(આજે ૧૭મી ડિસેમ્બરે કનુકાકાની ૯૮મી જન્મજયંતિ છે. ૧૯૧૫માં જન્મેલા કનુકાકા આજે હોત તો સત્તાણું વરસ પૂરાં કરીને અઠ્ઠાણુંમા વરસમાં પ્રવેશ્યા હોત. તેમની સ્મૃતિઓના તાણાવાણા અમારા કુટુંબ સાથે એ હદે વણાયેલા છે કે તેમની વિદાયના સાત વરસ પછી પણ ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે તે યાદ ન આવ્યા હોય યા અમે મળીએ ત્યારે તેમને યાદ ન કર્યા હોય. અહીં તેમના જીવનનો આલેખ આપવાનો પ્રયત્ન કર્યો છે, જેથી તે કેવળ અમારા પૂરતા મર્યાદિત ન રહેતાં સૌ સુધી પહોંચે.)
કનુકાકા |
કુટુંબનો કોઈ શુભ પ્રસંગ અત્યંત સાદગીથી કેવળ કુટુંબીજનોની
હાજરી વચ્ચે જ સંપન્ન કરવાનું નક્કી થયું હોય ત્યારે કોણ કોણ હાજર હોય? આ સવાલનો જવાબ મારે જ આપવાનો છે. બહુ વિચારવિમર્શ
કર્યા પછી અતિશય સાદગીથી મારાં લગ્ન કરવાનું નક્કી કરેલું. મારા સિવાય ઉર્વીશ, પપ્પા અને મમ્મી. આ તો મારાં લોહીનાં સીધાં સગાં.
પણ એ સિવાય એક વ્યક્તિ અમારી સાથે આવેલી. એ હતા કનુકાકા. આમ, અમે ‘જાન’માં ગયા ત્યારે પાંચ જણ હતા, અને પાછા આવ્યાં ત્યારે છ જણ. અમારા આટલા મર્યાદિત
જણના પ્રસંગમાંય જેમની હાજરી અનિવાર્ય ગણાય એવા કનુકાકા કોણ? કનુભાઈ નટવરલાલ પંડ્યા તેમનું આખું નામ. એટલે દૂરનું
પણ કોઈ સગપણ ન મળે એ સ્પષ્ટ છે. તો પછી સગપણના કયા લેબલથી તેમનો પરિચય આપવો? તેમને અમે ‘કનુકાકા’ કહીને બોલાવતા. અમે નહીં, ગામ આખું એમને ‘કનુકાકા’ કહીને સંબોધતું. ભૂલેચૂકેય કોઈ એમને ‘દાદા’ કહે તો એ ચિડાઈ
જાય અને તરત કહે, “દાદા એટલે તો
ગુંડો. મને ‘કાકા’ જ કહેવાનું.” બજારમાંથી તે પસાર થઈ રહ્યા હોય
ત્યારે પણ બાપાની કે દાદાની આંગળી ઝાલીને જતું છોકરું બૂમ પાડે, ‘કનુકાકા!’ કનુકાકા ઉભા રહે, એ બાળકને નામથી બોલાવે અને તેના પિતા કે દાદા
સાથે ઉભા રહીને આખા કુટુંબના સભ્યોની નામજોગ ખબર પૂછે. એવી પૂરેપૂરી શક્યતા કે એ
બાળકને, તેના પિતાને અને
દાદાને પણ કનુકાકાએ જ ભણાવ્યા હોય. નેવું વરસની પાકટ વયે તેમણે લીધેલી વિદાયને પણ
આજકાલ કરતાં સાત વરસ વીતી ગયાં. છતાં અમે ભેગા થઈએ ત્યારે એકેય વાર એવું નહીં
બન્યું હોય કે કોઈ ને કોઈ સંદર્ભે એમનો ઉલ્લેખ ન થયો હોય! અને છતાંય અમારા ઘરમાં
તેમને જોઈને કોઈ અજાણ્યું પૂછે કે- ‘તમારા એ
એક્ઝેક્ટલી શું સગા થાય?’, તો અમારે
સમજાવવું મુશ્કેલ થઈ પડે. કેમ કે, સગપણ કે ‘લોહીની સગાઈ’ જેવું તો અમારે
કશું હતું જ નહીં.
પણ સંબંધો એવા કશા લેબલના મોહતાજ હોતા નથી, એની સૌથી પ્રગાઢ અનુભૂતિ તે કનુકાકાનું અમારા
કુટુંબમાં આગમન, પ્રદાન, સ્થાન અને વિદાય.
**** **** ****
કનુકાકાના પિતાજી નટવરલાલ પંડ્યા અને
રૂક્ષ્મણિબેનનાં કુલ સાત સંતાનો. ત્રણ દીકરાઓમાં માણેકલાલ, શાંતિલાલ અને સૌથી નાનો કનુ. ચાર દીકરીઓ- પરસનબેન, મણિબેન, કપિલાબેન અને નાનીબેન- માં
પરસનબેન મોટાં હતાં. પરસનબેનનાં લગ્ન બે-ત્રણ વરસની ઉંમરે થઈ ગયેલાં અને પાંચેકની
ઉંમરે તો એ વિધવા બની ગયેલાં. કુટુંબ પાસે ભેંસો હતી. રૂક્ષ્મણિબેન ભેંસો માટે
ચારો કાપી લાવતાં. એ રીતે તેમને એક વાર કોલેરા લાગુ પડી ગયો. તેની સારવાર કરવી શી રીતે? કોલેરામાં જ તેમનું અવસાન થયું. કનુની ઉંમર
ત્યારે પાંચેક વરસની. બાળવિધવા મોટી બહેન પરસને રસોડું સંભાળ્યું.
નટવરલાલની મહેમદાવાદમાં ચાની હોટલ હતી. ઘણા સમય
સુધી મહેમદાવાદમાં આ એક જ ચાની હોટલ હતી. તે સવારના ચારથી
રાતના દસ સુધી ધમધમતી રહેતી. આ હોટલમાં પિત્તળના પ્યાલામાં ચા પીરસાતી. એક ગ્રાહક
ચા પી લે ત્યાર પછી માટી વડે એ પ્યાલો સાફ કરવાનો. આ હોટલમાં કોઈ નોકર નહોતો.
નટવરલાલ પોતે જ બધું કામ સંભાળી લેતા.
ધીમે ધીમે મહેમદાવાદમાં ચાની બીજી હોટેલ થઈ અને
નટવરદાદાએ પોતાનું કામ સમેટ્યું. જો કે, બીજું પણ એક
કારણ જવાબદાર હતું આ માટે. નટવરદાદાના એક મામા ‘ટહેલ’ કરતા. ટહેલ એટલે શ્રાવણ મહિનામાં સવારના
પહોરમાં ઘંટ અને મોગરો લઈને કે હારમોનિયમ અને ઢોલક લઈને નિયત વિસ્તારોમાં ભગવાનનું
નામ જોરથી લેતાં લેતાં ફરવું. આ કામ મુખ્યત્વે મથુરાથી આવતા બ્રાહ્મણો કરતા હોય
છે. નટવરદાદાના મામા નેવું વરસના થયા હતા. તે પોતે ફરી શકે એમ નહોતા. તેમણે
નટવરદાદાને કહ્યું, “તું મારા
વિસ્તારમાં ટહેલ ફર. તને જે મળે એમાંથી અડધો ભાગ મને આપવાનો.” નટવરદાદાને આ રીતે
ગોધરા, સાવલી, વડોદરા, મિયાંગામ, કરજણ, સિનોર, અંકલેશ્વર, લખતર, વાંકાનેર, લીમડી, અમદાવાદના અમુક વિસ્તારો, ચરોતરનાં ગામો ઉપરાંત મુંબઈ, થાણા જેવા વિસ્તારો
મળ્યા. દરેક વિસ્તારમાં જવાની મોસમ નિશ્ચિત. વડોદરાના છાણી વિસ્તારમાં બટાકાનો પાક
ઉતર્યો હોય ત્યારે જવાનું, જેથી યજમાનો બટાકા આપે. આ બટાકા
વેચીને તેના પૈસા આવે એ અડધે ભાગે વહેંચવાના. દશકોશી વિસ્તારમાં ડાંગરની મોસમમાં
જવાનું. અહીંથી ડાંગર મળે એ ઘેર લાવવાની. ભાલ પ્રદેશમાં ઘઉંની મોસમમાં જવાનું, તો મિયાંગામ-કરજણ કપાસની મોસમમાં જવાનું. મુંબઈ,
થાણામાં તો લોકો રોકડા જ આપતા.
સાત-આઠ વરસની ઉંમરે
કનુને પોતાના પિતાજી સાથે ઘણા બધા સ્થળોએ ફરવા મળ્યું. ટ્રેનમાં મુસાફરી કરવાની. ટિકીટ લેવાનો સવાલ જ ન આવે. ટિકીટચેકર આવે
તો તેને ‘ટહેલવાળા’ તરીકે ઓળખાણ આપવાની, એટલે તે ઉતારી ન મૂકે, બલ્કે ‘મહારાજ’ કહીને બેસાડે. મુંબઈમાં માધવબાગમાં તે ઉતરતા. અમદાવાદમાં રેલ્વે સ્ટેશનની સામે આવેલી રેવાભાઈની ધર્મશાળામાં ઉતરવાનું
બનતું. આ ધર્મશાળામાં દસ દિવસ સુધી તેમને એક ઓરડી નિ:શુલ્ક આપવામાં આવતી. અગિયારમો દિવસ થાય એટલે સંસ્થાના નિયમ મુજબ આ ઓરડી ખાલી કરાવાતી અને નવા
નામે ફાળવવામાં આવતી. ગામડાઓમાં તેમનો ઉતારો મુખ્યત્વે ગામના કુંભારને ઘેર રહેતો, જે તેમના માટે લાકડાં અને વાસણની વ્યવસ્થા કરતો. રસોઈ માટેની સામગ્રી આ
બ્રાહ્મણો ભિક્ષા થકી એકઠી કરતા અને કુંભારને આપતા. કુંભાર તેનાથી રસોઈ બનાવીને જમાડતો.
મુંબઈ જેવા મહાનગરમાં ઘણા લોકો પોતાને ઘેર ભોજન માટે પણ નિમંત્રણ આપતા. ત્યારે ઉતરાયણના
શુભ દિને ગુપ્ત દાનનો મહિમા ઘણો હતો. તલના લાડુમાં રૂપિયાનો સિક્કો, ગીની, ચાંદી કે સોનાની મહોર સુદ્ધાં આપવામાં આવતી.
આ પ્રકારે જવામાં નાનકડા કનુના અભ્યાસનો ભોગ
લેવાતો. પણ તે ગાળામાં ભણતરનું મહત્વ નહીંવત્. શાળામાં ભણવા માટે જ બહુ ઓછા
વિદ્યાર્થીઓ જતા. શાળામાં પરીક્ષા હોય ત્યારે એમ પણ બને કે કનુ પોતાના પિતા સાથે
ટહેલ પર ગયો હોય. અભ્યાસ મુખ્ય નહીં, પણ ઈતર
પ્રવૃત્તિ ગણાતી. જો કે, ચોથા ધોરણ પછી
કનુએ સળંગ અભ્યાસ ચાલુ રાખ્યો. તેમની શાળાના
પ્રભાવશાળી આચાર્ય ભાઈલાલભાઈ વ્યાસ મહેમદાવાદના નવા પરામાં રહેતા. તેમનો કનુ માટે
વિશેષ ભાવ હતો. ભાઈલાલભાઈ વા અને આધાશીશીના દરદી હતા. શાળા છૂટ્યા પછી સાંજના સમયે
કનુ ભાઈલાલભાઈને ત્યાં જતો અને તેમને માલિશ કરી આપતો.
કનુકાકાનું વર્નાક્યુલર ફાઈનલનું સર્ટિફીકેટ (એપ્રિલ, ૧૯૩૨) |
આમ સળંગ અભ્યાસ પછી તે વર્નાક્યુલર ફાઈનલ
(સાતમી ચોપડી) પાસ થયો. સામાન્ય સંજોગોમાં ચૌદ વરસની ઉંમરે તે પાસ થઈ ગયો હોત, તેને બદલે ૧૮ વરસની ઉંમરે એપ્રિલ, ૧૯૩૨માં તે પાસ થયો. ફાઈનલ પાસ કર્યા પછી
નોકરી માટે તેણે ખાસ રાહ જોવી ન પડી. ૭૨૦૦ ની વસ્તી ધરાવતા મહેમદાવાદમાં તે વખતે પ્રાથમિક શાળા નગર પંચાયત દ્વારા
સંચાલિત હતી. અહીંના એક શિક્ષક માંદગીને કારણે રજા પર ગયા. તેમને સ્થાને ‘કનુભાઈ’ને કામચલાઉ
નિમણૂંક અપાઈ. આ દિવસ હતો ૨૨ નવેમ્બર, ૧૯૩૨નો.
કનુભાઈના પિતાજીની ઈચ્છા પણ એવી હતી કે દીકરો નોકરીએ લાગે તો સ્થાયી આવક શરૂ થાય
અને ગામેગામ પોતે ફરવું મટે. પોતાના બે મોટા દીકરાઓ કુટુંબથી અલગ થઈ ગયા હતા. આથી
તેમના તરફથી કશી અપેક્ષા નહોતી. કનુભાઈએ શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. પગાર હતો
મહિને પંદર રૂપિયા. ત્રણેક મહિના પછી રજા પર ગયેલા શિક્ષક હાજર થયા. કનુભાઈને છૂટા
કરવાને બદલે તેમને નગર પંચાયતની ઓફિસમાં જ સમાવી લેવામાં આવ્યા. અહીં તેમને
કારકુની સોંપવામાં આવી. તે સફાઈ કામદારોની હાજરી લેવાનું અને તે સંબંધિત અન્ય કામ
કરતા.
ત્રણેક મહિનાની કારકુની
પછી કનુભાઈનો ફરી પાછા શિક્ષક બનવાનો વારો આવ્યો, પણ તે માટેના
સંજોગો જુદા હતા. નગર પંચાયતનું આર્થિક ભારણ વધી ગયું હતું. આ ભારણને ઘટાડવા માટે
શાળાના બે શિક્ષકોને માત્ર ૪૫ વરસની ઉંમરે નિવૃત્ત કરી દેવામાં આવ્યા. આ શિક્ષકોનો
પગાર હતો માસિક ૩૫ રૂપિયા. આ બન્ને શિક્ષકોને વહેલા નિવૃત્ત કર્યા પછી કનુકાકાને
શિક્ષક તરીકે નીમ્યા. પાંત્રીસ- પાંત્રીસના પગારવાળા બે શિક્ષકને બદલે પંદર
રૂપિયાના પગારવાળો એક શિક્ષક રાખવાથી ખર્ચ બચે એ ગણતરી! ૧૯૩૩માં સરકારે શાળાઓનો
વહીવટ નગર પંચાયત પાસેથી પોતાને હસ્તક લઈ લેવાનું નક્કી કર્યું અને ૧ માર્ચ, ૧૯૩૩થી આ અમલી બન્યું. પણ આમ થવાના આગલે દિવસે
જ, એટલે કે ૨૮ ફેબ્રુઆરી, ૧૯૩૩ના દિવસે નગર પંચાયતે કનુભાઈને કાયમી
શિક્ષક તરીકે નિમણૂંક આપી દીધી. ‘કાયમી’નો અર્થ ‘નોકરી કરે ત્યાં
સુધી’ એટલે કે નિવૃત્તિની અઠ્ઠાવન
કે સાઠ વરસની ઉંમર સુધીનો હતો. તેને બદલે કનુકાકા ‘કાયમી’ એટલે કે આજીવન શિક્ષક બની રહ્યા. કેવળ
વિદ્યાર્થીઓના જ નહીં, શિક્ષકોના પણ
શિક્ષક! બાળકોના જ નહીં, તેમના વાલીઓના
પણ શિક્ષક!
**** **** ****
પોતાના ઘરની આર્થિક
જરૂરિયાત ઉભી જ હતી, એટલે કનુભાઈએ
ટ્યુશન કરવાનું પણ નોકરીની લગભગ સાથે જ શરૂ કરી દીધું. ટ્યુશન કરવા માટે ત્યારે
સરકારની પરવાનગી લેવી પડતી. વધુમાં વધુ ત્રણ વિદ્યાર્થીઓને રોજ બે કલાક માટે ભણાવી
શકાતા. ટ્યુશનનો દર ત્યારે પણ ઉંચો હતો. વિદ્યાર્થી દીઠ કનુકાકા ત્રણ રૂપિયા લેતા.
કનુકાકા હજી તો એકલા જ હતા અને પોતાના કાર્યમાં ગળાડૂબ હતા. તેમનો નિત્યક્રમ જ એવો
ગોઠવાયેલો કે રાતવાસો તે કદી પોતાને ઘેર કરતા નહોતા. ક્યારેક કોઈ બોર્ડીંગમાં, ક્યારેક થોડા સમય માટે એક દાળની ખરીમાં, ક્યારેક વારાહી માતાના મંદિરમાં તે સૂતા.
સવારે ઉઠીને તે પોતાને ઘેર જતા. તેમના જણાવ્યા મુજબ નાનપણથી ઘેર રહેવાનું બન્યું જ
નહોતું, એટલે ઘેર સૂવા
જવાનું ફાવતું નહોતું. એક કારણ એ પણ ખરું કે ઘરમાં વિધવા બહેન રહેતાં. તે કોઈને
અડકતાં નહીં. એટલે ઘેર રહ્યા જ ન હોય તો એ સવાલ ઉભો જ ન થાય.
કનુકાકાના શાળાના સરનામે આવેલું પોસ્ટકાર્ડ (૧૯૩૮) |
બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે દરેક સરકારી
નોકર કે નગર પંચાયતના કર્મચારીના માસિક પગારમાંથી ૧૫% રકમ કપાઈને સીધી જ ‘વૉર ફંડ’માં જમા થતી. એ
રીતે કનુકાકાના હાથમાં સાડા તેર રૂપિયા આવતા. બીજા અને ત્રીજા ધોરણના
વિદ્યાર્થીઓને ભણાવવાથી તેમણે શરૂઆત કરી. આ ધોરણથી ભણાવવાની શરૂઆત તો ઘણા શિક્ષકોએ
કરી હશે, પણ પછી તે આગળ
વધીને માધ્યમિક, ઉચ્ચતર
માધ્યમિકના વિદ્યાર્થીઓને ભણાવતા થયા હશે. કનુકાકાની બાબતમાં એથી ઉંધું બન્યું.
બીજા અને ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવતા થયા પછી આગળ વધવાને બદલે તે પાછા
હઠ્યા અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. અને આજીવન તે
સ્વેચ્છાએ પહેલા ધોરણના વિદ્યાર્થીઓના શિક્ષક બની રહ્યા.
અમદાવાદની ‘પી.આર.(પ્રેમચંદ
રાયચંદ)ટ્રેનિંગ કોલેજ’ દ્વારા પ્રકાશિત
સામયિક ‘શાળાપત્ર’ કનુકાકા નિયમીત વાંચતા. આ સામયિકમાં શિક્ષણની વિવિધ રીતો, તેની ત્રૂટિઓ અને ખાસિયતોની ચર્ચા કરવામાં
આવતી. કનુકાકા આ બધું રસપૂર્વક વાંચતા અને પોતાના વર્ગમાં તેનો અમલ કરતા. ભણાવવાના
કામમાં તેમને ખૂબ રસ પડતો. આને કારણે વિદ્યાર્થીઓમાં તે ઝડપથી લોકપ્રિય થઈ ગયા, તેમ આચાર્યના પણ પ્રિય બની રહ્યા. ઉંમરમાં
જુવાન, ભણાવવાનો ઉત્સાહ, ભણાવવાની અવનવી રીતો વગેરેને કારણે તેમને
સહાયક શિક્ષકમાંથી બે-ત્રણ વરસમાં જ બઢતી અપાઈ. તેમને આચાર્યના અંગત મદદનીશ
બનાવવામાં આવ્યા. શિક્ષણને લગતી વહીવટી બાબતોના પાઠ તેમને અહીં શીખવા મળ્યા. એ પછી ૧૯૪૫માં તેમને સિનીયર
શિક્ષક તરીકે બઢતી આપવામાં આવી.
કનુકાકાની નિષ્ઠા એ હદની
કે આચાર્યને તેમના વિના ચાલે નહીં. કનુકાકા વર્ગ લેતા હોય અને આચાર્યનું કહેણ આવે.
કનુકાકાએ વર્ગ અધૂરો મૂકીને જવું પડતું. તેમને આ ગમે નહીં, પણ આચાર્યને ના શી રીતે પડાય? તેમણે સરળ ઉપાય વિચાર્યો. આચાર્યનું કહેણ આવે
અને કનુકાકા વર્ગ છોડીને નીકળે એ પહેલાં વિદ્યાર્થીઓને સૂચના આપતા જાય કે થોડી
વારમાં જ વિદ્યાર્થીઓએ વર્ગમાં તોફાન શરૂ કરી દેવું. તેને પગલે પાંચ-સાત
વિદ્યાર્થીઓ સીધા આચાર્યની ઑફિસમાં આવી જાય અને કનુકાકાને આ અહેવાલ આપીને વર્ગમાં
આવી જવાનું જણાવે. આચાર્યે નછૂટકે કનુકાકાને જવા દેવા પડે.
કનુકાકાનો શિક્ષક તરીકેનો હોદ્દો દર્શાવતું પોસ્ટકાર્ડ (૧૯૩૮) |
વિદ્યાર્થીઓમાં મુખ્યત્વે ગામના પ્રતિષ્ઠિત
નાગરિકો તેમજ સરકારી અમલદારોનાં બાળકો હોય. કનુકાકાને વધુ રસ ગરીબ વર્ગનાં બાળકોને
અક્ષરજ્ઞાન આપવામાં. અને માત્ર અક્ષરજ્ઞાન આપીને તેને ‘સાક્ષર’ નહીં
કહેવડાવવાનો. જીવનના તમામ મોરચે તેને તૈયાર કરવાનો.
શાળાનું ઈન્સ્પેકશન
ત્યારે મોટો પ્રસંગ ગણાતો. અધિકારી આવવાના હોય તેની જાણ કરતો પત્ર નગર પંચાયતમાં
અગાઉથી આવે. નગરના રસ્તા સાફ થાય. રોબદાર અમલદાર શાળામાં આવે, વર્ગે વર્ગે ફરે, વિદ્યાર્થીઓની કસોટી લે, શિક્ષકની કસોટી પણ થાય. શિક્ષકે અવ્યવસ્થિત
વસ્ત્રો પહેર્યાં હોય તો તેની પણ નોંધ થાય અને ખુલાસો માંગવામાં આવે.
પણ કનુકાકાની શાળામાં ઈન્સ્પેક્શન આવે ત્યારે કનુકાકાના વિદ્યાર્થીઓ ગભરાવાને રાજી થાય. ઈન્સ્પેક્શન કરનાર અધિકારી વિદ્યાર્થીઓને કંઈક પૂછવા માટે ઉભા કરે તો વિદ્યાર્થીઓ જરાય ન ગભરાય. પોતાને ખ્યાલ ન આવે તો તેઓ જરાય ગભરાયા વિના અધિકારીને કહે, “સાહેબ, તમે ઉતાવળે ન બોલો. ધીમેથી બોલો તો અમને સમજાય.” અધિકારીની હાજરીમાં જ ઉભા કરેલા વિદ્યાર્થીને બીજો વિદ્યાર્થી કહે, “અલ્યા,બોલ ને! આપણને શીખવાડ્યું તો છે! એક વખત આ રીતે ઈન્સ્પેક્શન આવ્યું. અધિકારી સાહેબે વિદ્યાર્થીઓની કસોટી કરતાં અગાઉ એક કામ પતાવવાનું હતું. તેમણે એક સરકારી ટપાલનો જવાબ લખ્યો હતો અને એ ટપાલ નાંખવાની હતી. એક વિદ્યાર્થીને તેમણે પોસ્ટ ઑફિસે જઈને ટપાલ નાંખી આવવા કહ્યું. સામતો નામનો એ છોકરો દેવીપૂજક હતો. હોંશેહોંશે તે ગયો. દોડતો જઈને ટપાલ નાંખીને થોડી વારમાં હાંફતો હાંફતો પાછો વર્ગમાં આવી ગયો. અધિકારી બહુ રાજી થયા. છોકરો કહ્યાગરો તો છે, હવે ભણવામાં કેવોક છે તે જોવું રહ્યું. તેમણે સામતાને એક દાખલાની રકમ લખાવી અને તેને ગણવા કહ્યું. સામતાએ દાખલો તો તરત ગણ્યો, પણ જવાબ ખોટો પડ્યો. “આમ કેમ?”ના જવાબમાં સામતાએ નીડરતાથી કહ્યું, “સાહેબ, તમે મને ટપાલ નાંખવા મોકલ્યો એટલે હું થાકી ગયો હતો. એટલે મેં ઉતાવળે ગણી કાઢ્યો. પછી દાખલો ખોટો જ પડે ને! બીજો દાખલો લખાવો અને જુઓ.” અધિકારીએ બીજો દાખલો લખાવ્યો. સામતાએ તે સાચી રીતે ગણી બતાવ્યો. અધિકારી સામતાની આવડતની સાથેસાથે તેની નીડરતાથી પણ રાજી થયા. આ વાત ચાળીસીની છે. બાળકો અધિકારીને આ રીતે જવાબ આપે તે ત્યારે કલ્પનાતીત હતું.
મામલતદાર ડેનિસ બોઝે કનુકાકાને આપેલું સર્ટિફિકેટ (૧/૦૮/૧૯૪૦) |
બહુ ઝડપથી કનુકાકાની
શિક્ષક તરીકેની લોકપ્રિયતા વધવા લાગી. એ હદે કે શાળાએ બાળકને મૂકનાર દરેક માબાપની
ઈચ્છા એવી હોય કે તેનું બાળક કનુકાકાના વર્ગમાં હોય. ખાસ કરીને ગરીબ વર્ગનાં
બાળકોનાં માબાપ તો આવો જ આગ્રહ રાખતાં. તો બદલી થઈને મહેમદાવાદ આવતા મામલતદાર, ફોજદાર, ડૉક્ટર જેવા સરકારી
અમલદારો પણ પોતાનાં બાળકો માટે કનુભાઈનો આગ્રહ રાખતા. આને લઈને પરિસ્થિતિ એવી થતી
કે અન્ય વર્ગમાં પાંત્રીસ-ચાલીસ વિદ્યાર્થીઓ હોય, પણ કનુકાકાના
વર્ગમાં સાઠ-પાંસઠ વિદ્યાર્થીઓ ભરેલા હોય. સૌ તેમને ‘કનુભાઈ’ કહેતા. ‘માસ્તર’ કે ‘સાહેબ’ નહીં.
આ અરસામાં જ કનુકાકાનો સંપર્ક અમારા કુટુંબ સાથે થયો. એ શી રીતે અને કેવો આગળ
વધ્યો તેની અને તેમણે શિક્ષણક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની વાત હવે પછી.
(ક્રમશ:)
ભાઈ બિરેન- પ્રથમ ભાગ રસપ્રદ. પરીકથા જેટલું ઇચ્છનીય અને અવિશ્વસનીય પાત્ર....!!
ReplyDeletevery nice article on kanukaka.i have gone to his school also.
ReplyDeleteભાઇ બીરેન, કનુકાકાને હમણાં જ રુબરુ મલ્યો હોય એવું લાગ્યું લેખ વાચતાં. મારી જુની યાદો તાજી થઇ. અજીતકાકા એમને 'માસ્તર' કહેતા હતા. ગમ્યું. આનંદ થયો.
ReplyDeleteHow nicely you have depicted the real admiring character of Kanukaka!!! After all it is the task of a writer who can pen-picture such a human personality.
ReplyDeleteવાહ।મજા આવી ગઈ.એમનું પિક્ચર જોઈ ને રવિશંકર મહારાજ ની યાદ આવી ગઈ અને કાર્ય અને નિષ્ઠા ની રીતે પણ બને માં સામ્ય તોહ છે જ...
ReplyDeleteI am one of his student, and may be my father also his student.
ReplyDeleteI remember only two teacher in my life one kanukaka, and paulbhai.Teacher of life.
good artical.
(shekhar.shroff)
Am looking forward to Part 2 Biren.
ReplyDelete