Saturday, July 22, 2017

ટાઈટલ મ્યુઝીક (3): શંંકર-જયકિશન અને રહસ્યપ્રધાન ફિલ્મો


ગીતોની સુલભતા આજના જેવી સામાન્ય નહોતી ત્યારે શોખીનો પોતાની પસંદગીનાં ગીતો કેસેટમાં રેકોર્ડ કરાવતા. એ રીતે ચોક્કસ થીમ કે મૂડવાળા ગીતોનાં આલ્બમ તૈયાર મળતાં. આમાં સૌથી લોકપ્રિય પ્રકાર હતો HAUNTING MELODIES નો, જેને 'ભૂતિયાં' ગીતો કહી શકાય. આવાં ગીતો મોટે ભાગે સ્ત્રીસ્વરમાં રહેતાં, અને ખાસ કરીને લતા મંગેશકરે ગાયેલાં. રહસ્યમય (એટલે કે સસ્પેન્સ) ફિલ્મોમાં આવું એકાદ ગીત તેનું થીમ સોંગ બની રહેતું, અને ફિલ્મમાં કોઈ રહસ્યમય દુર્ઘટના બનવાની હોય કે બની ગઈ હોય એ પછી તે ગૂંજતું. 'મહલ'ના 'આયેગા આનેવાલા' પછી કદાચ આ ચલણ શરૂ થયું, અને ત્યાર પછી 'બીસ સાલ બાદ' (કહીં દીપ જલે કહીં દિલ), 'મેરા સાયા' (તૂ જહાં જહાં ચલેગા), 'વહ કૌન થી'(નૈના બરસે રીમઝીમ રીમઝીમ), 'કોહરા' (ઝૂમ ઝૂમ ઢલતી રાત), 'ગુમનામ' (ગુમનામ હૈ કોઈ) સહિત બીજી અનેક ફિલ્મો અને ગીતો આ શ્રેણીમાં મૂકી શકાય.
જે ફિલ્મ જ રહસ્યમય હોય, આખી ફિલ્મમાં ચોંકાવનારું પાર્શ્વસંગીત આવતું હોય એવી ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક કેવું હશે? આ સવાલનો એક જવાબ નથી. પ્રમાણમાં મોડી આવેલી (1971) 'પરદે કે પીછે'માં શંકર જયકિશનનું સંગીત હતું. આ ફિલ્મમાં પણ આવું એક ગીત હતું 'તેરે બિન જીયા ના લાગે, આજા રે, આજા રે', જે લતાએ ગાયું હતું. મોટા ભાગનાં આ પ્રકારનાં ગીતોની જેમ જ તેની ગતિ ધીમી હતી અને ઈન્ટરલ્યૂડમાં સંગીત વડે રહસ્યમય વાતાવરણ ઊભું કરાયેલું.
પણ શંકર જયકીશને આ જ ફિલ્મની ધૂનનો ટાઈટલ મ્યુઝીકમાં ઉપયોગ કર્યો ત્યારે આખી વાત બદલાઈ ગઈ. આ આખી ધૂન એકદમ તેજ ગતિમાં અને પશ્ચિમી સંગીતની શૈલી ટાઈટલમાં વાગે છે. આપણને સતત એમ લાગે કે આ ધૂન કેમ જાણીતી લાગે છે, પણ પછી ખ્યાલ આવે કે ઓહો! આ તો 'તેરે બિન જીયા ના લાગે'ની ધૂન છે. 
અહીં 'પરદે કે પીછે' ફિલ્મની આખી ક્લીપ મૂકી છે, જેમાં ટાઈટલ મ્યુઝીક 2.55 સુધી છે. 
મઝાની વાત એ છે કે બિલકુલ આ જ શૈલીનું ટાઈટલ મ્યુઝીક આ જોડીએ અગાઉ 'ગુમનામ'માં પણ આપ્યું હતું, જેના ટાઈટલમાં 'ગુમનામ હૈ કોઈ'ની ધૂન એકદમ તેજ ગતિએ અને પશ્ચિમી શૈલીના સંગીત સાથે વગાડવામાં આવી હતી. નીચે ગુમનામ'ના ટાઈટલ મ્યુઝીકની ક્લીપ આપેલી છે.


(નોંધ: વિડીયો ક્લીપો નેટ પરથી) 

1 comment:

  1. શંકર જયકિશન (ખાસ તો આ બાબતે જયકિશન)ની અદ્‍ભૂત સૂઝને દાદ દેવી રહી.

    ReplyDelete