"આ મેગેઝીન જોવા જેવું છે. શાંતિથી બેસીને જો. ત્યાં સુધી હું મારું કામ પતાવું."
1995-96માં મુંબઈ ખાતે 'અભિયાન'ની ઓફિસમાં હું ગયો ત્યારે ઉર્વીશે મને આમ કહીને 'મેડ'ના થોડા અંક આપ્યા. હું બેઠો બેઠો પાનાં ફેરવવા લાગ્યો. વાંચવા પ્રયત્ન કર્યો એમાં અમુક સમજાતું અને અમુક નહીં. પણ ન સમજાતું એમાંય એ ટલો ખ્યાલ આવ્યો કે આનો સંદર્ભ મને નથી ખબર, પણ કટાક્ષ શો છે. થોડી વાર પછી મારાથી પૂછ્યા વિના ન રહેવાયું, 'આ તને કોણે આપ્યું?' ઉર્વીશે કહ્યું, 'નીલેશભાઈએ. (રૂપાપરા)' નીલેશભાઈએ એની ભાળ ક્યાંથી મેળવી હશે એ પૂછવું મને જરૂરી ન લાગ્યું, પણ 'મેડ'ના એ પહેલવહેલા દર્શન પછી એના પ્રેમમાં પડ્યા, જે પ્રેમસંબંધ આજ સુધી ટકી રહ્યો છે.
ફેસબુક પર પ્રવેશ્યા પછી વિવિધ મિત્રોના પરિચયમાં આવવાનું બનતું ગયું, એમાં રાજુ પટેલ નામે એક મિત્ર પણ હતો. એમને ઉર્વીશ જાણતો હતો. એકાદ વાર કદાચ મંટો વિશેની કોઈ પ્રશ્નાવલિ મને તેમના દ્વારા વાયા ઉર્વીશ મળેલી, જે મેં ભરીને મોકલી આપેલી. એટલો પરિચય મારો પણ હતો. એ પછી ફેસબુક પર નાનીમોટી ક્રિયા-પ્રતિક્રિયા થતી રહેતી.
દરમિયાન એટલો ખ્યાલ આવ્યો કે રાજુ તો 'મેડ'ના અઠંગ ચાહક છે. 'મેડ' મેગેઝીનનું પ્રકાશન સ્થગિત થયું ત્યારે તેમણે પોતાની કોલમમાં એનો અંજલિલેખ લખેલો. એમાં 'મેડ' દ્વારા હાસ્યનાં કેવાં કેવાં ગ્રામર વિકસાવાયાં છે એની વાત હતી.
એ પછી એક વાર અમે ફોન પર વાત કરી. વાતવાતમાં મેં એને 'મેડ' સાથેના મારા પ્રથમ પરિચય અને નીલેશભાઈનો ઉલ્લેખ કર્યો. ત્યારે રાજુએ કહ્યું, 'નીલેશને એ મેં જ દેખાડેલું.' આમ, 'મેડ' પરિચયનું આખું વર્તુળ પૂરું થયું હતું. તેમની ઈચ્છા ગુજરાતીમાં આવું એક સામયિક શરૂ કરવાની હતી. ત્યારે હું મારા બ્લોગ પર દૃશ્યહાસ્યની કેટલીક 'મેડ'પ્રેરિત આઈટમો મૂકી રહ્યો હતો. જો કે, મને સામયિક શરૂ કરવાનું સૂઝ્યું નહોતું. આમ છતાં, રાજુએ અને મેં ઉત્સાહપૂર્વક ચર્ચા કરી કે 'મેડ'ના આલ્ફ્રેડ ઈ. ન્યુમનની જેમ એની ગુજરાતી આવૃત્તિનો માસ્કોટ કેવો હોય. એનાં કપડાં કેવાં હોય. એ ચર્ચાનું પરિણામ એટલું આવ્યું કે અમે સંયુક્તપણે 'MADપૂર્વક' નામનું એક ફેસબુક પેજ શરૂ કર્યું. ઠીક ઠીક સમય સુધી અમે એને સક્રિય રાખ્યું, જેમાં ઈશાન ભાવસાર, ઈમરાન દલ જેવા મિત્રો પણ વખતોવખત ઉમેરો કરતા. મોટા ભાગના ફેસબુક પેજની બાબતમાં બને છે એમ પછી એ સુષુપ્ત બન્યું અને આ વિષય સિવાયના લોકો એમાં પોતાની પોસ્ટ ચોંટાડતા થયા એટલે એના સેટિંગમાં ફેરફાર કરવો પડ્યો.
આ જ સમયગાળામાં એક વાર અમદાવાદમાં અમે 'મૅડ'મિલન યોજ્યું. રાજુ ત્યારે અમદાવાદ આવવાના હતા. કશા ઔપચારિક ઢાંચા વિના એમાં દસ- બાર મિત્રો આવ્યા. 'નવજીવન'ની ગેલરીમાં અને પછી લોનમાં બેઠા. વાતો થઈ. અને સારો એવો સમય ગાળીને છૂટા પડ્યા.
એ પછી રાજુ અમારી સાથે રજનીભાઈને ઘેર આવ્યા. એક વાર્તાકાર અને બીજા હાડોહાડ વાર્તાપ્રેમી વચ્ચેના સંવાદના સાક્ષી બનવાનું મળ્યું. રાજુ સાથેની રૂબરૂ મુલાકાત એક માત્ર આ જ.
એ પછી ફેસબુક પર અને ફોનથી સંપર્ક થતો રહેતો. 'વારેવા'નો આરંભ કરવાનો હતો ત્યારે તેમનો ફોન આવ્યો. મને એમ કે તેઓ મને વાર્તાલેખન તરફ લઈ જવા માગતા હશે. આટલી વાતચીતે મને એટલું સમજાયેલું કે રાજુ બહુ મૃદુતાથી, આપણી સાથે વાત કરીને સંમત થતાં થતાં, અને અમુક મુદ્દે ભિન્નતા દર્શાવતાં, પોતાના ધ્યેય તરફ લઈ જઈ શકે એવી કળા ધરાવે છે. એટલે મેં પહેલાં જ એમને જણાવી દીધું કે વાર્તાલેખનમાં મને હાલ કશી રુચિ નથી. તેમણે કંઈક જુદો જ ફટાકડો ફોડ્યો. કહે, 'તમારે એમાં કાર્ટૂન ચીતરવાનાં છે, અને એ પણ સાહિત્યનાં.' મેં એમને એ બાબતે મારી જે અણઆવડત દર્શાવી એ બધી જ તે જાણતા હતા, અને છતાં ઈચ્છતા હતા કે હું એ બનાવું. રાજુના એ પ્રોત્સાહન અને પહેલ થકી 'વારેવા'ના પહેલા જ અંકથી મારાં બનાવેલાં કાર્ટૂન એમાં પ્રકાશિત થવા લાગ્યા.
રાજુ ઈચ્છતા કે હું કાર્ટૂનના શો વ્યાવસાયિક ધોરણે, મોટા હોલમાં કરું. એ માટે જરૂરી વ્યવસ્થાશક્તિ અને આયોજન કરવાની મારી માનસિકતા નહોતી. તેમણે મને એ વખતે સ્ક્રેપયાર્ડનું નામ સૂચવ્યું, જેમાં તેઓ પોતે વાર્તાશિબિર યોજી ચૂકેલા. સ્ક્રેપયાર્ડ સાથે એ વખતે તો મારું જોડાણ ન થયું, પણ પછી થયું ત્યારે એવું મજબૂત રીતે થયું કે એને ધ્યાનમાં રાખીને હું અવનવા કાર્યક્રમ વિચારતો થયો. એ જોઈને રાજુ બહુ રાજી થતા. આમ તો, તેમણે કરેલા સૂચનનો જ એ અમલ હતો એટલે વિશેષ.
રાજુ સાથે અનિયમીત ફોનવ્યવહાર હતો. ફેસબુક પર એક વાર તેમણે પોતાના ફિલ્મપત્રકારત્વના કેટલાક કિસ્સા લખેલા. એ વાંચીને મેં તેમને ફોન કર્યો અને કહ્યું કે 'જલસો' માટે આ સળંગસૂત્રે લખી આપો. રાજુએ એમની પ્રકૃતિ મુજબ મને જાતભાતના સવાલ પૂછ્યા, જેનો અર્થ એટલો હતો કે એમાં કોને રસ પડશે? હકીકતમાં તેઓ એ ન લખવાનું બહાનું શોધતા હતા એમ મને લાગ્યું, એટલે મેં કહેલું, 'અમને સંંપાદકોને એમાં રસ છે.' દરમિયાન તેમને દિલ્હી જવાનું થયેલું. ત્યાંથી એમણે એક વાર બે પાનાં લખી મોકલ્યાં અને પૂછ્યું, 'વાત બને છે?' મેં જવાબમાં લખ્યું, 'તમે આવું બધું ન પૂછો. મને અધૂરું ન મોકલશો. વાત બનવાની જ છે. એટલે હવે સીધો લેખ જ મોકલશો.'
આ પછી અમારી ખાસ વાત થઈ નહીં. દરમિયાન ફેસબુક પર તેમનું અકાઉન્ટ હેક થયું અને તેમણે નવું અકાઉન્ટ બનાવ્યું. તેમની તબિયત લથડવા લાગી અને એ છેક છેલ્લા તબક્કામાં પહોંચી ગયા એનો કશો અણસાર જ મને નહોતો. તેમનું અવસાન થયું એ દિવસે સવારે જ ઉર્વીશે મને રાજુ અંતિમ તબક્કામાં હોવાના સમાચાર આપ્યા. અને બપોરે તો કિશોરભાઈનો શોકસંદેશ આવ્યો.
રાજુ એવા મિત્ર હતા કે ઘણી બધી રીતે આપણે તેમની સાથે સંમત ન પણ હોઈએ. પણ તે સામાવાળાની વિચારશક્તિને પ્રજ્વલિત અવશ્ય કરી શકે. તેમની એ ક્ષમતા હતી અને ગમતી પ્રવૃત્તિ પણ. એકની એક જ વસ્તુને બીજી કઈ કઈ રીતે જોઈ શકાય એ રાજુ પાસેથી બહુ સહજપણે જાણવા અને ઈચ્છો તો શીખવા મળે. શાલીન, તર્કબદ્ધ રીતે દલિલ શી રીતે કરવી, પોતાનો મત શી રીતે નમ્રતાથી, છતાં દૃઢતાથી મૂકવો અને સામાવાળાની વાહિયાત દલીલને જરાય કડવાશ વિના 'ઠીક' કહીને શી રીતે અવગણવી એ રાજુ પાસેથી શીખવા મળે.
કેટલા ટૂંકા સમયમાં નીલેશભાઈ, દિલીપભાઈ અને હવે રાજુએ પણ વિદાય લીધી. તેમની અણધારી વિદાયનો આંચકો લાગે, અને એ ઓસર્યા પછી વિચારીએ તો એ પણ જણાય કે આપણા જીવનના એકાદા ખૂણાને તેમણે પોતાના વ્યક્તિત્વથી અજવાળ્યોય છે. બસ, એ જ તેમની સાથેની મૈત્રીનું સરવૈયું.
No comments:
Post a Comment