Friday, May 26, 2023

ભેટમાં મળેલા મિત્ર અને તેમની મૈત્રી

યોગેશભાઈ અને ગીતાબહેન સાથેનો મારો પરિચય માંડ દસકા જૂનો. ખરેખર તો તેમની મૈત્રી મને ભેટમાં મળેલી છે. અમેરિકાસ્થિત હાસ્યલેખક (હવે તો સ્વ.) હરનીશ જાની સાથે મારો ઈમેલ અને બ્લૉગ દ્વારા પરોક્ષ પરિચય. ચોક્કસ યાદ નથી, પણ 2012નો ઉત્તરાર્ધ હોય કે 2013નો પૂર્વાર્ધ, હરનીશભાઈ ભારતની મુલાકાતે હતા. એ દરમ્યાન સુરતથી એક વાર તેમની સાથે ફોન પર વાત થઈ અને તેમણે જણાવ્યું કે પોતે વડોદરા આવવાના છે. નક્કી કરેલા દિવસે તેઓ વડોદરા આવ્યા અને જેમને ત્યાં ઉતર્યા હતાં એ મિત્રને ઘરે મળવાનું નક્કી થયું. સરનામું સમજવા એ મિત્ર સાથે મેં વાત પણ કરી. સરનામું બરાબર સમજીને કામિની અને હું ઉપડ્યાં એ મિત્રનાં ઘેર. હરનીશભાઈ અને હંસાબહેન સાથે પહેલી વાર મુલાકાત થઈ. ખૂબ હસીમજાક કરી. તેમના યજમાનમિત્ર અમારી વાતમાં નડતરરૂપ ન થવાય એમ અમને સહયોગ આપી રહ્યા હતા એ જોઈને બહુ આનંદ થયો અને સારું પણ લાગ્યું. એ મિત્રદંપતી એટલે યોગેશભાઈ અને ગીતાબહેન પુરોહિત. હરનીશભાઈ સાથેની એ રૂબરૂ મુલાકાત પહેલી હતી અને છેલ્લી પણ!

છૂટા પડતાં યજમાન યોગેશભાઈને ઔપચારિકપણે ‘આવજો’ કહ્યું અને સંપર્કમાં રહીશું એમ અમે વાત કરી. જો કે, એટલા અલ્પ સંપર્કે અમારો પરિચય આગળ વધે એ સંભાવના ઓછી. સિવાય કે બેમાંથી કોઈ એક જણ એ માટેની પહેલ અને પ્રયત્ન કરે. એ કામ યોગેશભાઈએ કર્યું. થોડા દિવસમાં જ તેમનો ફોન આવ્યો અને બહુ પ્રેમપૂર્વક તેમણે મળવાનું ગોઠવ્યું. હરનીશભાઈ ગયા, પણ ભેટરૂપે તેઓ પુરોહિત દંપતી સાથેની આનંદદાયી મૈત્રી આપતા ગયા. એ પછી એમની સાથે અનિયમિતપણે, છતાં નિયમિત રીતે મુલાકાત થતી રહી છે. એ મુલાકાતોનાં પરિણામરૂપી સુફળ એટલે ‘મંઝિલ વિનાની સફર’ નામનું આ પુસ્તક. આ પુસ્તકની તેની મંઝિલ સુધી પહોંચવાની સફર પણ રસપ્રદ છે.

2013ના ઑક્ટોબરમાં અમે ‘સાર્થક જલસો’ નામનું છમાસિક આરંભ્યું. એમાં યોગેશભાઈએ અમને ઉમદા સહયોગ કર્યો. તેમની સાથે ઘણી વાર તેમનાં વતન રાજપીપલા અંગે વિવિધ વાતો નીકળતી. એ ધ્યાનમાં રાખીને મેં તેમને રાજપીપલાનાં તેમનાં સંસ્મરણો આલેખવા વિનંતી કરી. તેમણે એ કર્યું પણ ખરું. એ વાંચીને મને બહુ મઝા આવી, સાથે એમ પણ લાગ્યું કે એને હજી વિસ્તારી શકાય એમ છે. બસ, એ પછી એમાં ઝોલ પડ્યો. અલબત્ત, યોગેશભાઈએ એને આગળ વધારીને પોતે એસ.એસ.સી. પાસ થયા ત્યાં સુધી લખ્યું હતું. મારી પાસે એ લખાણ ઘણો સમય પડી રહ્યું.

વચગાળામાં એક વાર તેમણે મારા બ્લૉગ માટે સંગીતકાર જમાલ સેન સાથેનાં પોતાનાં જોડાણ વિશે એક લેખ લખી આપ્યો હતો, જે બહુ વિશિષ્ટ હતો.

યોગેશભાઈએ પોતાનાં સંસ્મરણાત્મક લખાણને પુસ્તિકારૂપે તૈયાર કરવા સૂચવ્યું. તેમનો હેતુ કેવળ પોતાના પરિવાર પૂરતાં દસ્તાવેજીકરણનો હતો. જો કે, સાવ આટલી ઓછી વિગતો મને અપૂરતી લાગતી હતી. આથી અમારી એક બેઠક દરમ્યાન એ બાબતે અમે સંમત થયા કે યોગેશભાઈ આ લખાણને પોતાનાં લગ્નજીવન અને એ પછી બન્ને સંતાનોના જન્મ સુધી આગળ વધારે, જેથી એક ચોક્કસ સમયગાળો તેમાં અધિકૃત રીતે આવરી શકાય. સૂચન સારું હતું, પણ સવાલ તેના અમલનો હતો. યોગાનુયોગે પુરોહિતદંપતીને 2022ના પૂર્વાર્ધ દરમ્યાન પોતાના દીકરા જીગરને ત્યાં દુબાઈ રહેવા જવાનું બન્યું. તેમનું દુબાઈનું રોકાણ ફળદાયી નીવડ્યું. ગીતાબહેને મને જૂન મહિનામાં ખુશીના સમાચાર આપતો સંદેશો મોકલ્યો કે યોગેશભાઈએ લખાણ સંપન્ન કરી દીધું હતું.

ભારત પાછા આવ્યા પછી એ લખાણ વાંચતાં મને જે લાગ્યું તે કંઈક આવું. તેમાં આલેખાયેલી સફર ભલે યોગેશભાઈની વ્યક્તિગત સફર હોય, પણ ખરેખર તો એ એક આખા કાળખંડની, ખાસ કરીને સ્વાતંત્ર્ય પૂર્વેનાં કેટલાંક વરસોની ઝાંખી છે. અભાવ અને ઓછપ નિરપવાદ પરિબળો હતાં, સંસાધનો મર્યાદિત હતાં એવે સમયે એકમેકની હૂંફથી શી રીતે લોકો આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવતાં, એ આજના હાડોહાડ ઉપભોક્તાવાદના યુગમાં માની ન શકાય એવી બાબત લાગે. તેમની આ સફર તેમના એકલા પૂરતી મર્યાદિત ન રહેતાં વાચક પણ તેમાં હમસફર બની રહે છે. તેમણે આલેખેલાં પાત્રો અને માહોલ આપણા માટે અજાણ્યાં હોવા છતાં જાણે કે આપણા પરિચિત બની રહે છે.

હવે આ લખાણને પુસ્તકરૂપ આપવા માટે તેની પર જરૂરી સંસ્કાર કરવાના હતા. એ ધીમે ધીમે કરતા ગયા. 13 મી મે યોગેશભાઈ અને ગીતાબહેનની લગ્નતિથિ હોવાથી એ દિવસે તેનું વિમોચન કરવાનું નક્કી કર્યું. આખરે એ પુસ્તક તૈયાર થઈ ગયું. આરંભ થયા પછી અમારી મૈત્રીનું એક નાનકડું વર્તુળ આમ પૂરું થયાનો આનંદ.

13મે, 2023ની સાંજે, એક અંતરંગ કાર્યક્રમમાં મર્યાદિત સ્નેહીઓ વચ્ચે આ પુસ્તકનું વિમોચન થયું. એ નિમિત્તે યોગેશભાઈ અને ગીતાબહેનને શુભેચ્છાઓ.


No comments:

Post a Comment