Monday, September 6, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (1)

 અમારો પત્રવ્યવહાર શરૂ થયો ત્યારે શરૂઆતના ગાળામાં પત્ર પર મારું સરનામું તે જાતે લખતાં. દરમિયાન મેં મારા સરનામાનાં સ્ટીકર છપાવડાવેલાં. એક વાર તેમને માટે થોડાં સ્ટીકર હું લેતો ગયેલો. એનાથી મારું સરનામું ડાયરીમાંથી કાઢીને, દર વખતે લખવામાંથી તેમને રાહત મળી ગઈ. અમારી એક મુલાકાત દરમિયાન તેમણે એક વાર એ બાબતે આનંદ વ્યક્ત કર્યો.

તેમને પોતાને પણ ઘણો પત્રવ્યવહાર કરવાનો થતો હતો, આથી મેં સૂચવ્યું કે તેમણે પોતાનાં નામ-સરનામાંવાળાં સ્ટીકર બનાવડાવી લેવાં. તે તૈયાર તો થયાં, પણ જાણ્યું કે એ સ્ટીકર ઓછામાં ઓછાં 500 બનાવડાવવાં પડે, તેથી તેમણે ના પાડી દીધી. મેં આગ્રહ ચાલુ રાખ્યો. ખાસ તો એમ કહ્યું કે તમને પત્ર લખવાનો થાય ત્યારે દર વખતે તમારું સરનામું મારે શોધીને લખવું પડે એમાં બહુ તકલીફ પડે છે.

આખરે તે પોતાનાં નામનાં એડ્રેસ સ્ટીકર્સ માટે તૈયાર થયાં. પછી તો તેમને એ વાપરવાની મઝા આવવા લાગી. શક્ય હોય ત્યાં સુધી એકના એક સ્ટીકર ઉખાડીને તે ફરી વાપરતાં. એવી નાની ચીજનો વેડફાટ પણ તે કરતાં નહીં.
હા, આ સ્ટીકર તેમને છપાવડાવ્યાં ત્યારે તેમની ઉંમર 94 ની હતી.
'ભઈ, આ ઉંમરે તો હું કાચાં કેળાંય ખરીદતો નથી'વાળી જોક આપણે ત્યાં બહુ કૉમન હોય ત્યારે હોમાયબેનનો જીવનરસ તેમના જીવનના અંતિમ દાયકામાં પણ પ્રબળ હતો.




(તેમની સાથેનાં સંભારણાનું પુસ્તક થોડા જ સમયમાં આવી રહ્યું છે.)

No comments:

Post a Comment