Thursday, September 2, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (20)

ચિત્રયાત્રાની ઝલક  

વિષયવસ્તુની રીતે નહીં, પણ શૈલીની રીતે જોઈએ તો ભૂપેન ખખ્ખરનાં ચિત્રોમાં આવતું રહેતું પરિવર્તન એકદમ સ્પષ્ટપણે પામી શકાય છે. ભૂપેન ખખ્ખરનાં ચિત્રો વિશે વાત કરતી આ શ્રેણીની આ વીસમી કડી છે. અગાઉની કડીઓમાં ભૂપેનનાં ચિત્રોના વિવિધ આયામો અને તેમની શૈલી વિશે ઠીકઠીક વાત કર્યા પછી હવે તેને સળંગસૂત્રે જોઈ શકાય એવો આ મુકામ છે.

સાવ શરૂઆતમાં ભૂપેને કોલાજ બનાવ્યા. આ કોલાજમાં લાલ, પીળા, ભૂરા જેવા ભડક રંગો અને તેની વચ્ચે તૈયાર ઓલીઓગ્રાફમાંથી ફાડેલાં વિવિધ ચિત્રો લગાવ્યાં હતાં. ભડક રંગની વચ્ચે વચ્ચે ગ્રાફીટી જેવું લખાણ પણ ખરું, જે એક પ્રકારે દેવીદેવતાનાં ચિત્રોની 'પવિત્રતા' સાથે વિરોધાભાસ, અને તેને લઈને અનાયાસ રમૂજ સર્જતું હોય.

Interior of a muslim house

એ પછીના અરસામાં તેમણે લઘુચિત્રોની શૈલી અપનાવી, જેમાં વિષયો આધુનિક, અને તેની બારીકી તેમજ માવજત લઘુચિત્રશૈલી જેવી હોય. આમાં માનવાકૃતિઓ ઘણી નાની હતી.

Ghulam Mohammad Sheikh with
Tom Hancock by Bhupen Khakhar

એ પછીના ગાળામાં તેમણે માનવાકૃતિઓને તેની પૃષ્ઠભૂમિ સાથે ચીતરવાનું શરૂ કર્યું. આ ચિત્રોમાં 'વ્યાપાર ચિત્રો'ની શ્રેણી ઉપરાંત બીજાં અનેક ચિત્રો હતાં. અહીં માનવાકૃતિઓ પ્રમાણમાં મોટી, તેની પૃષ્ઠભૂમિમાં અત્યંત ઝીણવટભર્યું આલેખન અને થઈ રહેલી વિવિધ ગતિવિધિઓ મુખ્ય હતી.



'યુ કાન્ટ પ્લીઝ ઑલ' ચિત્ર પછીનો અરસો તેમનાં ચિત્રોમાં સમલૈંગિકતાના સીધા પ્રવેશનો છે. આ અરસામાં માનવાકૃતિઓ પૂર્ણ કદની અને ઘણે ભાગે પૃષ્ઠભૂમિમાં મર્યાદિત વસ્તુઓ દર્શાવાતી હતી. આ જ વિષયમાં અગાઉની શૈલી પણ જોવા મળતી ખરી, છતાં તેની સરખામણીએ પૂર્ણ કદની માનવાકૃતિઓવાળાં ચિત્રો વધુ ધ્યાન ખેંચે એવાં બની રહ્યાં. તેમનાં ઘણાં ચિત્રોમાં માત્ર ને માત્ર માનવાકૃતિઓનું પ્રભુત્વ હોય એવું બનવા લાગ્યું. તેમની પ્રમાણમાપ વિનાની માનવાકૃતિઓ પણ જોનારને તરત આકર્ષે એવી, અને વાસ્તવિકતાનો અહેસાસ કરાવે એવી હતી.



એથી આગળ જતાં તેમણે કેવળ ચહેરાને ચીતરવાનું શરૂ કર્યું. વિવિધ લોકોના ચહેરા તેમનાં ચિત્રોમાં સ્થાન પામવા લાગ્યા. જો કે, એમાં ઘાયલ, બિમાર વગેરે ચહેરા વધુ પ્રમાણમાં હતા એમ કહી શકાય. સાથેસાથે તેમણે કેવળ બાહ્ય શારિરીક બાબતોને બદલે આંતરિક બાબતો ચીતરવાનું શરૂ કર્યું. શિરા, ધમની, શરીરની અંદર રહેલાં વિવિધ અંગો વગેરે. આ બધું ઘણી વાર જુગુપ્સાપ્રેરક લાગે એ હદે ચીતરાતું. પણ કદાચ એ ચિત્રો ભૂપેનના ખુદના શારિરીક દ્વંદ્વની અવસ્થાને કારણે ચીતરાયાં હશે એમ જણાય છે. તેમને પોતાને થયેલા પ્રોસ્ટેટના કેન્સર પછી શરૂ થયેલી કીમોથેરાપીની સારવાર અત્યંત કષ્ટદાયક હતી. શરીરના બાહ્ય આવરણના મોહની વ્યર્થતા આવી માનસિકતા વખતે વધુ સમજાય અને તેનું પરિણામ આવાં ચિત્રો હશે એમ જણાયા વિના રહે નહીં.



અહીં તેમના આ તમામ તબક્કાના પ્રતિનિધિ ચિત્રો એક એક કરીને મૂકેલાં છે.

No comments:

Post a Comment