Sunday, August 21, 2011

જિંદગી ઇમ્તિહાન લેતી હૈ, દોસ્તોં કી જાન લેતી હૈ.


મિત્રો ઘણા છે, અને અલગ અલગ શ્રેણીના, વર્તુળના. પણ અમુક સાથેની મિત્રતાનો આરંભ છેક બાલ્યાવસ્થાથી થાય છે, કિશોરાવસ્થામાં એ આગળ વધે છે, યુવાવસ્થામાં ઘટ્ટ બને છે. આ સંબંધ અનેક ઉતારચઢાવ વચ્ચેય આજીવન ટકે છે. આવા મિત્રો એક રીતે વિસ્તૃત પરીવાર જ બની રહે છે. બાલ્યાવસ્થાના મિત્રોમાંના આવા એક મિત્રનો આજે પરીચય કરાવવો છે. આજે એટલા માટે કે આ દિવસનું એક વિશેષ મહત્વ છે. અહીં આવતા અન્ય મિત્રોનાં નામથી બાકીના અપરિચીત હોય એ સ્વાભાવિક છે, પણ તેને લઈને વાંચવામાં કશો વાંધો નહીં આવે.
એ મિત્રનું આખું નામ મુકેશ અંબાલાલ પટેલ. એને ઓળખનારા એને હંમેશા મૂકો કે મૂકલોના નામે જ બોલાવે. અજય ચંદુલાલ ચોકસી જેવા અંતરંગ મિત્રો એને એના પિતાશ્રીના નામે અંબાલાલના નામે સંબોધે. વળતા વહેવારે મૂકોય એને ચંદુલાલ અથવા ફક્ત લાલ કહીને સંબોધે.
મહેમદાવાદમાં મારા ઘરથી સામે સહેજ ત્રાંસમાં જ એનું મકાન. એ મારી સાથે, મારા જ ક્લાસમાં ભણતો. શાળામાં હતો ત્યારથી જ ખાસ્સો જાણીતો થઈ ગયેલો. ના, ભણવામાં તો એ સરેરાશ હતો. પણ એની વિશેષ આવડત હતી ફિલ્મોનાં ગીતો ગાવાની અને સંવાદો બોલવાની. અવાજ કંઈ એવો સારો નહીં, પણ ક્લાસની સામે સ્ટેજ પર આવીને પોતાને આવડે એવું ગાવાની હિંમત ખરી. સંવાદો બોલવામાંય એવી અદાકારી નહીં. પણ આગળ લખ્યું એ જ લક્ષણ જવાબદાર. શોલે’, કર્મયોગી જેવી ફિલ્મોના સંવાદો તેને બરાબર મોઢે થઈ ગયેલા. એટલે ઘણી વાર કોઈક વર્ગમાં ફ્રી પિરીયડ હોય અને મૂળ શિક્ષકને બદલે કોઈ બીજા શિક્ષક આવ્યા હોય એટલે મૂકાને સંવાદો બોલવા માટેનું તેડું આવ્યું જ હોય. એ હોંશે હોંશે જતો. એને આવડતા બધા સંવાદો, ગીતો રજૂ કરતો અને પોતાને બોલાવ્યાની યોગ્યતા સાબિત કરતો.
મિમીક્રી પણ એની આવડતોમાંની એક. એની નકલ હૂબહૂ હોય કે નહીં એ અલગ વાત છે, પણ તેને સાંભળનારને હસવું આવે એની ગેરંટી. અમારા ગામના અનેક જાણીતા-અજાણ્યા પાત્રોની નકલ કરીને એ ઘરનાં બધાંને હસાવે. ઘણા પાત્રોને અમે ચહેરેથી નહીં, પણ મૂકાએ અમારી આગળ રજૂ કરેલી એ પાત્રની શૈલી-સંવાદો થકી જ ઓળખતા.
નિકાહ ફિલ્મ મહેમદાવાદમાં આવી ત્યારે મુસ્લિમ બિરાદરો મોટા પ્રમાણમાં એ જોવા જતા. ફિલ્મ કરમુક્ત હતી. એ લોકો કેવી રીતે પિક્ચર જોવા જવાની વાત કરે, એ મૂકાની સ્ટાઈલમાં જુઓ: ચલો નિક્કે (નિકાહ) મેં ચલતે હૈ. દો કા પિચ્ચર, એક કી પકોડી. લે હેંડ સલીયે (સલીમ) ! આજની તારીખે પણ રેડીયો પર દિલ કે અરમાં આંસૂઓંમેં બહ ગયે સાંભળું ત્યારે મને નથી યાદ આવતા સંગીતકાર રવિ કે ગાયિકા સલમા આગા. બેકગ્રાઉન્ડમાં દો કા પિચ્ચર, એક કી પકોડી જ સંભળાય છે અને આવું કરુણગાન સાંભળતાંય અનાયાસે હોઠ મરકી જાય છે.
અમારા સૌના ઘેર મૂકો આવે એટલે ગામ આખાનાં પ્રેમ પ્રકરણોની જાણકારી બહુ અધિકૃત રીતે આપે. આને લઈને અમારા ઉપરાંત વડીલોના સામાન્ય જ્ઞાનમાંય ઘણો વધારો થતો.
એણે રેડીયો પર કયું ગીત છેલ્લું સાંભળ્યું કે છેલ્લી કઈ ફિલ્મ જોઈ એની ધારણા કરવી બહુ સરળ. પોતાના ઘરમાંથી જે ગીત મોટે મોટેથી ગાતો નીકળે એ એણે રેડીયો પર છેલ્લે સાંભળેલું ગીત.
**** **** **** 
કોઈ પણ શબ્દને ચલણી બનાવવાની એની આવડત ગજબની. ચિત્રવિચિત્ર શબ્દો, શબ્દપ્રયોગો પહેલાં એ પોતે વાપરે અને ધીમે ધીમે એને એવા પ્રચલિત કરે કે એને મળનારાને પણ એ શબ્દોનો ચેપ લાગે અને એ વાપરવા માંડે. કેટલાક શબ્દોના નમૂના જુઓ: ખુજડે, ફટીન્જર, ચેપ્ટર, ઊભરો, ટાઢગોદડી, આંટા, વાઘ, ભૂટભૂટ, ભોંયચકેડી, ઉસ્તાદ, ટેટી...(આ શબ્દો કોઈકને સંબોધવા વપરાય. જેમ કે- ઓહોહો! મારા રાજુ ઉભરા અથવા એય નિખલા (નિખીલ) ભૂટભૂટ વગેરે.) સમયાંતરે આ શબ્દો બદલાતા રહે. આ શબ્દોની અપીલ જોવી હોય તો તમારા કોઈક મિત્રને આમાંના એકાદ સંબોધનથી સંબોધી જોજો.


ઉદેપુરથી મૂકાએ લખેલો પત્ર: ચોકસી ને કરેલું સંબોધન વાંચવા જેવું છે. 

એના પપ્પાનું ઉપનામ એણે પોતે જ પાડેલું અજિત’. ફિલ્મી વિલન અજિતના નામ પરથી. આવું કેમ? ફિલ્મોમાં હીરોના બધા પ્લાન વિલન અજિત જાણીને તેને ચોપટ કરી દે છે, એમ જ મૂકાના પ્લાનની એના પપ્પાને ખબર પડી જતી. કેવા પ્લાન? મોટે ભાગે તો કોલેજમાંથી ગાપચી મારીને ફિલ્મ જોવાના પ્લાન હોય. પણ એક વાર કોઈક રીતે તેના પપ્પાને ખબર પડી ગઈ. ત્યાર પછી અંબાલાલકાકા કાયમ તેને શકની નજરોથી (નિર્દોષ પુરવાર ન થાય ત્યાં સુધી ગુનેગાર તરીકે) જોતા. અંબાલાલકાકા રેલ્વેમાં નોકરી કરતા. એ ઘેર હોય એટલે સાંજે ચાલવા જવાનો એમનો ક્રમ. ક્યારેક એ ચાલવાનો રૂટ બદલે અને દૂરથી ચાલીને આવતા દેખાય એટલે મૂકો નીચેથી મને બૂમ પાડીને જણાવે, અજિત આજે રાઉન્ડ ધ વીકેટ આવે છે. આમ, હસવા હસાવવામાં એના પપ્પાનેય ન છોડે. અલબત્ત, એમની ગેરહાજરીમાં.
પ્રકૃતિએ એ ચંચળ. એક જગાએ સખણા બેસવું ફાવે જ નહીં. મારા પપ્પા વડોદરા અપડાઉન કરતા. એ રાત્રે પાછા આવે એ વખતે મૂકો અમારે ઘેર હોય તો પપ્પા અચૂક પૂછે, પટેલ, લાવવું છે? ભાવ ઉતર્યા છે. મૂકો એટલી જ ગંભીરતાથી જવાબ આપે, ના, કાકા. હમણાં નહીં. આનો શો મતલબ? પપ્પાના કહેવાનો મતલબ એવો કે વડોદરાના કમાટીબાગમાં વાંદરાનું પૂછડું વેચાતું મળે છે. હમણાં એ સસ્તું થયું છે. વડોદરાથી તારા માટે લેતો આવું? (કેમ કે તારામાં ફક્ત એ જ ખૂટે છે.) આના જવાબમાં મૂકો કહે કે હમણાં નથી લાવવું. વરસો વીતતાં આખા સંવાદો પણ ન થાય. પપ્પા એટલું જ પૂછે, પટેલ?” એટલે મૂકો હથેળી હલાવીને નાનો ઈશારો કરી દે. કેમ છો?’, સારું છે જેવું આ રૂટીન.
રાજકીય પક્ષોમાં અમુક લોકો થીન્ક ટેન્ક ગણાય અને અમુક માણસો ફૂટ સોલ્જર ગણાય છે. મૂકો અમારા ગૃપનો ફૂટ સોલ્જર. ધક્કાફેરાથી માંડીને શારિરીક શ્રમનું કંઈ પણ હોય તો અમે તો ઠીક, અમારા ઘરના વડીલોય મૂકાને જ શોધે. એ કામ કરશે તો  મૂકો જ કરશે, એવો સૌને વિશ્વાસ. અને વચ્ચે આવતા તોંત્તેર મણના તો બાબતેય સૌને ખાતરી.
એ વખતે અમે મિત્રો ફિલ્મની વિડીયો કેસેટ અમદાવાદથી ભાડે લાવતા. મનીષ શાહ(મંટુ)ને ત્યાં વી.સી.આર. હતું એટલે ત્યાં ભેગા થઈને જોઈએ અને બીજે દિવસે એ અમદાવાદ મોકલી આપીએ. ફોન તો હતા નહીં ત્યારે.એટલે મૂકાને કહી દેવાનું કે બધાને સંદેશો પહોંચાડી દેજે. મૂકો સામસામે છેડે આવેલા સૌને ઘેર જઈને સંદેશો પહોંચતો કરે. ફિલ્મનો સંદેશો આપવાનો એને જેટલો ઉત્સાહ એટલો ફિલ્મ જોવાનો નહીં. એવુંય બને કે એ ફિલ્મમાં મોટે ભાગે એ અધવચ્ચે સૂઈ ગયો હોય.
પણ એનું વર્તન ભાખી શકો તો એ મૂકો નહીં. એક વાર અમે ચેપ્લીનની સીટી લાઈટ્સ ફિલ્મની કેસેટ લાવેલા. મેં મૂકાને આ સંદેશો વિપુલને પહોંચાડવા જણાવ્યું. એ મારા દેખતાં જ ઘેરથી નીકળ્યો. મંટુને ઘેર અમે રાહ જોઈને બેસી રહ્યા, પણ ન આવ્યો વિપુલ કે ન દેખાયો મૂકો. છેવટે અમે ધૂંધવાઈને એમના વિના જ ફિલ્મ જોઈ. બીજે દિવસે વિપુલ મળે તો એને બે શબ્દ ઠપકાના કહેવાનું વિચારતો હતો, ત્યાં જ મૂકો મળી ગયો. કંઈ બન્યું ન હોય એમ કહે, વિપુલને ત્યાં જતો હતો ને રસ્તામાં અસકો (અશોક) ખત્રી મળ્યો. એ પિક્ચર જોવા જતો હતો. મને બહુ આગ્રહ કર્યો, એટલે પછી એની સાથે પિક્ચરમાં જતો રહ્યો.
આવા કિસ્સા તો કેટલાય. અને દરેક પાસે પોતપોતાના.
 એક વાર વિપુલને ઘેરથી કોઈક કામ માટે એ સ્ક્રૂ ડ્રાઈવર લઈ ગયો. ખાસ્સા દિવસ થયા, પણ સ્ક્રૂ ડ્રાઈવર પાછું ન આવ્યું. યાદ કરાવ્યું એટલે એ કહે, એ તો શ્રીવાસ્તવ સાહેબ જોડે છે. શ્રીવાસ્તવ સાહેબ કોણ? મૂકો વટવા યાર્ડમાં નોકરી કરતો હતો, એના સાહેબ આ શ્રીવાસ્તવ. સ્ક્રૂ ડ્રાઈવર ક્યાંથી ક્યાં પહોંચી ગયું?
એના કોઈક મિત્રની બે-ત્રણ કેસેટ એ એક વાર લઈ આવેલો. એમાં કિશોરકુમારનાં ગીતો હતાં. મિત્ર હતો મણિનગરનો. કેસેટ અમને આપીને મૂકાએ કહ્યું, સાંભળજો. એમાં સારાં ગીતો છે. અમે સાંભળ્યા. થોડા દિવસ થયા એટલે એને કેસેટો પાછી આપી, તો મૂકો કહે, સાંભળો ને. આપવાની ઉતાવળ નથી. વળી થોડા દિવસ પછી અમે પાછી આપી, તોય એણે લીધી નહીં. એટલે અમે કહ્યું, અમારી વસ્તુઓય તું આ રીતે જ બીજાઓને આપતો હોઈશ ને! એટલામાં મયુરે ઉમેર્યું, મારી બે-ત્રણ કેસેટો મળતી નથી. મૂકા પર આની કશી અસર નહીં. પેલી કેસેટો ઘણા વખત સુધી વિપુલને ત્યાં જ પડી રહી હતી.
**** **** **** 
૧૯૮૫માં પહેલી વાર એના વિષે લખ્યું હતું. એ પછી ચાર વરસે એ લખાણમાં ઉમેરા કરવાના હોવાથી હું અને અજય ચોકસી મુદ્દા ટપકાવતા હતા, ત્યાં નીચેથી મૂકાની બૂમ પડી, અજલા, તારી સાયકલ આપ ને! ઝેરોક્સ કઢાવીને આવું. અજયે ચાવી નીચે ફેંકી અને મૂકો સાયકલ લઈને ઊપડ્યો. સવારના અગિયારેક વાગેલા. અમારું કામ કલાકેકમાં પતી ગયું. અજયને ઘેર જવાનો સમય થઈ ગયો, પણ મૂકો દેખાયો નહીં. અમને થયું કે ઝેરોક્સ કઢાવીને આવતાં વાર કેટલી? ખાસ્સી રાહ જોઈ, પણ મૂકો ન આવ્યો એટલે અજય ચાલતો ઘેર જવા નીકળ્યો. થોડી વારમાં હું જમવા બેસવાની તૈયારી કરતો હતો કે મૂકાની બૂમ પડી. હું બહાર નીકળ્યો. જોયું તો મૂકો ચાલીને આવતો હતો. એણે માહિતી આપી, ઝેરોક્સ કઢાવવા ગયો તો ત્યાં લાઈટો બંધ હતી. ત્યાં બેઠો હતો ને વલ્લભભાઈ આવ્યા. કહે- મૂકા, સાયકલ આપ ને, બેંકમાં જવું છે. એટલે એમને સાયકલ આપી.
મેં પૂછ્યું, ઝેરોક્સનું પત્યું કે નહીં ?” મૂકો કહે, ઝેરોક્સવાળા પ્રફુલે કહ્યું કે જમીને આવજે ને, હું કાઢી રાખીશ. મેં પૂછ્યું, તો સાયકલ ક્યાં?” મૂકો કહે, વલ્લભદાસ ક્યાં પાછા આવ્યા છે?” આવું કમઠાણ સાંભળીને હું ચકરાઈ ગયો. સાડા બાર થવા આવેલા અને દોઢની લોકલમાં તો એણે નોકરીએ જવાનું હતું. એ સાયકલ ક્યારે લાવે, ઝેરોક્સ ક્યારે કઢાવે, ક્યારે જમે? પણ મૂકો હોય એટલે આવા સવાલ નહીં કરવાના. બધું થઈ પડે. સાંજે અજય મને મળ્યો એટલે મેં એને આ વાત કરી. અજયે રહસ્ય ખોલતાં કહ્યું, હું ઘેર જતો હતો ત્યારે રસ્તામાં જ મને મૂકો મળેલો. તેણે મને સાયકલની કથા કરી. એટલે મેં એને કહેલું કે આ બધી વાત ઘેર જઈને બીરેનને કહેજે. એટલે અજયના કહેવાથી આ બધી વાત મૂકાએ મને બૂમ પાડીને બહાર બોલાવીને જણાવેલી. અજયે આવી સૂચના એટલા માટે આપેલી કે મૂકા વિષે લખવાના મુદ્દા અમે ટપકાવતા હતા, એમાં મને આ કામ લાગે.
આવા અસંખ્ય કિસ્સાઓની સામે એણે ચોકસાઈ રાખીને કામ કર્યું હોય એવા કિસ્સા પણ ઘણા મળી રહે. નાનપણનો એક પ્રસંગ બરાબર યાદ છે. મને મમ્મીએ બજારમાંથી ટામેટાં લઈ આવવાનું કહ્યું. મને અમસ્તીય બહાર જવામાં કીડીઓ ચડે. ત્યારે તો વિશેષ. હું કામ ટાળતો હતો ત્યાં જ મૂકો આવ્યો.એણે વાત સાંભળી. કહે, લાવો કાકી, હું લઈ આવું. આટલું કહીને થેલી લઈને એ દાદરો ઉતરી ગયો અને દસેક મિનીટમાં ટામેટાં લઈને પાછો આવી ગયો.
એક વાર રવિવારે અમે બજારમાં ગયેલા. અજયની દુકાને અમારી બેઠક હોય. અજયનો ભાઈ નિકુંજ એ દિવસે અમદાવાદ ગયેલો. કામ કંઈક એવું હતું કે મહેમદાવાદથી કોઈક અમદાવાદ જાય, નિકુંજને અમુક ઠેકાણે મળે અને નિકુંજ અમુક કારીગરની પાસેથી માલ અપાવે, એ માલ લઈને પાછું મહેમદાવાદ આવવાનું. કામ અરજન્ટ હતું અને ચોકસી દુકાન છોડીને નીકળી શકે એમ નહોતો. મૂકાને જોયો એટલે ચોકસીએ કહ્યું, મૂકા, અમદાવાદ જઈને આટલું કરવાનું છે. મૂકો તરત જ તૈયાર થઈ ગયો અને જોતજોતામાં અમદાવાદ જવા ઉપડી ગયો.
અમારા બધાની ભેગો એ ફરતો એને કારણે એના પપ્પાને સતત એ ચિંતા રહેતી કે મૂકો ક્યાંક બહુ પૈસા ખર્ચી ન બેસે. મૂકો ખુદ શરૂમાં પૈસાની બૂમો પાડતો. એને ઘેર મહેમાન આવે તોય એને ટેન્શન એ બાબતનું રહેતું કે ક્યાંક ખર્ચો થઈ ન જાય. પણ આની સામે ઘણી વાર એ એવી ઉદારતા દેખાડતો કે સામેવાળાને આઘાત લાગે.
માથેરાનમાં: (ડાબેથી) મૂકો, મહેન્દ્ર, મયુર
 અમે બધા મિત્રો માથેરાન ગયેલા. અમારા સૌનો હિસાબ ચોકસી રાખે. માથેરાનમાં બધાને બહુ મઝા આવી એટલે સૌએ ચોકસીને પૂછ્યું, એકાદ દિવસ વધારે રહેવાય એવું બજેટ બચ્યું છે?” ચોકસીએ ગણતરી કરીને કહ્યું કે એક દિવસ વધારે રહી શકાશે. આમ, બધા તૈયાર થયા ત્યાં મૂકો આડો ફાટ્યો. કારણ પૈસાનું! બધાએ એને બહુ સમજાવ્યો ત્યારે માંડ માન્યો. પણ એ એક દિવસના વધારાના ખર્ચના પૈસાના હપ્તા ઘણા વખત સુધી એણે ભર્યા.
મિત્રોના લગ્ન થવાના શરૂ થયા ત્યારે બધા મિત્રો અમુક રકમ એકઠી કરીને લગ્ન થયા હોય એ મિત્રને આપે એવી પ્રથા શરૂ કરેલી. એ મુજબ, પિયુષના લગ્ન હતા અને એને બીજે દિવસે કાશ્મીર જવા નીકળવાનું હતું. ખર્ચમાં એને કામ લાગે એ હેતુથી બધાએ લગ્નના દિવસે જ રકમ એકઠી કરીને આપવાનું નક્કી કરેલું. આમાં મૂકાએ પોતાના ભાગના રૂપિયા એ જ દિવસે આપી દીધા એટલે સૌને આશ્ચર્ય થયેલું. પણ પછી એ જાણીને જરાય આશ્ચર્ય ન થયું કે બીજે દિવસે મૂકો મયુર પાસે જઈને એટલી જ રકમ ઉછીની લઈ આવ્યો.  
અમે માસિક અમુક રકમ ઉઘરાવતા. એમાંથી મુકાએ લોન પેટે પૈસા ઉપાડેલા. એ અરસામાં હું કેમેરા ખરીદવાનું વિચારતો હતો. મિત્રો વચ્ચે મેં ફક્ત જાણ ખાતર વાત મૂકી કે તરત મૂકો બોલી ઉઠ્યો, ત્રણેક હજાર સુધી જોઈતા હોય તો હું આપું. સદાય પૈસાની અછતની બૂમો પાડતો આવી ઓફર કરે એ શી રીતે માનવામાં આવે? અને આગલે મહિને તો એણે લોન લીધેલી. એ પછી પ્રદીપે સ્કૂટર ખરીદવાની વાત કરી ત્યારેય મૂકાએ પાંચેક હજારની ઓફર કરેલી.
આવા વિરોધાભાસી લક્ષણો તેનામાં જોવા મળતાં.
એ મિત્રો પાસેથી કોઈ પણ વસ્તુ માગી શકે. કોઈકનું શર્ટ, કોઈકના ગોગલ્સ, કોઈકની કેસેટ, કોઈકનું સ્ક્રૂ ડ્રાઈવર. એને આપ્યા પછી વસ્તુ પાછી આવે તોય એની અવદશા મૂકાએ એવી કરી હોય કે એમ કહેવાનું મન થાય કે ભઈ, હવે તું જ આ રાખ.
મૂકાની ખરી ખાસિયત હતી એની હરકતોની. દેખાતી રીતે અસભ્ય ગણાય એવી, પણ અતિ વિશિષ્ટ, નિર્દોષ અને સાવ સહજ. એ ક્યારે કયો પ્રશ્ન પૂછી કાઢશે, કોની ઓળખાણ કઈ રીતે આપશે કે કોઈ બાબતનો કેવો પ્રતિભાવ આપશે એ બાબતે અટકળ કરી જ ન શકાય.
એક મિત્ર રાજુભાઈને અમેરીકા જવાનું નક્કી થયું. મૂકાએ એડવાન્સ બુકીંગ કરી દીધું, હું તમને મૂકવા મુંબઈ આવવાનો. વારેવારે તે આ વાક્યનું રટણ કરતો. મુંબઈ જવામાં ખર્ચ પણ થશે એ એને ત્યારે યાદ ન આવે. તુષાર અને વિપુલની સાથે મૂકોય જોડાયો. મુંબઈમાં એ લોકો જે હોટેલમાં ઉતર્યા ત્યાં વેસ્ટર્ન ટોઈલેટ હતું. આ વાત નહીં નહીં તોય પચીસેક વરસ પહેલાંની છે. એ વખતે વેસ્ટર્ન ટોઈલેટની નવાઈ હતી. મૂકો ટોઈલેટ ગયો. એના નીકળ્યા પછી થોડી વારે બીજો કોઈ મિત્ર ગયો. ફ્લશ કરતી વખતે ખબર પડી કે ફ્લશ ટેન્ક છૂટી થઈ ગઈ છે. સ્વાભાવિકપણે જ પહેલો શક મૂકા પર જાય. એટલે એ મિત્રે બહાર આવીને મૂકાની ઉલટતપાસ લીધી, પણ મૂકાએ હાથ મૂકવા ન દીધો. એ પછી અમેરીકા જનારા મિત્રને વળાવીને બધા મહેમદાવાદ આવ્યા. થોડા દિવસ પછી રાજુભાઈને અમેરીકા કુશળમંગળનો પત્ર લખવાની વાત થઈ, એટલે મૂકાએ વિપુલને કહ્યું, રાજુભાઈને લખી દેજે કે પેલું મેં તોડ્યું હતું.
મુંબઈની એ જ મુલાકાતની બીજી વાત. એરપોર્ટ પર આવેલી એક હોટેલમાં બેસવાથી ચડતાં-ઉતરતાં વિમાનો સરસ રીતે જોઈ શકાતાં હતાં. એટલે મૂકાએ જિદ લીધી, આ હોટેલમાં ચા પીએ. તુષાર અને વિપુલે એને બહુ સમજાવ્યો. અહીં ચા મોંઘી હોય એ રીતે એની ભાષામાં પણ કહ્યું, પણ એણે જિદ મૂકી નહીં. હોટેલમાં એ લોકો પ્રવેશ્યા કે તરત જ મૂકો નાના બાળકની જેમ કાચની બારીએ વિમાનો જોવા ધસી ગયો. તુષારે એને ત્યાંને ત્યાં સરસ્વતી ચોપડાવવા માંડી, પણ મૂકો હટે ખરો? ચા આવી, બધાએ પીધી. ચાર ચાનું બીલ આવ્યું અઠ્ઠાવીસ રૂપિયા. મૂકો બીલ જોઈને આઘાત પામી ગયો. કહે, આ તો આખા મહિનાની ચાનું બીલ થઈ ગયું! વિપુલે મજાકમાં કહ્યું, હોટેલવાળાએ તને બારી પાસે વિમાન જોતો જોયો એટલે એમણે બીલ વધારે બનાવ્યું છે.
મુંબઈમાં એક વાર વિપુલના મામાને ત્યાં બધા ગયેલા. મામીએ  જમીને જવાનો બહુ આગ્રહ કર્યો. પણ એમાં ઘણું મોડું થઈ જાય એમ હતું. વિપુલે મૂકાને આગળ કરતાં કહ્યું, મૂકાએ બોમ્બે જોયું નથી એટલે એને થોડો ફેરવવો છે. મૂકાએ ભોળાભાવે તરત જ કહી દીધું, મારે તો ક્યાંય ફરવું નથી.
**** **** **** 
આવી નિર્દોષતાની સામે એને વહીવટ કરવાની ફાવટ સારી.
થોડો સમય એ એક આઈ.ટી.આઈ. ઈન્સ્ટીટ્યૂટમાં શિક્ષક હતો. વિદ્યાર્થીઓમાં બહુ લોકપ્રિય થઈ ગયેલો. થોડા સમય પછી આ સંસ્થા તેણે છોડી. છોડ્યા પછી થોડા વખતમાં એને ઘેર કાગળ આવ્યો: અમુકતમુક સાધનોના બ્રેકેજ ચાર્જ પેટે તમારા આટલા રૂપિયા ભરવાના નીકળે છે, તે આવીને ભરી જાવ. મૂકો ત્યાં ગયો. તૂટેલા સાધનોના પૈસા પૂરેપૂરા ભરવાને બદલે પ્રિન્સીપાલ સાથે સમજૂતી કરી અને સાવ મામૂલી રકમ એમના હાથમાં પકડાવીને આવતો રહ્યો.
એણે બે-ત્રણ દુકાનોમાં વારાફરતી મોટર રીવાઈન્ડીંગનું કામ કરેલું. બીજી દુકાને એ જોડાયો ત્યારે આગલી દુકાનવાળા પાસે એનું લેણું નીકળતું હતું. રોકડા ઝટ મળવા મુશ્કેલ. એટલે થોડા થોડા દિવસે મૂકો આગલી દુકાનવાળા પાસે જાય અને વાઈન્ડીંગનો વાયર ખલાસ થઈ ગયો છે, થોડો આપો ને! એમ કહીને વાયર લેતો આવે. આ રીતે એણે બધું લેણું વાળી લીધેલું.  
રેલ્વેમાં નોકરીએ લાગ્યા પછી અમને એ રેલ્વેની વિવિધ પરિભાષાથી પરાણે પરિચીત કરાવતો. એન્જિનને રેલ્વેવાળા પાવર તરીકે ઓળખે. ડીઝલ એન્જિનની સાઈઝ મુજબ એ આલ્કો પાવર’, પપ્પૂ પાવર તરીકે ઓળખાય. તે ક્યા શેડનું છે એ પરથી રતલામ શેડ’, ઝાંસી શેડ તરીકે ઓળખાય અને તેના મોડેલ પરથી ડબલ્યુ ડી એમ ટુ ડબલ્યુ સી એમ’, ડબલ્યુ ડી જી જેવાં નામે ઓળખાય. આવી માહિતી એ ભારે ઉત્સાહપૂર્વક અમને કહેતો, એટલું જ નહીં, અમારી પરીક્ષાય લેતો. ક્યારેક સ્ટેશને હોઈએ અને દૂરથી કોઈ ટ્રેન આવતી દેખાય એટલે મૂકો પૂછે, બોલ અજલા (અજય), કયો પાવર?” અમને આમાં શું ખબર પડે? પણ આને કારણે આજેય સ્ટેશને ઉભા હોઈએ અને કોઈ ટ્રેન જોઈએ એટલે એના એન્જિનના મોડેલ નંબર અને શેડના નામ અનાયાસે મનોમન વંચાઈ જાય છે. ભલે ને એ પછી યાદ ન રહે.
રેલ્વેમાં હતો ત્યારે ફરજ પર બીજા અનેકની સાથે એ સૂઈ રહ્યો હતો. એવામાં કોઈ સાહેબ આવ્યા. બીજાની ખબર નથી, પણ મૂકાને આ કારણે ચાર્જશીટ મળી. એનો કાગળ મૂકો શર્ટના ખિસ્સામાં રાખતો અને હોંશે હોંશે બધાને બતાવતો. મેં એને આ કાગળની ગંભીરતા કહી, ત્યારે એ કહે, આવું તો અમારે ત્યાં બધા બહુને મળે છે. અમારા સાહેબ કહે છે કે કશુંય નહીં થાય. અને ખરેખર થોડા દિવસમાં એ ચાર્જશીટ પાછી ખેંચાઈ ગઈ. એટલું જ નહીં, થોડા વખત પછી એને કોઈક કામમાં ઉત્કૃષ્ટતા દાખવવા બદલ સર્ટીફીકેટ અને રોકડ ઈનામ પણ મળેલા.
મૂકાને સ્કૂટર આપતાં કોઈનો જીવ ન ચાલે. કેમ કે સ્કૂટર હાથમાં આવે એટલે એ બધે ખાલી ખાલી આંટા મારી આવે. અને એને સ્કૂટર ચલાવતો જોઈને સ્કૂટરમાલિકનો જીવ ઊંચો થઈ જાય. મૂકો પહેલો ગીયર પાડે તો મને છેક ઉપર સુધી સંભળાય એવું તો ઘણી વાર બનતું.  એ પહેલાં એ સાયકલ ચલાવતો. અને કેવી? પ્રદીપની નાનકડી ભાણીને એક હાથે તેડીને, બીજા હાથે સાયકલનું હેન્ડલ પકડીને એ ભરબજારે સાયકલ લઈને નીકળતો. એક વાર ઉર્વીશને એ પાછળ બેસાડીને બજાર ગયો, પણ સાયકલ એવી ભયાનક ચલાવે કે રસ્તે ચાલતા એક ભાઈને ઉર્વીશનો પગ અડકી ગયો. જો કે, ઝઘડો ન થયો.
એક વાર આવી ઝડપે એ સાયકલ લઈને બજારમાં નીકળેલો. કોઈક છોકરીની તેલની બરણીને સાયકલ અથડાઈ. બરણી નીચે પડી અને તેનું ઢાંકણું ખૂલી ગયું. બધું તેલ ઢોળાઈ ગયું. મૂકાએ વીસ રૂપિયા જોડવા પડ્યા.
આવા કારણોથી લોકો એને સાયકલ કે સ્કૂટર આપતાં ખચકાય, પણ આપવું એટલા માટે પડે કે મૂકા સિવાય બીજું કોણ એમનું કામ કરે?
આવા પોતાના પરાક્રમો અમને એ પોતે જ કહી સંભળાવે, એટલે તો અમને ખબર પડે. એનાં પરાક્રમોની વાત વધારે તો એ મયુરને ઘેર નિલેશ, મહેન્દ્ર જેવા મિત્રોની હાજરીમાં વધારે ખૂલીને કરતો, કેમ કે અમારી હાજરીમાં અમુક વાતો એણે પોતે જ સેન્સર કરવી પડે કે પછી કશી ટીપ્પણી સાંભળવી પડે, જ્યારે પેલા મિત્રો મૂકાની નાનામાં નાની વાતને, એમાં રહેલા ઘટનાતત્વને બરાબર માણે અને ઉછળી ઉછળીને હસે. પછી અમનેય કહે. સ્વાભાવિકપણે જ અમારા કરતાં વધુ કિસ્સાની જાણકારી નિલેશ અને મહેન્દ્રને વધુ હશે.
અને અવનવા કિસ્સા!
એક વાર અમે રેલ્વે સ્ટેશને ઉભા હતા. બાજુના બાંકડે એક જાંબુ વેચનારે જાંબુનો ટોપલો મૂકેલો. જાંબુવાળો ક્યાંક આઘોપાછો થયેલો. એવામાં એક બહેન આવ્યાં. એમણે એક રૂપિયાનો સિક્કો ધરીને મૂકાને કહ્યું, ભઈ, રૂપિયાનાં જાંબુ આલો ને! મૂકાએ પોતાનો જ ટોપલો હોય એમ એમની પાસેથી રૂપિયો લીધો, ટોપલામાં નાંખ્યો અને મુઠ્ઠી ભરીને જાંબુ આપ્યાં. થોડી વારે ટોપલાનો માલિક આવ્યો એટલે મૂકાએ એને કહ્યું, ભઈ, રૂપિયાનાં જાંબુ આમાંથી આપ્યાં છે અને રૂપિયો અંદર મૂક્યો છે. ટોપલાવાળો કહે, મને ખબર છે. એટલે મૂકો અમારી તરફ ફરીને કહે, આય કંઈ ઓછા લાકડે બરે(બળે) એવો નથી.  
**** **** ****
એનાં લગ્ન ગીતા સાથે થયાં ત્યારે અમે બધા મિત્રો ડભોઈ ગયેલા. લગ્ન વખતે પ્રસંગ મુજબની વરરાજાની ઠાવકાઈ તો એનામાં હોય જ નહીં, પણ ત્યાંય દૂરથી બધાંની ઓળખાણ અમને એની સ્ટાઈલમાં કરાવે: પેલો આંટો છે એ આપણું અહીંનું ફોલ્ડર છે. અને પેલું ચેપ્ટર આપણું ધ્યાન રાખે છે. વગેરે.. લગ્નમાં આ રીતે બધાએ બહુ મઝા કરેલી.
લગ્નના દોઢેક વરસ પછી મૂકો દીકરીનો બાપ બન્યો ત્યારે ઘણા બધાને આશ્ચર્યમિશ્રીત ચિંતા થતી હતી કે આ પોતે જ બાળક છે અને જોતજોતાંમાં બાપ બની ગયો?
Dr. Anand Nande/ ડૉ. આનંદ નાન્દે 
એ પછી થોડા વખતમાં એ બીમાર પડવા માંડ્યો. વારેવારે કમળો થઈ જતો. આવું લાંબું ચાલ્યું. એણે બહુ ગંભીરતાથી લીધું નહીં. છેવટે એના પપ્પા સાથે એ નડીયાદ બતાવવા ગયો. જે હોંશિયાર ડોક્ટરને બતાવવાનું હતું એમનું દવાખાનું બંધ હતું. એટલે એમણે ફરી ધક્કો ક્યાં ખાવો?’ એમ વિચારીને અન્ય એક ડોક્ટરને બતાવ્યું. એ ડોક્ટર લોકસભાના સભ્ય પણ હતા, એટલે નડીયાદમાં ન હોય ત્યારે દિલ્હીમાં હોય. એમણે ઓપરેશન તો કર્યું, પણ શું નિદાન કર્યું, શો ઈલાજ કર્યો એ તો એ જ જાણે. પણ એવું લાગેલું કે એમનાથી ઓપરેશનમાં કંઈક એવી ભૂલ થઈ ગઈ છે કે જે એમણે જણાવી નથી. ઓપરેશન પછી એની તકલીફ વધતી રહી. મૂકો ગળવા માંડ્યો. ફરી ડોક્ટરોના ચક્કર ચાલુ થયા.
 પહેલાં અમદાવાદના અને પછી થાકીને છેવટે મુંબઈના ડોક્ટરને બતાવ્યું. મુકાને તપાસ્યા પછી ડોક્ટર આનંદ નાન્દેએ સાથે ગયેલા અજયને અને ઉર્વીશને બોલાવીને કહ્યું, તમે બેસજો થોડી વાર. બધા દરદીઓને તપાસી લીધા પછી ડૉ. નાન્દેએ અજયને અને ઉર્વીશને બોલાવ્યા અને સ્પષ્ટ કહી દીધું, તમારો દોસ્ત જો બે-ત્રણ મહિના કાઢી શકશે તો વધુમાં વધુ બે-ત્રણ વરસ ખેંચશે."સાવ નાની દેખાતી બીમારીએ આટલું ગંભીર સ્વરૂપ લઈ લીધું અને ખ્યાલ જ ન આવ્યો!
મૂકાની દીકરી ત્યારે હજી માંડ પહેલા ધોરણમાં ભણતી હતી. આ સમાચાર એના ઘરનાને શી રીતે કહેવા? એના બન્ને બનેવીઓને આ હકીકતથી વાકેફ કર્યા. મૂકાની પત્ની ગીતાનેય આ વાત ન જણાવી. એ પછીનાં વરસો મૂકો જીવન સાથે નહીં, મૃત્યુ સામે ઝઝૂમતો રહ્યો. પેટમાં પાણી ભરાઈ જવું, પાણી કઢાવવું, આ અવસ્થામાં વારેવારે કોમામાં જતા રહેવું, સનેપાતે ચડી જવું.. આ બધું વધવા માંડ્યું. ઘણી વખત તેને અર્ધબેભાનાવસ્થામાં જ મુંબઈ તાત્કાલિક લઈ જઈને હોસ્પીટલમાં દાખલ કરવો પડતો. એ મુંબઈ જવાના ખબર મળે કે અમને મનોમન લાગતું કે આ વખતે હવે એ પાછો નહીં આવે. પણ એ આવી જતો. બોમ્બે હોસ્પીટલમાં એને દાખલ કર્યો હોય ત્યારે એમ જ લાગે કે આ ગયો હવે! અહીં તે ડૉ. અમરાપુરકરની સારવાર હેઠળ હતો. જેવો સહેજ સરખો થાય એટલે એ એના અસલ મૂડમાં આવી જાય. યુરીનેશન માટે એને પ્લાસ્ટિક બેગ બાંધેલી. એ બેગ જાણે કે શાક લાવવાની થેલી હોય એટલી સહજતાથી મૂકો એને હાથમાં પકડીને બોમ્બે હોસ્પીટલના આખા વોર્ડમાં ફરતો. ફરતો શું, ફરી વળતો! જાણે કે બીજાની ખબર જોવા ન આવ્યો હોય! શરીર સાવ નંખાઈ ગયેલું, પણ મળીએ ત્યારે એ અમારા અસલ સંબોધનથી જ બોલાવે, હસાવે અને પોતે તદ્દન નોર્મલ છે, એમ દેખાડવાનો પ્રયત્ન કરે. પછી તો મુંબઈવાળા ડૉ. નાન્દે પણ એના ફેન થઈ ગયેલા. મુંબઈના આ ખ્યાતનામ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટને મળવું હોય તો મૂકાને એપોઈન્ટમેન્ટની જરૂર નહીં. એ જઈ પહોંચે અને અતિ વ્યસ્ત એવા ડૉ. નાન્દે પણ એને ક્યા પટેલ?’ કહીને હસતે મોંએ આવકારે.
જો કે, હવે તો એના ઘરના પણ જાણી ગયા હતા કે મૂકો લાંબું નહીં ખેંચે. એના પપ્પા તો મૂકાની અવદશા જોવા હયાત ન રહ્યા.
૨૦૦૫ના ઓગસ્ટમાં એને વડોદરાની રેલ્વે હોસ્પીટલમાં દાખલ કર્યાની જાણ થઈ. વારાફરતી અમે બધાય એની ખબર કાઢી આવ્યા. અમુક જણ જાય ત્યારે મૂકો કાં ઊંઘતો હોય, કાં કોમામાં હોય,તો ક્યારેક જાગતો પણ હોય. અમદાવાદથી પિયુષ ખબર જોવા આવ્યો ત્યારે એણે ખાનગીમાં કહ્યું, હવે આના બહુ દિવસો બાકી નથી. બહુ બહુ તો અઠવાડિયું. એક ડૉક્ટર તરીકે પોતાને ખબર હોય તોય આવું કહેવાય નહીં, પણ પિયુષ ડૉક્ટર કરતાંય પહેલો મૂકાનો મિત્ર હતો અને મિત્ર લેખે એણે આ હકીકત અમને જણાવી હતી. અમને એમ કે દર વખતની જેમ આ વખતેય મૂકો પાછો ઉભો થઈ જશે. 
આમ ને આમ એણે દસ વરસ ખેંચી કાઢ્યા હતા. ક્યાં ડોક્ટર નાન્દેએ કહેલાં વધુમાં વધુ બે-ત્રણ વરસ અને ક્યાં દસ વરસ! એની દીકરી પણ હવે અગિયારમા ધોરણમાં આવી ગઈ હતી. એણે તો સમજણી થઈ ત્યારથી પપ્પાને પથારીવશ જ જોયેલા. અમારાં સૌનાં સંતાનોનુંય એવું જ હતું. એટલે અમે ક્યારેક મૂકાના પરાક્રમોની વાત કરીએ તો એમના માન્યામાં ન આવે કે પથારીમાં પડેલા આ સાવ ગળી ગયેલા મુકેશકાકાની વાત થઈ રહી છે.
આ બધું આજે યાદ કરવાનું કારણ એ કે આજે મૂકાની છઠ્ઠી પુણ્યતિથી છે.
 ૨૧મી ઓગસ્ટ, ૨૦૦૫ના દિવસે રાત્રે રેલ્વેની એ હોસ્પીટલમાં જ એણે શ્વાસ મૂક્યો. રાત્રે ને રાત્રે જ બધાને આ સમાચાર પહોંચી ગયા. વહેલી સવારે બધા એને ત્યાં પહોંચી ગયા. એના મૃતદેહને સ્મશાને લઈ ગયા. એના આવા અંત માટે બધા મનોમન તૈયાર હતા. છૂટી ગયો એવું આશ્વાસન પણ ખરું. નવમી નવેમ્બર, ૧૯૬૩ના રોજ જન્મેલા મૂકાએ ૨૧મી ઓગસ્ટ, ૨૦૦૫ના રોજ માત્ર બેંતાલીસ વરસની ઉંમરે દેહ મૂક્યો. આમાં છેલ્લા દસ વરસ તો એની બીમારી ખાઈ ગઈ હતી. સ્મશાનમાં ભેગા થયેલા મિત્રો મૂકાના અવનવા કિસ્સાઓ જ યાદ કરતા હતા. અને એ યાદ કરતાંય પરાણે હસવું આવી જતું, જે સ્મશાનમાં છીએ એ યાદ રાખીને રોકવું પડતું. એના દેહમાં નકરું પાણી જ રહેલું, એટલે બધું ઝડપથી પતી ગયું, એ જોઈને કોઈક બોલી ઉઠ્યું, આ મૂકલો બધાને કહેતો હતો કે આ તો ઓછા લાકડે બળે એવો નથી’, પણ એ પોતે તો બહુ જ ઓછા લાકડે બળ્યો.  

17 comments:

 1. "Time passed very fast" is a common talk of all. But in real,time never passed. we still feel our all old days and various incidents.I can still see all moments and no time/age/years passed. It's happened yesterday only and "Muko" is inviting us for "chocolaet Tea" (Kissme chocolate).

  ReplyDelete
 2. વાગોળવા જેવો માણસ મુકો .....
  વાંચ્યા પછી ફ્લેશબેક માં ઉતરી પડાયુ .અને વાગવા માંડ્યું ગીત .સલામે ઈસ્ક.મેરી જાન ....જરાસી ભૂલ ....મેરી જોહરા બાઈ ....
  મૂકા વિશેની ઘણી આદભૂત વાતો માં હું પણ જાણે અજાણે , ઘણા પ્રસંગોએ સાથ નીભાવ્યો છે...માટે ખુજડો..હમેસા યાદો માં છવાયેલો રહેશે....

  ReplyDelete
 3. Very touchy.Aava mitro hoy j chhe,pan emne nibhavi leva etle j mitratani parakashta.

  ReplyDelete
 4. Chandrashekhar VaidyaAugust 22, 2011 at 7:31 PM

  bapu aato "adbhoot" patra chhe.chhek chhele sudhi e gujri gayo chhe a tame gopit rakhyu
  a tamari " kala mayta ".abhi nandan.

  ReplyDelete
 5. ઉંમરમાં ઘણો (સાત-આઠ વર્ષનો) તફાવત હોવા છતાં, પાડોશી હોવાને કારણે બાળપણથી જ મુકા સાથે નજીકનો પરિચય. મુકાના ચહેરાનો નકશો જોઇને મને એ વખતનો પ્રિય ક્રિકેટર કપિલદેવ યાદ આવતો. કપિલદેવની જેમ મુકો હસતો ન હોય ત્યારે પણ હસતો હોય એવો જ લાગે. બીરેન અને હું ઘરમાં બીરેનની ડીડીઆઇટીની જર્નલનું સ્ટમ્પ અને ડૂચાના બોલથી ક્રિકેટ રમતા હોઇએ ત્યારે મુકો ઘણી વાર તેમાં જોડાય. ઉડઝુડિયાપણું મુકાની અનેક લાક્ષણિકતાઓમાંનું એક. ક્રિકેટમાં અને સાયકલ ચલાવવામાં એ ખાસ જણાઇ આવે.

  સાયકલ પર મુકાની પાછળ બેસવાનો લાભ મને ઘણો મળ્યો છે. એ વખતે હંમેશાં 'થ્રીલ રાઇડ'નો અનુભવ થતો. મહેમદાવાદના ગીચ બજારની વચ્ચે મુકો જે રીતે સમસમાવીને સાયકલ ચલાવે એવી રીતે ચલાવવામાં તો ઠીક, એની પાછળ બેસવામાં પણ હિંમતની કસોટી થઇ જાય.

  'ઉસ્તાદ' મુકાનું પ્રિય સંબોધન. બીરેનને મોટે ભાગે તે 'શું ઉસ્તાદ' કહીને બોલાવે. કોઇ વાતનો ઇન્કાર કરવામાં ‘જા ભઇ જા’ બોલવાની પણ મુકાની ખાસ સ્ટાઇલ હતી, જે હજુ અમે મુકાની યાદગીરી તરીકે વાપરીએ છીએ અને વાપર્યા પછી અચૂક હસી પડીએ છીએ. એવી જ રીતે કોઇ વસ્તુના વિશેષણ તરીકે ‘ભયંકર’ બોલવાનો પણ મુકાનો જુદો અંદાજ હતો. એ (ભાઇંદર)ની જેમ ‘ભાઇંકર’ બોલતો. મુકાની એક ખાસિયત એ કે તેને ગમે ત્યારે ભૂખનો એટેક આવે- અને એટેક આવે એટલે ખલાસ. એક વાર બીરેન અને મુકો અમદાવાદ ગયા હતા. આ પ્રકારનાં કામોમાં મુકાની હાજરી અનિવાર્ય ગણાય. રસ્તામાં મુકાને અચાનક ભૂખનો એટેક આ્વ્યો. એવું થાય એટલે ‘ઉસ્તાદ, હવે નહીં રહેવાય,’ એ મતલબનું કહીને મુકો પછી બેસી જ પડે. પછી ગમે તેટલો નાજુક સમય હોય તો પણ ક્ષુધાશમન પછી જ મુકાનું ગાડું આગળ ચાલે. એમાં કશી બનાવટ નહીં. બસ, ભૂખનો એટેક.

  હું નાનો હતો ત્યારે ઘરમાં વાલ્વવાળો ‘બુશ’નો રેડિયો. તેની પર ‘બિનાકા’ સાંભળીએ. ઘણી વાર મુકો તેનો પોકેટ રેડિયો લઇને આવે અને એની પર ‘બિનાકા’ સાંભળીએ. અત્યારે જેમ ઘણા કાનમાં ઇયરફોન ખોસીને ફરે છે, તેમ મુકાની જોડે પોકેટ રેડિયો હોય. કાને પોકેટ રેડિયો લગાડીને મુકો રસ્તા પર નીકળે. કિશોરકુમારનાં ‘સેડ’ ગીતો મુકાને બહુ ગમતાં- ‘મેરી ભીગી ભીગી સી..’, ‘સુલગ સુલગ જાયે’ ટાઇપનાં. હજુ કિશોરકુમારનાં એવાં ગીતો સાંભળીએ ત્યારે સૌથી પહેલા એના સંગીતકાર-ગાયક નહીં, મુકો જ યાદ આવે છે.

  ReplyDelete
 6. હરનિશ જાનીAugust 24, 2011 at 11:48 AM

  Birenbhai, Such a nice piece, I salute you. Very powerful and honest characterization. બે વાર વાંચી ગયો– આપણા સૌના જીવનમાં એક મુકો હોય છે. મારું બાળપણ અને કોલેજના દિવસો યાદ આવી ગયા–મિત્રતાની એ મઝા ઈન્ડિયામાં જ.મને ઘણીવાર એ જ વિચાર આવે છે કે મારા બાળકોને એ જીવન ન મળ્યું–વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની–
  દોસ્ત, તમે તમારો મુકો મારામાં રોપી દીધો. તમારી સીધી સાદી કલમને સલામ.

  ReplyDelete
 7. Binit Modi (Ahmedabad)August 25, 2011 at 8:27 PM

  પ્રિય બીરેન,
  જીવતે જીવત જ 'અવતારી પુરૂષ' બની ગયેલા 'પ્રતાપી' જણ મુકેશ પટેલ ઘણી બધી રીતે યાદ આવે છે. દોસ્તોને 'કેમ છે પાર્ટી' એમ પણ સંબોધન કરતા. 1995માં દુબાઈ ગયો એ પહેલાંની 'મહેમદાવાદ ફેરવેલ પાર્ટી'માં આ 'પાર્ટી' પરિવાર સાથે સામેલ હતા એવું યાદ છે. પ્રદીપ પંડ્યાના પિતાને અમેરિકા માટે મુંબઈ સુધી મુકવા ગયેલા મુકેશે અજય પરીખ 'ચોક્સી'ને ઊંઘમાંથી ઉઠાડવાની કોઈ ના કરે એવી ગુસ્તાખી કરી હતી એ પ્રસંગ પણ આ વાંચતા યાદ આવે છે. મુકેશ પટેલ વિશે આટલું વાંચતા આંખ તરબતર થઇ ગઈ. કમસે કમ આજની રાત તો તે દિલો-દિમાગ પર છવાયેલો રહેશે. ભલે રહેતો. એનો એ હક્ક છે. એની પર એટલા બધા લોકો હક્ક કરતા કે તેનો આટલો હક્ક તો મરણોત્તર પણ કાયમ રાખવો પડે.
  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 8. Biren. your article on Mukesh, remind me all the stories, during with him. Till date any time i see something and i remember mukesh and laugh alone. Hetal and kalp ask me why are u laughing alone. i told them i just remember mukesh. i told them the story. i used tell all the story to kalp about mukesh. lots of memories of our old days with mukesh.
  Mayur. Melbourne. Australia.

  ReplyDelete
 9. દેવેન્દ્ર ગોહિલAugust 29, 2011 at 7:16 PM

  "વાહ, ઉસ્તાદ વાહ"!મુકાનું "અજીત"વાળું ઉપનામ હું હજી પણ ઘણી વ્યક્તિઓ માટે છૂટથી વાપરું છું. ડી. ડી. આઇ. ટી.માં અભ્યાસના સમયગાળા દરમ્યાન દરેક પરીક્ષા વખતે બિરેનના ઘરે રોકાવાનું થતું અને ત્યારે પરીક્ષાના ટેન્શનમાંથી એક જ વ્યક્તિ છોડાવી શકે તે -મુકો, અને ક્યારેક વાંચવાનું સાઇડ પર મુકાવી દે તે પણ મુકો. મને પણ ઘણીવાર મુકાના પરચા મળ્યા છે.એ બિરેનના ઘરે આવે એટલે જાણે B.B.C.નું લાઇવ ટેલીકાસ્ટ - કોણ,કયાં શું કરે છે કે કરશે તેની આગોતરી જાણકારી મળી જ સમજો. અને ખાસ તો એની બોલવાની લઢણ હજુ ય યાદ છે.- હેટ્સ ઑફ એ "અજીતના બચ્ચાને" અને સલામ દોસ્ત બિરેનને.

  ReplyDelete
 10. સતિષ કે. પટેલAugust 31, 2011 at 11:49 AM

  પ્રિય બિરેન,
  લેખક પોતે ભોગવેલી ક્ષણો વિશે લેખ તૈયાર કરે ત્યારે તેનો નિખાર કાંઈક અલગ જ દેખાય છે. વળી આ તો અંગત વર્તુળના બાળસખા વિશે વાત થતી હોય, ત્યારે તો જોવાનું શં હોય? ખરેખર, બિરેન આ લેખ દિલને સ્પર્શી ગયો. દરેક વ્યક્તિને મુકેશ જેવા નહીં તોય એવી એક-બે લાક્ષણિકતા ધરાવતા "મુકા"નો અનુભવ થયો હશે જ, એવી લાગણી વાંચ્યા પછી થાય છે. નાનપણથી માંડીને એક પછી એક મિત્રો માનસપટ પર મુલાકાત આપી ગયા હોય એમ પણ લાગ્યું. આ લેખ વાંચી વાવાઝોડાની જેમ ધસી આવતા પાત્રો પણ પોતાની યાદ તાજી કરાવી ગયા.
  ખરેખર, મને વર્તમાનમાંથી ફ્લેશ બેકમાં લઈ જનાર આ લેખ લખવા બદલ ધન્યવાદ !!

  ReplyDelete
 11. તમારા દોસ્ત મુકેશ ઉર્ફે મુકા વિશે પોસ્ટ વાંચી.મુકાને જોયા કે ઓળખ્યા વગર જ જાણે કે એક પાત્ર નજર સમક્ષ ખડું થઇ ગયું,પણ વાતનો અંત આવતાં સુધીમાં રડી પડાયું. બહુ યોગ્ય શીર્ષક- જીંદગી ઇમ્તહાન લેતી હૈ...દોસ્તોકી જાન લેતી હૈ... આભાર!

  ReplyDelete
 12. birenbhai'
  mara papa pan tena dosto no MUKKO j hata.te pan teni jem nani umar ma gujree gaya.aa fareeyad nathi pan te dosto mathi koi e amaree care lidhi nahi! tethi tamne badh ne ek vinntee karu chhu ke mukeshbhai na je DEAR & NEAR hoy teni tame badha dosto personal care leso. hu aa 45 varsh pehla nee vat karu chhu.

  ReplyDelete
 13. બીરેન કોઠારીSeptember 4, 2011 at 9:57 PM

  શ્રી આર.સી.પારેખ,
  તમારી વાત બહુ હ્ર્દયસ્પર્શી છે અને તમારી લાગણી મને બરાબર સમજાય છે.અલબત્ત, એટલું જણાવું કે મુકાના ગયા પછી પણ તેના કુટુંબ સાથે અમારો જીવંત સમ્પર્ક છે જ.ભૌગોલિક અંતરના કારણે મળવાનું પ્રમાણ કદાચ ઘટ્યું હશે પણ ફોન દ્વારા અવારનવાર એક યા બીજા મિત્રો મળતા રહે છે.વારેતહેવારે રૂબરૂ પણ મળવાનું બને છે.મુકાને સ્થાને તેની પત્નીને રેલ્વેમાં નોકરી મળી છે તેને લઈને આર્થિક સ્વાવલંબનની ચિંતા રહી નથી.
  આ મુદ્દે ધ્યાન દોરવા બદલ તેમજ તમે દર્શાવેલી લાગણી અને દરકાર બદલ આભાર.

  ReplyDelete
 14. પ્રિય બિરેનભાઈ,
  પુ. લ. દેશપાંડેના 'ભાત ભાત કે લોગ' કક્ષાનું આ જીવતું-જાગતું પાત્રાલેખન છે. બહુ જ મજબૂત અને હૃદયસ્પર્શી વાત. ઘણું કહેવું છે પણ શબ્દો જડતા નથી...

  ઋતુલ

  ReplyDelete
 15. Biren bhai... vattte ochche badhana group ma muka prakarno manas hoy chhe.aa lekh vanchti vakhte hu amara e muka ne sankli shakyo.mitro mara ma mota bhage muka-पणु jota hoy chhe. Pahelethi chhele sudhi adbhut story ane screenplay rahya. Urvish bhai nu input pan rasprad.

  ReplyDelete
 16. આંખો ભીંજાઈ ગઈ... બહુ જ હૃદયસ્પર્શી


  ReplyDelete