Wednesday, September 1, 2021

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનો આસ્વાદ (19)

સમલૈંગિકતા  

ભૂપેન ખખ્ખરનાં ચિત્રોની વાત કરતા હોઈએ ત્યારે તેમાં સમલૈંગિકતાને અવગણી શકાય નહીં. અગાઉ જણાવ્યું એમ, 1979ની તેમની ઈન્ગ્લેન્ડ મુલાકાત પછી તેમનાં ચિત્રોમાં આ વિષય પ્રત્યક્ષપણે પ્રવેશ્યો. એ અગાઉ તે હતો તો ખરો, પણ પરોક્ષ રીતે. એમાં આ બાબતનો અણસાર જોવા મળે, પણ સીધું કથન ન હોય. તેમના 1981 પછીનાં ચિત્રોમાં ખાસ કરીને પુરુષ સમલૈંગિકતાના વિષયને પુષ્કળ પ્રમાણમાં ચીતરવામાં આવ્યો છે. હજી આજે પણ આ વિષય બાબતે પરેજી પાળવામાં આવે છે. અથવા તો એના વિશે કેવળ વાત થઈ શકે એવું વાતાવરણ કદાચ થયું છે, પણ ભૂપેને એ વિષયને ચીતરવાનું શરૂ કર્યું ત્યારે તો એ કેવળ સૂગ નહીં, અનૈતિક પણ ગણાતું હતું.

પોતાના આ વલણની ખુદને જાણકારી થાય, એ બાબતે સ્પષ્ટ થવાય એ ખૂબ મુશ્કેલ માનસિક તબક્કો હશે. ખાસ કરીને ભૂપેન જેવી પ્રસિદ્ધ વ્યક્તિ માટે! તેની ઘોષણા કરવાની વાત તો પછી આવે.

સમલૈંગિકોની માનસિકતા, તેમને પડતી અગવડો, તેમનાં કલ્પનો, પ્રતિકૂળતાઓ - આ બધાંનો સંઘર્ષ અને કદીક તેમાંથી નીપજતી પરિસ્થિતિજન્ય રમૂજનું ભૂપેને પોતાનાં ચિત્રોમાં સુપેરે આલેખન કર્યું. તેમની પોતાની 'પસંદગી' પોતાનાથી વયમાં મોટા હોય એવા પુરુષોની હતી. વૃદ્ધ-આજાર, જીવનને આરે આવી ઊભેલા, જાણે કે જીવનના પ્લેટફોર્મ પર મૃત્યુની ટ્રેનની પ્રતિક્ષામાં વેઈટિંગ રૂમમાં બેઠેલા પુરુષો પ્રત્યે તેમને નૈસર્ગિક આકર્ષણ હતું. એનાં કારણમાં ન જઈએ, કેમ કે, એ ગૂઢ મનોવૈજ્ઞાનિક વિષય છે. ભૂપેનના એવા અનેક 'પ્રિયજન' હતા. પૂર્વ આફ્રિકાથી આવીને વડોદરામાં વસેલા શંકરભાઈ પટેલની તેમણે કોઈ સંતાન ન કરે એવી ચાકરી મરણપથારીએ કરી. એટલું જ નહીં, તેમને પોતાના ચિત્ર 'Portrait of Shri Shankerbhai Patel near Red Fort' થકી અમર કરી દીધા. આ ચિત્રની વાત અગાઉ આ શ્રેણીમાં થઈ ગઈ છે. એ ચિત્રમાંય ભૂપેનના શંકરભાઈ પ્રત્યેના સ્નેહનો અણસાર જોઈ શકાય.
ભૂપેને ચીતરેલાં સમલૈંગિક વિષય આધારિત ચિત્રોને અંગ્રેજીમાં Homo eroticism (સમલૈંગિક શૃંગારિકતા) તરીકે ઓળખાવવામાં આવે છે.
તેમના એક ચિત્ર 'waiting for darshan/દર્શનની પ્રતિક્ષામાં' તેમણે વૈષ્ણવ હવેલીમાં હોય એવી પૃષ્ઠભૂમિ લઘુચિત્રશૈલીએ ચીતરી છે. હવેલીના દ્વાર પર હોય એવું મહાવતસવાર હાથીનું ચિત્ર અને એ ઉપરાંત ભગવાનની વિવિધ લીલાઓ.
આગળ બેઠેલાં મહિલા અને પુરુષ ભક્તજનોમાં તેમણે પોતાના મિત્રો અમીત અંબાલાલ (ઉભેલા ચશ્માવાળા), ગુલામ મોહમ્મદ શેખ (બેઠેલા-દાઢીવાળા) અને સુનિલ કોઠારી (નીચે ઝૂકેલા)ના ચહેરા પણ ચીતર્યા છે. એ સૌ દર્શનની, કોઈ અકળ ઝાંખીની પ્રતિક્ષામાં છે. દર્શન અને એ નિમિત્તે અલાયદા રખાયેલા પુરુષ અને મહિલા વિભાગમાં બે પુરુષો (ગ્રે અને પોપટી ઝભ્ભાવાળા) ના ચહેરા સામેની તરફ છે. પાછળ બેઠેલા પુરુષના હાથની મુદ્રા ભૂપેનના કાતિલ નીરિક્ષણનો પ્રતાપ છે એમ કહી શકાય.

Waiting for darshan by Bhupen Khakhar

'Grey Blanket/ભૂખરા રંગનો ધાબળો' ચિત્રમાં પણ બે પુરુષોના સ્નેહને તેમણે ઝીલ્યો છે. આ બન્ને પુરુષો એકમેકની પ્રતિકૃતિ સમા છે. સફેદ ઝભ્ભાવાળો પુરુષ ભૂરા રંગનો છે, જે કદાચ 'દિવ્યતા'સૂચક છે. એક પ્રેમી બીજાને કઈ દૃષ્ટિએ નિહાળે છે એ આમાં દર્શાવાયું હોય એમ જણાય છે. આગળ પડેલી થાળીમાં પુષ્પમાળા પડેલી જણાય છે, જે સમર્પણનું પ્રતીક છે. બન્નેના શરીરના કમરની નીચેના ભાગને ધાબળા વડે ઢાંકીને ચિત્રકારે એ અર્થઘટન દર્શકો પર છોડ્યું હોય એમ જણાય છે.

Grey Blanket by Bhupen Khakhar

આ વિષય પરનું તેમનું વધુ એક ચિત્ર છે 'How many hands do I need to declare my love to you/તમારા પ્રત્યેના પ્રેમને દર્શાવવા મારે હજી કેટલા હાથ જોઈએ!' જળરંગોમાં બનાવાયેલા આ ચિત્રમાં બે પુરુષ આકૃતિઓ છે. એકનો રંગ ભૂરો છે. પ્રેમ અને સમર્પણના પ્રતિક જેવા કમળ અને પુષ્પમાળા એકના હાથમાં છે. પાછળ રહેલી આકૃતિના અનેક હાથ એક આખું પ્રભામંડળ રચે છે.

How many hands do I need to declare my love to you 
by Bhupen Khakhar 

આ ચિત્રોમાં ભૂપેને સીધેસીધું તેમજ પ્રતીકોથી ધાર્યું કામ લીધું છે.

No comments:

Post a Comment