Monday, February 6, 2023

કુછ યાદ ઉન્હેં ભી કર લો

 આજે રામચંદ્ર દ્વિવેદીની જન્મજયંતિ છે એમ કહીએ તો કદાચ એમની ઓળખાણ ઝટ ન પડે, પણ 'કવિ પ્રદીપ' કહેતાં જ અનેક ગીતો યાદ આવી જાય. 'પ્રદીપ' તખલ્લુસથી હિન્દી ફિલ્મોમાં તેમણે આગવી શૈલીએ ગીતો લખ્યાં. હિન્દી શબ્દાવલિ, સરળ શબ્દો તેમજ વિશિષ્ટ અંત્યાનુપ્રાસ તેમનાં ગીતોની ઓળખ બની રહ્યો. સરળમાં સરળથી ગહન ભાવવાળા ગીતો તેમણે લખ્યાં. પ્રદીપજી સાથે મારી એક વારની અને ઉર્વીશની બે-ત્રણ વારની મુલાકાત અત્યંત વિશિષ્ટ અને યાદગાર બની રહી છે. આજે પણ એ યથાતથ યાદ છે.

1989-90ના અરસામાં અમે મુંબઈ જઈને મનગમતા કલાકારોને મળવાનો ઉપક્રમ આરંભેલો. એ વખતે મારી વય ચોવીસ-પચીસની અને ઉર્વીશની સત્તર-અઢારની. અમારો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્યત્વે જૂની ફિલ્મો સાથે સંકળાયેલા કલાકારોને મળવાનો હતો. પ્રદીપજી એસ.વી.રોડ પર 'પંચામૃત' બંગલામાં રહેતા હતા. અમે સીધા જ એમને ઘેર ઊપડ્યા. પાર્લાની આસપાસ જઈને અમે એક દાણાવાળા (કરિયાણાવાળા)ને 'પંચામૃત'નું સરનામું પૂછ્યું. તેણે અમને સાચું સરનામું ચીંધ્યું અને અમે ત્યાં પહોંચી ગયા. ઝાંપો ખોલીને અમે અંદર પ્રવેશ્યા અને બેલ માર્યો. ઘણી વાર થઈ પણ કોઈ દેખાયું નહીં આથી અમે સહેજ ખચકાતાં ખચકાતાં અમે બંગલાના પાછળના ભાગમાં ગયા. ત્યાં સ્ટુડિયો જેવું દેખાયું, જેમાં થોડા વિદ્યાર્થીઓ ચિત્રકામ કરી રહ્યા હતા. અને એક બહેન ત્યાં ઉભેલા હતાં. અમને જોઈને તેઓ નજીક આવ્યાં અને અમારા આગમનનો હેતુ પૂછ્યો. અમે એમને હેતુ જણાવ્યો. તેમણે કહ્યું કે પ્રદીપજી બહારગામ ગયા હોવાથી એ મળી શકશે નહીં અને અમે ફરી મુંબઈ આવીએ ત્યારે શક્ય હોય તો અગાઉથી જાણ કરીને મળવાનો પ્રયત્ન કરવો. તેમનો આભાર માનીને અમે બહાર નીકળ્યા. બહાર નીકળીને જે પહેલી લાગણી થઈ તે એ કે ભલે પ્રદીપજી ન મળ્યા, પણ એ બહેને અમારી સાથે વાત બહુ સૌમ્યતાથી અને સરસ રીતે કરી. પછી ખબર પડી કે તેઓ પ્રદીપજીનાં દીકરી મિતુલ પ્રદીપ હતાં.
પછીના વરસે અમે મુંબઈનો કાર્યક્રમ બનાવ્યો ત્યારે અગાઉથી અમે પ્રદીપજીને એક પોસ્ટકાર્ડ લખ્યું અને જણાવ્યું કે અમે અમુક દિવસોમાં મુંબઈ આવવાના છીએ અને તમને મળવાનો પ્રયત્ન કરીશું. એ મુજબ અમે મુંબઈ પહોંચ્યા અને એક દિવસ સવારે એમને ઘેર ફોન કર્યો. પ્રદીપજીએ જ ફોન ઉપાડ્યો. અમે કહ્યું એટલે એમણે જણાવ્યું કે અમારું પોસ્ટકાર્ડ એમને મળ્યું છે. એમણે અમને મળવા આવવાનો સમય ફાળવ્યો. નિયત દિવસે સાંજે અમે એમને ત્યાં પહોંચ્યા. અમારી સાથે મારા મુંબઈ રહેતા પિતરાઈ ભાઈઓ કિશનભાઈ અને મયુરભાઈ હતા.
દરવાજો પ્રદીપજીનાં પત્ની ભદ્રાબહેને ખોલ્યો અને અમને આવકાર્યા. અમે અંદરના રૂમમાં ગયા જ્યાં પ્રદીપજી બેઠેલા હતા. સાવ સુકલકડી દેહ, અને પલંગ પર પણ પગ સંકોચીને વિશિષ્ટ મુદ્રામાં બેઠેલા. એમની પાસે પડેલી બે-ત્રણ વસ્તુઓએ ધ્યાન ખેંચ્યું. એક તો 'જન્મભૂમિ પ્રવાસી' પલંગ પર પડેલું. એની બાજુમાં મોટો બિલોરી કાચ હતો, જેમાં બલ્બ લગાવેલો. અને ત્રીજું એક હોલ્ડર, જેમાં સીગારેટ ભરાવેલી.
પ્રદીપજીના નિવાસસ્થાને તેમની સાથે ઉર્વીશ અને બીરેન 




આ અરસામાં રજનીકુમાર પંડ્યાએ લખેલા પ્રદીપજી વિશેના બેએક લેખ 'મિસ કમલ બી.એ.ની પત્ની પઠાણ' અને 'સંતોષીમાનું એરકન્ડીશનર' અમે વાંચેલા હતા. જો કે, અમારી એ મુલાકાત જોઈએ એવી જામતી નહોતી. પ્રદીપજી વળીવળીને રાજકીય મુદ્દા પર જતા રહેતા. મારા પિતરાઈ કિશનભાઈ એમાં ટાપશી પુરાવે એટલે એ વાત આગળ ચાલતી. પ્રદીપજી વયમાં એટલા મોટા, અમે એટલા નાના કે એમની વાત કાપવાની હિંમત થતી નહીં. પ્રદીપજીએ જણાવ્યું કે પોતે 'જન્મભૂમિ પ્રવાસી'ના નિયમીત વાચક છે અને બિલોરી કાચ વડે એ વાંચે છે. અમે તેમની તસવીરો લેવા પ્રયત્ન કર્યો તો તેમણે સહેજ અનિચ્છા બતાવી. આથી અમે ખચકાતાં ખચકાતાં થોડી તસવીરો લીધી. રજનીભાઈએ પ્રદીપજી વિશેના લેખમાં લખેલું, 'એ કંઈ ખજૂરીનું ઝાડ નહોતા. ફટાકડાની સેર હતા. તરત તડ્ તડ્ થઈ ગયા.' આ વાક્ય અમારા મનમાં સતત રમતું હોવાથી એ અંદેશો પણ ખરો કે તેઓ અમારી આગળ તડ્ તડ્ ન થઈ જાય. પોણો કલાક જેટલો સમય વીત્યો. અમને લાગ્યું કે હવે અમારે નીકળવું જોઈએ. આથી અમે તેમની સમક્ષ ઑટોગ્રાફ બુક ધરી અને એમાં ઑટોગ્રાફ આપવા વિનંતી કરી. પ્રદીપજીએ કહ્યું, 'એવું બધું આપવામાં હું માનતો નથી.' અમે તેમને આગ્રહ કરી ન શક્યા. તેમની રજા લઈને અમે ઉઠ્યા. તેઓ અમને છેક બારણા સુધી વળાવવા આવ્યા અને 'આવજો' કહ્યું. અમે લોકો બહાર નીકળ્યા અને પાછા સાન્તાક્રુઝ આવવા નીકળ્યા. પ્રદીપજીના ઑટોગ્રાફ ન મળી શક્યા એ અફસોસ રહ્યો, પણ તેમની તસવીર લઈ શકાઈ હતી એ આશ્વાસન હતું.
એ પછીના અરસામાં ઉર્વીશને ગુજરાત રિફાઈનરી તરફથી છએક મહિના માટે મુંબઈ જવાનું થયું. એ વખતે નલિન શાહ સાથે તેનો નિયમિત સંપર્ક રહ્યો. એક વાર નલિનભાઈ પ્રદીપજીને મળવા જઈ રહ્યા હતા અને તેમણે ઉર્વીશને સાથે લીધો. ઉર્વીશે આગોતરી તૈયારીરૂપે ઑટોગ્રાફ બુક સાથે રાખી. તેઓ 'પંચામૃત' પહોંચ્યા. ભદ્રાબહેન મળ્યાં એટલે નલિનભાઈએ પૂછ્યું, 'શું કરે છે શેઠ?' આ સવાલથી તેમની આત્મીયતા અને અનૌપચારિકતાનો ખ્યાલ આવતો હતો. પ્રદીપજી દાઢી કરી રહ્યા હતા એ જોઈને નલિનભાઈ ઉર્વીશને એમનો ફોટો લેવા કહ્યું. પણ ઉર્વીશ ખચકાયો એ જોઈને નલિનભાઈએ એની પાસેથી કેમેરા માંગ્યો અને ફોટો લીધો.
પ્રદીપજીના હસ્તાક્ષર 
નલિનભાઈએ ઉર્વીશનો પરિચય કરાવતાં કહ્યું, 'એને જૂનાં ગીતોમાં બહુ રસ છે.' આ સાંભળતાં જ પ્રદીપજી કહે, 'એમ? 'મોરે બાલાપન કે સાથી' ગાઈને બતાવો.' નલિનભાઈએ હસીને કહ્યું, 'એને કંઈ ગાતાં થોડું આવડે છે?' નલિનભાઈ હોય એટલે વાતનો દોર એમના હાથમાં જ હોય એ સ્વાભાવિક છે. આવી મુલાકાતમાં મૂક શ્રોતા બની રહેવાના લાભ હોય છે એ ઉર્વીશ સારી પેઠે જાણતો હતો. પ્રદીપજી પણ નલિનભાઈ સાથે બરાબરના ખીલ્યા હતા. આખરે જવાનો સમય આવ્યો. આ વખતે પ્રદીપજીએ આસાનીથી ઓટોગ્રાફ આપ્યા.
એ પછી ઉર્વીશને બેએક વખત પ્રદીપજીને મળવાનું બન્યું. નલિનભાઈ સાથે એમને ત્યાં લીધેલી વધુ એક મુલાકાત વેળા ઉર્વીશે 'કિસ્મત' અને 'બંધન'ની રેકોર્ડ સાથે રાખેલી. જતી વખતે એ રેકોર્ડ એણે પ્રદીપજી સામે ઑટોગ્રાફ માટે ધરી. પ્રદીપજીએ રેકોર્ડ હાથમાં લીધી. આમતેમ ફેરવી અને પાછી આપતાં કહ્યું, 'આમાં મારું નામ નથી. (એટલે હું સહી નહીં કરું)' આ વખતે નલિનભાઈ સાથે હતા એટલે એમણે પ્રદીપજીને કહ્યું, 'એમાં એ શું કરે? એણે કંઈ ઓછી રેકોર્ડ બનાવી છે? કરી આપો એને.' પ્રદીપજીએ એ રેકોર્ડ પર હસ્તાક્ષર આપ્યા.

'કિસ્મત' અને બંધન'ના એલ.પી.કવર પર પ્રદીપજીના હસ્તાક્ષએ 

પ્રદીપજી હવે હયાત નથી, પણ તેમનાં લખેલાં-ગાયેલાં અનેક ગીતો થકી તેમની સ્મૃતિ સતત તાજી રહે છે. અમારા માટે એ ગીતોની સાથોસાથ અમારી એ મુલાકાતનો રોમાંચ પણ ભળેલો છે.

No comments:

Post a Comment