Monday, April 11, 2022

કહાણી ક્રિકેટરની: પ્રસન્ના

 "ખેલાડીઓને અપાતું ભથ્થું પ્રવાસનું અગત્યનું પાસું છે. હું નથી માનતો કે વિદેશમાં વધી ગયેલી મોંઘવારી વિશે ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડના અધિકારીઓ જાણતા હોય યા જાણવા માગતા હોય. મારા પહેલવહેલા પ્રવાસમાં દૈનિક ભથ્થું એક પાઉન્ડ હતું. એ વખતે મને વાંધો નહોતો. કેમ? કેમ કે, મને ત્યારે ખબર નહોતી કે પૈસાનું શું કરવું! બીજું કે રહનસહન સસ્તું હતું. મને અનુભવ મળતો ગયો અને દેશમાં તેમ જ વિદેશમાં મિત્રો બનતા ગયા ત્યારે બૉર્ડ દ્વારા ચૂકવાતો એક પાઉન્ડ શરમજનક લાગતો. 1971માં બૉર્ડે 'ઉદારતાપૂર્વક' અમારું દૈનિક ભથ્થું વધારીને બે પાઉન્ડ કર્યું. એ હકીકત તેમના ધ્યાનમાં ન આવી કે વિદેશમાં કિંમતોના દર વીસ ગણા વધી ગયા છે. અમને ક્રિકેટરોને અમારા પરિવાર અને મિત્રો માટે વિદેશથી સ્મૃતિચિહ્નો (સુવેનિયર) લાવવાં ગમે છે, પણ અમે અન્ય રીતે નાણાં ન બચાવીએ તો એ લાવી ન શકીએ. 1971માં વેસ્ટ ઈન્ડિઝમાં અમારામાંના કેટલાકે મેનેજર કેકી તારાપોરને મનાવ્યા કે અમારે વધુ નાણાંની જરૂર છે. અમે સૂચવ્યું કે તે અમને એવી સમજૂતિ સાથે રોજના પાંચ પાઉન્ડ આપે કે અમે હોટેલમાં ભોજન નહીં લઈએ."

"નાણાં બચાવવાની જરૂરિયાત એટલી તીવ્ર હતી કે અમે બ્રેકફાસ્ટ ન લેવાનું શરૂ કર્યું. લંચ અને ચા તો મેચ દરમિયાન મેદાન પર મળતાં, અને ડીનર અમે સ્નેકબારમાં લઈ લેતા. અમે ટેક્સીમાં ફરવાનું ટાળતા અને ચાલીને ફરવું પસંદ કરતા. જાતને આશ્વાસન આપતા કે સ્વસ્થ રહેવા માટે ડીનર પછી એકાદ માઈલ ચાલવું જરૂરી છે. ઈન્ગ્લેન્ડમાં અમને આ ફાવી ગયું. અમે બ્રેકફાસ્ટ ન લેતા, કારણ કે અમે જાણતા હતા કે અહીંના રિવાજ મુજબ અમને કાઉન્ટીના મેદાન પર ચા અને બિસ્કીટ આપવામાં આવશે. બિસ્કીટ માટે કેવો ધસારો અમે કરતા! બિસ્કીટ માટેનો અમારો ધસારો કોઈ જુએ તો એને એમ જ લાગે કે ભારતીય ક્રિકેટરોએ કદી બિસ્કીટ ભાળ્યા જ નથી."

એરાપલ્લી પ્રસન્ના 

- ઈ.એ.એસ.(એરાપલ્લી અનંતરાવ શ્રીનિવાસ) પ્રસન્ના (ભૂતપૂર્વ ઑફ્ફ સ્પિનર, ભારતીય ક્રિકેટ ટીમ, આત્મકથા 'One More over'નો એક અંશ, પ્રકાશન: 1977)

No comments:

Post a Comment