Monday, September 20, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (14)

 ગુજરાતી બોલીઓ અનેક છે, જે પ્રદેશ, જાતિ અને વર્ગ મુજબ પણ આગવી હોય છે. પારસીઓ દ્વારા ચલણી બનેલી ગુજરાતી બોલી એ જ રીતે આગવી તરી આવે છે. તેમની બોલવાની લઢણને લીધે એ સાંભળવી ગમે છે, મીઠી લાગે છે. અમુક શબ્દપ્રયોગો તેમની ખાસિયત હોય છે, તો અમુક શબ્દપ્રયોગો તેમની ધારી લેવાયેલી ખાસિયત હોય છે, જે ફિલ્મો યા નાટકોને કારણે 'સ્ટીરિયોટાઈપ' બની રહે છે. જેમ કે, પારસીઓ સંબોધનમાં 'ડીકરા', કે 'ડીકરી'નો ઉપયોગ કરતા બતાવાય છે. એ કેટલું સાચું એ ખબર નથી, પણ મેં હોમાય વ્યારાવાલાને મોંએ કદી એ સંબોધન સાંભળ્યું નથી.

ઘણા શબ્દો એવા હતા કે જે તેમના મોંએ અમે પહેલી વાર સાંભળેલા. 'મગજમારી'ને બદલે તે 'મસ્તકમારી' કહેતાં. 'મગજ' કે 'દિમાગ'ને બદલે તે 'ભેજું' બોલતાં. તેમના ગુજરાતી ઉચ્ચારો મજા આવે એવા, પણ અંગ્રેજી ઉચ્ચારો એકદમ શુદ્ધ. એમણે મને ગુજરાતીમાં પત્ર લખ્યો ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે તે 'કોઠારી'ને બદલે 'કોથારી' બોલતાં હશે, કેમ કે, સામાન્ય વ્યવહારમાં સંબોધનની જરૂર પડતી નહીં, અને પડે તો 'બીરેનભાઈ'થી કામ ચાલી જતું.
એક વાર અમે પરસ્પર નક્કી કરી લીધું કે એ અમને કામ સોંપે અને અમારે એ કરવાનું છે, એટલે સાથે અમે (મેં અને કામિનીએ) એ પણ શરત મૂકી કે એમણે અમને 'થેન્ક્સ' કહેવું નહીં. એવું આછું આછું યાદ આવે છે કે મેં એમ પણ કહેલું કે તે જેટલી વાર મને 'થેન્ક્સ' કહે એની ડાયરીમાં અમે અલગથી નોંધ રાખીશું, અને એનો વધારાનો ચાર્જ વસૂલીશું. આ શરત પરસ્પર નક્કી થયા પછી પણ શરૂ શરૂમાં એવું થતું કે એ આદતવશ 'થેન્ક્સ' બોલી જતાં, અને બોલી દીધા પછી તરત ખ્યાલ આવતાં એટલે દાંત તળે જીભ દબાવીને જાણે કે પોતાનાથી ભૂલ થઈ ગઈ છે એનો એકરાર કરતાં. અમે એમને કહેતાં, 'ચાલો, આનો ચાર્જ નહીં ગણીએ, બસ?' એટલે એ ફરી પાછાં આદતવશ 'થેન્ક્સ' કહેતાં અને અમે બધાં ખડખડાટ હસતાં. આ ક્રમ મોટે ભાગે અમે જવા માટે ઊભા થઈએ અને તે અમને વિદાય આપવા માટે દાદર સુધી આવે ત્યાં સુધીનો રહેતો. એને કારણે બેય પક્ષ બહુ પ્રસન્નતાપૂર્વક છૂટા પડતા.
અહીં એક પત્ર મૂક્યો છે, જે હોમાયબહેને ગુજરાતીમાં લખ્યો છે. તેમના ગુજરાતી અક્ષરો, ગુજરાતી શબ્દો અને જોડણી રસ પડે એવી છે. એની સાથેસાથે 'થેન્ક્સ' ન કહેવાના નિયમનું પાલન કરીને તેમણે શી રીતે સૌજન્ય જાળવ્યું છે એ પણ મઝાનું છે.

No comments:

Post a Comment