Sunday, January 25, 2026

કહત કાર્ટૂન, સુનો ભાઈ કીડ્સ

એમની સાથે પરોક્ષ પરિચય ફેસબુક પરનાં એમનાં લખાણો અને બે પાત્રો દ્વારા. એ પાત્રોમાંનું એક તે પશાકાકા, અને બીજું એ પોતે, એટલે કે સાજિદીયો એટલે કે સાજિદ સૈયદ પોતે. એ પછી તેમને રૂબરૂ મળવાનું બન્યું નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીમાં દર મહિનાના પહેલા રવિવારે યોજાતા કાર્યક્રમ 'ગ્રંથનો પંથ'માં. નડિયાદથી પચીસેક કિ.મી. દૂર આવેલા ગામ વિંઝોલથી સાજીદભાઈ થોડા વિદ્યાર્થીઓને લઈને સમયસર આવી જાય. એ વિદ્યાર્થીઓ દૂરથી હારબંધ આવતાં દેખાય એટલે અમારા સ્વયંસેવકોમાંથી કોઈક બોલે, 'સાજીદભાઈ આવી ગયા.' એ વિદ્યાર્થીઓને પુસ્તક પરના વાર્તાલાપમાં કેટલો રસ પડે એ મહત્ત્વનું નથી, પણ એ બહાને તેઓ નડિયાદ આવે, આવો કોઈક કાર્યક્રમ જુએ, હરેફરે એ વધુ મહત્ત્વનું. આના માટે એક શિક્ષકની દૃષ્ટિએ વિચારવું પડે. આ કાર્યક્રમમાં અમે મળ્યા. કાર્યક્રમ પછી સૌ જવાની ઉતાવળમાં હોય, પણ સાજિદભાઈ સાથે ઊભા ઊભાય થોડી વાત થાય. એમાં એમણે એક વાર કહ્યું, 'અમારે ત્યાં આવો.' મેં કહ્યું, 'ચોક્કસ. તમે કહો ત્યારે. પણ વક્તવ્ય નહીં. કાર્ટૂન વિશે વાત કરીશું.' એ પછી અમે ફોનથી સંપર્કમાં રહ્યા, પણ અનુકૂળતા ઠેલાતી જતી હતી. આખરે ગઈ કાલે, 24મી જાન્યુઆરીને શનિવારે એ શુભ મૂહુર્ત આવ્યું.

કહત કાર્ટૂન...

આ પ્રાથમિક શાળામાં કાર્ટૂનનો કાર્યક્રમ ચો. 6,7 અને 8નાં બાળકોને ધ્યાનમાં રાખીને કરવાનો હતો. અગાઉ મેં વિદ્યાર્થીઓની અને ગામની પૃષ્ઠભૂમિ વિશે પ્રાથમિક વિગતો પૂછી રાખેલી, જેથી કાર્ટૂનની પસંદગીમાં સરળતા રહે. એ મુજબ કામિની અને હું સવારના સાડા દસ આસપાસ પહોંચી ગયા.
ઉમરેઠથી ત્રણેક કિ.મી.ના અંતરે આવેલું વિંઝોલ ગામ અને એમાં એક માત્ર પ્રાથમિક શાળા. પણ શાળામાં એક જીવંત આચાર્ય હોય તો કેવળ શાળાને જ નહીં, ગામ આખાને સામાજિક રીતે સાંકળે એ જોવું હોય તો અહીં જવું પડે.
આગલી મોડી રાતે મેં એમને કાર્યક્રમનું પોસ્ટર બનાવીને મોકલેલું, જેનું શિર્ષક હતું 'કહત કાર્ટૂન...'. સાજિદભાઈએ એ ત્રણ ટપકાંની પાદપૂર્તિ જાતે કરીને પોસ્ટર બનાવ્યું, 'કહત કાર્ટૂન, સુનો ભઈ કીડ્સ.'
શાળાએ પહોંચતાં જ વિદ્યાર્થીઓએ બેન્ડ વગાડીને, ગાઈને અમારું સ્વાગત કર્યું. લાલ જાજમ પર પગ મૂકીને અમે શાળામાં પ્રવેશ્યા. આરંભિક ઔપચારિકતા પછી અમે એ ખંડમાં ગયા, જ્યાં કાર્યક્રમ કરવાનો હતો. બહુ જ અનૌપચારિક રીતે સાજિદભાઈએ મારો પ્રાથમિક પરિચય આપ્યો, પણ હકીકતમાં હું કોથળામાંથી કેવું બિલાડું કાઢવાનો હતો એનો અંદાજ એમનેય નહોતો. એટલે વિદ્યાર્થીઓની સાથે જ, ભોંય પર તેઓ પલાંઠી વાળીને ગોઠવાઈ ગયા. અમસ્તોય આચાર્યપદનો ભાર તેમણે રાખ્યો નથી, એ તો આટલી વારમાં સમજાઈ ગયું હતું, કેમ કે, અમે બે દાદર ચડીને ઊપર પહોંચ્યા એ વખતે રસ્તામાં અનેક વિદ્યાર્થીઓ એમને 'સાજીદસાહેબ' કહીને કશીક ને કશીક વાત કરતા અને સામે સાજિદભાઈ પણ એ દરેકને નામથી સંબોધીને એનો યોગ્ય જવાબ વાળતા.

સાજીદભાઈ દ્વારા પરિચય અને પૂર્વભૂમિકા

આચાર્યપણું મૂકીને વિદ્યાર્થીઓ સાથે જ ગોઠવાઈ ગયેલા સાજીદભાઈ
કાર્ટૂનના કાર્યક્રમમાં મજા એ હોય છે કે એ કેવો 'જઈ રહ્યો છે' એ બાબતે ખાસ ચિંતા ન થાય. વક્તવ્ય હોય તો એ બાબતે અવઢવ રહે કે વાત પહોંચી રહી છે કે કેમ. પણ આમાં તો પડદે કાર્ટૂન દેખાય અને બે-પાંચ સેકન્ડમાં ખડખડાટ હસવાના અવાજ સંભળાય એ જ સંકેત. છોકરાં પોતાની મેળે જે રીતે કાર્ટૂન ઊકેલે એ જોઈ-સાંભળીને મજા આવી જાય. એક- સવા કલાક આ રીતે ક્યાં વીતી ગયો એની ખબર જ ન પડી.

સુનો ભઈ કીડ્સ
કાર્યક્રમ પછી સાજિદભાઈ સાથે આ શાળા, ગામ અને એની સામાજિક પૃષ્ઠભૂમિ વિશે વાતો થઈ. જે સંવેદનશીલતાથી સાજિદભાઈએ અનેક વાતો ઉઘાડી આપી એ ગજબ હતી. નીકળતાં એક ફળિયામાં અમે એક પરિવારને મળવા ગયા. એ ફળિયામાં પ્રવેશતાં જે રીતે લોકો સાજિદભાઈ સાથે વાત કરતા હતા એ એમના દિલમાં સાજિદભાઈનું શું સ્થાન છે એ સૂચવતું હતું. બહુ હેતુલક્ષિતાથી સાજિદભાઈએ અમને વિગત જણાવી. એ અલગ આલેખનનો વિષય છે, અને એ આલેખન સાજિદભાઈ કરે એ જ બહેતર.
સાડા બાર આસપાસ અમે વિદાય લીધી અને એક મધુર સ્મૃતિ અમારા હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગઈ.

No comments:

Post a Comment