Friday, October 1, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (15)

વાસ્તવદર્શિતાની દૃષ્ટિએ એકદમ કઠોર કહી શકાય એવાં હોમાય વ્યારાવાલાએ પોતાના મૃત્યુ બાબતે ન વિચાર્યું હોય એમ બને? પારસીઓની પરંપરાગત અંતિમ વિધિની તેમની ઈચ્છા નહોતી. એનું કારણ એમના મતે સ્પષ્ટ હતું. ગીધની સંખ્યા ઘટી રહી હોવાને કારણે પોતાનો દેહ એમને કામમાં આવે નહીં, અને એ પડ્યો પડ્યો સડતો રહે. તેને બદલે અગ્નિસંસ્કાર બહેતર ગણાય. અલબત્ત, એક તબક્કે મારાં ઘરનાં સભ્યોએ (કનુકાકા, પપ્પા, મમ્મી, ઉર્વીશ અને સોનલ) દેહદાન માટેનું ફોર્મ ભર્યું એ અંગે તેમને મેં જણાવ્યું. તેમને પણ એ યોગ્ય લાગ્યું. આથી તેમણે મારી પાસે એ ફોર્મ મંગાવ્યું અને ભર્યું પણ ખરું. જો કે, એ પછી કયા કારણસર એ ફોર્મ સંબંધિત સ્થળે ન મોકલાવ્યું એ અત્યારે હું ભૂલી ગયો છું.

પરેશ પ્રજાપતિની તેમની સાથેની નિકટતા વધી એ પછી એક સમયગાળો એવો હતો કે તે પોતાના અંતિમ સંસ્કાર અને મરણોત્તર વિધિ અંગે તેની સાથે વાત કરતાં રહેતાં. આ વાત પરેશ માટે જીરવવી બહુ કપરી હતી. જો કે, હોમાયબેન બહુ હેતુલક્ષિતાપૂર્વક, જરાય લાગણીશીલ થયા વિના એ વાત કરતાં. એ અરસામાં તેમણે બે લખાણનો મુસદ્દો લખી રાખેલો, જેને તેમણે એ પછી સહેજ ફેરફાર સાથે વીલમાં સમાવેલો. એક મુસદ્દો હતો પોતાના અંતિમ સમય વિશેનો, જ્યારે બીજો મુસદ્દો હતો પોતાના અંતિમ સંસ્કાર અંગેનો.

મૂળ અંગ્રેજીમાં લખાયેલા એમાંના એક મુસદ્દાનો ગુજરાતી અનુવાદ અહીં મૂકું છું.

"હું, હોમાય વ્યારાવાલા, આ મારા સ્વસ્થ અને સાબૂત તનમન સાથે લખી રહી છું.

મને મૃત્યુનો ડર નથી, મને ડર છે પીડાનો. મારા જીવનની અંતિમ ક્ષણો દરમિયાન મારે પીડાનો ભોગ બનવાનું આવે અને મારી મેળે નિર્ણય લેવાની સ્થિતિમાં હું ન હોઉં તો દવા તરીકે કેવળ પેઈનકીલર્સ આપીને, જીવન લંબાવતાં આધુનિક ઉપકરણોના ઉપયોગ વિના, ગરિમાપૂર્ણ મૃત્યુની હું વિનંતી કરું છું.

મને કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં ન આવે, પણ કૅરટેકરની મદદથી ઘેર જ સારવાર કરવામાં આવે. તેનો તમામ ખર્ચ તેમજ મારા દેહની અંતિમ વિધિનો ખર્ચ મારી સંપત્તિમાંથી ચૂકવવામાં આવશે.

મારા મૃત્યુ બાદ મારા દેહના નિકાલ માટે તેને કોઈ માન્ય સ્મશાનગૃહે લઈ જવામાં આવે. પણ એમ કરતાં અગાઉ કોઈ ડૉક્ટરનો સંપર્ક કરીને એ તપાસવામાં આવે કે મારું કોઈ અંગ પ્રત્યારોપણ માટે ઉપયોગ થઈ શકે એમ છે કે કેમ. યોગ્ય લાગે તો એ લેવું.

મારા મૃત્યુ બાદ કોઈ ધાર્મિક વિધિ કરવાની હોય તો એને એક વર્ષના ગાળામાં જ સંપન્ન કરવી- એ પછી કશું જ નહીં.

મારી ઈચ્છાઓને માન આપશે એમને મારો અંતરાત્મા આશીર્વાદ આપશે.

હોમાય વ્યારાવાલા

-------------------

17-6-06


No photo description available.

No comments:

Post a Comment