Tuesday, January 17, 2012

હોમાય વ્યારાવાલા: સ્મૃતિની કેટલીક રીપ્રિન્ટ્સ


એમનું જીવન બહુ પ્રેરણાદાયી હતું’, સદગતના જવાથી સમાજને ન પૂરાય એવી ખોટ પડી છે’, એમને આ સન્માન મળવાથી ખુદ આ એવોર્ડનું ગૌરવ વધ્યું છે’, એ મુઠ્ઠી ઉંચેરા માનવી હતા’, એમનો સ્વભાવ નારિયેળ જેવો હતો- બહારથી કડક ને અંદરથી નરમ’….. ના, આ ઉદગારો કંઈ હોમાય વ્યારાવાલાને અંજલિરૂપે કોઈએ નથી કહ્યા. પણ કહે તો નવાઈ નહિ. ખરેખર તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સદગત માટે આવા જ ઉદગારો ફેંકે છે. વાત સાચી તો હશે જ. પણ આ શબ્દપ્રયોગો ઘસાઈ ઘસાઈને એ હદે લપટા પડી ગયા છે કે એનો ધ્વનિ જ્યાં ખુદ એ બોલનારના મનમાં ન ઉપસતો હોય તો સાંભળનારના મનમાં ક્યાંથી ઉપસે? અને છતાંય આવી અંજલિઓ હવામાં ઉછળતી રહે છે.
શું ખરેખર કોઈ વ્યક્તિના જવાથી ન પૂરાય એવી ખોટ પડે છે ખરી?  વિદાય લેનાર વ્યક્તિ કુટુંબની મુખ્ય વ્યક્તિ હોય તો તેના કુટુંબ પૂરતી આ વાત લાગુ પડે કદાચ, પણ હોમાયબેનની જેમ ૯૮ વરસની પાકટ વયે વિદાય લેનાર વ્યક્તિ માટે આવું કહી શકાય? શી રીતે એમનું જીવન પ્રેરણાદાયી હતું? એમના જીવનમાંથી ખરેખર કયા પ્રકારની પ્રેરણા લઈ શકાય?
***** ***** *****
સાવ નાનપણમાં તેમના ઘરની આર્થિક સ્થિતિ સાધારણ હતી એને કારણે સ્વાવલંબન અને સ્વાશ્રયના જે પાઠ શીખવા મળ્યા તે હોમાયબેને આજીવન યાદ રાખ્યા અને તેનો અમલ કર્યો. 'સ્મોલ, સીમ્પલ એન્ડ બ્યુટીફુલ'નું સૂત્ર એમણે અપનાવેલું. પોતાને જરૂર હોય એવી ચીજવસ્તુઓ બને ત્યાં સુધી જાતે જ બનાવી લેવાની તેમની આવડત તેમણે કેળવેલી. આને કારણે કોઈ પણ ચીજ તેમને નકામી ન લાગે, બલ્કે એનો તે એવો ઉપયોગ કરે કે આપણે જોતા જ રહી જઈએ. આ માટે કરવત, હેક્સો, સ્ક્રૂ ડ્રાઈવર, હથોડી, પાનાં- પક્કડ ઉપરાંત ડ્રીલ મશીન જેવાં જરૂરી સાધનો તેમના ઘરમાં ચાલુ સ્થિતિમાં તદ્દન હાથવગાં ગોઠવાયેલાં જોવા મળે. નાના-મોટા સ્ક્રૂ, નટ-બોલ્ટ, તાર, વોશર તેમજ બીજી કેટલીય ચીજો તેમના ડ્રોઅરમાં એ રીતે મૂકાયેલી હોય કે જોઈએ ત્યારે એ મળે જ. તેમની આવી આદત અને શોખને કારણે તેમના દિલ્હીના સાથીદારો તેમને ક્યારેક મિસીસ કબાડીવાલા તરીકે સંબોધતાં.
મિસીસ કબાડીવાલાનો  અસલી ખજાનો   
તેમની કારીગરી અને કૌશલ્ય એવાં સફાઈદાર કે તેમાં એક જાતની સાદગી અને સૌંદર્ય બન્ને જોવા મળે. કાગળની નાનામાં નાની ચબરખીનો એ યોગ્ય ઉપયોગ કરે. ટપાલમાં આવતાં એન્વેલપની ધાર ઉખાડે અને તેને ઉંધું કરીને ચોંટાડે એટલે એ ફરી વાપરવા લાયક બની જતું. ફૂલછોડ તેમને બહુ પસંદ હતાં, પણ કોઈ બુકે આપે તો એમને જરાય ન ગમે. છેલ્લા વરસમાં તેમને મળવા આવનારા ગુલાબના બુકે લઈને આવે અને ઢગલાબંધ ગુલાબની નિર્મમ હત્યા થયેલી જોઈને હોમાયબેનનો જીવ બળી જાય. તેમને લાગ્યું કે બુકે લાવનારને તો રોકી શકાય એમ નથી. એટલે એ ગંભીરતાથી વિચારતાં હતાં કે હવે ગુલકંદ બનાવતાં શીખી જવું પડશે, જેથી ગુલાબનો યોગ્ય ઉપયોગ થાય.
ભોજનમાં તેમને વૈવિધ્ય બહુ પસંદ. અવનવા પ્રયોગો કરતાં રહે, જેનો લાભ ક્યારેક અમનેય મળતો. એક વખત કહે, ડેન્સીટી મિટર વડોદરામાં ક્યાં મળે?’ મેં પૂછ્યું, તમારે એનું શું કામ છે, એ કહો. એટલે કહે, એક પ્રયોગ કરવા માંગું છું. આંબળામાંથી વાઈન બનાવી જોવો છે. એમાં મેં વાંચ્યું કે અમુક ડેન્સીટી રાખવી પડે. આ વાત ત્રણેક વરસ અગાઉની છે. એ વખતે એમની ઉંમર પંચાણું હશે.
તેમની પાસે બે-ત્રણ જાતની ઓવન હતી. એમાં પણ એ જાતજાતના સફળ અખતરા કરે. બટર બિસ્કીટ એમને બહુ પસંદ હતાં, પણ વડોદરામાં મળતાં બટર બિસ્કીટ એમને જરા કચાશ પડતા લાગતાં. એટલે બટર બિસ્કીટને એ પોતાની ઓવનમાં ફરીથી શેકીને કડક કરતા. નારંગીનાં સૂકવેલાં છોતરાં અને મરી નાંખેલી ગરમાગરમ ચા પણ ક્યારેક અમે ભેગા પીતાં. નારંગી-મોસંબી તેમજ લીંબુનાં છોતરાંમાંથી માર્મલેડ (મુરબ્બો) એ જાતે જ બનાવતાં. ફ્રૂટ કેક પણ એ બહુ સરસ બનાવતાં. મઝાની વાત એ હતી કે એ પોતે એકલાં જ હતાં. પણ પોતાના એકલા માટેય જફા કરીને ઉત્સાહપૂર્વક બનાવવાનું એમને મન થતું. ક્યારેક આવી કોઈક વાનગીનો અમનેય લાભ મળતો. વિવેક ખાતર નહીં, પણ ખરેખર એ ચીજ સરસ બની હોય એટલે અમે વખાણ કરીએ ત્યારે એ મજાકમાં કહે, તમને થશે કે એવનને ખરા ચટાકા થાય છે!
તેમણે જાતે બનાવેલારસોડાના  કેટલાક સાધનો , જેમાં બીબાં, કટર વગેરે છે. 
પોતાને આટલા વરસ થયાં એનો ઉલ્લેખ કરવો તો એમને જરાય ન ગમે. એ ઘણી વાર કહેતાં, મારું બોડી ૯૮ વરસનું થયું છે, પન મારું દિમાગ તો હજી યંગ છે. પોતાની ઉંમરની દુહાઈ આપીને યુવાનોને સંદેશો કે ઉપદેશ આપવાય ન બેસી જાય. પણ ઘણી વાર વાતવાતમાં એ એવી વાત બોલી જાય કે આપણને થાય કે જીવનને માણવાનો આવો મંત્ર કોઈ કિતાબમાંથીય ન મળે. એક વાર એમણે કહ્યું, વાંચવા લખવાનો શોખ સારો છે. પણ એના સિવાય હાથ વડે કંઈક થઈ શકે એવા એકાદ બે શોખ કેળવવા જોઈએ. પાછલી ઉંમરે આંખો બરાબર ન ચાલે ત્યારે આવા શોખ જીવન જીવવામાં મદદરૂપ થાય છે. શોખ અંગે એક વાર એમણે કહેલું, યુવાનીમાં બે-ચાર શોખ કેળવી રાખવા જોઈએ. એવું બને કે એને વિકસાવવાનો સમય ત્યારે ન મળે. પણ વાંધો નહીં. નિવૃત્તિના સમયમાં એ શોખને વિકસાવી શકાય અને એને માણી શકાય. તેમણે પોતેય અનેક શોખ કેળવી રાખેલા અને પોતાની વ્યાવસાયિક કારકિર્દી છોડ્યા પછી એને બરાબર કેળવેલા.
ઓટલે બેસી રહેતી સ્ત્રીઓ સામે એમને સખત ચીડ હતી. સ્ત્રીઓને આવો ફાજલ સમય શી રીતે મળી રહેતો હશે એની એમને નવાઈ લાગતી. એમને છેલ્લે હોસ્પિટલમાં ખસેડ્યા એના બેએક દિવસ અગાઉ તેમણે ટાઈમ્સમાં એક વૃદ્ધાશ્રમની જાહેરાત વાંચી. મને એસ.એમ.એસ.થી એનો ફોન નંબર મોકલીને પૂછપરછ કરવા જણાવ્યું. મેં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એ ખરેખર તો પથારીવશ લોકો માટેનું કેર યુનિટ છે અને એમાં ટ્વીન શેરિંગ (એક રૂમમાં બે જણ)ની પદ્ધતિ છે. પરેશ પ્રજાપતિને મેં આખી વાત જણાવી અને કહ્યું કે હોમાયબેનને આ વિગત સમજાવે. અમે જાણતા હતા કે હોમાયબેનને ટ્વીન શેરિંગ સાંભળીને જ વાંધો પડશે. પરેશે એમને બધી માહિતી આપી અને છેલ્લે કહ્યું કે આમાં ટ્વીન શેરિંગની પદ્ધતિ છે. આ સાંભળીને જ હોમાયબેન હસી પડ્યાં અને પરેશને કહે, તાં તો મને ના ફાવે. મારી બાજુવાલી ડોસી ઠોં ઠોં કરીને ખાંસી ખાય એ સાંભલીને જ હું તો સીક થઈ જઉં. એ ના પાડશે એ તો અમે જાણતા હતા, પણ એમની આ અભિવ્યક્તિ સાંભળીને અમે જે હસ્યાં છે!
નવ્વાણુમા વરસમાં પ્રવેશવા છતાં એમનો આ જુસ્સો જ એમને હોમાયબેન બનાવતો હતો. પોતાના ક્ષેત્રમાં ગરિમાનો અભાવ પ્રવેશી ગયો છે એમ લાગતાં હોમાયબેને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી, પણ સમગ્રપણે ગરિમાના અભાવના પરચા એમને મળતા રહ્યા. એમના ગ્લેમરથી અંજાઈને પત્રકારમિત્રો તેમના અંગે સ્ટોરી લેવા આવે, સ્ટોરી મળે એ પછી તેમને હોમાયબેનના જીવન અંગે કૂતુહલ જાગે અને ભળતાસળતા પ્રશ્નો પૂછે, એમના ઘરમાં આંટો મારી આવે, કોઈ પણ વસ્તુને હાથમાં લઈને જુએ અને ગમે એમ એને મૂકે- આવું બધું સામાન્ય બનતું ગયું. એક જાણીતા ગુજરાતી અખબારના સિનીયર તસવીરકાર પોતાનું (વાહિયાત) પુસ્તક ભેટ આપવા હોમાયબેનને ત્યાં આવ્યા. 'માયજી', 'મા', 'મધર' જેવા સમ્બોધનો છૂટથી વાપરીને પછી વિદેશી હેટમાં સજ્જ આ તસવીરકાર કોઈ મ્યુઝીયમમાં આંટો મારતા હોય એમ હોમાયબેનના ઘરમાં વગર પૂછ્યે ફરી આવ્યા અને બોલી ઉઠ્યા, આ ડોસી બહુ કંજૂસ લાગે છે! 
વડોદરાની સ્થાનિક આવૃત્તિ માટે જરૂરી તસવીરો કે બાઈટ્સ લેવા છાશવારે એમને ત્યાં ઘણા દોડી જતા. ટાણુંકટાણું જોયા વિના આવી જતા આ ભાઈ-બહેનોને સામાન્ય માનવીય વિવેક જાળવવાનું પણ ન સૂઝતું, ઉલ્ટાનું એ લોકો હોમાયબેનને ઉપકૃત કર્યાનો ભાવ રાખતા.
આવી અનેક કડવીમીઠી બાબતો હોમાયબેનની સ્મૃતિ સાથે જોડાઈ ગયેલી છે.
અહીં તેમણે જાતે બનાવેલી પોતાની જરૂરિયાત મુજબની કેટલીક ચીજોની તસવીર આપી છે, જેને જોવાથી તેમના કૌશલ્યનો અને સૂઝનો અંદાજ આવી શકશે.

                                               ***** ***** *****

તેમનો દિકરો ફારૂક (કસરત માટે) બુલવર્કર વાપરતો. દીકરાના અવસાન પછી બુલવર્કર નકામું થઈ ગયું. તેની ભારે સ્પ્રિંગ કાઢીને હોમાયબેને દરવાજા સાથે એ રીતે બાંધી કે ઝાંપો ખોલીને કોઈ અંદર પ્રવેશે એ પછી દરવાજો આપમેળે બંધ થઈ જાય. એ પોતે ઉપરના માળે રહેતાં હોવાથી દરવાજો બરાબર બંધ થયાની  ચિંતા ન રહે. 


଴ 

નીચેનો ઝાંપો ખોલીને દાદરો ચડનારે આ ઝાંપલી પાસે ઉભા રહીને દોરી ખેંચવાની જેની સાથે બાંધેલી ઝીણી ઝીણી ઘંટડીઓ રણકે અને હોમાયબેનને કોઈ આવ્યાની ખબર પડે. આ ઝાંપલી તેમણે પાટિયામાંથી બનાવેલી. પાટિયાં હવે થોડા ઢીલા પડ્યા હતા પણ તેની સાથે તાર એવા મજબૂતીથી બાંધ્યા હતા કે તારના માળખા પર આ ખપાટિયાં ટકી રહ્યા હતા. થોડા વખત પહેલાં તેમણે કહેલું- 'હવે આ ઝાંપાને રીપેર કરવાનો થયો છે. મારી પાસે પાટિયાં પડ્યાં છે એને (કરવત વડે) કાપી કાઢસ'. 


଴ 

ઘરના મુખ્ય દરવાજામાંથી અંદર પ્રવેશીએ એટલે ડાબી બાજુ એક કળાત્મક ઇઝલ પર બે ફોટા મૂકેલા જોવા મળે. નાનો ફોટો તેમના સ્વર્ગસ્થ દીકરા ફારુકનો છે. જ્યારે બીજા ફોટામાં જવાહરલાલ નહેરૂ પોતાનાં બહેન વિજયાલક્ષ્મી પંડિતને ઉષ્માસભર આલિંગન આપતા દેખાય છે. 


଴ 

ઇઝલવાળી દિવાલ પર સાવ નીચી નહીં અને ઉંચી નહીં એવી સાદી બેઠક હતી, જે દિલ્હીથી ખરીદેલાં બે સ્ટેન્ડનો ઉપયોગ કરીને બનાવેલી. છેક જમણે ખૂણે દેખાતી પિત્તળની પાઈપ પર સિરામીકનો એક સુંદર વાઝ રહેતો, જેમાં તેમણે છોડ ઉગાડેલો. પિત્તળની હોય એવી પાઈપ હકીકતમાં સાદી સિમેન્ટની પાઇપ છે જેની ઉપર સોનેરી રંગનો કાગળ એટલી સફાઈથી લગાડ્યો છે કે ખ્યાલ જ ન આવે. ઘણા વખત સુધી અમે માનતા રહ્યા કે એ  ભારેખમ પિત્તળની પાઈપ હશે. એટલે એક વાર કહે- 'એને જરા ઉઠાવી જુઓ ને!' પાઈપ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો સાવ હલકીફુલકી! 


଴ 

ઉપર વર્ણવેલી બેઠકની ઉપર પડતી બારી પર ટીંગાડેલું આ ડ્રીફ્ટવુડ બહુ વિશિષ્ટ આકારનું છે. ઉંધી હથેળી રાખીને પાંચેય આંગળીઓ ભેગી થતી હોય એવું લાગતું આ લાકડું વનપીસ છે. તેની વચ્ચેની જગામાં મૂકેલા સિરામીકના મગમાં એ પેન- પેન્સિલો મૂકી રાખતાં. 


଴ 


રૂમમાં સામેની બાજુએ પલંગ (ઢોલિયો) પાસે પડતી બારી પર બે ફ્રેમ જોવા મળે. ઉપરાંત દૃષ્ટિપૂર્વક ગોઠવાયેલાં થોડાં ફૂલછોડ પણ ખરા. એમને ડ્રીફ્ટવુડનો ગજબનો શોખ હતો, જેનો ચસકો અમને પણ લાગ્યો. અમે ફરવા જઈએ ત્યારે અમારી નજર વિવિધ આકારવાળા પથ્થરો અને લાકડાં જ શોધતી હોય. ક્યારેક અમે એવું કંઈક લાવીએ અને એમને બતાવીએ એટલે રાજી પણ થાય અને કહે, 'મજેનું છે.' બસ, આ અમારું સર્ટિફીકેટ! આ બારી કેટલી પિક્ચર પરફેક્ટ છે! ઉપર છાજલી પરથી ડોકિયું કરતો ડ્રીફ્ટવુડનો ટુકડો તેમણે ઇકેબાના માટે વાપર્યો હતો.
બારીની અંદર દેખાતી બીજી બારી રસોડાની છે અને તેમાં દેખાતું છાયાચિત્ર રસોડામાં ઉભેલાં હોમાયબેનનું છે.


଴ 

આ મટકાને તેમણે જાતે જ હેક્સો વડે કાપીને બહારથી સફેદ અને અંદરથી લીલા રંગે રંગ્યું હતું. તેમણે તૈયાર કરેલા ઇકેબાનાનું શિર્ષક હતું 'શેટર્ડ ડ્રીમ'. આ વિષયને અનુરૂપ ચીજોની સાથે તેમણે ફૂલોની ગોઠવણી કરી હતી. 


଴  સાવ સાદા લોખંડના ત્રણ પાયાવાળા સ્ટેન્ડ પર ગોઠવેલી લાકડાના થડની સ્લાઇસ પર તેમના કુટુંબના બે ફોટા હતા. આગળ મૂકાયેલો ફોટો હોમાયબેન અને તેમના દીકરા ફારૂકનો છે જ્યારે પાછળનો ફોટો તેમના પતિ માણેકશાની સાથે ઉભેલા ફારૂકનો છે. બન્ને ફોટાની વચ્ચે ગોઠવેલું ડ્રીફ્ટવુડ એક સંપૂર્ણ,  સાદું પણ કલાદૃષ્ટિવાળું સંયોજન બનાવે છે!
 અગાઉ જણાવ્યું એમ પોતાની જરૂરતની ચીજો એ જાતે બનાવી લેતાં. ખુરશી પર બેસીને ટી.વી. જોતી વખતે રીમોટ કન્ટ્રોલ શોધવાની મુશ્કેલી ન પડે એટલે જૂના લેમ્પની લોખંડની જાળીનો ઉપયોગ તેમણે રીમોટ કન્ટ્રોલ મૂકવાની બાસ્કેટ તરીકે કર્યો. એ નીચે ન પડી જાય એટલે એના જ માપનો ગ્લેઝ્ડ ટાઇલ્સનો ટુકડો તળિયે ગોઠવ્યો. અને આ આખું ફીટીંગ ખુરશીની બેઠકની પાઇપ સાથે ફીટ કર્યું.ખુરશીના હાથા સાથે નહીં, પણ બેઠક સાથે ફીટ કરવાનું કારણ એ કે હાથને ઉંચો ન લઈ જવો પડે અને બેઠે બેઠે જ રીમોટ હાથમાં આવી જાય. 


଴ 

કપડાંને ઇસ્ત્રી કરવા માટે આવું પાટીયું તૈયાર જ હતું, પણ તેમણે એ પાટિયાને એ રીતે ગોઠવેલું કે એ બંધ થઈ શકે. કેમ કે આ પાટિયું મુખ્ય રૂમમાંથી રસોડામાં જવાના પેસેજમાં હતું. પાટિયાની સાથે જ ઇસ્ત્રી (વાયર  સહિત) મૂકી શકાય એવું ખાનું બનાવવાથી ઇસ્ત્રી પણ શોધવા ન જવું પડે. 


଴ 

જાડા એલ્યુમિનિયમના તાર એમ જ પડી રહ્યા હોય તો વાળીને એનું હેન્ગર બનાવી દેવાનું જે એકદમ મજબૂત છતાં બનાવટમાં સાદું હોય.


଴ 

આ બારી પાસેની ખુરશી પર તેમની કાયમી બેઠક (એમના શબ્દોમાં 'તખત') હોય. આ બારીને એ પોતાની 'વિન્ડો ટુ ધ વર્લ્ડ' કહેતાં. અહીં પોતાને કામની દરેક ચીજો હાથવગી મૂકાયેલી હોય. સાથે પડેલી લાકડી તેમની જેમ જ સાદી, છતાં મજબૂત હતી. ક્યારેક અમે કશી શરારત કરીએ ત્યારે એ આંખો કાઢીને લાકડી દેખાડતાં. પરેશ પ્રજાપતિ ગયે વરસે ટ્રેકીંગમાં ગયો ત્યારે એક દેવદારની એક મજબૂત ડાળખી હોમાયબેન માટે લેતો આવ્યો હતો. લીસી પાતળી અને મજબૂત આ ડાળખી એવનને ગમી ગઈ હતી અને એમણે એ રાખી લીધી હતી. 


આવી અનેક વાતો, વસ્તુઓ, અભિગમમાં એમની ચેતના જીવંત છે.  તેમની પાસેથી જોવા-જાણવા-શીખવા -અનુભવવા મળેલી આવી અનેક વિશિષ્ટ બાબતોને ભૂલી શી રીતે શકાય? 

15 comments:

 1. રજનીકુમાર પંડ્યાJanuary 17, 2012 at 11:35 AM

  તારે તે કેમેરા છે કે કલમ ? હોમાય્જી ના ઘરની સફરમાં તેમની કીએટિવીટીના દર્શન થાય છે,
  રજનીકુમાર્

  ReplyDelete
 2. બિરેન એવી તો કેટ કેટલી વાતો છે કે શબ્દો ઓછા પડે .જૈફ વયે (કદાચ ૯૦ ની) મોબાઇલ અપનાવવો , ફંક્શન શીખવા એ જેવી તેવી વાત છે ?latest કેમેરા શિખવા પણ એટલા જ ઉત્સુક હતા

  ReplyDelete
 3. શ્રી બીરેન ભાઈ,
  આપે સ્વે.હોમાય વ્યારવાલાને લેખ લખીને તેમના સુદંર અને કલામય કામની
  પીછાણ આપી છે તે સાચેજ એક કલાકારને યોગ્ય અંજલી છે.
  આપણાં દેશમાં હજુ 'Dignity of labour 'નું જોઈતેવું મહત્વ નથી આપણે દરેક
  નાનું મોટું કામ વ્યવસાય જાણતા લોકો પાસે કરાવી લઈએ છીએ.
  જે લોકો યુરોપીય,અમેરિકા જેવા દેશમાં રહીને આવ્યા છે તેઓ એક કે બીજી રીતે
  થોડાઘણા સ્વાશ્રયી થઇ ગયા હોય છે,રંગરોગાન,ઘરના કે રાચરચીલાના સમારકામ
  પોતેજ કરી લેતા હોય છે.
  સ્વ.હોમાય વ્યારાવાલાના સ્વાશ્રયી સ્વભાવની આપે જે રીતે ઓળખ આપીછે
  તેથી વિશેષ અંજલી શું હોઈ શકે!!
  આપણી યુવાપ્રજા સ્વાશ્રયી બને તેજ તેમના માટે કલ્યાણકારી અને તંદુરસ્તની
  સાચી દવા છે.
  શ્રી રજનીકુમાર પંડ્યાના બે શબ્દો પણ વ્યાજબી છે.

  ReplyDelete
 4. ‘યુવાનીમાં બે-ચાર શોખ કેળવી રાખવા જોઈએ. એવું બને કે એને વિકસાવવાનો સમય ત્યારે ન મળે. પણ વાંધો નહીં. નિવૃત્તિના સમયમાં એ શોખને વિકસાવી શકાય અને એને માણી શકાય.’

  સાવ સાચી વાત. એમના બધા લેખ બહુ જ ગમ્યા.

  ReplyDelete
 5. બે ફોટા અહીં વાપર્યા છે - પરવાનગી મળશે જ એવી માન્યતા સાથે...
  http://hobbygurjari.wordpress.com/2012/01/17/homay/

  ReplyDelete
 6. ammmmmmmazing lady!!!!!!!!!!! so live and creative till the last breath of her life.... may god bless her soul....

  ReplyDelete
 7. એક ફોટોગ્રાફર માટે આવા જીવંત ફોટોથી વિશેષ શું સ્મૃતિ હોઈ શકે! અદ્ભુત.
  ન્યુ યોર્ક ટાઈમ્સમાં પણ એમના વિષે એક આર્ટીકલ આવ્યો છે: http://india.blogs.nytimes.com/2012/01/18/homai-vyarawalla-first-lady-of-the-lens/?src=tp

  ReplyDelete
 8. story lakhya vina j matra phota thi j samjay jay photo graoher ne aathi vishesh anjali apvi ahkya

  ReplyDelete
 9. very interesting information... and heartily thanks for sharing

  ReplyDelete
 10. પ્રથમ વખત આટલી સુંદર શ્રદ્ધાંજલિ વાંચી કે જેમાં સદગત ના જીવન ના એક અલગ પાસા નો જે એમના સમગ્ર વ્યક્તિત્વ પર પ્રકાશ પાડે. સરળ છતાં અનુસરણીય ગુણ.આમાંનો એક ગુણ પણ જો હું જીવન માં ઉતારી શકીશ તો આ વાંચ્યું લેખે લાગશે.

  ReplyDelete
 11. હોમાય વ્યારાવાલા સાચે જ એક અદભૂત વ્યક્તિની સાથે કમાલના ફોટોગ્રાફર હતા. આજે ફરી એકવાર એમની સ્મૃતિની રિ-પ્રિન્ટ ખરેખર ખુબ રસપ્રદ રહી.

  ReplyDelete
 12. Thank you Birenbhai for sharing this article

  ReplyDelete
 13. Just to innovative & that too at the age when most of d folks would have given up & living on the mercy.....Too good.

  ReplyDelete
 14. Nice journey down the memory lane.
  Proud to be Vyarawala.

  ReplyDelete
 15. Very nice write up. And equally enchanting personality. Enjoyed

  ReplyDelete