Tuesday, February 11, 2025

મારા જીવનનો આ બીજો અકસ્માત કે જેનાથી હું અભિનેતા બની ગયો

 - અમોલ પાલેકર

1966માં હું બૅન્ક ઑફ ઈન્ડિયામાં કામ કરતો હતો અને મારાથી ત્રણ વર્ષ નાની બહેન ઉન્નતિ મુંબઈની સેન્ટ ઝેવિયર કૉલેજમાં ભણતી હતી. તેની કૉલેજના વાર્ષિકોત્સવના ભાગરૂપે તે એક નાટકમાં કામ કરી રહી હતી. એક રીહર્સલમાં હાજરી આપવા માટે તેણે મને નોંતર્યો. ત્યાં તેની સાથે કામ કરતી મિત્ર ચિત્રા મુર્દેશ્વરને હું મળ્યો. તેનો સ્વાવલંબી અને ઊર્જાવાન અભિગમ મને ગમ્યો. અમે નજીક આવ્યા અને આજીવન સંબંધનો પાયો નંખાયો. એ અરસામાં 'ફિલ્મ ફોરમ' નામે સમાંતર સિનેમાના આંદોલને એમ.એસ.સથ્યુ, બાસુ ભટ્ટાચાર્ય, બાસુ ચેટરજી અને શ્યામ બેનેગલને હોલીવુડની મુખ્ય ધારાની ફિલ્મોથી અલગ વિવિધ વિદેશી ફિલ્મો દર્શાવવા માટે પ્રેર્યા. મરીન ડ્રાઈવ પર આવેલા તારાબાઈ હૉલ થિયેટરમાં એ દર્શાવાતી. ચિત્રાએ અને મેં નિયમીતપણે એ સાંજના શોમાં હાજરી આપવા માંડી.
એક દિવસ સત્યદેવ દુબે ચિત્રાને મળવા સેન્ટ ઝેવિયર કૉલેજ પર આવ્યા. પોતાના નાટક 'યયાતિ'માં તેમણે ચિત્રાને ભૂમિકાની દરખાસ્ત કરી. આ ભૂમિકા માટે ચિત્રાનું નામ જાણીતાં અભિનેત્રી સુલભા દેશપાંડેએ સૂચવેલું. પેડર રોડ પર મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા ઈન્ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી.)ના વેરહાઉસમાં દુબે પોતાના નાટકોનાં રીહર્સલ કરાવતા. પહેલી વાર ચિત્રા સાથે હું રીહર્સલમાં ગયો ત્યારે સખત વરસાદ વરસી રહ્યો હતો. ટીશર્ટ અને ચડ્ડી પહેરેલા એક બટકા માણસને મેં જોયો. એના વાંકડિયા વાળ સત્ય સાંઈબાબાની યાદ અપાવે એવા હતા. ચિત્રા મારા કાનમાં ગણગણી, 'પેલા છે એ દુબે.' પોતાની કાંડા ઘડિયાળમાં જોઈને એમણે કહ્યું, 'તું પાંચ મિનીટ વહેલી આવી એ સારી વાત છે.' ચિત્રાએ મારો પરિચય 'મિત્ર' તરીકે કરાવ્યો. એ ફર્યા એટલે મેં એમના હાથમાં એક મોટી લાકડી જોઈ. 'અમારું રીહર્સલ બે કલાક ચાલશે.' તેમણે મને જણાવ્યું, મતલબ કે મારે ત્યાં હાજર રહેવાનું નહોતું. ભવિષ્યમાં મને તેમનો વધુ પરિચય થતો ગયો એમ મેં તેમને અલગ અલગ મૂડ અને અવતારમાં જોયા. દર વખતે લાકડી તેમના હાથમાં રહેતી, જેનો તેઓ વિવિધ મુદ્રાઓ માટે ઊપયોગ કરતા.
થોડા દિવસ પછી એક દિવસ રીહર્સલ પતાવીને ચિત્રા બહાર નીકળી ત્યારે દુબે તેની પાછળ આવ્યા. મારા વિશે ટૂંકી પણ સઘન પૂછતાછ પછી સાવ અણધાર્યા તેમણે મને નાટકમાં અભિનય કરવા બાબતે પૂછ્યું. તેમણે તરત ઉમેર્યું, 'એમ ન માનતો કે મેં તારામાં કોઈ મોટી અભિનયપ્રતિભા જોઈ લીધી છે. આ તો તારી પાસે પુષ્કળ સમય હોય છે એટલે હું પૂછું છું.' આમ, 'ચૂપ! કોર્ટ ચાલુ આહે'માં પોંક્શેની ભૂમિકામાં મને નીમવામાં આવ્યો.
મારા જીવનનો આ 'બીજો અકસ્માત', જેના પ્રતાપે 'અભિનેતા'ના કશા લેબલ કે અપેક્ષા વિના હું અભિનેતા બની ગયો. ત્રેવીસની વયે અચાનક જ 'ચિત્રકાર અમોલ પાલેકર' બની ગયો 'અભિનેતા અમોલ પાલેકર'. એક વાર મુંબઈના તેજપાલ ઓડિટોરીયમમાં મારા સૌ પ્રથમ નાટકનો શો પત્યો કે હું વાલચંદ ટેરેસ હૉલમાં ગયો, ત્યાં બેઠો અને સુખદ ક્ષણો વાગોળી રહ્યો હતો. દુબે આવ્યા અને મારા હાથમાં 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ની નકલ થમાવી. નાટકના ખ્યાતનામ સમીક્ષક જ્ઞાનેશ્વર નાડકર્ણીએ એમાં લખેલી નાટકની સમીક્ષા એમણે મને મોટેથી વાંચવા કહ્યું. નાડકર્ણીના લેખમાં મારી રજૂઆતને 'શિષ્ટ' તરીકે બિરદાવવામાં આવી હતી. એમના શબ્દોને સમજવા મને મુશ્કેલ લાગ્યા. દુબેએ કહ્યું, 'હવે તું અભિનય શીખવા તૈયાર છું, પણ સૌથી પહેલાં મૂળભૂત બાબતો શીખ. મંચ પરની તારી ઉપસ્થિતિ પર કામ કર. તું આટલો અક્કડ કેમ ઊભો રહે છે? તારા ખભાને રીલેક્સ કર. તાણને ઓછી કર.' આરંભિક સૂચનાઓ આપ્યા પછી તેમણે વધારાનો આદેશ છોડ્યો, 'એક પગ પર ઊભો રહેવા પ્રયત્ન કર.' મારા કામને બીરદાવવાની એમની આ રીત હતી. વાલચંદ ટેરેસ હૉલમાં એક થાંભલા પછવાડે ઊભેલા યુવાન દુબેની છબિ મારી સ્મૃતિમાં જડાઈ ગઈ છે.
(View finder, a memoir by Amol Palekar, Westland books, 2024)

No comments:

Post a Comment