અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઘણાં પુસ્તકોના અનુવાદ થતા રહ્યા છે. સરખામણીએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ઓછા. આવામાં કોઈ પુસ્તકને બદલે ચોક્કસ વિષય આધારિત લેખોનો અનુવાદ થાય તો નવાઈ લાગે. પણ વિષય જ એવો રસપ્રદ છે!
'ક્માર'નું ગુજરાતી સામયિક જગતમાં એક સમયે આગવું સ્થાન હતું. ગુજરાતની બે-ત્રણ પેઢીના સંસ્કાર ઘડતરમાં આ સામયિકની ભૂમિકા મહત્ત્વની બની રહી. અનેકાનેક વિષયો આ સામયિકમાં આલેખાતા. ખાસ કરીને બચુભાઈ રાવતના સંપાદક તરીકેના સમયગાળામાં આ સામયિકે આગવાં શીખર સર કર્યાં.
તેમાં વાચકોની સામેલગીરી સક્રિયપણે રહેતી. 'વાચકો લખે છે' વિભાગમાં ઘણી વાર 'કુમાર'માં પ્રકાશિત લેખોની પૂરક વિગતો વાચકો પૂરી પાડતા.
1959થી 1964 અરસામાં તેમાં એક વિશિષ્ટ ચર્ચા ચાલતી રહી. 'કુમાર'માં પ્રકાશિત થયેલા છ લેખોની ફરતે ચર્ચા થતી રહી, જેમાં અનેક વાચકોએ પોતાની રીતે ભાગ લીધો. આ ચર્ચામાં એક છેડે હતા કરાચીના કળાપ્રેમી સજ્જન ફિરોઝશા મહેતા, અને બીજી બાજુ હતા વડોદરાના કળાકાર, તસવીરકાર અને કળા વિદ્યાલયના પ્રાધ્યાપક જ્યોતિ ભટ્ટ.
આખી ચર્ચાનો મૂળ વિષય હતો કળામાં આધુનિકવાદ (Modernism) અથવા તો આધુનિક કળા (Modern Art). યુરોપનાં વિવિધ કળા સંગ્રહાલયોની મુલાકાત લઈ ચૂકેલા કળારસિક સજ્જન ફિરોઝશાએ 'મોડર્નિઝમ'ને 'સાડાપાંચિયો' (સાડા પાંચ અક્ષરનો બનેલો શબ્દ) તરીકે સંબોધીને મૌલિકતા, નવિનતા અને અનન્યતાને નામે ચાલી રહેલી શૈલીની ટીકા કરી હતી અને આ રોગને 'શૈલીઘેલછા' તરીકે ઓળખાવ્યો હતો. પોતાની ટીકાના સમર્થનમાં તેમણે અનેક ઉદાહરણો ટાંક્યાં હતાં. Modernismને તેમણે Murdersim ગણાવ્યું હતું.
જ્યોતિ ભટ્ટે એવી દલીલ રજૂ કરી હતી કે આધુનિકતા કંઈ આજકાલની દેન નથી. એ તો કળાનાં મૂળભૂત મૂલ્યો સાથે પહેલેથી જ સંબંધિત છે. માત્ર ને માત્ર મુદ્દા આધારિત આ ચર્ચામાં અનેક વાચકો પણ ભાગ લેતા રહ્યા. જ્યોતિ ભટ્ટે અત્યંત સકારાત્મક રીતે પોતાના મુદ્દાઓને વિસ્તારીત કરીને સચિત્ર સમજાવ્યા. છ અંકમાં પ્રકાશિત લેખો પર થયેલી આ ચર્ચા આટલા લાંબા અંતરાલ સુધી ચાલતી રહે એ સૂચવે છે કે એમાંથી કેવું નવનીત નીતર્યું હશે.
મહેમદાવાદનિવાસી મિત્ર વાસવી ઓઝા વડોદરામાં કળાશિક્ષણ પામીને, હૈદરાબાદ ખાતે પીએચ.ડી. કર્યા પછી બંગલૂરુમાં સંશોધન અને કળાશિક્ષણ સાથે સંકળાયેલી છે. તેણે 'કુમાર'ના અંકોમાંની આ સામગ્રીને ખંતપૂર્વક એકઠી કરી. તેને સંકલિત કરી. તેનો અંગ્રેજી અનુવાદ કરીને એક જુદા જ વાચકવર્ગ સમક્ષ એ રજૂ કરવાનું નક્કી કર્યું. તેના આ પ્રયાસને Reliable copy નામના પ્રકાશકે પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કર્યો.
11 સપ્ટેમ્બર, 2022ના રોજ વડોદરા ખાતે આ પુસ્તકના વિમોચન નિમિત્તે એક સુંદર કાર્યક્રમ યોજાયો. આમ, એક ગુજરાતી સામયિકમાં ધરબાઈ ગયેલી અનોખી વિગતો લોકોની સમક્ષ આવી. અત્યંત સુઘડ, નયનરમ્ય લેઆઉટ અને ડિઝાઈનવાળા આ પુસ્તકમાં કળારસિકો માટે મહત્ત્વની કહી શકાય એવી વિગતોને ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતમાં સુદ્ધાં ભૂલાઈ ગયેલા 'કુમાર'માંના આ વિષયને ગુજરાતી ઉપરાંતના વાચકો સુધી લઈ જવા બદલ વાસવી અને પ્રકાશક અભિનંદનને પાત્ર છે.
No comments:
Post a Comment