મનમાં રોપાયેલા બીજને યોગ્ય વાતાવરણ મળે તો એ ગમે ત્યારે અંકુરણ પામીને વિકસી શકે. મારા અને ઉર્વીશના કાર્ટૂનપ્રેમ બાબતે કંઈક આમ થયું. કાર્ટૂન જોવામાં રસ પડતો એ પછી અમુક હદે તેને એકઠાં કરવાનું શરૂ કર્યું. 'ધ ઈલસ્ટ્રેટેડ વીકલી' થકી કાર્ટૂનિસ્ટની શૈલી ઓળખવાનો અભિગમ કેળવાતો ગયો. વચગાળામાં કાર્ટૂનો જોવાનું, અમુક પુસ્તકો ખરીદવાનું બનતું રહ્યું, પણ એ સાવ અંગત શોખ પૂરતું મર્યાદિત હતું.
આમાં આગળ શું કરવું એ વિચાર્યું નહોતું, કેમ કે, એમાં વર્તમાનમાં જ મજા આવતી હતી. એ પછી ઉર્વીશને એક વાર CEPTના વેકેશન કોર્સમાં આમંત્રણ મળ્યું અને તેણે ભારતના રાજકીય ઈતિહાસનું કાર્ટૂનો દ્વારા દર્શન કરાવતો કોર્સ તૈયાર કરીને ભણાવ્યો. એ કદાચ આ શોખને ગંભીરતા તરફ લઈ જતું પહેલું પગથિયું.
દરમિયાન ઈન્ટરનેટને કારણે અનેક કાર્ટૂન સુલભ બનતાં ગયાં. એમાં ગાંધીજી વિશેનાં કાર્ટૂનોમાં રસ જાગ્યો. એવાં ઘણાં કાર્ટૂન મળી રહ્યાં. એક વાર મિત્ર અમરીશ કોન્ટ્રાક્ટર સાથે આ અંગે વાત નીકળી તો તેમણે એનો કાર્યક્રમ કરવા સૂચવ્યું. જો કે, કાર્યક્રમમાં ખરેખર શું કરવું એનો એમને અંદાજ નહોતો, પણ મૂળ આશય એ કે ગાંધીજીના જીવનના આ પાસાંને મૂકવું જોઈએ. મેં વિષયાનુસાર કાર્ટૂનનું વિભાજન કરીને ગાંધીજીના જીવનની ઘટનાઓ અને કાર્ટૂનકળાના આયામોને સાંકળતો કાર્યક્રમ પહેલવહેલી વાર રજૂ કર્યો અને જાણે કે એક દિશા ખૂલી. વાત પ્રસરતી ગઈ અને આ કાર્યક્રમ માટે આમંત્રણ મળતાં ગયાં. મોટે ભાગે જોવા મળતું કે આ પ્રકારનો કાર્યક્રમ લોકો માટે સાવ નવો હતો.
આવું જ એક આમંંત્રણ ગુતાલની સરકારી શાળાના શિક્ષક પારસ દવે દ્વારા મળ્યું. પારસની નિષ્ઠાથી પરિચીત હોવાને કારણે તેમની આગળ મેં એવી વાત કરી કે આપણે બાળકોને સીધેસીધાં ગાંધીજી વિશેનાં કાર્ટૂન બતાવવાને બદલે પહેલાં એમને કાર્ટૂનકળાથી પરિચીત કરાવીએ. એ પછી બીજો કાર્યક્રમ ગાંધીજી વિશેનો રાખીએ. એમણે સંમતિ આપતાં કાર્ટૂનકળાના આયામોથી પરિચીત કરાવતા કાર્યક્રમ 'આવો, કાર્ટૂન માણીએ'નો આરંભ થયો, જે વધુ એક નવો ફાંટો હતો.
પારસની શાળામાં બે કાર્યક્રમ કર્યા પછી તેમણે વધુ એક વિચાર મૂક્યો કે બાળકોને કાર્ટૂન દોરતાં શીખવીએ. મારા માટે આ સાવ નવું હતું, પણ કરવાની મજા આવે એવું હતું. એટલે કાર્ટૂનની વર્કશોપ યોજવામાં આવી અને ત્રીજો ફાંટો પડ્યો.
વાર્તાલેખન કૌશલ્યને વરેલા સામયિક 'વારેવા'ના પ્રકાશન અગાઉ મિત્ર રાજુ પટેલે આગ્રહપૂર્વક મારી પાસે સાહિત્યને લગતાં કાર્ટૂન દોરાવ્યાં. કાર્ટૂન દોરવાનું પણ મારા માટે નવું હતું. પણ પહેલા અંકથી છેક સુધી નિયમીતપણે એ કાર્ટૂન બનતાં રહ્યાં અને મને વધુ એક કેડીએ ચાલવાનો મોકો મળ્યો.
એ પછી મુંબઈની એક મુલાકાત દરમિયાન ભવન્સ પર જવાનું બન્યું. બીજા મિત્રોની સાથોસાથ 'નવનીત સમર્પણ'ના સંપાદક દીપક દોશીને મળ્યા. અલકમલકની વાતો કરી. ઊભો થયો એ વખતે દીપકભાઈએ 'નવનીત' માટે કંઈક લખવા સૂચવ્યું. મેં હા પાડી, પણ શું લખવું એ વિચાર્યું નહોતું. એવામાં દીપકભાઈએ પોતાના ટેબલના ખાનામાંથી કાર્ટૂનનું એક પુસ્તક કાઢીને મને આપ્યું અને કહ્યું, 'આ તમારા માટે.' એ પછી તરત જ એ બોલ્યા, 'તમે કાર્ટૂન વિશે જ લખો.' મને પણ સૂચન ગમ્યું, છતાં શું લખવું એ વિચાર્યું નહોતું. ઘેર આવીને એ વિચાર કર્યો અને એ પછી 'નવનીત સમર્પણ'માં 'કાર્ટૂનકથા' નામે લેખમાળા આરંભાઈ, જેના માર્ચ, 2025 સુધીમાં વીસ હપ્તા પ્રકાશિત થઈ ચૂક્યા છે અને હજી એ ચાલે છે.
આ લેખમાળા શરૂ થયાના થોડા મહિનામાં અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ'ના કબીર ઠાકોર અને નેહા શાહસાથે વાત થઈ. તેમણે મને ગાંધીજીનાં કાર્ટૂનો વિશેનો કાર્યક્રમ કરવા આમંત્રણ આપ્યું. એ વખતે મેં કહ્યું, 'મારી પાસે એ ઊપરાંત પણ ઘણું છે.' ક્ષણનાય વિલંબ વિના કબીરભાઈ કહે, 'તો આપણે સિરીઝ કરીએ.' એ રીતે આરંભ થયો 'કહત કાર્ટૂન' શ્રેણીનો. કુલ દસ હપતાની એ શ્રેણીમાં બધું મળીને સાતસો જેટલાં કાર્ટૂનનો આસ્વાદ કરાવાયો. અહીંના કેળવાયેલા શ્રોતાઓ સમક્ષ કરાતી રજૂઆત દર વખતે મારી સજ્જતાને નવેસરથી કેળવવા પ્રેરીત કરતી.
સ્ક્રેપયાર્ડને કારણે મને અવનવા વિષય પર કાર્ટૂનના કાર્યક્રમ કરવાના વિચાર આવતા ગયા, અને આયોજક દ્વારા યોગ્ય પ્રતિસાદ મળતાં એનો અમલ પણ થતો ગયો. એ રીતે એલ.ડી.એન્જિ.ના પ્રાધ્યાપક મિત્ર મિતુલ મકવાણાએ માત્ર એન્જિનિયરીંગનાં કાર્ટૂનો રજૂ કરવાના મારા સૂચનને સ્વીકાર્યું અને એ કાર્યક્રમ યોજ્યો.
સ્કેપયાર્ડમાં આવતા અનેક શ્રોતાઓમાં એક હતા પાર્થ ત્રિવેદી, જે 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન' સાથે સંકળાયેલા હતા. તેમણે પોતાને ત્યાં આ કાર્યક્રમ યોજવા આમંત્રણ આપ્યું. મેનેજમેન્ટને લગતા કાર્યક્રમો વચ્ચે કાર્ટૂનના યોજાયેલા કાર્યક્રમનો અનુભવ મારા માટે નવો હતો. અહીં જ કાર્ટૂન દોરતાં શીખવવાની એક વર્કશોપનું આયોજન કરાયું, જેનો પ્રતિભાવ ઘણો પ્રોત્સાહક રહ્યો.
આમ, છેલ્લા બે વર્ષમાં કાર્ટૂનની રજૂઆત, લેખન, ચિત્રણ, અધ્યાપન જેવાં મોટા ભાગનાં પાસાં સાથે મજબૂત રીતે સંકળાવાનું બન્યું.
હવે 'સ્ક્રેપયાર્ડ'માં 29 માર્ચ, 2025થી 'કહત કાર્ટૂન'ની બીજી સીઝન આરંભાઈ રહી છે. આ નવી સીઝનમાં પણ અનેકવિધ વિષયો પરનાં કાર્ટૂનોનો આસ્વાદ કરાવવાની નેમ છે.
પહેલી કડી છે: Creation of Universe: क्या तेरे मन में समायी!
આ સફર એટલી રોમાંચપ્રેરક અને આનંદદાયી બની રહી છે કે એ એક યા બીજા સ્વરૂપે ચાલતી રહેશે.
No comments:
Post a Comment