શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાના અવસાનના થોડા દિવસ અગાઉ મિત્ર તેજસ વૈદ્ય અને બિનીત મોદી દ્વારા સમાચાર મળ્યા. રતિલાલ સાથેનો સંબંધ વિશિષ્ટ પ્રકારનો રહ્યો.
1991-92માં વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાં મેં પેઈન્ટિંગ વિભાગમાં પ્રવેશ મેળવેલો. એ વખતે બન્ને ટર્મમાં અલગ અલગ વિભાગોમાં એક એક મહિનો (કે પંદર દિવસ- ચોક્કસ યાદ નથી) જવાનું બનતું. એ રીતે શિલ્પ વિભાગમાં બે વખત જવાનું થયું. અમારા અગાઉના વરસે સ્કલ્પચર વિભાગના હેડ રાઘવ કનેરિયાસાહેબ આ રીતે આવનારા પહેલા વર્ષના વિદ્યાર્થીઓને શિલ્પકળાના પ્રાથમિક પાઠ ભણાવતા. અમારી વખતે પહેલી વાર જ શિલ્પકળામાં તાજા જ એમ.એ. થયેલા એક શિક્ષક આવ્યા. તેમણે નવો જ અભિગમ અપનાવ્યો. સામાન્ય રીતે પહેલા વર્ષના પેઈન્ટિંગના વિદ્યાર્થીઓને ક્લે મોડેલિંગ શીખવાડાતું. તેને બદલે આ નવા સાહેબે સૌને 'પેપર સ્કલ્પચર' કરાવવાનું નક્કી કર્યું. પણ એથીય પહેલાં તેમણે સૌને કોઈ ને કોઈ 'ઓબ્જેક્ટ' શોધીને એનું આબેહૂબ ત્રિપરિમાણીય લાગે એવું પેન્સિલ ડ્રોઈંગ કરી લાવવાનું સોંપ્યું. તેમણે પોતાની ઓળખ આપતાં નામ જણાવ્યું, પણ તે એવા લહેજામાં બોલતા કે મોટા ભાગના બિનગુજરાતી વિદ્યાર્થીઓને એ ન સમજાયું, ખાસ કરીને એમની અટક. તેઓ પોતાનું નામ 'રતિલાલ કાન્સોદરિયા' તરીકે ઉચ્ચારતા. જો કે, તેમને સૌનાં નામ યાદ રહી ગયેલાં. તેઓ બહુ ધીમેથી બોલતા, ભાગ્યે જ અકળાતા, અને ધીરજપૂર્વક વિવિધ વિદ્યાર્થીઓએ દોરેલાં ડ્રોઈંગને નકારતાં. મેં એક અડધો ખવાયેલો મકાઈડોડો દોરવાનો શરૂ કરેલું. તેમણે એના એકે એક દાણામાં પેન્સિલ વડે રેન્ડરીંગ કરવાનો આગ્રહ રાખેલો, અને એમ કરતાં એમાંથી થોડા દાણા પણ છોલીને કાઢી નાખેલા. જેનું ચિત્ર તૈયાર થઈ જાય એને તેઓ બોર્ડ પર ડિસ્પ્લે કરવાનું કહેતા. આ રીતે આખા વર્ગના વિદ્યાર્થીઓનાં ચિત્રો એક સાથે જોઈ શકાતા.
એ વખતે એમ લાગેલું કે રતિલાલભાઈની આકરી કસોટીમાંથી પસાર થવું 'મુશ્કિલ હી નહીં, નામુમકિન' છે. ડ્રોઈંગ પછી આવ્યો પેપર સ્કલ્પચરનો વારો. તેમણે સૌને પહેલાં ચિત્ર તૈયાર કરવા જણાવ્યું અને એ પછી તેનું કાગળશિલ્પ. સામાન્ય રીતે 'ટીન્ટેડ શીટ' (રંગીન જાડો કાગળ)માંથી તે બનાવાતું. મેં જે ચિત્ર દોર્યું એમાં જાંબલી રંગ પસંદ કરેલો. એ જોઈને રતિલાલભાઈ કહે, 'આ રંગનો કાગળ તમને ભાગ્યે જ મળશે.' મને એવી કશી ખબર નહીં, એટલે મેં નિર્દોષભાવે દુકાનમાં જઈને તપાસ કરી, અને મને એ મળી પણ ગયો એટલે મેં કામ ચાલુ કર્યું. એ જોયું એટલે રતિલાલભાઈ કહે, 'મળી ગયો આ કાગળ? સારું કહેવાય. નહીંતર આ રંગ નથી મળતો.' ખેર! મેં કાગળશિલ્પ બનાવ્યું, જે ઈલસ્ટ્રેશન જેવું વધુ હતું. અમે કામ કરતા ત્યારે જોતા કે તેમના સહાધ્યાયીઓ રહી ચૂકેલા કે તેમનાથી જુનિયર લોકો તેમને મળવા આવતા.
એ જ અરસામાં તેમનાં કાષ્ઠશિલ્પોનું પ્રદર્શન મુંબઈ ખાતે યોજાવાનું હતું. કોલેજની એક લોબીમાં એ શિલ્પો મૂકાયેલાં. જતાંઆવતાં અમે એ જોતા પણ ખરા. એમાંનું એક શિલ્પ બરાબર યાદ છે. તેમણે ચોતરા સહિતનો એક વડ બનાવેલો. વડમાં વિવિધ વસ્તુઓ- ડાળીપાંદડા તો ખરા જ, એ ઉપરાંત ટેટા, પંખીના માળા, ભમરીના ઘર વગેરે...સિમેન્ટના બનેલા ચોતરા પર તોફાની છોકરાં જે 'ગ્રાફિટી' લખી જતાં એ પણ તેમણે લાકડામાંથી કોતરેલા એ ચોતરા પર બનાવેલી, જેમાં લખેલું 'રમલાની મા મરે.' બીજા વિદ્યાર્થીઓ આવું લખાય કે નહીં એની પણ ફાઈન આર્ટ્સ સહજ ચર્ચા કરતા.
મેં બે વસ્તુ શોધેલી. એમાંનું એક હતું પોર્સેલિનના બોર્ડનો તૂટેલો ટુકડો. એની અંદરના ભાગ જે રીતે ઊપસાવાયેલા એ મને રસપ્રદ જણાયા. રતિલાલભાઈને બતાવતાં કહ્યું, 'આ શિલ્પ જ છે. બનાવો' બીજી વસ્તુ તે સળીઓનું બંડલ હોય એવો દેખાવ ધરાવતું કશાકનું ફળ. રતિલાલભાઈ પાસે એ લઈ ગયો એટલે તેમણે કહ્યું, 'આ છે સરસ, પણ હજી એને ઈન્ટરેસ્ટિંગ બનાવીએ.' આમ કહીને એમણે એને વચ્ચેથી તોડ્યું અને મરડ્યું. કહે, 'જુઓ, હવે મજાનું થયું. આ બનાવો.' એટલે મેં એને બનાવવા માંડ્યું. કહેવામાં આવેલું કે પ્રમાણમાપ મુજબ બનાવવાનું. એ શું એ સમજતાં વાર લાગી. બન્યા પછી રતિલાલભાઈને જણાવ્યું એટલે તેઓ આવ્યા. હાથમાં પાતળો, મઠિયાં તળવામાં વપરાય એવો સળિયો હતો. પૂછ્યું, 'કેટલા ગણું બનાવ્યું છે?' હું મૌન રહ્યો. તેમણે સળિયા પર અંગૂઠા વડે મૂળ વસ્તુનું માપ લીધું. પછી એના વડે બનાવેલા માટીના શિલ્પનું માપ કાઢ્યું. અને દરેક બાજુએથી એ માપ એટલા ગણું છે કે નહીં એ ચકાસ્યું. મને ખબર નહીં કે શિલ્પમાં આ હદનું પરફેક્શન જોઈએ. એકાદ જગ્યાએ એ માપ ઓછું નીકળ્યું એટલે તેમણે એટલો ભાગ ફરી બનાવવા જણાવ્યો. એ મેં કર્યો. હવે વાત હતી મોડેલને વચ્ચેથી મરડવાની. એ મને ન ફાવ્યું એટલે તેમને બોલાવ્યા. તેમણે એ મરડ્યું તો ખરું,પણ પછી એ મોડેલ સ્વતંત્રપણે ઊભું રહેતું ન હતું, જે શિલ્પ માટેની પ્રાથમિક જરૂરિયાત ગણાય. તેમણે અનેક પ્રયત્નો કર્યા છતાં નિષ્ફળ ગયા એટલે કહે, 'આને હું ભારે હૈયે તોડી કાઢું છું.' એમ કહીને તેમણે એ મોડેલ તોડી નાખ્યું. અલબત્ત, તેમણે એ માન્ય રાખેલું, એટલે મારે નવું બનાવવાનું નહોતું. 
બસ, એ પછી અમે પાછા પેઈન્ટિંગ વિભાગમાં આવ્યા. એક વર્ષ પછી મેં અભ્યાસ અધૂરો મૂક્યો. એ પછી એ કોલેજ અને એના અધ્યાપકો સાથેનો સંપર્ક તૂટ્યો. એ પછી સોળ સત્તર વરસે નોકરી છોડીને પૂર્ણ સમયના લેખનક્ષેત્રે પ્રવેશ્યો. રજનીકુમાર પંડ્યા સાથેનો સંપર્ક વધુ ગાઢ બનતો રહેલો અને અમે સંયુક્તપણે કામ કરતા હતા. રજનીભાઈની દીકરી તર્જનીએ અમદાવાદની સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સમાં શિલ્પકળામાં પ્રવેશ લીધેલો. આથી મેં સહજ પૂછ્યું, 'ત્યાં તને કોણ ભણાવે છે?' તેણે કહ્યું, 'રતિલાલ કાંસોદરિયા.' આથી મેં એમનું મારી સાથેનું કનેક્શન તર્જનીને જણાવ્યું. દરમિયાન તર્જનીની પરીક્ષા આવી. તેને લેવા મૂકવા રજનીભાઈ કોલેજે જતા અને તર્જનીની પરીક્ષા ચાલે ત્યાં લગી એટલામાં બેસીને પોતાનું કામ કરતા. એક વાર તેમનો ફોન આવ્યો અને કહે, 'લે, તારા મિત્ર સાથે વાત કર.' મેં 'મિત્ર'નું નામ પૂછ્યું તો રતિલાલ કાંસોદરિયા. અમે ફોન પર ઔપચારિક વાત કરી. મને ખબર હતી કે આટલાં વરસો પછી હું તેમને યાદ હોઉં એવી શક્યતા જરાય નહોતી. પણ મારા બેચમેટ્સના નામ આપ્યાં, વરસ કહ્યું. મેં એમને 'રમલાની મા મરે' વાળું શિલ્પ યાદ કરાવ્યું એ જાણીને એમને બહુ આશ્ચર્ય થયું. એ બધી વાતોનો આનંદ આવ્યો. પણ પરિચય એકપક્ષી જ રહ્યો એમ કહી શકાય.
આવામાં અચાનક સીધા તેમના અવસાનના સમાચાર મળ્યા, ત્યારે સમજાયું કે ઘણા વખતથી અમારી વાત થઈ નથી. સંપૂર્ણપણે કળાને સમર્પિત, આવા પ્રેમાળ માણસ ભાગ્યે જ જોવા મળે. અમદાવાદ શહેર તેમને અખા અને દલપતરામની પ્રતિમાઓના શિલ્પકાર તરીકે કદાચ યાદ રાખશે, પણ મને રતિલાલ કાંસોદરિયા એક કળાશિક્ષક તરીકે, તેમજ એક મિત્ર તરીકે- એમ બન્ને ભૂમિકામાં યાદ રહેશે.
(તસવીર સૌજન્ય: Aura Art)
No comments:
Post a Comment