Friday, January 31, 2025

આ વિશેષાધિકાર સ્ટારડમ તરફનું મારું ચઢાણ સૂચવતા હતા

 - અમોલ પાલેકર


'છોટી સી બાત'નું સમાપન થયું એટલે 'ચિત્તચોર'ની તૈયારીઓ આરંભાઈ. મારો પરિચય એફ.ટી.આઈ.આઈ.ની તાજી ગ્રેજ્યુએટ થયેલી ઝરીના વહાબ સાથે કરાવાયો. રાજશ્રી પિક્ચર્સની ઓફિસમાં મને ઉષ્માભર્યો આવકાર મળ્યો. રવીન્દ્ર જૈને સંગીતબદ્ધ કરેલાં તેમજ હેમલતા અને યેસુદાસે ગાયેલાં સુંદર ગીતોના રેકોર્ડિંગ સેશનમાં ઉપસ્થિત રહેવા મને જણાવાયું. બાસુદાની સ્ક્રીપ્ટ અને સંવાદોની ચર્ચા કરવાના ચારથી પાંચ દિવસના સેશનમાં પણ મને આમંત્રણ મળ્યું અને શહેરની બહાર મને લઈ જવા તેમજ લાવવા માટે ખાસ કારની વ્યવસ્થા કરવામાં આવી. આ વિશેષાધિકાર સ્ટારડમ તરફનું મારું ચઢાણ સૂચવતા હતા.
મોટા ભાગનું શૂટિંગ પંચગની અને મહાબળેશ્વરમાં થયું. બાસુદાએ 'રજનીગંધા'માં વિદ્યા (સિંહા)ને સહાય કરવા મને સૂચવેલું એમ જ આ વખતે તેમણે ખુશમિજાજ અભિનેતા વિજયેન્દ્ર ઘાટગેને એના કૌશલ્યની ધાર કાઢવામાં મદદ કરવા મને જણાવ્યું. ગેસ્ટ હાઉસમાં મારા રૂમમાં વિજયેન્દ્રને ઊતારો અપાયો. એક સવારે હું જાગ્યો અને મેં જોયું કે તે અરીસા સામે વિવિધ હાવભાવની પ્રેક્ટિસ કરી રહ્યો છે. હું તેને જિજ્ઞાસાપૂર્વક જોતો રહ્યો. એ પછી તરત જ એણે મને પોતે એફ.ટી.આઈ.આઈ.માં મેળવેલી અભિનયની તાલિમ વિશે સમજાવ્યું. મેં પછી બાસુદાને જણાવ્યું, 'એને વિશ્વાસ છે કે પોતે અભિનય વિશે બધું જાણે છે, એટલે હવે મને એમાં સંડોવશો નહીં.' બાસુદા હસ્યા અને વિજયેન્દ્ર માટે અલાયદા રૂમની વ્યવસ્થા કરી. શૂટ દરમિયાન, બાસુદા પોતાની સામાન્ય આદતથી વિપરીત વિજયેન્દ્રને સવાલ પૂછતા: 'શું ચાલી રહ્યું છે? તું અભિનય કરે છે? આ તું કેમ કરે છે?' એફ.ટી.આઈ.આઈ.માંથી જ આવેલી ઝરીના નૈસર્ગિક અને સહજ અભિનેત્રી હતી. મેથડ એક્ટિંગ તરફ તેનો ઝુકાવ નહોતો. રિહર્સલ દરમિયાન તેના અભિનય બદલ જ્યારે પણ હું તેની પ્રશંસા કરતો ત્યારે તે નિર્દોષતાપૂર્વક પૂછતી, 'મેં એવું તે શું મોટું કામ કર્યું છે?' તેની જીવંત પ્રકૃતિની જ્યોતે અમારા બન્ને વચ્ચે એક સાહજિક કેમિસ્ટ્રી રચી અને કેમેરા સામે અમે આવતા બંધ થયા પછી પણ અમારી વચ્ચે સ્થપાયેલી મૈત્રી ચાલુ રહી.
'ચિત્તચોર'માં પહેલવહેલી વાર બાસુદાએ અભિનેતાઓના લીપ-સિન્ક સાથે ગીતોનું ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું. મારી ગાયકીના ત્વરિત મૂલ્યાંકન પછી તેમણે જાહેર કર્યું, 'અમોલ, તું સારું ગાય છે અને સંગીતની તને સારી સમજ છે. મારી ચિંતા ઓછી થઈ.' રાગ યમન પર આધારિત ગીત 'જબ દીપ જલે આના' ગાતા મારા ક્લોઝ અપ તેમણે લીધા એ મને સમર્થન આપવાની એમની આગવી રીત હતી. હું રાજી થયો. મને રજૂઆત કરવા મળેલી એ અદ્ભુત ધૂન ખજાના સમી હતી. પાંચ પાંચ દાયકા પછી પણ મારા સહિત યુવા પેઢીના લોકોને પણ એ સાંભળવું ગમે છે, જેનો મને વિશેષ આનંદ છે. ભારતીય ફિલ્મોમાં પાર્શ્વગાયકોએ હીરોની છબિને વિશેષ રીતે ઉજાગર કરી છે. રાજકપૂર-મુકેશ, રાજેશ ખન્ના- કિશોરકુમાર અને શમ્મી કપૂર- રફીની જોડી દંતકથા સમી બની રહી એ જ રીતે અમોલ પાલેકર- યેસુદાસે હિન્દી ફિલ્મસંગીતમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

(નોંંધ: અહીં ઉલ્લેખાયેલું ગીત 'જબ દીપ જલે આના' આ લીન્ક પર જોઈ શકાશે.)

No comments:

Post a Comment