સર્જનને આપણે બહુ સાંકડી વ્યાખ્યામાં કેદ કરી દીધું છે. સાહિત્યિક કે કળાકીય સર્જનને જ આપણે સામાન્ય રીતે સર્જન ગણતા હોઈએ છીએ. હોમાય વ્યારાવાલાનો અભિગમ સર્જનશીલ હતો એમ હું કહું ત્યારે એ બાબત પર મારે ખાસ ભાર મૂકવો રહ્યો કે તેમનામાં કલા, કસબ અને કારીગરી આ ત્રણે બાબતોનો જૂજ સંગમ હતો. આ ત્રણે શબ્દો વચ્ચે ઘણો ભેદ છે.
અન્ય કામ માટે લવાયેલી, અને એ ક્ષેત્રે તેનો ઉપયોગ પૂરો થઈ ગયા પછી ઘરમાં જ રહેલી ચીજોનો કળાત્મક ઉપયોગ શી રીતે કરવો એની તેમને જબ્બર સૂઝ હતી. જેમ કે, તેમની પાસે કેમેરાનો એક ટ્રાયપોડ હતો, જેના પાયા લાકડાના (કદાચ વાંસના) હતા. એ ખાસ્સો ભારે હતો. તેનો ઉપયોગ હવે તેમને રહ્યો નહોતો. આથી એ જ ટ્રાયપોડ પર તેમણે તેને અનુરૂપ એક કૂંડું મૂક્યું હતું, જેમાં ઉગાડેલી મનીવેલ નીચે લટકતી હતી. મનીવેલ મને આનાથી સુંદર બીજે ક્યાંય જોવા મળી નથી.
તેમને ક્રોશે સરસ ફાવતું અને પોતાનાં જૂનાં સ્વેટર કે અન્ય ગરમ કપડાં તે જાતે જ રીપેર કરતાં. ક્રોશે માટેના સળિયા પણ તે જાતે જ વાળીને પોતાના ખપ મુજબ બનાવતાં.
તેમની પાસે તમામ પ્રકારનાં સાધનો હતાં. પોતાના મકાનના પ્રવેશદ્વાર જેવી ઝાંપલી તેમણે કરવત વડે કાપીને, તેને તારની ફ્રેમમાં એ રીતે તૈયાર કરી હતી કે ધીમે ધીમે પેલાં લાકડાં ઢીલાં થવા લાગ્યાં તો પણ તારની ફ્રેમે તેને પકડી રાખેલાં.
તેમનો એક મુખ્ય શોખ અવનવી વાનગીઓ બનાવવાનો હતો. આ વાનગીઓમાં તે તાર્કિક રીતે અખતરા કરતાં અચકાતાં નહીં. ક્યારેક અમે તેમને ઘેર જઈએ અને ચા પીએ તો એનો સ્વાદ એટલો અદ્ભુત હોય કે મઝા આવી જાય. ચા સાથે ક્યારેક તેમની બનાવેલી ફ્રૂટ કેક પણ હોય. લીંબુ કે નારંગીનાં ફોતરાં તે સાચવી રાખતાં. તેને તડકે સૂકવતાં. આ છોતરાંને ગરમ પાણીમાં ઉકાળવાથી તેની તૂરાશ જતી રહે અને તેને ઉપયોગમાં લઈ શકાય એવું તેમણે કહેલું. આ રીતે સૂકવેલાં છોતરાંનો તે ચામાં ઉપયોગ કરતાં. નારંગી અને લીંબુંનાં છોતરાનાં લાંબા અને પાતળા ટુકડા કરીને તેને એક શીશીમાં ચાસણીમાં બોળીને બંધ કરતાં અને તડકે મૂકતાં. એ રીતે તૈયાર થયેલી માર્મલેડ તે બ્રેડ સાથે ખાતાં. તેમને ઘેર જઈએ એટલે ક્યારેક અમે સામે ચાલીને લીંબુનું શરબત પીવાની માગણી કરતાં. એનું એક રહસ્ય હતું. લીંબુના શરબતમાં તે ચપટીક 'ઈનો' ઉમેરતાં, જેને કારણે એ શરબતનો 'પમરાટ' જીભે રહી જતો. આવી તો અનેક બાબતોમાં તેઓ અખતરા કરતા રહેતાં. એવું નહોતું કે દરેક અખતરા સફળ થાય, ક્યારેક એ નિષ્ફળ પણ જતા હશે. એ નિષ્ફળ અખતરામાંથી પણ એ કશુંક ઉપયોગી શોધી કાઢતા.
'રીડર્સ ડાયજેસ્ટ'નાં કે અન્ય પુસ્તકોમાં આવતી વાનગીઓની રેસિપી તે લખી રાખતાં. એમાં વિવિધ ચીજવસ્તુઓનાં અંગ્રેજી નામ તે ઉતારી લેતાં અને પછી ફુરસદે તેનું ગુજરાતી શોધતાં. મને આની જાણ થયા પછી તેમની આ શોધયાત્રામાં ક્યારેક હું પણ સામેલ થતો. મને તેમણે લખેલા ગુજરાતી શબ્દો વાંચવાની બહુ મજા આવતી.
તેમની પાસે રહેલી ઈલેક્ટ્રિક ઓવન અને માઈક્રોવેવ ઓવનનો તે ભરપૂર ઉપયોગ કરતાં. જૂની માઈક્રોવેવ ઓવન અને એ રીપેર થઈ ન શકી ત્યારે તેમણે એ નવી ખરીદી લીધી. દિલ્હીસ્થિત એક મિત્ર અશીમ ઘોષ તેમને ત્યાં આવેલો અને એ બન્ને જઈને માઈક્રોવેવ ઓવન ખરીદી લાવેલાં.
અહીં હોમાયબેને લખેલાં વિવિધ ચીજવતુઓનાં નામ, ક્યાંક તેમણે લખેલું ગુજરાતી અને વાનગીલક્ષી ટીપ જોઈ શકાશે. (જેમ કે, કેકની સપાટી પર ડિઝાઈન શી રીતે પાડવી)
'એકલા માટે કોણ બધી ઝંઝટ વહોરે!' એ વાક્ય તેમના મોંએ કદી આવ્યું નથી, કેમ કે, રાંધવું એ પણ તેમના જીવનરસનો એક સ્રોત હતો.
No comments:
Post a Comment