જીવન જીવવાની તીવ્ર એષણાને આપણે 'જિજીવિષા' તરીકે ઓળખીએ છીએ. હોમાય વ્યારાવાલામાં એ હતી કે કેમ એ વિષે હું ખાતરીપૂર્વક કહી શકતો નથી, પણ એટલું ચોક્કસ કહી શકું કે તેમનો જીવનરસ પ્રબળ હતો. આ બન્નેમાં થોડો ભેદ હું પાડું છું. કોઈ પણ ભોગે જીવવું એ જિજીવિષા, અને જેટલું પણ જીવવું એ આનંદપૂર્વક જીવવું એ જીવનરસ. અમારો તેમની સાથે પરિચય જ તેમની 88-89ની વયે થયો હતો. ખબર હતી કે આ તેમના જીવનનો અંતિમ દાયકો હશે , પણ એમના મોંએ કદી 'મારે હવે કેટલાં કાઢવાનાં?' જેવા ઉદ્ગાર સાંભળ્યા નથી. હા, લોકોની વર્તણૂંકથી કે પોતાને પડતી મુશ્કેલીઓથી એ કંટાળતાં ખરાં, અને એ બાબતે નારાજગી વ્યક્ત કરતાં, પણ એને લઈને કદી જીવન વિશે વાત કરતાં નહીં.
ઑગષ્ટ, 2007માં તેમને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એક કાર્યક્રમમાં હાજર રહેવા માટે નિમંત્રણ મળ્યું. આ આયોજન કદાચ સબીના દ્વારા કરવામાં આવેલું. કાર્યક્રમ મે, 2008માં હતો. પાસપોર્ટ પહેલાં હતો, પણ અત્યારે નહોતો. તેમની વય ત્યારે 93-94ની. તેમણે જવાનું નક્કી કર્યું. પાસપોર્ટ કઢાવવા માટેની જરૂરી વિગતો લગભગ સબીનાએ દિલ્હીથી મોકલી હતી, પણ તેનો અમલ અહીં હોમાયબહેને કરવાનો હતો.
તેમણે લખેલા પત્રનો ગુજરાતી અનુવાદ.
"ડિયર મિ. કોઠારી,
હમણાં જ મને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 7 મે, 2008ના એક કાર્યક્રમ માટેનું નિમંત્રણ મળ્યું છે. એનો અર્થ એ કે મારે મારો પાસપોર્ટ મેળવવો પડશે. એ માટે જરૂરી ચીજોની યાદી હું વાંચી ગઈ છું. એમાંથી મારી પાસે 1) 12 ફોટોગ્રાફ્સ 2) રેશન કાર્ડ 3) લાઈટ બીલ (જૂનું અને નવું 4) જૂનો પાસપોર્ટ છે.
યાદીમાં ઉલ્લેખાયેલી અન્ય બાબતો બાળકોવાળા પરિવાર માટે છે અને ગવર્ન્મેન્ટ સર્વિસ એન.ઓ.સી. વેરિફિકેશન સર્ટિફિકેટ એટલે શું? હું મારું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ ઉમેરી શકું એમ છું.
તમે જ્યારે પણ તમારી અનુકૂળતા મુજબ મારે ત્યાં આવો ત્યારે હું બધું તૈયાર રાખીશ. આભાર અને તમને બન્નેને
શુભેચ્છાઓ
.
હોમાય."
આ પત્રની તારીખ 31 ઑગષ્ટ, 2007ની છે.
આ અગાઉ તેમને પોતાના પાસપોર્ટ સાઈઝ ફોટાની જરૂર હતી. તેમની નજીક આવેલા સ્ટુડિયોમાં લોખંડની સીડી ચડીને જવું પડે એમ હોવાથી તેમને અનુકૂળ નહોતું આવતું. આથી અમે એક રસ્તો વિચાર્યો. એક વાર હું મારો કેમેરા લઈને ગયો. અમે તેમના ધાબે ગયાં અને તેમનો ફોટો લીધો. એ ફોટાની પાસપોર્ટ સાઈઝ નકલો કઢાવી રાખી અને પછી એનો જ ઉપયોગ બધે કરવા લાગ્યાં.
હોમાયબેનના પાસપોર્ટ માટે સબીનાના પ્રયાસો પણ દિલ્હીથી ચાલુ હતા. તેમણે વળતાં લંડનના પ્રવાસની વિચારણા કરી રાખી હતી.
થોડા વખતમાં તેમનો પાસપોર્ટ તેમને ત્યાં આવી ગયો.
પાસપોર્ટ તેમને મળ્યો હોવાની જાણ કરતું પોસ્ટકાર્ડ તેમણે મને લખ્યું. એ લખાણનો ગુજરાતી અનુવાદ:
"હેપ્પી દિવાલી.
ડિયર મિ. કોઠારી,
ખૂબ આભાર. હમણાં જ મને દસ વર્ષ માટેનો પાસપોર્ટ મળી ગયો. કોઈ પણ ચીજનો-ખાસ કરીને નાણાંનો વેડફાટ કરવામાં હું માનતી નથી- તેથી મારે વધુ દસ વરસ જીવવું રહ્યું!
પરિવાર સાથે સુંદર સમયની
શુભેચ્છાઓ
.
હોમાય."
આ લખાણમાં એમનો મિજાજ આબાદ પ્રતિબિંબીત થાય છે. જિજીવિષા નહીં, પણ જીવનરસ છલકાય છે!
પાસપોર્ટ આવી ગયા પછી હોમાયબેનને લઈને અમારે અમદાવાદ ખાતે બ્રિટીશ વીઝા માટે જવાનું હતું. રજનીકુમાર પંડ્યાને આની જાણ થઈ એટલે તેમણે આગ્રહપૂર્વક સવારે તેમને ત્યાં થઈને અમને આગળ વધવાનું કહ્યું. રજનીભાઈને ત્યાં અમે ઉષ્માભર્યું આતિથ્ય માણ્યું અને પછી બ્રિટીશ વીઝા માટે ઉપડ્યાં. એ વિધિ પતાવ્યા પછી ઉર્વીશ અને બિનીત મોદી 'ગ્રીનહાઉસ'માં ભોજન માટે જોડાવાના હતા. આખો દિવસ બહુ સરસ રીતે પસાર થયો. હોમાયબેનને પણ ખૂબ મઝા આવી.
|
વીઝા માટે અમદાવાદની મુલાકાત વખતે 'ગ્રીન હાઉસ'માં કામિની કોઠારી- હોમાય વ્યારાવાલા (ઊભેલા) બીરેન અને ઉર્વીશ કોઠારી |
એ પછી તો તેઓ અમેરિકા- ઈન્ગ્લેન્ડના પ્રવાસે પણ ગયાં અને મજા કરીને પાછાં આવ્યાં. 'ત્યાં કેવું રહ્યું?'ના જવાબમાં એમણે લાક્ષણિક અંદાજમાં કહેલું, 'લાગે છે કે ફરી અમેરિકા જવું પડશે. આય વિઝીટમાં બહુ મજા નહીં આવી.'
અમેરિકાથી તે અમારા માટે નાનકડી ભેટ પણ લાવેલાં, જે અમે તેમની યાદગીરી તરીકે સ્વીકારેલી.
|
અમેરિકાના પ્રવાસ દરમિયાન ચરિત્રકાર સબીના સાથે હોમાય વ્યારાવાલા |
No comments:
Post a Comment