- અમોલ પાલેકર
'ગોલમાલ'નો અડધોઅડધ હિસ્સો હૃષિદાના બંગલે અને બાકીનો સહનિર્માતા એન.સી.સીપ્પીના બંગલે ફિલ્માવાયો હતો. પોતાના વકરતા જતા આર્થરાઈટિસને લઈને કદાચ હૃષિદાએ આ શૈલીનું ફિલ્માંકન સ્વીકાર્યું હશે. જે હોય એ, પણ તેમને ભવ્ય સેટ ડિઝાઈનને બદલે સાદા સેટિંગમાં સીધી ને સટ રીતે કહેવાયેલી કથનશૈલી પસંદ હતી. 'ગોલમાલ'માં કામ કરતી વેળાએ મને આનો ખ્યાલ આવ્યો. હૃષિદાના સૂક્ષ્મ દિગ્દર્શનને કારણે 'ગોલમાલ'ની મારી ત્રણ ભૂમિકામાં હું સહેલાઈથી આવનજાવન કરી શકેલો, જે અન્યથા બહુ પડકારજનક બની રહ્યું હોત. મોટા ભાગના લોકો માને છે કે હું બેવડી ભૂમિકામાં હતો. રામપ્રસાદ અને લક્ષ્મણપ્રસાદને જોતાં પ્રેક્ષકો ભૂલી જાય છે કે મુખ્ય પાત્ર તો નોકરીની શોધ કરતો 'રામ' છે. ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના તરંગી બૉસને પ્રભાવિત કરવા માટે તે પોતાને રામપ્રસાદ તરીકે રજૂ કરે છે, અને પછી મુસીબતમાં મૂકાતાં તે લક્ષ્મણપ્રસાદ નામનું એક બીજું પાત્ર ઊભું કરે છે. પોતાનો જોડિયો ભાઈ હોવાનું જૂઠાણું તેની કોટે વળગે છે. 'રામ'ને આ બન્ને વ્યક્તિત્વો વચ્ચે અટવાતો જોઈને પ્રેક્ષકો અસલ 'રામ'ને ભૂલી જાય છે. અનેક ભૂમિકાઓ નિભાવવાનો મારો ઈતિહાસ હતો. આથી 'ગોલમાલ'માં ત્રણ ભૂમિકાઓ ભજવવા બાબતે હું ખાસ ચિંતીત નહોતો. હૃષિદાની સ્ક્રીપ્ટમાં જ પાત્રો વચ્ચેનો ભેદ સમાવિષ્ટ હતો. જો કે, બન્ને પાત્રો વચ્ચેના ભેદને અસરકારક રીતે ઉજાગર કરવા માટે મેં એમાં મારી પોતાની ઢબછબ ઉમેરેલી- જેમ કે, મારા શર્ટને ચુસ્ત રીતે બંધ કરવું, વારેઘડીયે કુર્તો નીચેની તરફ ખેંચ્યે રાખવો કે આંગળી ફરતે ચાવી ગોળગોળ ફેરવવી.
ઉત્પલદા (ઉત્પલ દત્ત) અને દીનાબેન (પાઠક) સાથે કામ કરવાનો બહુ આનંદ આવ્યો. રીહર્સલ દરમિયાન અમે એકમેકને ઉપયોગી સૂચનો આપતાં. એક વાર હૃષિદાએ દૃશ્યની કોરિઓગ્રાફી સમજાવી અને પ્રેક્ષકોની ઈચ્છિત પ્રતિક્રિયા મેળવવા માટેની અગણિત સંભાવનાઓ પર કામ કરવાનું અમારી પર છોડી દીધું. ત્રણ કે ચાર રીહર્સલ પછી એ નક્કી કરતા કે શું રાખવું અને શું કાઢી નાખવું, અને પછી અમે આખરી રીહર્સલ અને/અથવા 'ટેક' કરતા. જે દૃશ્યોમાં હું નહોતો એમાં પણ ઉત્પલદા અને દીનાબેન મને સેટ પર રહીને સૂચનો આપવાનો આગ્રહ રાખતા. એક પાર્ટીમાં તેઓ મળે છે એ દૃશ્ય દરમિયાન મેં એક નાનકડું સૂચન કર્યું, જેથી એ દૃશ્ય વધુ અસરકારક બને. ઉત્પલદાના હીંચકા પર બેસવાના પ્રયત્નો અને બે-ત્રણ વાર એમાં મળતી નિષ્ફળતાને કારણે એ તનાવપૂર્ણ દૃશ્યમાં પણ ઘણી રમૂજ ઊમેરાઈ. તેમણે પણ મને કેટલીક અદ્ભુત ટીપ્સ આપી. જેમ કે, લક્ષ્મણપ્રસાદના પ્રવેશ વખતે તેમણે મને કાંસકાને ચપ્પાની જેમ પકડવાનું મસ્ત સૂચન કર્યું, જેણે મારા વરણાગી પાત્રમાં ઊમેરો કર્યો. રીહર્સલમાં સુધારા કરતા જવાની આ શૈલી બહુ જલ્દી ફાવી ગઈ અને દેવેન વર્મા તેમજ શુભા ખોટે પણ જોડાયાં. મારી બહેનની ભૂમિકા કરતી ટી.વી.પ્રેઝન્ટર મંજુ સીંઘ, ધુરંધર અભિનેતા ડેવિડસા'બ અને બાકીના કલાકારો કેવળ કલાકારોને બદલે એક સંયુક્ત ટીમ બની રહ્યા. દિગ્દર્શક તરીકેની મારી કારકિર્દી દરમિયાન ફિલ્મનિર્માણ વેળા આવી પરિચીતતા અને એકરૂપતાનો માહોલ જળવાયેલો રહે એ માટે હું સતત પ્રયત્નશીલ રહ્યો છું.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)
No comments:
Post a Comment