Sunday, May 28, 2023

મધમાખી જેવા ઉદ્યમનું પરિણામ

 નિવૃત્તિ અને નવરાશ વચ્ચે ફરક છે, ભલે શબ્દકોશમાં બન્નેનો અર્થ સમાન હોય. 'નિવૃત્તિ'માં 'વૃત્તિવિહીન' થવાનો ભાવ છે, જ્યારે 'નવરાશ'માં 'પ્રવૃત્તિવિહીન' થવાનો ભાવ છે. પણ આપણે કોણ જાણે કેમ, 'નિવૃત્તિ'ને 'પ્રવૃત્તિવિહીનતા' સાથે, અને ખાસ તો 'નોકરીની મુદત પૂરી થવા' સાથે જોડી દીધી છે. પોતાની સારી નોકરી હોવાની વાત કરતાં જેમનો રથ બે વેંત અધ્ધર ચાલતો હોય છે, એવા ભલભલા લોકો નોકરીના બે-ત્રણ વરસ બાકી રહે કે ભયભીત થતા જણાય છે. તેમના ભયનું કારણ એટલું જ કે- 'પછી શું કરીશું? સમય કેમનો જશે?' વગેરે...આવી સર્વવ્યાપી અને સર્વસામાન્ય કહી શકાય એવી માનસિકતા વચ્ચે કેટલાક લોકો આ બધા પરિબળોને અવગણીને સવાયા પ્રવૃત્ત રહે અને કશી અપેક્ષા (વૃત્તિ) વિના નક્કર કામ કરે એ જોઈને આનંદ તો થાય, સાથે પ્રેરણા પણ મળે. ડેરોલમાં રહેતા રમેશભાઈ પટેલ આવી જ વ્યક્તિ છે. આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી તેમને જંપ વળે નહીં, કેમ કે, શિક્ષણ તેમના માટે માત્ર આજીવિકાનું સાધન નહીં, જીવનધ્યેય રહ્યું છે. તેમની સાથે વાત કરવાનો હંમેશા આનંદ આવે, કેમ કે, તેઓ કોઈ ચોકઠામાં બંધાયેલા નથી. મધમાખીની જેમ તેઓ સતત ઉદ્યમશીલ હોય, અને તેને પરિણામે જે નીપજાવે એ મધ જેવું સત્ત્વશીલ હોય. અગાઉ તેમણે 'મધપૂડો' નામનું સંપાદન આપ્યું હતું, જેમાં 'પુસ્તક-વાંચન-પુસ્તકાલય' જેવા વિષય પરનાં લખાણોનો સંચય હતો. 

હવે તેઓ 'મધુસંચય' લઈને આવ્યા છે, જેમાં 'શિક્ષણ-શિક્ષક-કેળવણી-બાળક' આ ચાર વિષય પરનાં વિવિધ લખાણોનું સંપાદન છે. શેમાંથી કર્યું તેમણે આ સંપાદન? આ વિષય પરનાં કુલ 53 પુસ્તકોની તેમણે પસંદગી કરી, જે પોતે જ એક રસપ્રદ પ્રક્રિયા બની રહી. ત્યાર પછી તેમાંથી ચયન કરીને તેને વિષયાનુસાર અલગ કરતા ગયા.

માત્ર શ્રમપૂર્વક જ નહીં, સૂઝપૂર્વક પણ કરવામાંં આવેલા આ ચયનનો પરિપાક એટલે 448 પાનાંનું 'મધુસંચય' પુસ્તક. આ પુસ્તક સળંગ વાંચન માટે હોવા છતાં, તે એક સંદર્ભપુસ્તક તરીકે વિશેષ ખપનું છે. કોઈ પણ પાનું ખોલીને, કોઈ પણ લખાણ વાંચી શકાય એવું તેનું આયોજન છે. જે તે વિષય પર વિવિધ તજજ્ઞોના વિચાર પણ જાણી શકાય છે. શું અપનાવવું અને શું નહીં, એ હંમેશાં પોતપોતાની વિવેકબુદ્ધિ પર હોય છે. 

રમેશભાઈના હસ્તાક્ષર 

રમેશભાઈની બીજી ખાસિયત છે તેમના હસ્તાક્ષર, જેનો એક નમૂનો આ સાથે મૂક્યો છે. પુસ્તકની નોંધ તેઓ આ રીતે તૈયાર કરતા જાય એટલે પુસ્તક તૈયાર થતાં અગાઉ નિર્માણ ટીમના પણ મૂક આશિર્વાદ રમેશભાઈને મળતા હશે. એક 'નિવૃત્ત' વ્યક્તિ પોતાને ગમતી પ્રવૃત્તિ કરી શકે એ માટેની મોકળાશ ઘરનાંં સભ્યો આપે એ પ્રશંસનીય ગણાય. રમેશભાઈએ આ પુસ્તક પોતાનાં પરિવારજનોને અર્પણ કરીને પોતાની આ લાગણી વ્યક્ત કરી છે. આ 'મધુસંચય' સંઘરવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું સંપાદન બની રહે છે. 'મધુસંચય'ને આવકાર, રમેશભાઈને શુભેચ્છાઓ તેમ જ પુસ્તક વસાવનાર સૌને અભિનંદન) 

(પુસ્તકનું પ્રાપ્તિસ્થાન: રમેશ પટેલ, 'સત્યમ્', ગુરુકૃપા સામે, ડેરોલ ગામ રોડ, મુ.પો.ડેરોલ સ્ટેશન, તા.કાલોલ, જિ.પંચમહાલ/ફોન: 98250 35554)

No comments:

Post a Comment