળશે તે બહુ મોટો લાભ.

  ટાઇટ્લ્સમાં ફિલ્મનાં ટાઈટલ ગીતને ઇન્સ્ટ્રુમેન્ટલ સ્વરૂપે મૂકવાની કેડી શંકર જયકિશને શરૂ કરી. અને તેનાં ઓર્કેસ્ટ્રેશનમાં તેઓએ ખૂબ જ અવનવા પ્રયોગો પણ કર્યા. ટાઈટલ ગીતને ફિલ્મના અંતમાં અલગ અંદાજમાં પેશ કરવાની શરૂઆત રાજ ક્પૂરે બરસાતથી કરી અને એ તેમનો લભભગ ઈજારો રહ્યો.

  ReplyDelete
  Replies
  1. અશોકભાઈ, ફેસબુક પર આ વિષયની ઘણી પોસ્ટ થઈ છે. એટલે એમાં આ બધી ચર્ચા કરી છે. તમને યાદ આવે એ જણાવતા રહેશો.

   Delete
 5. Sholay-nu title music adbhut rite compose thayelu chhe. Enu picturisation e ritr thayu chhe ke film-ni maza ahithi j sharu tahi jaay chhe.
  Thanks Birenbhai good subject on which you have discussed.

  ReplyDelete
 6. સૌથી મોટો પ્રશ્ન એ છે કે યૂ ટ્યૂબ પર માત્ર ટાઈટલ ટ્રેકની ક્લીપ હોય એવું ઓછું છે. તેને પરિણામે મારે આખેઆખી ફિલ્મની લીન્ક આપવી પડે છે અને તેમાં કાઉન્ટર નં. લખવો પડે છે. કોઈ મિત્ર આનો ઉકેલ બતાવે .....
  However, download from youtube is very difficult and downloaded video re-editing is very very complicated, you can edit it with software and re-post it for your purpose. For a sample you may send me some sample name of films or reference link so that I shall try to put its edited only title portion audio or audio-video both. As a sample I can share you SHOLAY title track.
  Regards

  ReplyDelete
  Replies
  1. ભાગ્યેન્દ્રભાઈ, શોલે, તીસરી મન્ઝીલ, જ્વેલ થીફ, જોની મેરા નામ, જેવી ફીલ્મોના ટાઈટલ મ્યુઝીકની અલગથી ટ્રેક ઉપલબ્ધ છે, પણ સામાન્યપણે અન્ય ફિલ્મોમાં નથી. હું તમને નમૂના લેખે એકાદી લીંક મોકલીશ. તમારા સહકાર બદલ આભાર.

   Delete
 7. બીરેન ભાઈ, હિરેન જોશી ની વાત સાચી છે કે ૬૦ વર્ષ પહેલા હિન્દી ફિલ્મોમાં આવતા પાર્શ્વસંગીત ની ઉઠાંતરી હોલીવૂડની જૂની વેસ્ટર્ન અને સામાજિક ફિલ્મોમાંથી કરવામાં તે સમયના સંગીત નિર્દેશકોએ પાછળ નથી જોયું!!
  આજે યુટ્યુબમાં જૂની હોલીવુડની વેસ્ટર્ન ને સામાજિક ફિલ્મો અગર જોવાનું થાય તો
  તરતજ સમજાઈ જશે.
  અત્રે એક વાત પણ કહેવાનું થાય છે કે આજે હજુ પણ કોઈજ જાહેર કે ખાનગી સંગીતના જલસામાં ગીતો ગાનાર સુંદર રીતે ફિલ્મીસિંગરોના ફિલ્મના ગીતો અનહદ સુરીલા સુરે રજુ કરે છે પણ આજ દિવસ સુધી આ ગાનારાઓ કેમ વિચાર નથી કરતા કે પોતે મૌલિક અને નવું સંગીત આપે! જો તેઓ સુરીલું ગાતા હોય તો પછી કેમ લોકોને આકર્ષવા પોતાના રચિત સંગીત પર ગીતો ગાઈને મનોરંજન આપી શકતા? આ વાતની ચર્ચા પણ શ્રોતાઓમાં ઓછી જોવા મળે છે તે નવાઈની વાત છે!
  પશ્ચિમના 'પોપ સિંગરો' પોતાનીજ રચેલ ધૂન ને ગીતો જાહેરમાં ગાઈને નામની સાથે દામ પણ કમાય છે.

  ReplyDelete
  Replies
  1. પ્રભુલાલભાઈ, ઉઠાંતરી અંગેની તમારી વાત સાચી છે, પણ એ હદે સામાન્યીકરણ કરવું યોગ્ય નથી. આ ચર્ચામાં ઉઠાંતરીનો મુદ્દો પણ આગળ આવશે જ. બીજું કે, ગાયકો જૂના ગીતો જ ગાય છે એ મુદ્દો સાચો છે. પણ સર્જકતા સાવ જુદી જ બાબત છે. ચિત્ર, સંગીત કે અન્ય કળા ભલે સર્જનાત્મક ગણાય, તેમાં બીબાઢાળ કામ કરનારા હોય જ છે.

   Delete
 8. કિશોર અવસ્થાી એટલે કે પચાસના દાયકાથી ટાઈટલ મ્યુઝિકની ોંધ લીધી છે.શંકર જયકિસન પોતાના એ ફિલ્મના ગીતો જુા જુદા વાદ્યો દ્વારા એ ગાયનો મુકતા. ફિલ્મ જંગલ અને પ્રોફેસર યાદ આવે છે. તદઉપરાંત બેક ગ્રાઊન્ડ મ્યુઝિકમાં તો તે પોતાની તરજો મુકતા. આવારામાં જિસ દેશમે ગંગા બહેતી હૈ નિ તરજો સંભળાય છે

  ReplyDelete
 9. Rajnikumar PandyaJuly 12, 2017 at 6:20 PM

  તદ્દન નવો જ વિષય અને સંશોધનની નવિન દિશા. એક્દમ મૌલિક અને અ-પૂર્વ.તારી જીનિયસ માટે માન ઉપજે છે.
  પેલો શેર અહિં બરાબર બંંધ બેસે છે કે
  हजारों साल नर्गीस अपनी बे-नूरीपे रोती है
  बडी मुश्कीलसे होता है चमनमे दिदावर पैदा .
  ફિલ્મ સંગીતના ચમનમાં હજારો આસ્વાદકો આવી આવીને ચાલ્યા ગયા પણ આ એક વજનદાર સૂરીલું પાસું આજ સુધી વણપ્રિછ્યું જ રહ્યું હતું. કોઇનું એના તરફ ધ્યાન જ ગયું નહોતું, પણ આખરે એનો 'દિદાવર' પેદા થઇ જ ગયો.
  વાહ દિદાવર,વાહ!

  ReplyDelete
 10. ઉપર રજનીભાઈએ જે કહ્યું, એમાં સુર પુરાવું છું. આ વણખેડાયેલી કેડી ઉપર તમે રસ્તો કંડારીને કેટલાયને એ રસ્તે દોરી જવાનું પુણ્યકાર્ય કર્યું છે. આ માટે તમે અભિનંદનના અધિકારી છો. અને હા, લાભુ મેરાઈ જેવી ખુશી થાય છે, કારણકે અહીં શરૂઆતમાં તમે 'મારું નામ લીધું' છે !

  ReplyDelete