વિષય સાવ નવો હતો. અગાઉ સ્ક્રેપયાર્ડમાં 'બ્રિટીશ રાજથી સ્વરાજ સુધી' શિર્ષકથી કાર્ટૂનનો કાર્યક્રમ કરેલો, પણ આ વખતે કેન્દ્રમાં સ્વાતંત્ર્યસંગ્રામ હતો, કે હતા. પ્રો. ભરત મહેતા દ્વારા પહેલી વાતચીત દરમિયાન સૂચવાયેલું 'કાર્ટૂનકળાની સંગે સંગે સ્વાતંત્ર્યસંગ્રામ' પણ એમ જ રાખ્યું, કેમ કે, એમાં સ્વાતંત્ર્યસંગ્રામની વાત ઊપરાંત કાર્ટૂનકળાની ઉત્ક્રાંતિની પણ વાત હતી.
સામાન્ય રીતે પૂરતી સામગ્રી હોય તો મીઠી મૂંઝવણ થાય, અને અપૂરતી સામગ્રી હોય તો જેન્યુઈન મૂંઝવણ થાય. આ કિસ્સામાં બીજા પ્રકારની મૂંઝવણ હતી. કેમ કે, હજી તો કાર્ટૂનકળા પણ આરંભિક તબક્કામાં હતી ત્યાં શરૂઆતના સમયગાળાનાં કાર્ટૂન મેળવવાં શી રીતે? એ સમયનાં ચિત્રો અને રેખાંકનો પુષ્કળ જોવા મળે, પણ કાર્ટૂન? લગભગ અશક્ય.
ધીમે ધીમે કાર્ટૂન જોવાનું શરૂ કર્યું, વિવિધ સ્રોત ચકાસ્યા અને કશુંક કશુંક મળતું ગયું. પહેલાં તો જે મળે એને એકઠું કરવાનું હતું. પસંદગી પછીના ક્રમે હતી. હજી વિષયવાર સ્પષ્ટ વિભાજન મનમાં ગોઠવાતાં ન હતાં. એમ ને એમ દિવસ વીતતા ચાલ્યા. આખરે બે દિવસ અગાઉ બધું ક્રમવાર ગોઠવાયું. વિષયવાર વિભાજન થયું ત્યારે લાગ્યું કે હવે બરાબર.
ફેકલ્ટી ઓફ આર્ટ્સના ગુજરાતી વિભાગના એક વર્ગખંડમાં કાર્યક્રમ હતો. પ્રોજેક્ટરની સુવિધા માટે ઠીક ઠીક માથાકૂટ થયા પછી આખરે એ પણ સરસ રીતે ગોઠવાઈ ગયું.
ભરતભાઈ દ્વારા વક્તાપરિચય અને એ પછી સ્વાગતાદિની ઔપચારિકતા પછી ઝડપભેર કાર્યક્રમ આરંભાયો. વાત તો સ્વાતંત્ર્યસંગ્રામની હતી, પણ એની પૃષ્ઠભૂમિ જરૂરી. એટલે રોબર્ટ ક્લાઈવનું કોઈ કાર્ટૂન મળે તો એ બતાવવું એમ હતું. બહુ માથાકૂટ પછી આખરે એ મળ્યું. એ પછી તો 1857નો સંગ્રામ, ભારતીય રાષ્ટ્રીય મહાસભા, સ્વદેશી ચળવળ, અસહકાર આંદોલન, દાંડી કૂચ, હિંદ છોડો ચળવળ વગેરેનાં થોડાં થોડાં કાર્ટૂનને કારણે એક સળંગસૂત્રી કથા બની રહી.
વિદ્યાર્થીઓ ઊપરાંત બીજા સ્નેહીઓ- શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યાં. સવા કલાકના આ કાર્યક્રમને અંતે મઝાના સવાલજવાબ પણ થયા, જેનો દોર એ પછીના ચા-ભજીયાંનાં સેશન સુધી લંબાયો.
જનજાગૃતિ અભિયાન, સાહિત્ય પરિષદ અને મ.સ.યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં અનાયાસે અનૌપચારિકતા એવી બની આવી કે શ્રોતાઓ બેન્ચ પર ગોઠવાયેલા. રમણભાઈ સોની, ભરતભાઈ મહેતા, ભાનુબહેન દેસાઈ, પારૂલબહેન દાંડીકર, ઈલેશભાઈ વ્યાસ જેવા સુજ્ઞજનો બેન્ચ પર હોય અને હું બોર્ડ (પડદા) પર રજૂઆત કરતો હોઉં એ દૃશ્ય જાણે કે 'ટીચર્સ ડે'ની યાદ અપાવતું લાગ્યું, કે જ્યારે કોઈ વિદ્યાર્થી શિક્ષકની ભૂમિકા ભજવે છે.
આવી દરેક તક આપણી આવડતની ધાર કાઢવાનો મોકો પૂરો પાડે છે. સૌ આયોજકો અને ઉપસ્થિત સૌનો આભાર.
No comments:
Post a Comment