સમાપન ટાણે
ભૂપેન ખખ્ખરે ચીતરેલા ખ્યાતનામ ચિત્ર 'ગુરુ જયંતિ' વિશે પહેલી વાર અહીં લખ્યું ત્યારે ખ્યાલ નહોતો કે તેને પગલે અનાયાસે તેમનાં ચિત્રોના આસ્વાદની શ્રેણી આરંભાશે. ભૂપેન ખખ્ખરની જીવનકથા પર કામ કરતાં કરતાં તેમના દોરેલાં ચિત્રોને સમજવાનો મોકો મળ્યો. આથી એ વિશે આ માધ્યમ પર વાત થઈ શકી. જીવનકથાનું કામ અંતિમ તબક્કામાં છે, પણ તોય એને પ્રકાશિત થતાં આ વર્ષની આખર થશે એમ લાગે છે, કેમ કે, આ શ્રેણી થકી જ તેમના મિત્રોનો સંપર્ક થયો અને તેમણે અનેક વિગતો પૂરી પાડી છે. આ શ્રેણીની તમામ પોસ્ટ મારા બ્લૉગ પર લગભગ સમાંતરે મૂકતો રહ્યો છું. ત્યાં એ વાંચી શકાશે.
આ શ્રેણીમાં ભૂપેન ખખ્ખરના જીવન વિશે નહીં, પણ તેમનાં ચિત્રોના આસ્વાદનો ઉપક્રમ રહ્યો છે. જીવન વિશે તો પુસ્તકમાં વિગતે આલેખન છે જ. ચિત્રના આ માધ્યમ માટે ઘણા ખરા લોકો 'આપણને એમાં સમજ ન પડે'નો અભિગમ અપનાવતા હોય છે. એ વાત અલગ છે કે સમજ ન પડે એવી બીજી અનેક બાબતોમાં તેઓ ચાંચ મારતા હોય છે. આવા થોડાઘણા લોકોને પણ ચિત્રોને જોવામાં રસ પડ્યો હોય, અને તેઓ તેને એક આસ્વાદકની ભૂમિકાએથી જોવા-માણવાનો પ્રયત્ન કરે તોય ઘણું.
ભૂપેને પોતાના જીવનકાળ દરમિયાન અનેક ચિત્રો ચીતર્યાં છે. એમાંથી માત્ર પસંદગીનાં, મર્યાદિત ચિત્રોનો આમાં પરિચય કરાવ્યો છે. તેમની શૈલીની ખાસિયત જેવું વધુ એક ચિત્ર 'યજ્ઞ અથવા લગ્ન' આ શ્રેણીની આ છેલ્લી કડીમાં.
Yagya or Marriage |
No comments:
Post a Comment