હોમાય વ્યારાવાલા વિશે વાત કરતી વખતે બે મુખ્ય બાબત ધ્યાન રાખવા જેવી છે. અહીં તેમના હસ્તાક્ષરમાં લખાયેલા પત્રો/ચિઠ્ઠીઓ/નોંધ મૂકું છું, અને તેમના હસ્તાક્ષર સૌને આકર્ષે છે. એ યોગ્ય જ છે, કેમ કે, 90 વટાવ્યા પછી સહેજ પણ ધ્રુજારી વિનાના, છટાદાર અક્ષરો કોને પ્રભાવિત ન કરે! પહેલી-બીજી વાર પૂરતું એ બરાબર છે. પણ મારો મુખ્ય આશય તેમનાં લખાણ અને એમાંથી નીતરતો તેમનો પ્રબળ જીવનરસ દર્શાવવાનો છે. વાંચનાર પણ કેવળ અક્ષર પર અટકી જવાને બદલે લખાણને એ રીતે જુએ તો વધુ મઝા આવશે. તેમની જન્મતારીખ 9 ડિસેમ્બર, 1913 હતી, અને મારો તેમની સાથે નિયમિત સંપર્ક 2000ના અંતથી કે 2001ની આસપાસ થયો હશે. એટલે કે ત્યારે જ તેમની વય 89-90ની હતી. આથી તેમનાં તમામ પત્રો એ પછીના ગાળાના છે. હવે આજની વાત.
અમારી નિયમિત મુલાકાત દરમિયાન એક વખત તેમણે અમને એક પત્ર વંચાવ્યો. એ છાપેલા પત્રમાં 'પારસી સેલ' વિશેની વાત હતી. વડોદરામાં ફતેગંજ નજીક દર વર્ષે અમુક સમયગાળામાં નિયમિતપણે 'પારસી સેલ' યોજાતું. આ પત્ર મુંબઈથી આવેલો. સેલના આયોજન અગાઉ આયોજકો કદાચ પોતાના સમુદાયના લોકોને તેની જાણ આ રીતે કરતા હશે, કેમ કે, અખબારમાં તેની જાહેરખબર નહોતી આવતી. અમારા માટે આ સાવ અજાણ્યું વિશ્વ હતું, એટલે અમનેય કુતૂહલ થયું કે 'પારસી સેલ' કેવુંક હોય? એમાં શું વેચાય? હોમાયબેને કહ્યું કે પોતે નિયમિતપણે એની મુલાકાત લેતા હોય છે. અને આ વખતે પણ તે એ લેવાનાં છે. આથી અમે પ્રસ્તાવ મૂક્યો કે આપણે બધાં સાથે જઈએ. એ મુજબ અમે નિર્ધારીત દિવસે કાર લઈને તેમને ત્યાં ગયાં, અને તેમને લઈને સેલમાં પહોંચ્યા. પુસ્તકો, વસ્ત્રો, વાનગીઓ, શણગાર જેવી પારસીવિશેષ ચીજો જોવાની અમને બહુ મઝા આવી. હોમાયબેને પણ કશુંક ખરીદ્યું. મૂળ વાત એ કે આ ગોઠવણ અમને બહુ માફક આવી.
એ પછી જ્યારે પણ 'પારસી સેલ' યોજાવાની જાણ કરતો પત્ર તેમને મળે કે અમને તે જણાવી દેતાં. અહીં મૂકેલા પોસ્ટકાર્ડમાં તેમણે અમને આવી જ જાણ કરતો પત્ર મોકલ્યો છે. પોતે શું ખરીદવા ધારે છે એની સાથે સાથે તેમણે અમને કેવી લોભામણી ઑફર આપી છે એ જોવા જેવું છે.
પત્રનો અનુવાદ આ મુજબ છે:
'ડિયર મિ.એન્ડ મિસીસ કોઠારી,
તમને સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ સાથેનું નવું વર્ષ મુબારક. શનિ-રવિના દિવસે મુંબઈના 'પારસી સેલ'વાળા પારસી ધર્મશાળામાં આવી રહ્યા છે- જો તમને રસ હોય તો. હું કદાચ વિનેગાર ખરીદવા માટે જાઉં. ફ્રૂટ કેક બનાવવાની મોસમ ચાલી રહી છે. તમે મારી અજમાયશ કરવા અને મારી મદદ ઈચ્છતા હો તો મને લઈ જવા માટેની તારીખ અને સમય જણાવશો.
ઉષ્માસભર
શુભેચ્છાઓ
.હોમાય વી."
આવી ઑફર કેમ ટળાય? તેમણે પોતે તો લિજ્જતદાર કેક બનાવી અને અમને ખવડાવી, સાથે એ શી રીતે બનાવવી એની ટીપ્સ પણ આપી.
No comments:
Post a Comment