કેટલીક ક્ષણો, ઘટનાઓ, પાત્રો, સૂત્રો ઐતિહાસિક બની રહ્યાં છે. જેમ કે, 'રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો', 'કોલંબસે અમેરિકા શોધ્યું' વગેરે...પણ આ ઐતિહાસિક બાબતની પૃષ્ઠભૂમિ જાણનારા ઓછા હોવાના.
રાજકારણીઓ ઈતિહાસમાં ચેડાં કરે એ બાબત ગંભીર છતાં હાસ્યાસ્પદ હોય છે. પણ 'મેડ' જ્યારે એમ કરવા જાય ત્યારે તે હાસ્યાસ્પદ હોવાની સાથેસાથે પૂરેપૂરી ગંભીરતાથી કરતું હોય છે. ઈતિહાસ 'મેડ'નો પ્રિય વિષય છે. મહાન વ્યક્તિઓનાં અવતરણો અને તેની પાછળની સચ્ચાઈ, મહાન વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચીજો વગેરે 'મેડ'માં અવારનવાર જોવા મળતાં.
અહીં આવો જ એક વિષય છે: 'More MAD Candid snapshots of historical celebrities.' કેટલાંક ઐતિહાસિક પાત્રો જે લાક્ષણિકતા માટે જાણીતાં છે ત્યાં સુધી તેઓ શી રીતે પહોંચ્યાં?
એક એક ચિત્ર અલગ અલગ કાળખંંડ અને તેનાં પાત્રો દર્શાવે છે. મઝા એ છે કે નીચે સંદર્ભ પૂરતું લખાણ છે, બાકીનું ચિત્ર જોઈને સમજવાનું છે.
થોડી વાત આ લેખક-ચિત્રકાર પૉલ પીટર પોર્જિસ (પોર્ગસ)/Paul Peter Porges વિશે. 2016માં 89 વર્ષની વયે 'ટેં' થઈ ગયેલા આ ચિત્રકારનાં ચિત્રોની શૈલી કાર્ટૂનમાં હોય છે એવાં રેખાંકનોની નહીં, બલ્કે પેઈન્ટિંગમાં હોય છે એ રીતની હતી. તેમનાં મૂળ ચિત્રો રંગીન હશે કે કેમ એ ખ્યાલ નથી, પણ શ્વેતશ્યામ ચિત્રોમાં ત્રણ-ચાર ટોન જોવા મળે. ડિટેઈલીંગ પણ ખાસ્સું કરેલું જણાય. અહીં મૂકેલા ચિત્રમાં ડૉ. લિવિંગ્સ્ટન કે કિંગ ડેવિડવાળું ચિત્ર જોવાથી આ બાબતનો ખ્યાલ આવશે. આગળ ઉપર પોર્જિસનાં અન્ય ચિત્ર જોઈશું તેમાં પણ આ બાબત ધ્યાને પડશે.
No comments:
Post a Comment