Saturday, May 7, 2022

ગોળીબારની મુસાફરી

 કિશોરાવસ્થા એટલે કુતૂહલ, જિજ્ઞાસાવૃત્તિ, સાહસવૃત્તિ વગેરેનો ઉદભવ થવો અને ક્રમિક વિકાસ થવો. બાળક બાલ્યાવસ્થામાં અનેક બાબતોથી પરીચીત થાય ત્યાર પછી એ બાબતો અંગે તેની જિજ્ઞાસા વધતી જાય. આ કારણે કિશોરસાહિત્યનું મહત્ત્વ એટલું જ છે કે હતું. અને આ પ્રકારમાં ખેડાણ પણ ઘણું થયું છે. વાંચન દ્વારા એક બાબત એ બનતી કે વાચકના મન:ચક્ષુ સમક્ષ આખી કથા ભજવાતી, જે સરવાળે બાળકની કલ્પનાશક્તિ ખીલવવામાં સહાયરૂપ બનતી. આ અવસ્થામાં રહસ્યકથાઓ વાંચવી પણ ખૂબ ગમે. કિશોરાવસ્થામાં મળેલો આવો માનસિક ખોરાક તેનું જીવનપાથેય બની રહે એવી ક્ષમતા આ સામગ્રીમાં હતી.

હવે સમય બદલાયો છે અને દૃશ્ય માધ્યમનો પ્રચંડ પ્રભાવ છે ત્યારે લાગે છે કે જાણે આખેઆખી કિશોરાવસ્થા જ લુપ્ત થઈ ગઈ છે. અને તેને પગલે કિશોરસાહિત્ય પણ! દ્રશ્યમાધ્યમે કલ્પનાશક્તિને મર્યાદિત કરી દીધી હોય એમ લાગે છે. આવા સમયમાં આપણે કિશોરાવસ્થામાં વાંચેલા અનેક પુસ્તકોની તીવ્ર ખોટ સાલે છે.
અહીં મૂકેલું જેકેટ ‘ગોળીબારની મુસાફરી’ નામના પુસ્તકનું છે, જે જોનાથન સ્વીફ્ટની વિશ્વવિખ્યાત કૃતિ ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’નો અનુવાદ છે. હંસા મહેતાએ તે કર્યો છે, અને તેની પહેલી આવૃત્તિ 1940માં પ્રકાશિત થયા પછી 1951માં બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ હતી.
મઝાની વાત એ છે કે આ સીધેસીધો અનુવાદ નથી. મૂળ કથાને એમની એમ રાખીને તેમણે આખો પરિવેશ ભારતીય, બલ્કે ગુજરાતી કર્યો છે. સુરતમાં વસતા ‘ગોળીબાર’ પરિવારની આ અટક શી રીતે પડી એની તાર્કિક વાત લખવાની સાથે બીજા ભાગમાં તેમણે એક આખું પ્રકરણ સાવ નવું લખ્યું છે. અનુવાદ અસાધારણ સારો કહી શકાય એવો નથી, છતાં ઘણે અંશે સારો છે.
હંસાબેને આ રીતે ‘બાવલાનાં પરાક્રમો’ (કાર્લો કલોડી ની કૃતિ ‘પીનોકિયો’નો અનુવાદ, જેનાં ચિત્રો રવિશંકર રાવળે બનાવ્યાં હતાં), ‘વેનિસનો વેપારી’ અને ‘હેમ્લેટ’ (બંને શેક્સપિયરની કૃતિઓ) જેવી અનુવાદિત કૃતિઓ આપી હતી. આ ઉપરાંત ‘અરુણનું અદભૂત સ્વપ્ન’ તેમજ ‘રુકિમણી’ જેવાં પુસ્તકો પણ લખ્યાં હતાં. ‘અરુણનું અદભૂત સ્વપ્ન’ પ્રવાસવર્ણન હતું એવો ખ્યાલ છે.







1 comment:

  1. કિશોરાવસ્થામાં મળેલો આવો માનસિક ખોરાક તેનું જીવનપાથેય બની રહે એવી ક્ષમતા આ સામગ્રીમાં હતી.

    ReplyDelete