Wednesday, November 24, 2021

એક ઐતિહાસિક સંસ્થાના ઈતિહાસનું આલેખન

 વટવૃક્ષ એટલે કે વડ અન્ય વૃક્ષોથી અલગ પડે છે. તેનું અતિ દીર્ઘ આયુષ્ય, તેનો પ્રસ્તાર અને તેને માટે કારણભૂત અતિ ઊંડાં અને દૃઢ મૂળ. વડની ડાળીઓ એટલે કે વડવાઈઓનો ફેલાવો પણ એટલો જ, અને આ દરેક વડવાઈ જમીન સુધી પહોંચતાં વડ બને એવી પૂરી શક્યતા. વડનાં ફળો એવા ટેટા સાવ નાનાં, પણ એમાંય આખેઆખા વટવૃક્ષની શક્યતા. કોઈ પણ સંસ્થાનો વ્યાપ અત્યંત પ્રસરેલો હોય, અને તેનાં મૂળિયાં પણ એટલાં જ ઊંડાં ઉતરેલાં હોય ત્યારે તેને યોગ્ય કારણોસર જ 'વટવૃક્ષ' સાથે સરખાવવામાં આવે છે. આ શબ્દપ્રયોગ કે સરખામણી હવે તો અતિશય ઉપયોગથી સાવ લપટી પડી ગઈ હોવા છતાં એ એટલી જ સચોટ જણાય છે.

1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવીને અહીં જ સ્થાયી થયા પછી મોહનદાસ ગાંધીએ સ્વાવલંબન અને સ્વદેશી કેળવણીના પોતાના આગવા વિચારોના અમલ માટે એક યુનિવર્સિટીનું સ્વપ્ન જોયું. અંગ્રેજો સાથે લડતના વિવિધ કાર્યક્રમોની સાથોસાથ તેમણે 18 ઑક્ટોબર, 1920ના રોજ તેની સ્થાપના કરી. નામ રખાયું 'ગૂજરાત વિદ્યાપીઠ'. આ કોઈ ક્ષણિક આવેશમાં આવીને લેવાયેલો નિર્ણય નહોતો, બલકે નક્કર વિચારણાને આધારે લેવાયેલું પગલું હતું.

18 ઑક્ટોબર, 2020ના રોજ આ સંસ્થાએ શતાબ્દી પૂર્ણ કરી. ખરા અર્થમાં તે વટવૃક્ષ સમાન બની રહી છે. તેની પોતાની અનેકવિધ શાખાપ્રશાખાઓ તો ખરી જ, પણ અહીંના સ્નાતકોએ પોતાની કેળવણીસંસ્થાઓ સ્થાપી એ અલગ.

આ સંસ્થાની સો વર્ષની સફરને આલેખવાનું કામ ચારેક વર્ષ પહેલાં મને સોંપવામાં આવ્યું. એનો રોમાંચ હતો, સાથે એક મોટી જવાબદારીનો અહેસાસ પણ ખરો. મારે આખી સંસ્થાનું વિહંગાવલોકન કરવાનું હતું. દોઢેક વરસની સમયમર્યાદા વિચારવામાં આવેલી. સૌ પ્રથમ કામ હતું વિદ્યાપીઠ અને તેને આનુષંગિક તમામ સામગ્રીનું વાંચન અને તારણ. 'નવજીવન' અને 'હરિજનબંધુ'ના તમામ અંકો ઉપરાંત એ ગાળાના જે પણ લોકોએ સંસ્મરણો યા આત્મકથા લખી હોય એનો સંદર્ભ ચકાસવાનો અને તેમાં વિદ્યાપીઠનો ઉલ્લેખ હોય તો એ પણ જોવાનો. આ ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકો-પુસ્તિકાઓ પર પણ નજર ફેરવવાની. અને આ બધું અન્ય તમામ વ્યાવસાયિક લેખનની સમાંતરે કરવાનું.

એટલું આરંભથી નક્કી હતું કે વિદ્યાપીઠની સફરનું આલેખન દશકાવાર કરવું, જેથી તેનો ક્રમિક વિકાસ ખ્યાલ આવે. આરંભનાં વરસોનું દસ્તાવેજીકરણ એટલું વિગતવાર જોવા મળે કે મૂંઝવણ થઈ આવે કે કયા હિસ્સાને કેટલું મહત્ત્વ આપવું. સો વરસના દીર્ઘ ઈતિહાસમાં જે તે ઘટનાનું સ્થાન અને મહત્ત્વ નક્કી કરીને તેને સમાવવી એવું નક્કી કર્યું. સામગ્રીના વાંચનમાં ખાસ્સો સમય ગયો. અન્ય રસપ્રદ, પણ અન્ય વિષયની હોય એવી સામગ્રી વાંચવાની લાલચ ખાળતાં ઘણી મહેનત પડી. એ પછી ધીમે ધીમે આલેખનનો આરંભ કર્યો.

અમારા સૌનો એવો મત હતો કે એક વાર આલેખન થાય એ પછી વિદ્યાપીઠ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ એ ચકાસે, જેથી કોઈ હકીકતદોષ યા અન્ય ક્ષતિ નિવારી શકાય.

આરંભના ત્રણેક દાયકા વિદ્યાપીઠ અને રાષ્ટ્રિય પ્રવાહોને અલગ કરી શકાય એમ જ નહોતા. આથી એ વિગતોને સમાવવી જરૂરી હતી. ધીમે ધીમે રસ્તો નીકળતો ગયો અને આલેખન આગળ વધતું ચાલ્યું. આ દરમિયાન વચ્ચે કોરોના કાળ આવ્યો, લૉકડાઉન ઘોષિત થયું. પરિણામે થોડો વિલંબ પણ થયો. પાંચ દાયકાનું આલેખન પૂર્ણ થયું, તે સંપૂર્ણપણે વંચાઈ રહ્યું એટલે એવો નિર્ણય લેવામાં આવ્યો કે પુસ્તકનું પ્રકાશન બે ભાગમાં કરવું. એટલે કે પચાસ પચાસ વર્ષના બે ભાગમાં વિભાજીત કરીને પુસ્તકને પ્રકાશિત કરવું. એ અનુસાર ગયા મહિને પહેલો ભાગ પ્રકાશિત થયો.

આ તબક્કે વિદ્યાપીઠ સાથે સંકળાયેલાં કેટલાંક નામોનો ઉલ્લેખ જરૂરી છે. ડૉ. અશ્વિનકુમાર ચૌહાણનું આ કાર્ય સાથે મને સાંકળવામાં મહત્ત્વનું પ્રદાન રહ્યું. વિદ્યાપીઠમાં મારા માટે 'સીંગલ વિન્ડો કાઉન્ટર'ની ભૂમિકા ભજવનાર પ્રકાશન વિભાગનાં તૃપ્તિબેન આડેસરાને કારણે મારું કામ અત્યંત સરળ બની રહ્યું. બિંદુવાસિનીબેન જોશીએ તૈયાર કરેલી 'વિદ્યાપીઠની વિકાસયાત્રા'એ મારા માટે દીવાદાંડીનું કામ કર્યું. (હવે ભૂતપૂર્વ) કુલનાયક અનામિકભાઈ શાહ, (હવે ભૂતપૂર્વ) કુલસચિવ રાજેન્દ્રભાઈ ખીમાણી, (ભૂતપૂર્વ) કુલસચિવ ભરતભાઈ જોશી સાથેની વખતોવખત મુલાકાત દરમિયાન અનેક હકારાત્મક સૂચનોની આપ-લે થતી રહી. મંદાબેન પરીખે કાળજીપૂર્વક આખી હસ્તપ્રતને વાંચીને જરૂરી સુધારા-ઉમેરા સૂચવ્યા, જેને કારણે પુસ્તકની અધિકૃતતામાં ઉમેરો થયો.

પુસ્તકના આલેખનમાં મિત્ર પરેશ પ્રજાપતિ મદદરૂપ બની રહ્યા, તો ઉર્વીશ કોઠારીનો અંગત સંગ્રહ મને અનેક રીતે કામમાં આવ્યો.

પુસ્તકનું લેઆઉટ અને ડિઝાઈન વિદ્યાપીઠના જ યોગેશભાઈ પ્રજાપતિએ કર્યાં, તો જોડણીશુદ્ધિ હર્ષાબેન દવેએ ચીવટપૂર્વક કરી.

રાજમોહન ગાંધીએ પુસ્તકની સુયોગ્ય પ્રસ્તાવના લખી મોકલી, તો કુલપતિ ઈલાબેન ભટ્ટે પણ પુસ્તક માટે આવકારના પ્રોત્સાહક શબ્દો લખ્યાં.

આ સહુના સહિયારા પ્રયાસોના ફળરૂપે હવે આ પુસ્તક સૌ માટે સુલભ બન્યું છે. અલબત્ત, આ પુસ્તકનો પ્રથમ ખંડ છે, જેમાં 1920થી 1970નાં પ્રથમ પચાસ વરસોના ઈતિહાસને સમાવવામાં આવ્યો છે. દ્વિતીય ખંડનું આલેખન ચાલુ છે, અને ટૂંક સમયમાં એ પ્રકાશિત થશે. વિદ્યાપીઠમાં, ગાંધીવિચારમાં તેમજ કેળવણી સાથે સંકળાયેલા કે તેમાં રસ ધરાવતા સૌ કોઈને આ પુસ્તકમાં રસ પડશે.

પુસ્તકની વિગતો:

ક્રાંતિની કેળવણી, શતાબ્દીની સફર
(લેખન- સંપાદન: બીરેન કોઠારી)
પૃષ્ઠસંખ્યા: 200 + 16 (તસવીરોનાં પાનાં)
કિંમત: 250/-
પ્રાપ્તિસ્થાન:
પુસ્તક ભંડાર
ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ માર્ગ, અમદાવાદ- 380 014.
ફોન: 079- 400 162 69
ઈ-મેલ: gvpustakbhandar@gujaratvidyapith.orgNo comments:

Post a Comment