Wednesday, September 15, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (10)

 હોમાય વ્યારાવાલા સાથે પરિચય થયો ત્યારથી તેમને અમે 'હોમાયબેન' તરીકે જ સંબોધતાં. એનું કારણ હતું. એક તો મને કદી કોઈ વયસ્ક સ્ત્રીને 'માસી', 'કાકી' કે પુરુષ માટે 'કાકા', 'દાદા' જેવું સંબોધન મોંએ ચડતું નથી. એવી જરૂર પણ લાગી નથી. બીજું કે મને જે મળ્યા એ લોકોમાં સામેવાળાને એવી કોઈ અપેક્ષા હોતી નથી કે એને અમુકતમુક રીતે સંબોધવામાં આવે. પણ હોમાયબેનને મળવા આવનારા, કે તેમના ખબરઅંતર મને પૂછતા લોકોને ઘણી મૂંઝવણ થતી.

તે પારસી હતાં એટલે ઘણાં તેમને 'માયજી' કહેતાં, તો કોઈક તેમના માટે મારી આગળ 'બાનુ' શબ્દ પણ વાપરતું. કોઈક તેમને 'હોમાયજી' કહેતું, અને એમ જ લખતું, તો શુદ્ધ ઉચ્ચારના આગ્રહીઓ એમને 'હુમાયુબેન' કહેતા. એટલું સારું હતું કે હોમાયબેનને શ્રવણની તકલીફ હતી, અને આવાં સંબોધનો તેમને ખાસ સંભળાતાં નહીં. એક કાર્યક્રમમાં તેમણે પોતાને માટે 'હુમાયુબેન' સાંભળ્યું ત્યારે તે બહુ હસેલાં.

તેમને મળવા આવનારના હેતુઓ જુદા જુદા રહેતા. હણા કુતૂહલવશ, કોઈક મ્યુઝિયમમાં રહેલી કળાકૃતિ જોવા આવે એ રીતે તેમને 'જોવા' આવતા, અને કળાકૃતિ જોતાં વર્તે એ રીતે જ વર્તતાં. અમુક જણા તેમની 'ખ્યાતિ' સાંભળીને, તેમનાથી અંજાઈને આવતાં, અને તેમને મળતાં જ તેમનાં ચરણોમાં લેટી પડતા. અમુક જણ મળવા આવે તો નીચા નમીને તેમને 'પગે લાગવાની' ચેષ્ટા કરતા. હોમાયબેન આ બધાથી ટેવાઈ ગયેલાં. શરૂમાં તે કદાચ અકળાતાં હશે, પણ પછી તેમને આ બધું જોઈને રમૂજ થતી.
તેમને લઈને હું એક કાર્યક્રમ માટે અમદાવાદ ગયેલો. આયોજકોએ ધારેલું નહીં એવી સરળતાથી હોમાયબેન આવેલાં. અલબત્ત, એ પછી તેમની યોગ્ય આગતાસ્વાગતામાં આયોજકો કાચા પડેલા (એમ મને લાગેલું, હોમાયબેનને નહીં.) પણ એ કાર્યક્રમ પૂરો થયા પછી આયોજકોમાંના એક ભાઈ, જેમણે મારા દ્વારા હોમાયબેન સાથે કમ્યુનિકેશન કરેલું એ આવ્યા, અને હોમાયબેનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ સજ્જન પોતે પાંસઠ-સિત્તેરના હશે, અને કદાચ હોમાયબેનને જોઈને ભાવાવેશમાં આવી ગયા હશે. જો કે, મને એમ લાગેલું કે હોમાયબેને એમને આયોજક તરીકે કશી તકલીફ ન આપી એનો એમને વધુ આનંદ હતો.
બીજા એક સિનીયર તસવીરકાર એક વાર હોમાયબેનને ઘેર આવી ચડ્યા. 'માયજી', 'મધર' જેવાં સંબોધનોથી તેમણે હોમાયબેનને નવાજ્યાં અને કોઈ મ્યુઝિયમમાં ફરતા હોય એમ તેમના ઘરમાં ફરી વળ્યા. 'આ બધું એમની જાતે શી રીતે કરે છે?', 'એમનું થઈ રહે છે?' જેવા પ્રશ્નો એમણે ત્યાં હાજર રહેલા મિત્ર પરેશ પ્રજાપતિને પૂછ્યા, જેના જવાબ એમને અપેક્ષિત નહોતા. પોતાનું એક પુસ્તક તેમણે 'માયજી'ને ભેટ આપ્યું, પણ એ અગાઉ ટીપ્પણી કરી, 'ડોસી બહુ કંજૂસ લાગે છે.' આ સાંભળીને પરેશને બહુ માઠું લાગેલું. પછી તેણે મને આ બાબતે ફરિયાદ કરેલી. મને થયું કે હોય હવે! 'મધર' માટે 'છોરુ' ગમે એ કહી શકે, એમાં શું? એ છોરુ ભલે ને પંચોતેર વરસનું હોય!
મારી અને હોમાયબેનની વચ્ચે સહેજે પચાસેક વરસનો તફાવત હતો. તેમની સાથે મને જોઈને ઘણાને આશ્ચર્ય થતું અને તેઓ પૂછતા કે હું એમનો શું થાઉં. આ મૂંઝવણનો ઉકેલ હોમાયબેને પોતે જ આપી દીધેલો.
તેમના એક જૂના સ્નેહીને મળવા માટે અમે વિદ્યાનગર ગયેલા. એ સજ્જન ઈજનેરી કૉલેજના પ્રાધ્યાપક રહી ચૂકેલા. મને જોઈને તેમણે પૂછ્યું, 'આપ ઈનસે કૈસે જુડે હો?' હું વાત ક્યાંથી શરૂ કરવી એની મૂંઝવણ અનુભવતો હતો ત્યાં હોમાયબેને કહ્યું, 'એવન મારા ફ્રેન્ડ છે.' આ સાંભળીને પેલા સજ્જન ઓર મૂંઝાયા, પણ હવે અમારો સંબંધ સ્પષ્ટ થઈ ગયો હતો એટલે હસી પડ્યા અને કહે, 'યાર, હમસે ભી દોસ્તી કર લો!'
હોમાયબેને આપેલી આ ઓળખાણ પછી મારા માટે કાયમી મૂંઝવણ ટળી ગઈ. એવન મારાં ફ્રેન્ડ હતાં, અને ફ્રેન્ડ આપણાથી વયમાં મોટા હોય, મહિલા હોય તો એમની પાછળ આદરસૂચક રીતે 'બેન' લગાવવું જોઈએ. એટલે એમના માટે અમારું સંબોધન 'હોમાયબેન' જ રહ્યું. ન હોમાયજી, ન માયજી, ન મધર, કે ન બાનુ. એ મને 'મિ.કોઠારી' કહેતાં, કે પછી 'બીરેનભાઈ'. એમણે પણ કદી તુંકારો વાપર્યો નથી. નહીંતર એ તો એમ કરવાના હકદાર હતાં.

હોમાયબેને અમને કરેલાં વિવિધ સંબોધનો 


No comments:

Post a Comment