Tuesday, September 7, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (2)

 હોમાય વ્યારાવાલાને એક વાર વિશ્વાસ બેઠો, અને અમારો સંબંધ 'દોસ્તી'માં પરિવર્તિત થઈ ગયો એટલે એમાં કેટલાક નિયમ બનાવવામાં આવ્યા. બે મુખ્ય નિયમ: એક- અમારે અરસપરસ કોઈ પણ કામ માટે એકબીજાને 'થેન્ક યુ' ન કહેવું. બે- નાણાંકીય 'ગરબડ' નહીં કરવાની. એટલે કે એમને માટે અમે જે કંઈ પણ નાનીમોટી ચીજવસ્તુ લઈ જઈએ તો એના પૈસા લઈ લેવાના. પહેલો નિયમ ભંગ થાય તો એમાં 'સોરી' કહીને છટકી જવાની જોગવાઈ હતી, પણ નિયમ નં.2નો ભંગ થાય તો....! તો પછી તે અમારી પાસે પોતાની વસ્તુઓ મંગાવતાં બંધ થઈ જાય. એ વખતે તે પોતે બહાર નીકળી શકતાં ન હતાં. આથી બીજા નિયમનો ભંગ અમને પાલવે એમ નહોતો.

શરૂઆતમાં અમે જઈએ ત્યારે હોમાયબહેન પોતે જ એમને યાદ હોય એ રીતે સોંપાયેલા કામની વિગતો એક કાગળ પર લખી રાખતા અને તેની સામે રકમ ખાલી રાખતા. અહીં મૂકેલી પહેલી ચિઠ્ઠીમાં જ્યાં કિંમત લખેલી છે એ મારા અક્ષર છે. કદાચ તેમના અક્ષરોમાં નાણાં આપવાનો હકભાવ જોનારા જોઈ શકે, અને મારા અક્ષરોમાં એ લેવાનો ખચકાટ પણ. જો કે, આ વ્યવસ્થા અમારે નિભાવવાની હતી. આ રીતે ચિઠ્ઠીમાં લખ્યા પછી અમે તેમની મુલાકાતે જઈએ ત્યાં સુધી તેને સાચવવી મુશ્કેલ પડે એટલે તેમણે એક મસ્ત ઉપાય શોધી કાઢ્યો. 'હેલ્પેજ ઈન્ડિયા'ની એક નાનકડી ડાયરી તેમણે અમને આપી. (આ સંસ્થાને તે અવારનવાર અમુક રકમ મોકલતાં હતાં એટલે શુભેચ્છારૂપે ત્યાંથી ડાયરી આવતી) પણ આ ડાયરી સીધેસીધી હોત તો અહીં એનો ફોટો ન મૂક્યો હોત. એમાં હોમાયબેનની કારીગરી જુઓ. પાતળા તારને ડાયરીમાંથી પરોવીને એ રીતે તેની રિંગ બનાવી છે કે અમે તેને ગમે ત્યાં મૂકવાને બદલે દેખાય એ રીતે ટિંગાડી શકીએ. નાનામાં નાની વસ્તુને પોતાને અનુકૂળ શી રીતે બનાવવી એ તેમને સરસ આવડતું. આ ડાયરી એનો નમૂનો.

 

તેમણે એ ડાયરી અમને આપી, અને અમે એમાં હિસાબ લખતાં થયાં. પણ એનું માંડ એકાદ પાનું જ ભરાયું. ક્યારેક અમે તેમને ત્યાં જઈએ ત્યારે એ ડાયરી લઈ જવાનું ભૂલી જતા. ઘણી ખરી વખત તો તેમને ત્યાં બેઠાં હોઈએ ને કામિની નીચે જઈને જોઈતી વસ્તુઓ ખરીદી લાવે એટલે એનો હિસાબ તરત જ ચૂકતે થઈ જાય. એ પછી મિત્ર પરેશ પ્રજાપતિ દિવસમાં ક્યારેક તો બબ્બે ત્રણ ત્રણ વાર તેમની મુલાકાત લેવા લાગ્યો એટલે અમારા ભાગે એ કામ ખાસ બચ્યું નહીં.
અમારી લેવડદેવડ કેવી 'વિશિષ્ટ' ચીજોના ખર્ચની થતી એ અહીં વાંચવા મળી શકશે.



તેમણે લખેલી ચિઠ્ઠીમાં 'Mangoes'ની ઉપર લખેલું ખાસ વાંચવા જેવું છે.


(હોમાય વ્યારાવાલા સાથેનાં મારાં સંભારણાંનું પુસ્તક થોડા સમયમાં આવી રહ્યું છે. આ લખાણ એ નિમિત્તે છે, પણ એનો અંશ નથી.)

No comments:

Post a Comment